Monday, July 9, 2018

જ્યારે સોશિયલ મીડિયાને કારણે આખું ઈંગ્લેન્ડ સળગ્યું હતું



--- ભારતમાં પણ જેનો ડર હતો એ થઈને રહ્યું. સમાજના અનિષ્ટ તત્વોએ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને દેશના ભોળા અને અબૂધ લોકોને હિંસક બનાવી દીધા. આ હજુ શરૂઆત છે, ચેતી જજો... નહીં તો કોઈ દુશ્મન દેશ ભારતમાં ગૃહયુદ્ધ (સિવિલ વૉર) કરાવી દેશે


-- અલકેશ પટેલ

તમારામાંથી કેટલાકને 2011ના ઈંગ્લેન્ડના તોફાનો યાદ હશે, પણ ઘણાને યાદ નહીં હોય અથવા ખબર પણ નહીં હોય. દુનિયામાં ખૂબ મોટાપાયે હિંસા, આગ, તોડફોડ અને લૂંટફાટ થવાનો એ પ્રથમ કિસ્સો હતો જેના માટે સ્પષ્ટપણે સોશિયલ મીડિયા જવાબદાર હતું. સળંગ ચાર દિવસ સુધી ચાલેલી એ હિંસા અને લૂંટફાટ પછી સોશિયલ મીડિયાનાં જોખમોની બાબતમાં પશ્ચિમના દેશો તો સજાગ થઈ ગયા... પરંતુ કમનસીબે ભારત જેવા દેશો કશું શીખતા નથી.
2011નો એ ઑગસ્ટ મહિનો હતો. 6ઠ્ઠી ઑગસ્ટે માર્ક દુગ્ગન નામના એક aઅશ્વેત અપરાધીને પકડવા ગયેલી પોલીસ ઉપર દુગ્ગને ગોળીબાર કર્યો. ઈંગ્લેન્ડની પોલીસ પાસે કોઈ ઉપાય ન રહેતાં સામો ગોળીબાર કર્યો અને એ એન્કાઉન્ટરમાં દુગ્ગન માર્યો ગયો. ત્યારપછી બે દિવસ સુધી બધું શાંત રહ્યું, પરંતુ આઠ ઑગસ્ટે દુગ્ગનના પરિવારજનો, તેના કેટલાક મિત્રો અને અન્ય લોકો સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ન્યાય ની માગણી કરવા લાગ્યા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ એ ટોળા સાથે વાતચીત કરી અને તેમને શાંતિ જાળવવા અને ઘરે જવા અપીLલ કરી. પરંતુ ટોળું માન્યું નહીં, અને કલાકો સુધી પોલીસ સ્ટેશનને ઘેરીને બેસી રહ્યું. થોડા કલાક પછી એકાએક એવી અફવા ફેલાઈ કે 16 વર્ષની એક છોકરીએ પોલીસ તરફ શૅમ્પેઇનની બૉટલ ફેંકી જેના જવાબમાં પોલીસે તેને માર માર્યો અને એ છોકરી ગંભીર રીતે ઘવાઈ ગઈ છે. આ અફવા ફેલાતાં જ ત્યાં હિંસા શરૂ થઈ ગઈ, સાથે આસપાસના અન્ય વિસ્તારો ઉપરાંત આખા ઈંગ્લેન્ડમાં ઠેરઠેર હિંસા અને તોડફોડ શરૂ થઈ ગઈ. ટીવીમાં સમાચારો આવે એ પહેલાં ઈંગ્લેન્ડના અન્ય વિસ્તારોમાં હિંસા શરૂ થઈ ગઈ હતી એ બાબત જ પુરવાર કરતી હતી કે એ સમયે ત્યાં સોશિયલ મીડિયાએ ભૂંડી ભૂમિકાk ભજવી હતી.
આખી વાતમાં કોઈએ એ તપાસ કરવાની તસ્દી જ ન લીધી કે એ છોકરી કોણ છે અને પોલીસે ખરેખર તેને મારી છે કે કેમ? પરંતુ તે સમયે ઈંગ્લેન્ડમાં ટ્વિટર અને ફેસબૂક સહિત સોશિયલ મીડિયા પ્રચલિત થઈ ચૂકેલા હતા અને તેથી પોલીસે કથિત રીતે છોકરીને માર માર્યાની અફવા આખા ઈંગ્લેન્ડમાં ફેલાઈ ગઈ. અપરાધીઓ તેમજ બેરોજગારોને તો જાણે દોડવું હતું અને ઢાળ મળ્યો. ઠેરઠેર દુકાનો લૂંટાવા લાગી, સ્થાનિક બસો સહિત સરકારી મિલકતોને આગ લગાડવામાં આવી. 8 ઑગસ્ટથી 11 ઑગસ્ટ એમ ચાર દિવસ સુધી આખું ઈંગ્લેન્ડ સોશિયલ મીડિયાની અફવાઓને કારણે સળગતું રહ્યું, લૂંટાતું રહ્યું, ઘવાતું રહ્યું. બધું શાંત થયા પછી આકલન કરવામાં આવ્યું તો એ ચાર દિવસની હિંસામાં ઈંગ્લેન્ડને 200 મિલિયન પાઉન્ડ (અંદાજે 190 કરોડ રૂપિયા)નું નુકસાન થઈ ચૂક્યું હતું.
આ હિંસા, આગ અને લૂંટફાટ સ્પષ્ટ રીતે સોશિયલ મીડિયા ઉપર ફેલાતી રહેલી અફવાઓને કારણે હતી એ વાતની સાબિતી એ જ હતી કે જ્યાં કશું જ ન થયું હોય એવી વાતો ટ્વિટર અને ફેસબૂક ઉપર વહેતી કરીe દેવામાં આવતી અને થોડી મિનિટમાં ઈંગ્લેન્ડના અન્ય શહેરો અને પરા વિસ્તારોમાં હિંસા શરૂ થઈ જતી.
આજે આ આખી ઘટના ભારતના સંદર્ભમાં યાદ કરવી જરૂરી છે. ભારતમાં છેલ્લા બે મહિનામાં સોશિયલ મીડિયા, ખાસ કરીને વૉટ્સએપ ઉપર અફવાઓ ફેલાવાને કારણે ઓછામાં ઓછા 25 જણની હત્યા થઈ ગઈ છે. ભારતમાં હજુ ફેસબૂક અને ટ્વિટરનો ઉપયોગ મોટાભાગના લોકો નથી કરતા, પરંતુ વૉટ્સએપ સાવ હાથવગું છે. નાનાં બાળકોથી માંડીને વયોવૃદ્ધ લોકો પણ વૉટ્સએપનો બેફામ ઉપયોગ કરે છે. તેના પર તમામ પ્રકારના મેસેજ ચોવીસેs કલાક લોકો ફોરવર્ડ કર્યા જ કરે છે.
ભારતના ભલાભોળા અને અબૂધ લોકોની આ માનસિકતાને સમજી ગયેલા બદમાશો વૉટ્સએપનો દુરુપયોગ કરીને ગમેતેવી અફવા ફેલાવી દે છે અને લોકો પણ કશું જોયા-જાણ્યા-સમજ્યા વિના ફોરવર્ડ કર્યા કરે છે.
આવી ઘટનાઓમાં લોકોનો વાંક છે કે નહીં, તેની hચર્ચા કરવાનો કોઈ અર્થ નથી કેમકે જેમ વાંદરાને નીસરણી (સીડી) મળી જાય એમ દરેક સમજુ-અણસમજુ પ્રજાને સોશિયલ મીડિયા હાથમાં આવી ગયું છે અને લોકો તેના ઉપર ચડ-ઉતર કર્યા કરે છે.
પરંતુ સજાગ થવાનું છે શિક્ષિત લોકોએ, સજાગ થવાનું છે ટીવી અને અખબાર જેવા મીડિયાએ, સજાગ થવાનું છે પોલીસે અને સજાગ થવાનું છે સરકારે. આ સૌએ એકબીજા સામે આંગળીઓ ચીંધવાને બદલે એ વાત ભારપૂર્વક ફેલાવવી પડશે કે સોશિયલ મીડિયા જોખમી છે અને તેના ઉપયોગમાં સૌએ સાવધાની રાખવી જોઈએ.
વળી ભારત જેવા અર્ધશિક્ષિત દેશની પ્રજાના હાથમાં આવું જોખમી સાધન આવી ગયું છે જેને કારણે પણ ખતરો અનેકગણો વધી જાય છે, ત્યારે રાજકીય પક્ષોએ પણ દરેક બાબતે સરકારનો વાંક કાઢ્યા કરવાને બદલે જવાબદારીથી વર્તવું પડશે. જો આ બાબતમાં સાવધાની રાખવામાં નહીં આવે તો પાકિસ્તાન જેવો દુશ્મન દેશ કે પછી ચીન જેવો બદમાશ દેશ ક્યારેક ભારતમાં કોઈક મુદ્દે એવી ગંભીર અફવાઓ ફેલાવશે કે આખા દેશમાં ગૃહયુદ્ધ (સિવિલ વૉર) ફાટી નીકળશે. આવી જોખમી સંભાવનાની મારી ચેતવણીની ઉપેક્ષા કરવા જેવી નથી.

2 comments:

  1. જ્યારે કાશ્મીર માં ભણેલા ગણેલા યુવાનો ત્રાસવાદી થઇ રહ્યા છે ત્યારે અર્ધ શિક્ષિતો ને દોષ આપવો નકામો છે જિન હવે બાટલી માંથી નીકળી ગયું છે. અને અમુક પ્રકાર ના પત્રકારો એને ભાંગ પીવડાવવા નું કાર્ય કરી રહ્યા છે .

    ReplyDelete
  2. સોસીયલ મીડિયા નો સદુપયોગ કરવાને બદલે આવો દુરુપયોગ કરવા વાળા પર સક્ત કાર્યવાહી થવી જોઈએ
    જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ નો જીવ ના જાય
    અને અંધાધૂંડ કોપી પેસ્ટ કરવા વાળા એ પણ કોઈ પણ ન્યૂઝ ની ખાતરી કર્યા પછી જ ફોરવડ કરવા જોઈએ.

    ReplyDelete