Tuesday, July 3, 2018

સોશિયલ મીડિયામાંથી પાછા વળો, નહીં તો મરશો


સોશિયલ મીડિયામાંથી પાછા વળો, નહીં તો મરશો

--- અલકેશ પટેલ

આપણા પારિવારીક અને સામાજિક જીવનમાં જે ઘટનાઓ બની રહી છે તે ચિંતાજનક તો છે જ, પણ તેથી વધારે ચિંતાજનક એ છે કે કોઈને એ સમજાતું નથી કે આવું શા માટે થઈ રહ્યું છે?

મહદ્અંશે આનું કારણ સોશિયલ મીડિયા છે. (હું જાણું છું કે આટલું વાંચીને થોડા વધારે પડતા હોંશિયાર અને કહેવાતા બુદ્ધિજીવીઓ મારો આખો લેખ વાંચ્યા વિના અને તેની પાછળનો તર્ક સમજ્યા વિના હસી કાઢશે, પણ વાંધો નહીં. મારે જે કહેવું છે એ કહેવું તો પડશે જ.)


હા, તો એવું નથી કે મહિલાઓ ઉપર અત્યાચાર અને દુષ્કર્મ પહેલાં નહોતાં થતાં. પણ એ અત્યાચાર અને દુષ્કર્મનું પ્રમાણ ઓછું હતું એટલું તો સૌએ સ્વીકારવું પડશે. જો આટલું સ્વીકારીએ તો એ બાબતે વિચારણા કરવી પડે કે,
હવે આવું શા માટે વધારે થાય છે?
શા માટે પ્રમાણ વધી ગયું છે?
કોણ તેનો સૌથી વધુ ભોગ બને છે?
તમામ ઘટનાઓ તેમજ તમામ આંકડા ઉપર ધ્યાન આપવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે હિન્દુ છોકરીઓ અને હિન્દુ મહિલાઓ આવા અત્યાચાર અને દુષ્કર્મનો સૌથી વધુ ભોગ બને છે.
શા માટે હિન્દુ છોકરીઓ અને હિન્દુ મહિલાઓ વધુ ભોગ બને છે?
તેનું કારણ છે હિન્દુત્વની અતિશય ઉદારતા. સાવ જૂજ (હા, સાવ જૂજ) સમાજને બાદ કરતાં મોટાભાગના હિન્દુ સમુદાયોમાં દીકરીઓ અને મહિલાઓને સંપૂર્ણ સ્વતંત્રતા મળેલી છે. અને તેમાં પણ સમાજ જેમ જેમ આધુનિક થઈ રહ્યો છે તેમ આ સ્વતંત્રતાનો વ્યાપ પણ વધી રહ્યો છે.
અને આ સ્વતંત્રતામાં હવે સોશિયલ મીડિયા ભળ્યું હોવાથી જોખમ વધ્યું છે. સોશિયલ મીડિયામાં કોઈ સરહદ કે કોઈ મર્યાદાઓ નથી, તેને પરિણામે તમામ પ્રકારના લોકો એક-બીજાના સંપર્કમાં આવે છે. અને પછી કોઇની વચ્ચે કોઇ મર્યાદા રહેતી નથી. આ જ સૌથી મોટું જોખમ છે.
દુષ્કર્મના તમામ કેસના અભ્યાસ પરથી વારંવાર એવું તારણ નીકળતું રહે છે કે મોટેભાગે (હા, મોટેભાગે – પણ બધા કિસ્સામાં નહીં) પરિવારનો જ  અથવા પાડોશનો જ કોઈ પુરુષ કે પછી પરિચિત વ્યક્તિ જ દોષિત નીકળે છે. ઉદાર હિન્દુ સમાજની આ જ સૌથી મોટી ભૂલ છે કે સાવ નાની દીકરીઓથી માંડીને કિશોરીઓ તેમજ યુવતીઓને પરિવાર અથવા પાડોશીઓના ભરોસે મૂકી દે છે. અને પછી એ બાળકી કે એ કિશોરી સાથે શું થાય છે એ ભાગ્યે જ કોઈને જાણ થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં કોઈ કશું બોલતું નથી. ક્યારેક કંઇક અતિશય થઈ જાય ત્યારે જ કિસ્સો પ્રકાશમાં આવે છે.
અહીં પશ્ચિમના દેશોમાં થોડા સમયથી ચાલી રહેલી એક ચળવળની યાદ અપાઉં. મી ટુ – નામની આ ચળવળમાં હોલિવૂડની અભિનેત્રીઓ સહિત પશ્ચિમની કેટલીક સેલિબ્રિટી મહિલાઓએ પોતે જીવનમાં કોઈને કોઈ તબક્કે કાં તો પરિવારના જ પરિચિત પુરુષો અથવા પાડોશી કે પછી પોતાના ક્ષેત્રના જાણીતા પુરુષોને કારણે જાતીય શોષણ સહન કરવું પડ્યું હતું એવી વાતો જાહેર કરી હતી.
અર્થાત કહેવાનો આશય એ છે કે બાળકીઓ તેમજ કિશોરીઓ સાથે આવું કંઈપણ થવાનું સૌથી પહેલું જોખમ પરિવાર-પરિચિત-પાડોશી પુરુષો તરફથી જ રહેલું હોય છે.
તો હવે કોઈ એવો પ્રશ્ન કરે કે તો પછી સોશિયલ મીડિયાનો શો વાંક?
જવાબ છે, સોશિયલ મીડિયાએ આ જોખમ અનેકગણું વધારી દીધું છે. સ્માર્ટફોનમાં દુનિયાભરની ગંદકીનું સર્જન પણ થાય છે અને ફોરવર્ડ પણ થાય છે. સ્માર્ટ ફોનમાં ફોટા પાડી શકાય છે અને વીડિયો ઉતારી શકાય છે.
આ તમામ બાબતોનો દુરુપયોગ પરિવારના જ કે પછી કોઈ પરિચિત કે પછી પાડોશમાં રહેતા લંપટ કિશોરો-યુવાનો-પુરુષો કરી શકે છે, કરતા જ હોય છે. તેમાં બ્લેકમેલિંગ પણ થતું હોય છે.
આ જ કારણે કહું છું કે હિન્દુ વાલીઓએ વધારે પડતા ઉદાર રહેવાની જરૂર નથી.
અહીં હવે સેક્યુલર-કોમવાદીઓ કે કહેવાતા પ્રગતિશીલ લોકો કે પછી કહેવાતા મહિલા અધિકારવાદીઓ સ્ત્રી સ્વતંત્રતાનો ઝંડો ઉપાડી લેશે... પરંતુ એક મિનિટ તમે આવા ઝંડા ઇસ્લામ વિરુદ્ધ ઉપાડી શકો છો? આ બધી સ્વતંત્રતાની વાતો શું માત્ર હિન્દુઓ માટે જ છે?
અન્ય સમાજમાં પણ આ બધું જ બનતું હશે, પરંતુ એ બહાર નથી આવતું. કહેવાતા મહિલા અધિકારવાદીઓને અને કહેવાતા માનવ અધિકારવાદીઓની અન્ય ધાર્મિક સમુદાયો વિરુદ્ધ એક હરફ ઉચ્ચારવાની હિંમત નથી. એ સમાજોમાં જે બંધનો છે તેને આ બધા કહેવાતા મહિલા અધિકારવાદીઓ અને કહેવાતા માનવ અધિકારવાદીઓ ધાર્મિક પરંપરા ગણાવીને છટકી જાય છે, પરંતુ હિન્દુની વાત આવે એ સાથે જ આ બધા દંભીઓને સ્વતંત્રતા યાદ આવી જાય છે.
સ્વતંત્રતા ન હોવી જોઈએ એવું કહેવાનો કોઈ આશય જ નથી. હિન્દુ સમુદાય સ્વતંત્ર હતો જ અને રહેશે, પરંતુ બદલાયેલા સંજોગોમાં, સોશિયલ મીડિયાનાં જોખમો ઓળખવામાં આવે અને વાલીઓ એ બાબતે ધ્યાન આપે એ માત્ર જરૂરી નહીં, ફરજિયાત છે.

છેલ્લા થોડા સમયથી ખાસ કરીને જે કિસ્સા બની રહ્યા છે તેના ઉપર ધ્યાન આપવામાં આવશે તો મારી વાત સમજવાનું સરળ રહેશે. એ દરેક કિસ્સામાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાએ વિલન જેવી ભૂમિકા ભજવી છે એ સ્પષ્ટ છે. બાળકીઓ, કિશોરીઓ તેમજ યુવતીઓ અને મહિલાઓને બચાવવી હશે તો સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના દુરુપયોગની દિશામાં વિચારવું પડશે, આ બાબતમાં બધાએ સાથે મળીને ચર્ચા કરવી પડશે અન્યથા સ્થિતિ વધારે કથળતી જશે એ નિશ્ચિત છે. એટલે જ કહું છું, સોશિયલ મીડિયામાંથી પાછા વળો...

No comments:

Post a Comment