Monday, July 16, 2018

આવી જાહેરખબરો આપણા સમાજની નબળાઈ દર્શાવે છે


 --- શું ગૃહિણીઓ ટુ-વ્હીલર જોઈને ડિલિવરી બૉયના પ્રેમમાં પડી જાય? શું આપણે ચૉકલેટ ચોર છીએ? શું આપણી પોલીસ અપ્રામાણિક છે? આટલી ખરાબ જાહેરખબરો સામે દેશમાં કોઈને ગુસ્સો કેમ નથી આવતો?
 -- અલકેશ પટેલ
 શું આપણા પરિવારની - આપણા સમાજની સ્ત્રીઓ કોઈ ટુ-વ્હીલર જોઈને તેનાથી એ હદે પ્રભાવિત થઈ જાય છે કે એ લઈને આવનાર ડિલિવરી બૉય કે સેલ્સમેનના પ્રેમમાં પડી જાય? શું આપણા પરિવારની માતાઓ એટલી બધી શિથિલ અને નબળી છે કે પોતાના પતિ અને દીકરીની સામે જ દીકરીના બૉયફ્રેન્ડના પરફ્યુમથી ઘાયલ થઈ જાય? શું આપણો સમાજ એ સ્તરે આવી પહોંચ્યો છે જ્યાં પરિવારની કિશોરવયની દીકરીઓ વ્યક્તિ સ્વતંત્રતાના નામે એક જ શહેરમાં પણ માતા-પિતાથી અલગ રહેવા લાગે? શું આપણા જાહેરજીવનના આગેવાનો કે નેતાઓ એ હદે નબળા છે કે એ ચૉકલેટ ચોરીને ખાઈ જાય? શું આપણી પોલીસ એ હદે નબળી અને અણસમજુ છે કે ગેરકાયદે દબાણ કરનારા વેપારીઓ એ પોલીસને ઉલ્લુ બનાવી જાય?
હું જાણું છું કે આ તમામ સવાલના જવાબ સોએ સો ટકા નકારમાં હશે, તેમછતાં તમે બધા રોજેરોજ આ બધું જ તમારા ટીવી સ્ક્રીન ઉપર જોતા રહો છો. પરિવારની સાથે બેસી જોતા રહો છો, બાળકોની સાથે બેસી જોતા રહો છો, માતા-પિતા કે અન્ય વડીલોની હાજરીમાં આ બધું જોતા રહો છો... અને જાણતાં કે અજાણતાં આવી તમામ અનૈતિક જાહેરખબરોને ચૂપચાપ સંમતિ આપતા રહો છો. અથવા ક્યારેક તો એવી ચીજો ખરીદીને આવી જાહેરખબરોને પ્રોત્સાહન પણ આપતા રહો છો, ખરું ને?
આમ તો તમારામાંથી ઘણા બધા હું કઈ જાહેરખબરોની વાત કરું છું એ સમજી ગયા હશે કેમકે લગભગ બધા રોજેરોજ ટીવી ઉપર એ જોતા જ હોય છે, પરંતુ પ્રત્યેક 100 માંથી 95 દર્શકોને એ વાતનો ખ્યાલ જ નથી આવતો કે આવી જાહેરખબરો અનૈતિક છે અને આપણા સમાજની ખોટી બાજુ વ્યક્ત કરી રહી છે. જે પાંચ જણને ખ્યાલ આવે છે કે આ ખોટી જાહેરખબરો છે તેઓ બોલવા તૈયાર નથી. આમ તમામ દર્શકો આટલાં વર્ષથી તેની ઉપેક્ષા કરી રહ્યા છે. 

વધારે આઘાતની વાત એ છે કે મહિલાઓ વિશેની આટલી હલકી જાહેરખબરો ટીવી ઉપર સરેઆમ પ્રસારિત થતી હોવા છતાં કોઈ મહિલાવાદી કાર્યકરો, કોઈ કહેવાતા મહિલા સંગઠનો તેની સામે અવાજ ઉઠવાતાં નથી. (1) સુઝુકીના એક ટુ-વ્હીલરની જાહેરખબર આવે છે, તેમાં ઘરે કોઈ વસ્તુ પહોંચાડવા આવેલા ડિલિવરી બૉય સાથે પહેલાં તો ઘરની મહિલા ગુસ્સેથી વાત કરે છે, પરંતુ પછી તેની નજર એ છોકરાના ટુ-વ્હીલર ઉપર પડે છે અને તરત જ એ મહિલા પોતાના ઘરનો દરવાજો જાણે એ છોકરાને અંદર આવવા નિમંત્રણ આપતી હોય એમ ખોલી નાખે છે. – સવાલ એ છે કે શું આ આપણા સંસ્કાર છે? આપણા પરિવારની મહિલાઓ, આપણા સમાજની મહિલાઓ એક ટુ-વ્હીલર જોઈને અજાણ્યા યુવકને નિમંત્રણ આપી દે છે? (2) બીજી એક પરફ્યુમની જાહેરાત ઘણા મહિનાથી આવે છે. તેમાં કિશોરવયની એક દીકરી તેના બૉયફ્રેન્ડની ઓળખાણ તેની માતા સાથે કરાવે છે. અને માતા તેની દીકરીના બૉયફ્રેન્ડે લગાવેલા પરફ્યુમથી એટલી બધી ઉત્તેજિત થઈ જાય છે કે તે એને કહે છે કે પોતાને મમ્મી નહીં પણ નામથી બોલાવી શકે છે. – સવાલ એ છે કે શું આપણા જાહેર સંસ્કાર આવા છે? (3) મેગીની એક જાહેરખબર પણ અતિશય વાંધાજનક છે. તેમાં એક માતા તેની કિશોરવયની દીકરીને એવું કહેતી સાંભળવા મળે છે કે એક જ શહેરમાં અલગ રહેવાની શું જરૂર છે? પછી જાતે જ જવાબ આપે છે કે હા, હવે તું મોટી થઈ ગઈ છે અને સ્વતંત્ર રહેવા માગે છે. – સવાલ એ છે કે શું આપણા સમાજમાં પશ્ચિમના દેશોની આ માનસિકતા આવી ગઈ છે? એક જ શહેરમાં યુવાન દીકરી અલગ રહેવા લાગે એવું જોયું છે ખરું? જો એવું નથી તો પછી વિદેશી કંપની નેસ્લે તેની મેગી પ્રોડક્ટ દ્વારા ભારતમાં આવા વિદેશી કુ-સંસ્કાર શા માટે લાદે છે? અને કેમ કોઈ કશું બોલતું નથી? સ્વદેશીની વાતો કરનારા સંઘવાળા ક્યાં છે? (એક સ્પષ્ટતા – આ જાહેરખબર મેં જ્યારે પહેલી વખત જોઈ ત્યારે તરત જ ગ્રાહક ફોરમમાં સત્તાવાર રીતે ઈમેલ કરીને મારો વાંધો નોંધાવ્યો હતો.) (4) ફેવિકોલની એક જાહેરાત પણ અતિશય વાંધાજનક છે. તેમાં દરિયા કિનારે ગેરકાયદે હાટડીઓ ઊભી થયેલી બતાવવામાં આવે છે અને પોલીસજીપ આવે ત્યારે એ હાટડીઓ દરિયાના પાણીમાં ઉતારી દેવામાં આવે છે. પોલીસ જાય પછી એ બહાર  કાઢીને ફરી ગેરકાયદે બજાર લાગી જાય છે. આમાં પ્રવાસન સ્થળે ગેરકાયદે બજાર બતાવવામાં આવે છે એટલું જ નહીં પરંતુ પોલીસને એવી નબળી અને મુર્ખ બતાવવામાં આવે છે કે જાણે તેને કશી ખબર પડતી ન હોય! (5) જેમ્સ ચૉકલેટની એક જાહેરાત પણ વાંધાજનક અને ચિંતાજનક છે. તેમાં કોઈ નેતા જેવી વ્યક્તિને બતાવવામાં આવે છે જે એક પરિવારના સ્વર્ગસ્થ વડીલના નામે યોજના શરૂ કરવાનું વચન આપે છે. એ દરમિયાન એ સ્વર્ગસ્થ વડીલના પુતળા ઉપર લાગેલા જેમ્સ ચૉકલેટના હારમાંથી ચૉકલેટો ખેંચીને ખાઈ જવા પ્રયાસ કરે છે, એ દરમિયાન પુતળું નીચે પણ પડી જાય છે. – સવાલ એ છે કે બાળકોને પ્રિય એવી રંગબેરંગી જેમ્સ ચોરી કરીને ખાવી પડે એવી ચીજ છે?



ટૂંકમાં, અનૈતિક્તા, ચોરી, વ્યભિચાર, સ્વતંત્રતાના નામે યુવતીની સ્વચ્છંદતા – એવું બધું દર્શાવતી જાહેરખબરો રોજેરોજ આપણી નજર સામે આવે છે, રોજેરોજ આપણાં બાળકો પણ એ જૂએ છે અને છતાં કોઈને કશી અસર નથી થતી એ આશ્ચર્ય નહીં પણ આઘાતજનક છે. આમ તો મને ખ્યાલ જ છે કે મારા આ લખાણ પછી પણ કોઈ વાચકને, કોઈ સંસ્થાને, કોઈ મહિલાઓને કે કોઈ મહિલા સંગઠનોને કશો ફેર પડવાનો નથી. બધા વાંચીને હા, વાત સાચી છે.. એ કહી અટલ સવેરા બાજુ ઉપર મૂકી દેશે, છતાં મને લાગ્યું કે મારે આ વિષય ઉપર લખવું જોઈએ. અહીં વધુ એક વખત સ્પષ્ટતા કરું કે હું માત્ર લખીને બેસી નથી રહ્યો, મેં આ વિશે ગ્રાહક ફોરમમાં ઈમેલ દ્વારા મારો વાંધો નોંધાવ્યો જ છે. પણ મને લાગે છે કે મારી એકલાની પીપૂડીથી કશું ન થાય. મને જે લાગણી થાય છે તેનો વંટોળ ઊભો થાય અને અનેક લોકો ગ્રાહક ફોરમની વેબસાઈટ ઉપર વિરોધ નોંધાવે તો કદાચ અસર થવાની આશા રાખી શકાય.


1 comment:

  1. સાચી વાત છે તમારી અલકેશભાઇ, પણ આવી જાહેરખબરો સામે કેઉ વાંધો નહીં ઉઠાવે પણ ઉપરથી વધારે રસપૂર્વક જોશે અને પાછા તેની નકલ પણ કરશે. આ આપણા દેશની પ્રજા છે, જેને અંદરોઅંદર જ એકબીજાની ટાંટિયાખેંચ કરવામાં મજા આવે છે, નહીં કે પોતાના દેશની આબરૂ સાચવવામાં.

    ReplyDelete