Sunday, July 1, 2018

GST નું એક વર્ષઃ ક્યા પાયા, ક્યા ખોયા?


GST નું એક વર્ષઃ ક્યા પાયા, ક્યા ખોયા?

--- આજે 1 જુલાઈએ GST ના અમલનું એક વર્ષ પૂરું થયું છે. 2017ની 30 જૂન - 1 જુલાઈએ રાત્રે 12 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના સેન્ટ્રલ હૉલમાં તેનો પ્રારંભ કરતાં જીએસટીને – ગુડ એન્ડ સિમ્પલ ટૅક્ષ તરીકે ઓળખાવ્યો હતો...તો આજે શું સ્થિતિ છે?

-- અલકેશ પટેલ

2016-2017માં જેમ દરેક ભારતીયના મોં ઉપર નોટબંધી શબ્દ હતો, એમ 2017-2018માં જીએસટી શબ્દથી કોઈ અજાણ્યું હોય કે પછી તેની અસરમાંથી કોઈ બાકાત રહ્યું હોય એવી શક્યતા નહીંવત્ છે. નરેન્દ્ર મોદી સરકારના આ બે આર્થિક સુધારા ભારતનું ભવિષ્ય બદલશે એ વાતમાં શંકાને સ્થાન નથી. હા, કેટલાક (અ)હિત ધરાવતા રાજકારણીઓને આ સુધારા પસંદ ન પડે એ વાત અલગ છે. જોકે દેશની પ્રજાએ થોડીઘણી મુશ્કેલી સહન કરીને પણ આ બંને સુધારાને દિલથી ચાહ્યા છે અને નાગરિકો એ વાત પણ સમજી ગયા છે કે નકારાત્મક રાજકારણીઓ વિના દેશ વધારે સારી રીતે પ્રગતિ કરી શકે છે.
ખેર, તો આજે જીએસટીના અમલને એક વર્ષ પૂરું થયું છે ત્યારે સ્વાભાવિક રીતે તેની સમીક્ષા કરવાનો યોગ્ય સમય છે. આ અંગેના તમામ અહેવાલ જોતાં, આ અંગેના તમામ પ્રતિભાવ જોતાં અને સાથે સાથે આંકડાકીય વિગતો જોતાં એક સ્પષ્ટ છાપ એવી પડે છે કે જીએસટી વિશે નકારાત્મક વાતો કરનારાઓની સંખ્યા સાવ જૂજ છે, જીએસટી વિશે નકારાત્મક આંકડા રજૂ કરનારાઓની સંખ્યા સાવ જૂજ છે.
જીએસટીની મૂળ ભાવના એ જ હતી કે આખા દેશમાં એક સમાન કરમાળખું હોય જેને કારણે વસ્તુઓની કિંમત એક સરખી રહે અને વેપારીઓ સ્થાનિક વેરાના નામે મન ફાવે તેમ કિંમત વસૂલ ન કરે. એ ઉપરાંત વિદેશ સાથેના વેપારમાં પણ સરળતા રહે. અને આ દિશામાં એક વર્ષનું સરવૈયું કાઢતાં સ્થિતિ સંતોષજનક છે એવું કહેવામાં જરાય ખોટું નથી. ઑગસ્ટ 2017થી માર્ચ 2018ના ગાળામાં કેન્દ્ર સરકારને 1.19 લાખ કરોડની જીએસટીની આવક થઈ. આ જ ગાળામાં રાજ્યોને 1.72 લાખ કરોડની આવક થઈ. તથા કેન્દ્ર અને રાજ્યોની સંયુક્ત આવક 3.66 લાખ કરોડ રહી. આ બધાનો સરવાળો 6 લાખ કરોડ કરતાં વધુ થાય છે. બહુ સ્પષ્ટ છે કે રાજ્ય સરકારોની આવકમાં વધારો થયો છે અને આગામી સમયમાં હજુ વધારો થશે. જો એવું ન હોત તો અત્યાર સુધીમાં ઘણો હોબાળો થઈ ચૂક્યો હોત અને જીએસટીની વિરુદ્ધમાં અનેક પ્રકારના આંકડા વિરોધીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા હોત.
જીએસટીનું એક વર્ષ પૂરું થયું છે ત્યારે આ ટૅક્ષને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુડ એન્ડ સિમ્પલ ટૅક્ષ ગણાવ્યો હતો અને તેઓ સાચા પડ્યા છે એવું માનવાને ઘણાં કારણ છેઃ-
જીએસટીને કારણે રોજિંદા વપરાશની ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં આવ્યા છે એ દરેકે સ્વીકારવું પડશે. કુદરતી ક્રમમાં જે મોંઘવારી વધે એ સિવાય જીએસટીને કારણે કિંમતોમાં વધારો થયો હોય એવું કોઈ કહી શકે તેમ નથી. હા, પેટ્રોલ-ડીઝલની કિંમતો સામાન્ય લોકોને હજુ રોજેરોજ દઝાડે છે. તે પણ જો જીએસટીના માળખામાં આવી જાય તો ઘણો ફેર પડી શકે તેમ છે. નિષ્ણાતો કહે છે કે રોજિંદા વપરાશની ચીજોની કિંમતમાં માત્ર એક ટકાનો ઘટાડો થાય તો પણ તેના લાભની જે સાર્વત્રિક અસર છે તે 9 થી 10 ટકા જેટલી મોટી ગણાય.
આવી સરળ કર વ્યવસ્થાને કારણે વિદેશી રોકાણકારો માટે પણ ભારતમાં આવવાનું સરળ રહે. અગાઉ સેન્ટ્રલ એક્સાઇઝ-કસ્ટમથી માંડીને છેક સ્થાનિક વેરા સુધી અસંખ્ય પ્રકારના કરવેરા હતા તેને કારણે વ્યવસ્થા ખૂબ જટિલ હતી, પરિણામે વિદેશી રોકાણકારો માટે મુંઝવણ અને મુશ્કેલી થતી હતી, કેમકે તેઓ તેમના દેશમાં અથવા તો દુનિયાના બીજા કેટલાક દેશમાં એક દેશ-એક કરની વ્યવસ્થાનો અનુભવ કરી ચૂક્યા હતા. પરંતુ ભારતમાં ગયા વર્ષ સુધી આ બાબતે મુશ્કેલી હતી. હવે સમાન કરવ્યવસ્થાને કારણે મૂડીરોકાણ થવાથી રાજ્યોને જ ફાયદો થવાનો છે.
નિષ્ણાતોનો અંદાજ છે કે આ વર્ષે જીએસટીને કારણે તમામ રાજ્યોની સરેરાશ કુલ આવકમાં 16 ટકા કરતાં વધુ વધારો થશે.
ઇ-ચલણ તથા ઑનલાઇન ટેક્ષ ભરવાની વ્યવસ્થાને કારણે પણ વેપાર-વ્યવસાયમાં સરળથા થઈ છે તેનો ઇનકાર થઈ શકે તેમ નથી.

--- એક બાબતમાં જીએસટી સદંતર નિષ્ફળઃ
પણ હા, એક બાબતમાં જીએસટી સદંતર નિષ્ફળ છે એ સ્વીકારવું પડે. એ બાબત કઈ? એ એક બાબત છે, કેટલાક ભારતીયોમાં રહેલી અપ્રામાણિકતા. જીએસટી આ અપ્રામાણિકતામાં સુધારો લાવી શકે તેવી શક્યતા જ નથી. એ જ કારણે છેલ્લા બે મહિનામાં રૂપિયા 2000 કરોડ કરતાં વધુ રકમની કરચોરી આપણા વેપારીઓએ કરી છે. આ એ જ વેપારીઓએ છે જે જીએસટી નહોતું ત્યારે પણ બિલ વગર માલની ખરીદી અને વેચાણ કરીને દેશને આર્થિક નુકસાન કરતા હતા. અને અત્યારે પણ, સિસ્ટમ સરળ થયા પછી પણ અને કરવેરાની રકમ સાવ નગણ્ય થઈ ગઈ હોવા છતાં અમુક અપ્રામાણિક વેપારીઓ કરચોરી કરીને દેશને નુકસાન કરી રહ્યા છે.
તેના કરતાં પણ વધારે આઘાતજનક સમાચાર તો એ છે કે, હરામખોર વેપારીઓ બોગસ ઇનવોઇસ બનાવતા થઈ ગયા છે. આવા દેશદ્રોહી વેપારીઓ જે માલ સપ્લાય કરવામાં જ નથી આવ્યો તેના ઇનવોઇસ બનાવીને તેના આધારે ઇનપુટ ટેક્સ માટે ક્રેડિટ ક્લેમ કરે છે. જો આ સ્થિતિ હોય તો આ દેશ કેવી રીતે પશ્ચિમના દેશો જેવી પ્રગતિ કરી શકે એ વિચારવું પડશે.

No comments:

Post a Comment