Showing posts with label Vikas. Show all posts
Showing posts with label Vikas. Show all posts

Sunday, May 1, 2022

ગુજરાતે પ્રગતિ અને વિકાસના ખરા અર્થ 1995 પછી જાણ્યા


ગુજરાત આજે 62નું થયું. 1960થી 1995 સુધી ગુજરાત સમૃદ્ધ તો હતું, પણ રાજ્ય તરીકે કોઈ પ્રતિષ્ઠા ન હતી. એ જ રાજ્ય આજે દેશભરમાં “મોડેલ સ્ટેટ” તરીકે ચર્ચાય છે, શા માટે?

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 સ્વતંત્ર ભારતના ઈતિહાસની જ્યારેપણ ચર્ચા થશે ત્યારે 2014 પહેલાના ભારત અને 2014 પછીના ભારત- એ રીતે તુલનાત્મક ચર્ચા થશે. એવી જ રીતે આજે રવિવાર, પહેલી મે, 2022ના દિવસે અલગ ગુજરાત રાજ્યની સ્થાપનાના 62મા વર્ષે આપણે રાજ્યનું સાચા અર્થમાં મૂલ્યાંકન કરવું હોય તો 1995 પહેલાંના ગુજરાત અને 1995 પછીના ગુજરાત- એમ મૂલ્યાંકન કરવું પડે. અહીં એવું કહેવાનો કોઈ આશય નથી કે 1960થી 1995 દરમિયાન રાજ્યમાં કોઈ પ્રગતિ થઈ નથી, પરંતુ 1995 પછી જે પ્રગતિ થઈ, જે વિકાસ થયો તેને આધારે ખબર પડે છે કે પ્રગતિ અથવા વિકાસ શું કહેવાય!

રાજ્યની પ્રજા તો એ જ હતી અને આજે પણ એ જ છે. તફાવત રાજકારણીઓ અને સરકારોનો હતો. 25 વર્ષ પહેલાં કોંગ્રેસના રાજકારણીઓ અને કોંગ્રેસની સરકારો કમનસીબે હિંસાખોર ડાબેરીઓના કબજામાં હતા. 1995 પહેલાંની રાજ્ય સરકારોને જૂથવાદ, લઘુમતી ખુશામત તથા પોતાની પ્રગતિમાં રસ હતો અને એ બધામાંથી સમય મળે તો યોજનાઓ અમલમાં મૂકાતી (આ વાતનો નક્કર પુરાવો કોંગ્રેસના જ ભૂતપૂર્વ સંસદસભ્ય અને ભૂતપૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ અરવિંદ પટેલના પુસ્તક – “ગુજરાતનું રાજકારણઃ મારી નજરે (1956-1980)” માં મળી આવે છે).

1960થી 1995 સુધી કોંગ્રેસ અને સમાજવાદીઓની નીતિને કારણે કોમી તોફાનો પણ છાશવારે થતાં. ખુરશી-પરસ્ત નેતાઓની આંતરિક હુંશાતુંશીને કારણે સતત રાજકીય અસ્થિરતા રહેતી. સ્વર્ગસ્થ અરવિંદભાઈએ જ તેમના પુસ્તક “ગુજરાતનું રાજકારણઃ મારી નજરે (1956-1980)” માં આ વિશે લખ્યું છેઃ “1947થી 77ના ત્રીસ વર્ષના ગાળામાં ઉત્તરપ્રદેશમાં 10 મુખ્યમંત્રીઓ આવ્યા અને ગુજરાત રાજ્યના 1960થી 77 સુધીના સત્તર વર્ષમાં 7 મુખ્યમંત્રીઓ સત્તાસ્થાને આવ્યા.”

આજના યુવાવર્ગે ખાસ એ વાત સમજવાની છે કે, આવી રાજકીય અસ્થિરતા અને તેમાં વળી કોમી તોફાનો- એ સ્થિતિમાં રાજ્યની પ્રગતિ કેવી રીતે થઈ શકે? એ સમયગાળામાં નોંધપાત્ર કહી શકાય એવા કોઈ ટોચના ઉદ્યોગો ગુજરાતમાં સ્થપાતા નહોતા. મૂળ ગુજરાતી ઉદ્યોગપતિઓ પણ શક્ય હોય ત્યાં સુધી બીજાં રાજ્યોમાં ઉદ્યોગો સ્થાપતા. તમારા વડીલોને પૂછશો તો જાણવા મળશે કે એ સમયગાળામાં ભારતના અન્ય પ્રદેશોમાં ગુજરાતીઓનું ખાસ કોઈ માન નહોતું. કેન્દ્ર સરકારમાં પણ ગુજરાતનું કશું ઉપજતું નહોતું.

છેલ્લા 25 વર્ષમાં બધું સર્વશ્રેષ્ઠ થઈ ગયું છે અને હવે આ રાજ્યમાં કોઈ સમસ્યા નથી એવું કહેવાનો આશય નથી, પરંતુ હકીકત એ છે કે, માળખાકીય વિકાસથી માંડીને ઔદ્યોગિક પ્રગતિ સહિત ઘણાખરા માપદંડમાં ગુજરાત આજે પ્રથમ પંક્તિના રાજ્યોની હરોળમાં છે. છેલ્લા થોડાં વર્ષની સ્થિતિ તો એવી છે કે, જો કોઈ ક્ષેત્રમાં ગુજરાત થોડું પણ પાછળ પડે તો એ રાષ્ટ્રીય સ્તરની ચર્ચાનો વિષય બને, રાષ્ટ્રીય નેતાઓ અને રાષ્ટ્રીય મીડિયા “ગુજરાત મોડલ” ના ટોણા મારે. આવું થવાનું સીધું કારણ એ જ છે કે 1995 પછી અને તેમાંય ખાસ કરીને 2001 પછી વિકાસ અને પ્રગતિની બાબતમાં રાજ્યે પાછું વાળીને જોયું નથી.

વર્તમાન ગુજરાત સરકારમાં વિજય રુપાણીના સમયગાળા દરમિયાન જે “સી.એમ.ડૅશબોર્ડ” બનાવવામાં આવ્યું હતું એની ખ્યાતિ દક્ષિણ ભારતના છેક કેરળ સુધી પહોંચી અને હજુ આ અઠવાડિયે જ કેરળની ડાબેરી સરકારે તેમના અધિકારીઓને આ બાબતનો અભ્યાસ કરવા ગાંધીનગર મોકલ્યા હતા (https://www.onmanorama.com/news/kerala/2022/04/27/pinarayi-sends-his-chief-secretary-on-a-two-day-tour-to-study-th.html  (2) https://indianexpress.com/article/cities/thiruvananthapuram/kerala-wants-to-study-gujarat-dashboard-invites-criticism-7890702/ )

આમછતાં, ગુજરાતની ટીકા કરનારા ઓછા નથી. આ ટીકાકારો મુખ્યત્વે કાંતો ડાબેરી છે અથવા ખાદીધારી છે. એમની ટીકાના મુદ્દા તદ્દન છીછરા હોય છે. એક આખું સર્વગ્રાહી ચિત્ર રજૂ કર્યું હોય એમાંથી આ ટીકાકારો સાવ નાના-નાના તુચ્છ મુદ્દા ઉપાડીને ટીકાની જે તલવારબાજી કરે છે તેનું કારણ સ્પષ્ટપણે તેમના સ્થાપિત હિતો છે. કહેવાતા બુદ્ધિજીવી પ્રાધ્યાપકો, તંત્રીઓ, લેખકો, ભૂતપૂર્વ પોલીસ અધિકારી – આ બધાને જો ખરેખર પ્રજાની ચિંતા હોય, ખરેખર જો રાજ્યની પ્રગતિમાં રસ હોય તો એમણે રચનાત્મક સૂચનો સાથે આગળ આવવું જોઇએ. પરંતુ એ લોકો એવું નથી કરતા, અને એટલે જ એમના ઇરાદા શંકાસ્પદ છે. તેમનામાં જો ખરેખર તટસ્થતા હોય તો તેમણે 1995 પહેલાંના અને ત્યારપછીના ગુજરાતનો તુલનાત્મક અભ્યાસ કરવો જોઇએ.

ઘટનાઓ અને પ્રગતિના સાતત્ય વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. જો મારે તુલનાત્મક અભ્યાસ રજૂ કરવાનો હોય તો હું એક વાક્યમાં કહી શકું કે, “ગુજરાતના પ્રથમ 35 વર્ષના ઇતિહાસમાં ઘટનાઓની માત્રા વધારે હતી અને (તેથી જ) પ્રગતિનું સાતત્ય નહિવત્ હતું, જ્યારે છેલ્લાં 25 વર્ષમાં ઘટનાઓની માત્રા નહિવત્ છે અને (તેથી જ) પ્રગતિનું સાતત્ય છે.” બસ, આટલી વાત સમજો અને વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, July 1, 2018

GST નું એક વર્ષઃ ક્યા પાયા, ક્યા ખોયા?


GST નું એક વર્ષઃ ક્યા પાયા, ક્યા ખોયા?

--- આજે 1 જુલાઈએ GST ના અમલનું એક વર્ષ પૂરું થયું છે. 2017ની 30 જૂન - 1 જુલાઈએ રાત્રે 12 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના સેન્ટ્રલ હૉલમાં તેનો પ્રારંભ કરતાં જીએસટીને – ગુડ એન્ડ સિમ્પલ ટૅક્ષ તરીકે ઓળખાવ્યો હતો...તો આજે શું સ્થિતિ છે?

-- અલકેશ પટેલ

2016-2017માં જેમ દરેક ભારતીયના મોં ઉપર “નોટબંધી” શબ્દ હતો, એમ 2017-2018માં “જીએસટી” શબ્દથી કોઈ અજાણ્યું હોય કે પછી તેની અસરમાંથી કોઈ બાકાત રહ્યું હોય એવી શક્યતા નહીંવત્ છે. નરેન્દ્ર મોદી સરકારના આ બે આર્થિક સુધારા ભારતનું ભવિષ્ય બદલશે એ વાતમાં શંકાને સ્થાન નથી. હા, કેટલાક (અ)હિત ધરાવતા રાજકારણીઓને આ સુધારા પસંદ ન પડે એ વાત અલગ છે. જોકે દેશની પ્રજાએ થોડીઘણી મુશ્કેલી સહન કરીને પણ આ બંને સુધારાને દિલથી ચાહ્યા છે અને નાગરિકો એ વાત પણ સમજી ગયા છે કે નકારાત્મક રાજકારણીઓ વિના દેશ વધારે સારી રીતે પ્રગતિ કરી શકે છે.
ખેર, તો આજે જીએસટીના અમલને એક વર્ષ પૂરું થયું છે ત્યારે સ્વાભાવિક રીતે તેની સમીક્ષા કરવાનો યોગ્ય સમય છે. આ અંગેના તમામ અહેવાલ જોતાં, આ અંગેના તમામ પ્રતિભાવ જોતાં અને સાથે સાથે આંકડાકીય વિગતો જોતાં એક સ્પષ્ટ છાપ એવી પડે છે કે જીએસટી વિશે નકારાત્મક વાતો કરનારાઓની સંખ્યા સાવ જૂજ છે, જીએસટી વિશે નકારાત્મક આંકડા રજૂ કરનારાઓની સંખ્યા સાવ જૂજ છે.
જીએસટીની મૂળ ભાવના એ જ હતી કે આખા દેશમાં એક સમાન કરમાળખું હોય જેને કારણે વસ્તુઓની કિંમત એક સરખી રહે અને વેપારીઓ સ્થાનિક વેરાના નામે મન ફાવે તેમ કિંમત વસૂલ ન કરે. એ ઉપરાંત વિદેશ સાથેના વેપારમાં પણ સરળતા રહે. અને આ દિશામાં એક વર્ષનું સરવૈયું કાઢતાં સ્થિતિ સંતોષજનક છે એવું કહેવામાં જરાય ખોટું નથી. ઑગસ્ટ 2017થી માર્ચ 2018ના ગાળામાં કેન્દ્ર સરકારને 1.19 લાખ કરોડની જીએસટીની આવક થઈ. આ જ ગાળામાં રાજ્યોને 1.72 લાખ કરોડની આવક થઈ. તથા કેન્દ્ર અને રાજ્યોની સંયુક્ત આવક 3.66 લાખ કરોડ રહી. આ બધાનો સરવાળો 6 લાખ કરોડ કરતાં વધુ થાય છે. બહુ સ્પષ્ટ છે કે રાજ્ય સરકારોની આવકમાં વધારો થયો છે અને આગામી સમયમાં હજુ વધારો થશે. જો એવું ન હોત તો અત્યાર સુધીમાં ઘણો હોબાળો થઈ ચૂક્યો હોત અને જીએસટીની વિરુદ્ધમાં અનેક પ્રકારના આંકડા વિરોધીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા હોત.
જીએસટીનું એક વર્ષ પૂરું થયું છે ત્યારે આ ટૅક્ષને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુડ એન્ડ સિમ્પલ ટૅક્ષ ગણાવ્યો હતો અને તેઓ સાચા પડ્યા છે એવું માનવાને ઘણાં કારણ છેઃ-
જીએસટીને કારણે રોજિંદા વપરાશની ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં આવ્યા છે એ દરેકે સ્વીકારવું પડશે. કુદરતી ક્રમમાં જે મોંઘવારી વધે એ સિવાય જીએસટીને કારણે કિંમતોમાં વધારો થયો હોય એવું કોઈ કહી શકે તેમ નથી. હા, પેટ્રોલ-ડીઝલની કિંમતો સામાન્ય લોકોને હજુ રોજેરોજ દઝાડે છે. તે પણ જો જીએસટીના માળખામાં આવી જાય તો ઘણો ફેર પડી શકે તેમ છે. નિષ્ણાતો કહે છે કે રોજિંદા વપરાશની ચીજોની કિંમતમાં માત્ર એક ટકાનો ઘટાડો થાય તો પણ તેના લાભની જે સાર્વત્રિક અસર છે તે 9 થી 10 ટકા જેટલી મોટી ગણાય.
આવી સરળ કર વ્યવસ્થાને કારણે વિદેશી રોકાણકારો માટે પણ ભારતમાં આવવાનું સરળ રહે. અગાઉ સેન્ટ્રલ એક્સાઇઝ-કસ્ટમથી માંડીને છેક સ્થાનિક વેરા સુધી અસંખ્ય પ્રકારના કરવેરા હતા તેને કારણે વ્યવસ્થા ખૂબ જટિલ હતી, પરિણામે વિદેશી રોકાણકારો માટે મુંઝવણ અને મુશ્કેલી થતી હતી, કેમકે તેઓ તેમના દેશમાં અથવા તો દુનિયાના બીજા કેટલાક દેશમાં એક દેશ-એક કરની વ્યવસ્થાનો અનુભવ કરી ચૂક્યા હતા. પરંતુ ભારતમાં ગયા વર્ષ સુધી આ બાબતે મુશ્કેલી હતી. હવે સમાન કરવ્યવસ્થાને કારણે મૂડીરોકાણ થવાથી રાજ્યોને જ ફાયદો થવાનો છે.
નિષ્ણાતોનો અંદાજ છે કે આ વર્ષે જીએસટીને કારણે તમામ રાજ્યોની સરેરાશ કુલ આવકમાં 16 ટકા કરતાં વધુ વધારો થશે.
ઇ-ચલણ તથા ઑનલાઇન ટેક્ષ ભરવાની વ્યવસ્થાને કારણે પણ વેપાર-વ્યવસાયમાં સરળથા થઈ છે તેનો ઇનકાર થઈ શકે તેમ નથી.

--- એક બાબતમાં જીએસટી સદંતર નિષ્ફળઃ
પણ હા, એક બાબતમાં જીએસટી સદંતર નિષ્ફળ છે એ સ્વીકારવું પડે. એ બાબત કઈ? એ એક બાબત છે, કેટલાક ભારતીયોમાં રહેલી અપ્રામાણિકતા. જીએસટી આ અપ્રામાણિકતામાં સુધારો લાવી શકે તેવી શક્યતા જ નથી. એ જ કારણે છેલ્લા બે મહિનામાં રૂપિયા 2000 કરોડ કરતાં વધુ રકમની કરચોરી આપણા વેપારીઓએ કરી છે. આ એ જ વેપારીઓએ છે જે જીએસટી નહોતું ત્યારે પણ બિલ વગર માલની ખરીદી અને વેચાણ કરીને દેશને આર્થિક નુકસાન કરતા હતા. અને અત્યારે પણ, સિસ્ટમ સરળ થયા પછી પણ અને કરવેરાની રકમ સાવ નગણ્ય થઈ ગઈ હોવા છતાં અમુક અપ્રામાણિક વેપારીઓ કરચોરી કરીને દેશને નુકસાન કરી રહ્યા છે.
તેના કરતાં પણ વધારે આઘાતજનક સમાચાર તો એ છે કે, હરામખોર વેપારીઓ બોગસ ઇનવોઇસ બનાવતા થઈ ગયા છે. આવા દેશદ્રોહી વેપારીઓ જે માલ સપ્લાય કરવામાં જ નથી આવ્યો તેના ઇનવોઇસ બનાવીને તેના આધારે ઇનપુટ ટેક્સ માટે ક્રેડિટ ક્લેમ કરે છે. જો આ સ્થિતિ હોય તો આ દેશ કેવી રીતે પશ્ચિમના દેશો જેવી પ્રગતિ કરી શકે એ વિચારવું પડશે.

Monday, June 4, 2018

2019ની ચૂંટણી અને વિપક્ષી એકતા


2019ની ચૂંટણી અને વિપક્ષી એકતા
---------------------------------------------------------
કર્ણાટક વિધાનસભાના પરિણામોને પગલે ચારેક વર્ષના લાંબાગાળા પછી ભાજપ તથા એનડીએ-ની વિરોધી છાવણીના કોંગ્રેસના સાથીપક્ષોને થોડી રાહત થઈ છે. કોંગ્રેસ તથા કેટલાક પ્રાદેશિક પક્ષોને એવું લાગે છે કે બસ હવે તો નરેન્દ્ર મોદીને 2019માં હરાવી શકાશે... ચાલો ચકાસીએ
---------------------------------------------------------

--- અલકેશ પટેલ

થોડા દિવસ પહેલાં ભારતમાં એક ટ્વિટ ઘણું વાયરલ થયું હતું... એ ટ્વિટ શબ્દશઃ યાદ નથી, પણ સાર કંઈક આવો હતો – 2019માં બીજેપી કી હાર હુઈ તો ભારત એસા પહેલા દેશ હોગા જિસકે પાસ 10 પ્રધાનમંત્રી, 10 વિત્તમંત્રી ઔર 10 ગૃહમંત્રી હોંગે... ફિર તો વિકાસ હી વિકાસ... ગત 15મી મેએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં એ દિવસથી ભારતમાં રાજકીય સ્થિતિમાં થોડું પરિવર્તન આવ્યું છે. કોંગ્રેસ તથા રાજ્યસ્તરના કેટલાક પ્રાદેશિક પક્ષોને એવું લાગવા માંડ્યું છે કે બસ હવે તો ભાજપને-નરેન્દ્ર મોદીને હરાવી શકાય એમ છે અને હરાવી દઈશું. આ બધા પક્ષોમાં આવી આશાનો સંચાર થવાનું કારણ એ છે કે તેમને લાગે છે કે આ રીતે ચૂંટણી પહેલાં અથવા ચૂંટણી પછી નાના નાના પક્ષો ભેગા થઈ જાય તો ભાજપને સત્તાથી વંચિત રાખી શકાય. આવી આશા અને ધારણાની વાસ્તવિકતા ચકાસવી જોઈએ.
વિરોધપક્ષોની વાતો અને તેમનાં નિવેદનો ઉપર થોડું ધ્યાન આપવામાં આવે તો એક વાત સ્પષ્ટ થાય છે કે આ બધા પક્ષોનું નિશાન વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદી હોય એવું વધારે લાગે છે. અને એ સ્વાભાવિક છે કેમકે નરેન્દ્ર મોદીની કામગીરી અને તેમની પ્રતિભાને કારણે જ 2014 પછી સતત એક પછી એક રાજ્યમાં ભાજપને જીત મળી રહી છે અને કોંગ્રેસની સાથે સાથે પ્રાદેશિક પક્ષો પણ અસ્તિત્વ અને વજૂદ ગુમાવી રહ્યા છે. જોકે સાચી વાત એ છે કે આ બધા જ પક્ષો છેક 2002થી નરેન્દ્ર મોદીથી ડરે છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન બન્યા અને ત્યારપછી જે ઝડપથી ગુજરાતનું ચિત્ર બદલાયું ત્યારથી કોંગ્રેસ સહિત અન્ય પક્ષો ડરેલા છે અને એટલે જ નરેન્દ્ર મોદીની વ્યક્તિગત છબિ ખરાબ કરવા દિવસ-રાત મથામણ કર્યા કરે છે.
પણ હવે માત્ર ભૂતકાળની વાત કર્યા કરવાનો અર્થ નથી. વર્તમાન અને ભવિષ્ય ઉપર નજર કરીએ.
શરૂઆત વડાપ્રધાનપદના દાવેદારોથી કરીએ. નરેન્દ્ર મોદીની સામે જે રાજકીય પક્ષો સંગઠિત થઈ રહ્યા છે તેમાં કોંગ્રેસના રાહુલ ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર, તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનરજી, તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્રાબાબુ નાયડુ, બહુજન સમાજ પાર્ટીનાં માયાવતી, સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહ યાદવ સહિત બીજા પણ કેટલાક ડાર્ક હોર્સ છે જે વડાપ્રધાનપદના દાવેદારે છે. આ જૂથમાં એક સમયે બિહારના મુખ્યપ્રધાન અને જનતા દળ (યુ)ના નેતા નીતિશકુમાર પણ હતા, પરંતુ તેમણે લાલુપ્રસાદની ડૂબતી નૌકા સમયસર છોડીને એનડીએની નૌકા પકડી લીધી એટલે હવે હાલ તો નીતિશકુમારને નરેન્દ્ર મોદીના સ્પર્ધક માનવામાં આવતા નથી (હા, હાલ પૂરતા કેમકે રાજકારણમાં પાસાં ગમેત્યારે પલટાઈ શકે છે. અર્થાત નીતિશકુમાર ફરી મોદી વિરોધી છાવણીમાં જઈને બેસી શકે છે).
હવે આ શક્યતાઓનો વિસ્તાર કરીએ તો ઘણાબધા ‘જો’ અને ‘તો’ ની સંભાવનાઓ જોવી પડે. ઘણા વાચકોને યાદ હશે કે કર્ણાટકમાં ચૂંટણીપ્રચાર ચાલતો હતો ત્યારે એક દિવસ અચાનક એક સંવાદ દરમિયાન રાહુલ ગાંધીએ પોતે વડાપ્રધાન બનવા તૈયાર હોવાનું નિવેદન કરી દીધું હતું. પરંતુ સાથે જ કેટલાકને એ પણ યાદ હશે કે એ જ દિવસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતાઓએ તરત કહી દીધું હતું કે તેમના નેતા શરદ પવાર સૌથી વરિષ્ઠ નેતા છે અને તેથી યુપીએ સંગઠનમાં પવારની વરિષ્ઠતાને ધ્યાનમાં લેવી પડે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ રાહુલની દાવેદારીને મહત્ત્વ આપ્યું નહોતું. મમતા બેનરજી તો રાહુલ ગાંધીને ગણતરીમાં જ નથી લેતાં તેનું પ્રમાણ એપ્રિલ મહિનામાં તેમની દિલ્હીની મુલાકાત વખતે જ સ્પષ્ટ થઈ ગયું હતું. મમતા બેનરજીએ એપ્રિલમાં દિલ્હીની મુલાકાત દરમિયાન અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓ સાથે મુલાકાત કરીને ચૂંટણી જોડાણની સંભાવના ચકાસી હતી. તે દરમિયાન તેઓ રાહુલ ગાંધીને મળ્યાં જ નહોતાં. કોઈ પત્રકારે આ અંગે સવાલ કર્યો ત્યારે મમતા બેનરજી ગુસ્સે પણ થઈ ગયાં હતાં અને કહ્યું હતું કે પોતે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવાના છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીના પરિણામ પછી સમાજવાદી પાર્ટી (સપા)એ સત્તાવાર રીતે કોંગ્રેસ સાથેનું જોડાણ તોડી નાખ્યું હતું એ સૌ જાણે છે.
સાચી વાત એ છે કે કોંગ્રેસને ઘણાખરા પ્રાદેશિક પક્ષો સાથે બનતું નથી. તેના કરતાં વધારે વાસ્તવિકતા એ છે કે મોટાભાગના પ્રાદેશિક પક્ષોની સ્થાપના જ કોંગ્રેસના વિરોધમાં થઈ હતી. પરંતુ છેલ્લા થોડાં વર્ષમાં નરેન્દ્ર મોદીનો પ્રભાવ વધતાં કોંગ્રેસનો તો સફાયો થઈ જ ગયો પરંતુ પ્રાદેશિક પક્ષોના અસ્તિત્વ ઉપર પણ જોખમ ઊભું થયું અને એ કારણે હવે બધાને એમ લાગે છે કે લોકસભામાં તો ઠીક પણ જે તે રાજ્યમાં પણ તેમનું નામોનિશાન નહીં રહે.
ટૂંકમાં કહેવાનો આશય એ છે કે એક વ્યક્તિના ડરને કારણે હાલ એવા એવા રાજકીય પક્ષો સંગઠિત થઈ રહ્યા છે જેમની વિચારધારા હજુ આજે પણ એકબીજાથી તદન વિરુદ્ધ દિશાની છે. જેમ કે હજુ ગઈકાલ સુધી બાપે માર્યાં વેર ધરાવતા કોંગ્રેસ પક્ષ અને શિવસેના વચ્ચે હાલ અજબ પ્રકારનું ઈલુઈલુ થઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસ પક્ષ શિવસેનાને ભાજપ કરતાં પણ વધારે હિન્દુવાદી કહીને તેનાથી દૂર રહેતો હતો. એ જ રીતે શિવસેના પણ કોંગ્રેસને ભારતની તમામ સમસ્યાઓનું મૂળ માનતો હતો એ કોઈનાથી છૂપી વાત નથી. છતાં આજે એ જ કોંગ્રેસ અને એ જ શિવસેના એકબીજાને ગમવા લાગ્યા છે. મોદી-ભાજપના પ્રભાવને કારણે મહારાષ્ટ્રમાં શિવસેના વજૂદ ગુમાવી રહ્યો છે એ વાસ્તવિકતા છે. મહારાષ્ટ્ર બહાર શિવસેનાને કોઈ ઓળખતું નથી.
સોશિયલ મીડિયામાં એક મૅસેજ એવો પણ ફરે છે કે – આ વિરોધપક્ષો એમ કહે છે કે નરેન્દ્ર મોદીએ દેશ માટે કશું કર્યું નથી... તો પછી 23 પક્ષોએ સંગઠિત થવાની શું જરૂર છે? અર્થાત નરેન્દ્ર મોદીએ કશું કામ નહીં કર્યું હોય તો પ્રજા આપોઆપ તેમને હરાવી દેશે, વિપક્ષોએ સંગઠિત થવાની ક્યાં જરૂર છે? પણ વાસ્તવિકતા જ એ છે કે નરેન્દ્ર મોદીએ આ દેશ માટે ઘણું કામ કર્યું છે અને એ કારણે જ 2019માં તેમની જીતની શક્યતા વધારે છે એ ડરથી જ વિપક્ષો એકત્ર થઈ રહ્યા છે. તેમને દેશની કશી પડી નથી. જો આ વિપક્ષોને દેશની ચિંતા હોત તો અને હાલ ચિંતા હોય તો જ્યાં છે ત્યાં દેશ માટે નક્કર કામગીરી શા માટે કરતા નથી? શું તેઓ લઘુમતી ખુશામત સિવાય, જાતિવાદી સમીકરણો સિવાય વિકાસ અને પ્રગતિના મુદ્દે નરેન્દ્ર મોદી અને ભાજપનો મુકાબલો કરી શકે તેમ છે ખરા? કોંગ્રેસ સહિત સેક્યુલારિઝમની વાતો કરતા પક્ષોએ વાસ્તવમાં જાતિવાદી કુંડાળામાંથી બહાર નહીં આવીને દેશનું નખ્ખોદ વાળી દીધું છે. તેમછતાં આ તો લોકશાહી છે. પ્રજા 2019માં કોને મત આપશે અને કોને ઘેર બેસાડશે એ અત્યારથી કંઈ કહી શકાય નહીં. આપણે કર્ણાટકનું પરિણામ હજુ હમણાં જ જોયું છે. તેના થોડા મહિના પહેલાં ગુજરાતનું પરિણામ પણ જોયું. ગુજરાતમાં તો ભાજપને માંડમાંડ બહુમતી મળી ગઈ, પરંતુ કર્ણાટકમાં આઠ બેઠકનું છેટું પડી ગયું. મતદાર રાજા છે, એ કોના તરફ ઝૂકશે એ કોઈ કહી શકતું નથી, કોઈ જાણતું નથી.

સાવધાનઃ અસહિષ્ણુતા ભાગ-5 હવે શરૂ થશે

સાવધાનઃ અસહિષ્ણુતા ભાગ-5 હવે શરૂ થશે

--- અસહિષ્ણુતા ભાગ-5 એટલા માટે કે નરેન્દ્ર મોદી સરકારનું પાંચમું વર્ષ શરૂ થયું છે અને એ સાથે એક તરફ ખેડૂતોએ શાકભાજી અને દૂધ રસ્તા પર ઢોળવાનું શરૂ કરી દીધું છું. ચિદમ્બરમ્ – અહેમદ જેવા મોટાં માથાં કાયદાની ચુંગાલમાં ફસાઈ રહ્યા છે 

-- અલકેશ પટેલ

છેલ્લા ચાર વર્ષંમાં એકપણ વર્ષ એવું નથી ગયું જેમાં દેશના કોઈને કોઈ રાજ્યમાં મોટાં આંદોલન, હિંસા, તોડફોડ ન થયાં હોય! એકમાત્ર કાશ્મીરને બાદ કરતાં બીજે ક્યાંય ત્રાસવાદી હુમલા તો નથી થયા, પરંતુ ક્યાંક પાટીદારોના નામે તો ક્યાંક જાટના નામે, ક્યાંક ખેડૂતોના નામે તો ક્યાંક લિંગાયતના નામે, ક્યાંક રોહિંગ્યાના નામે તો ક્યાંક ત્રિપલ તલાકના નામે ચાર વર્ષથી આ દેશને અશાંત અને સળગતો રાખવામાં આવ્યો છે. અને હવે નરેન્દ્ર મોદી સરકારનું પાંચમું વર્ષ શરૂ થયું છે ત્યારે ફરી ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા છે. આગામી થોડા દિવસમાં જ અન્ય કોઈ મુદ્દે પણ દેશમાં ભયંકર અસહિષ્ણુતા ઊભી કરવામાં આવશે... કેમકે ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ નોટિસ આપી દીધી છે. ઉપરાંત ગત શુક્રવારે (એક જૂને) સાંડેસરા-સ્ટર્લિંગ જૂથની રૂ. 4,700 કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. આ સમાચારમાં બદમાશ મીડિયાએ જે વાત છૂપાવી છે તે એ કે આ ઔદ્યોગિક જૂથ સાથે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ અને તેમના પરિવારની સાંઠગાંઠ છે.
સત્તા ખોઈ રહેલા વિરોધપક્ષો એકની એક રેકર્ડ વગાડ્યા કરે છે કે મોદી સરકાર દરેક મોરચે નિષ્ફળ ગઈ છે. પરંતુ આ દેશના સામાન્ય નાગરિકોએ બે મિનિટ માટે આંખો બંધ કરીને વિચાર એ વાતનો કરવાનો છે કે દેશ શું ખરેખર પાછળ ગયો છે કે આગળ? હા, પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો દઝાડી રહ્યો છે એ વાત સાચી, પરંતુ એ એક મુદ્દાને બાદ કરતાં શું અન્ય ક્ષેત્રોમાં પ્રજાને રાહત નથી?
મોટાભાગના અખબાર અને ટીવી ચૅનલોએ ગત 31 મે ને ગુરુવારે જાહેર થયેલા અર્થતંત્રના આંકડા કાંતો પ્રજા સુધી પહોંચાડ્યા નથી અથવા એ આંકડામાં ચાલાકી અને ઘાલમેલ કરીને રજૂ કર્યા છે. એ વાસ્તવિક આંકડા અનુસાર ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વિકાસદર 7.7 ટકા રહ્યો. આટલો ઊંચો વિકાસદર રહેવાનું કારણ એ હતું કે, આ ગાળામાં કૃષિ ક્ષેત્રનો 4.5 ટકાના દરે વિકાસ થયો, ઔદ્યોગિક ઉત્પાદન 9.1 ટકાના દરે વધ્યું, બાંધકામ ક્ષેત્રનો વિકાસ અધધ 11.5 ટકાના દરે થયો, જીએસટીની આવક માસિક એક લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગઈ, મોંઘવારીનો દર 4 ટકા કરતાં નીચે છે...
કોઈપણ દેશની પ્રગતિ અને વિકાસ માટે આ આંકડા સામાન્ય ન કહેવાય. દુનિયાનો બીજો કોઈ દેશ હોય તો આવી આર્થિક પ્રગતિની દિલ ખોલીને ઊજવણી કરે, આવી આર્થિક પ્રગતિ બદલ સરકારનાં ઓવારણાં લે... પરંતુ આ દેશ કમનસીબ છે. અહીં તદન સ્વાર્થી અને સાવ અધમ કક્ષાના રાજકીય પક્ષો છે જેઓ કાંતો કોઈ એક પરિવારની ગુલામીમાં માને છે અથવા કોઈ જાતિ, કોઈ સમુદાયની ખુશામત કરવામાં જ દેશની પ્રગતિ હોય એવું માને છે. આ રાજકીય પક્ષોને દેશના સર્વગ્રાહી વિકાસની જરાય પડી નથી. આ રાજકીય પક્ષો નરેન્દ્ર મોદીનો મુકાબલો પ્રગતિના માપદંડ દ્વારા કરી શકે એમ નથી.
આ દેશના નાગરિકોએ સાવ સામાન્ય રીતે જે મુદ્દાઓનો વિચાર કરવાનો છે તે એ કે, (1) મારી પાસે જે કંઈ હતું એ શું મોદી સરકારે છીનવી લીધું છે? (2) ખેડૂતો જે આંદોલન કરે છે એમની બધી જમીન શું મોદી સરકારે પડાવી લીધી છે? ખેડૂતો જે ઉત્પાદન કરતા હોય એ બધું શું મોદી સરકાર મફતમાં પડાવી લે છે? (3) મોદી સરકારે દેશના દરેકે દરેક ગામમાં વીજળી પહોંચાડી દીધી એ શું અંગત સ્વાર્થ માટે કર્યું છે? (4) શું દેશના દરેક સમુદાય, દરેક વર્ગને બધું મફત આપી દેવાથી, બધાના દેવાં માફ કરી દેવાથી આ દેશનો વિકાસ થઈ જશે? (5) શું મોદી સરકારની નીતિને કારણે દુનિયાના દેશો ભારતના દુશ્મન થઈ ગયા છે કે પછી મિત્ર બન્યા છે? (6) દેશ આર્થિક પ્રગતિ કરી રહ્યો છે અને વિશ્વનું સૌથી ઝપથી વિકાસ કરતું અર્થતંત્ર ભારતનું છે એવું વિશ્વબેંક અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ) કહે તો આવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ શું ખોટું બોલતી હશે?
દેશના પ્રામાણિક નાગરિક તરીકે તમને આ બધા સવાલના જવાબ જો ખબર હોય તો પછી તમને એ વાતની પણ ખબર હોય જ કે આટલાં વર્ષ સુધી સત્તામાં રહેલા કોંગ્રેસ પક્ષે ભ્રષ્ટાચાર અને લઘુમતી તુષ્ટિકરણ કરવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી. કોંગ્રેસે અને તેના મળતિયા પક્ષોએ આટલા દાયકા સુધી દેશના દરેક ગામોને રસ્તા, વીજળી અને પાણી પહોંચાડવાનું કામ કર્યું હોત તો નરેન્દ્ર મોદીએ આજે એ કશું કરવું ન પડત ! સાત સાત દાયકા સુધી કોંગ્રેસ અને તેના મળતિયા પક્ષોએ ખેડૂતોને દેવાદાર અને કંગાળ ન રાખ્યા હોતો તો આજે એ ખેડૂતોએ આંદોલન કરવા રસ્તા ઉપર ઊતરવું ન પડત !
સાચી વાત એ છે કે, પોતાની ભ્રષ્ટ અને ખુશામતવાળી નીતિઓને કારણે સતત હારી રહેલા કોંગ્રેસ સહિતના પક્ષો હવે સમજી ગયા છે કે નરેન્દ્ર મોદી આ જ રીતે આ દેશનો વિકાસ કર્યા કરશે તો, આ દેશની પ્રગતિની ગાડી જો આ જ ગતિએ દોડ્યા કરશે તો ચૂંટણીના રાજકારણમાં ભાજપને હરાવવાનું મુશ્કેલ થઈ જશે. એ સંજોગોમાં ભાજપને હરાવવા માટે જૂઠાણાનો આશ્રય લેવા સિવાય કોઈ છૂટકો નથી.
બીજી એક બાબત દેશના નાગરિકો ખાસ નોંધી રાખે કે, કોંગ્રેસના શાસન દરમિયાન અતિશય માત્રામાં ભ્રષ્ટાચાર થયેલા છે. તેમના નેતાઓ એક પછી એક સીબીઆઈની પકડમાં આવી રહ્યા છે. પી. ચિદમ્બરમની ધરપકડ કોઈપક્ષ ક્ષણે થઈ શકે તેમ છે. અહેમદ પટેલના ભ્રષ્ટાચારનો ઘડો પણ ભરાઈ રહ્યો છે. ખૂદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નેશનલ હેરલ્ડ કેસમાં જામીન ઉપર છે અને એ કેસમાં ગમેત્યારે એ બંને ફસાઈ શકે તેમ છે. આ સંજોગોમાં એ બધાએ બચવું હોય તો નરેન્દ્ર મોદીને હરાવવા પડે... અને એટલે જ કોઈ વૈચારિક સમાનતા કે સૈદ્ધાંતિક એકતા વિના તમામ ભ્રષ્ટ અને કોમવાદી પક્ષો મોદીની વિરુદ્ધમાં એક મંચ ઉપર આવી રહ્યા છે.
હવે વિચારવાનું દેશના નાગરિકોએ છે, વિચારવાનું દેશના મતદારોએ છે કે તેમને પ્રામાણિકતાપૂર્વક મહેતન કરીને દેશને આગળ વધારવા માટે પ્રયાસ કરતા નેતાઓ જોઈએ છે કે પછી ભ્રષ્ટાચાર, સગાવાદ, પરિવારવાદ, જાતિવાદ, લઘુમતી તુષ્ટિકરણમાં રાચતા રાજકારણીઓને પાછા લાવવા છે?