Sunday, May 1, 2022

ગુજરાતે પ્રગતિ અને વિકાસના ખરા અર્થ 1995 પછી જાણ્યા


ગુજરાત આજે 62નું થયું. 1960થી 1995 સુધી ગુજરાત સમૃદ્ધ તો હતું, પણ રાજ્ય તરીકે કોઈ પ્રતિષ્ઠા ન હતી. એ જ રાજ્ય આજે દેશભરમાં મોડેલ સ્ટેટ તરીકે ચર્ચાય છે, શા માટે?

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 સ્વતંત્ર ભારતના ઈતિહાસની જ્યારેપણ ચર્ચા થશે ત્યારે 2014 પહેલાના ભારત અને 2014 પછીના ભારત- એ રીતે તુલનાત્મક ચર્ચા થશે. એવી જ રીતે આજે રવિવાર, પહેલી મે, 2022ના દિવસે અલગ ગુજરાત રાજ્યની સ્થાપનાના 62મા વર્ષે આપણે રાજ્યનું સાચા અર્થમાં મૂલ્યાંકન કરવું હોય તો 1995 પહેલાંના ગુજરાત અને 1995 પછીના ગુજરાત- એમ મૂલ્યાંકન કરવું પડે. અહીં એવું કહેવાનો કોઈ આશય નથી કે 1960થી 1995 દરમિયાન રાજ્યમાં કોઈ પ્રગતિ થઈ નથી, પરંતુ 1995 પછી જે પ્રગતિ થઈ, જે વિકાસ થયો તેને આધારે ખબર પડે છે કે પ્રગતિ અથવા વિકાસ શું કહેવાય!

રાજ્યની પ્રજા તો એ જ હતી અને આજે પણ એ જ છે. તફાવત રાજકારણીઓ અને સરકારોનો હતો. 25 વર્ષ પહેલાં કોંગ્રેસના રાજકારણીઓ અને કોંગ્રેસની સરકારો કમનસીબે હિંસાખોર ડાબેરીઓના કબજામાં હતા. 1995 પહેલાંની રાજ્ય સરકારોને જૂથવાદ, લઘુમતી ખુશામત તથા પોતાની પ્રગતિમાં રસ હતો અને એ બધામાંથી સમય મળે તો યોજનાઓ અમલમાં મૂકાતી (આ વાતનો નક્કર પુરાવો કોંગ્રેસના જ ભૂતપૂર્વ સંસદસભ્ય અને ભૂતપૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ અરવિંદ પટેલના પુસ્તક – ગુજરાતનું રાજકારણઃ મારી નજરે (1956-1980)માં મળી આવે છે).

1960થી 1995 સુધી કોંગ્રેસ અને સમાજવાદીઓની નીતિને કારણે કોમી તોફાનો પણ છાશવારે થતાં. ખુરશી-પરસ્ત નેતાઓની આંતરિક હુંશાતુંશીને કારણે સતત રાજકીય અસ્થિરતા રહેતી. સ્વર્ગસ્થ અરવિંદભાઈએ જ તેમના પુસ્તક ગુજરાતનું રાજકારણઃ મારી નજરે (1956-1980) માં આ વિશે લખ્યું છેઃ 1947થી 77ના ત્રીસ વર્ષના ગાળામાં ઉત્તરપ્રદેશમાં 10 મુખ્યમંત્રીઓ આવ્યા અને ગુજરાત રાજ્યના 1960થી 77 સુધીના સત્તર વર્ષમાં 7 મુખ્યમંત્રીઓ સત્તાસ્થાને આવ્યા.

આજના યુવાવર્ગે ખાસ એ વાત સમજવાની છે કે, આવી રાજકીય અસ્થિરતા અને તેમાં વળી કોમી તોફાનો- એ સ્થિતિમાં રાજ્યની પ્રગતિ કેવી રીતે થઈ શકે? એ સમયગાળામાં નોંધપાત્ર કહી શકાય એવા કોઈ ટોચના ઉદ્યોગો ગુજરાતમાં સ્થપાતા નહોતા. મૂળ ગુજરાતી ઉદ્યોગપતિઓ પણ શક્ય હોય ત્યાં સુધી બીજાં રાજ્યોમાં ઉદ્યોગો સ્થાપતા. તમારા વડીલોને પૂછશો તો જાણવા મળશે કે એ સમયગાળામાં ભારતના અન્ય પ્રદેશોમાં ગુજરાતીઓનું ખાસ કોઈ માન નહોતું. કેન્દ્ર સરકારમાં પણ ગુજરાતનું કશું ઉપજતું નહોતું.

છેલ્લા 25 વર્ષમાં બધું સર્વશ્રેષ્ઠ થઈ ગયું છે અને હવે આ રાજ્યમાં કોઈ સમસ્યા નથી એવું કહેવાનો આશય નથી, પરંતુ હકીકત એ છે કે, માળખાકીય વિકાસથી માંડીને ઔદ્યોગિક પ્રગતિ સહિત ઘણાખરા માપદંડમાં ગુજરાત આજે પ્રથમ પંક્તિના રાજ્યોની હરોળમાં છે. છેલ્લા થોડાં વર્ષની સ્થિતિ તો એવી છે કે, જો કોઈ ક્ષેત્રમાં ગુજરાત થોડું પણ પાછળ પડે તો એ રાષ્ટ્રીય સ્તરની ચર્ચાનો વિષય બને, રાષ્ટ્રીય નેતાઓ અને રાષ્ટ્રીય મીડિયા ગુજરાત મોડલ ના ટોણા મારે. આવું થવાનું સીધું કારણ એ જ છે કે 1995 પછી અને તેમાંય ખાસ કરીને 2001 પછી વિકાસ અને પ્રગતિની બાબતમાં રાજ્યે પાછું વાળીને જોયું નથી.

વર્તમાન ગુજરાત સરકારમાં વિજય રુપાણીના સમયગાળા દરમિયાન જે સી.એમ.ડૅશબોર્ડ બનાવવામાં આવ્યું હતું એની ખ્યાતિ દક્ષિણ ભારતના છેક કેરળ સુધી પહોંચી અને હજુ આ અઠવાડિયે જ કેરળની ડાબેરી સરકારે તેમના અધિકારીઓને આ બાબતનો અભ્યાસ કરવા ગાંધીનગર મોકલ્યા હતા (https://www.onmanorama.com/news/kerala/2022/04/27/pinarayi-sends-his-chief-secretary-on-a-two-day-tour-to-study-th.html  (2) https://indianexpress.com/article/cities/thiruvananthapuram/kerala-wants-to-study-gujarat-dashboard-invites-criticism-7890702/ )

આમછતાં, ગુજરાતની ટીકા કરનારા ઓછા નથી. આ ટીકાકારો મુખ્યત્વે કાંતો ડાબેરી છે અથવા ખાદીધારી છે. એમની ટીકાના મુદ્દા તદ્દન છીછરા હોય છે. એક આખું સર્વગ્રાહી ચિત્ર રજૂ કર્યું હોય એમાંથી આ ટીકાકારો સાવ નાના-નાના તુચ્છ મુદ્દા ઉપાડીને ટીકાની જે તલવારબાજી કરે છે તેનું કારણ સ્પષ્ટપણે તેમના સ્થાપિત હિતો છે. કહેવાતા બુદ્ધિજીવી પ્રાધ્યાપકો, તંત્રીઓ, લેખકો, ભૂતપૂર્વ પોલીસ અધિકારી – આ બધાને જો ખરેખર પ્રજાની ચિંતા હોય, ખરેખર જો રાજ્યની પ્રગતિમાં રસ હોય તો એમણે રચનાત્મક સૂચનો સાથે આગળ આવવું જોઇએ. પરંતુ એ લોકો એવું નથી કરતા, અને એટલે જ એમના ઇરાદા શંકાસ્પદ છે. તેમનામાં જો ખરેખર તટસ્થતા હોય તો તેમણે 1995 પહેલાંના અને ત્યારપછીના ગુજરાતનો તુલનાત્મક અભ્યાસ કરવો જોઇએ.

ઘટનાઓ અને પ્રગતિના સાતત્ય વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. જો મારે તુલનાત્મક અભ્યાસ રજૂ કરવાનો હોય તો હું એક વાક્યમાં કહી શકું કે, ગુજરાતના પ્રથમ 35 વર્ષના ઇતિહાસમાં ઘટનાઓની માત્રા વધારે હતી અને (તેથી જ) પ્રગતિનું સાતત્ય નહિવત્ હતું, જ્યારે છેલ્લાં 25 વર્ષમાં ઘટનાઓની માત્રા નહિવત્ છે અને (તેથી જ) પ્રગતિનું સાતત્ય છે. બસ, આટલી વાત સમજો અને વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment