Sunday, April 24, 2022

ન્યાયતંત્ર એક્ઝેટ્લી કામ કેવી રીતે કરે છે, કોઈ કહી શકે?

 


દિલ્હીમાં ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા સિબ્બલ અને ભૂષણને લાખો રૂપિયાની ફી કોણે ચૂકવી?

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 સો દોષિત ભલે છૂટી જાય, પણ એક નિર્દોષને સજા ન થવી જોઇએ.” … “જસ્ટિસ ડીલેડ ઈઝ જસ્ટિસ ડિનાઇડ.” … “સત્યમેવ જયતે.” … – આવું બધું સાંભળવા-વાંચવામાં સારું લાગતું હોય છે, પરંતુ વાસ્તવિકતા હંમેશાં આવી નથી હોતી એ પણ બધાને ખ્યાલ છે. કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ રજૂ થઈ એના ઓછામાં ઓછા એક કે બે વર્ષ પહેલાં કેટલાક કાશ્મીરી પંડિતોએ 1990ના દાયકામાં તેમની સાથે થયેલા અત્યાચાર સામે ન્યાય માગવા કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે એ અરજીનો તત્કાળ એમ કહીને નિકાલ કરી દીધો હતો કે ઘણો લાંબો સમય વીતી ગયો હોવાથી આ કેસમાં હવે પુરાવા અને સાક્ષીઓ મળે તેમ લાગતું નથી! કોર્ટના આ નિર્ણય પાછળનો તર્ક આજેય કોઇને સમજાતો નથી. કેમ કે, કાશ્મીરમાં હિન્દુઓનો હત્યાકાંડ 1990ના અરસામાં થયો તેના છ વર્ષ પહેલાં 1984માં દિલ્હી સહિત ભારતમાં ઘણી જગ્યાએ સિખ વિરોધી હત્યાકાંડ થયો હતો અને તેના કેસ ફરી ખૂલ્યા હતા અને ઘણા આરોપીઓને સજા પણ થઈ હતી.

મહારાષ્ટ્રના પાલઘર ખાતે નિર્દોષ હિન્દુ સાધુઓની હત્યાનાં દૃશ્યો આજેય બધાની આંખ સામે તરવરે છે. એ ઘટનાને બરાબર બે વર્ષ પૂરા થઈ ગયા છે. એ કેસ ચલાવીને ઘાતકી હત્યારાઓને સજા કરવાની કોઇને ઉતાવળ નથી.

શ્રી રામ જન્મભૂમિનો કેસ આમ તો સ્વતંત્રતા પહેલાથી ચાલતો હતો, પરંતુ આપણે 1947 પછીની વાત કરીએ તો પણ 75 વર્ષ અર્થાત પોણી સદી સુધી કેસ ચાલતો રહ્યો એ કેવી રીતે બન્યું હશે?

ગરીબોની મદદ માટે નાણા ઉઘરાવવાની ઑનલાઇન અપીલ કરીને એ નાણાં અંગત કામો માટે વાપરી નાખનાર નકલી પત્રકાર રાણા અયુબનું કૌભાંડ માત્ર ત્રણ-ચાર કરોડનું જ છે એટલે એને વિદેશ જવા દેવામાં વાંધો નથી એવો ચુકાદો અદાલત આપે ત્યારે ન્યાયની દેવી કઈ કોઠીમાં મોં ઘાલીને રોતી હશે કોઈ જાણતું નથી.

એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ નામની કુખ્યાત સંસ્થાની ભારતીય શાખાના નાણાકીય કૌભાંડની તપાસ ચાલુ હોય, તેના વડા આકાર પટેલ સામે લૂકઆઉટ નોટિસ નીકળેલી હોય અને એ  વિદેશ જતો હોય, ત્યારે તેને રોકવો એ કાયદાના રખેવાળોની ફરજ છે અને છતાં એ વ્યક્તિ અદાલતમાં પહોંચી જાય અને અદાલત આર્થિક અપરાધ કેસના એ શકમંદને વિદેશ જવાની છૂટ આપે એટલું જ નહીં પરંતુ તેને રોકનાર સીબીઆઈને એક શકમંદની માફી માગવા જણાવે ત્યારે કયા બંધારણની કઈ કલમ ઉપયોગમાં આવી હશે એ સમજાતું નથી.

આવી યાદી બનાવતા જઇએ તો અદાલતોમાં પડતર કેસો વિશે એક આખું દળદાર પુસ્તક તૈયાર થાય. છતાં દાયકાઓથી ચાલતા અગણિત કોર્ટ-કેસો વિશે કોઇને કશી જ ચિંતા નથી. પરંતુ આ દેશમાં ગેરકાયદે વસવાટ કરતા રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરોની સાથે બધા ઊભા હોય છે. એમણે સરકારી જગ્યાઓ ઉપર અને જાહેર માર્ગો ઉપર ગેરકાયદે ઊભા કરી દીધેલાં દબાણો હટાવવાની કામગીરી સામે કોંગ્રેસી કૂળના સિબ્બલ અને માઓવાદી કૂળના ભૂષણ અવરોધ ઊભા કરી શકે છે! માત્ર આ દેશમાં જ આવું થઈ શકે.

કોંગ્રેસના ખભે બેસીને આવેલા અને ધિક્કાર તેમજ આક્રોશ ચડે એ હદના સેક્યુલારિઝમે આ દેશની પ્રગતિને એક સદી સુધી પાછળ ધકેલી દીધી છે. લઘુમતી ખુશામતનું માઓવાદી ઝેર એ હદે આ દેશની રગેરગમાં ફેલાઈ ગયું છે કે અહીંના મૂળ વતની એવા હિન્દુઓએ પોતાના નાના-નાના હકો માટે અરજીઓ કરવી પડે છે અને મોરચા કાઢવા પડે છે અને અપીલો કરવી પડે છે. રાજસ્થાનના કોંગ્રેસના મુખ્યપ્રધાન 300 વર્ષ જૂના શિવમંદિર ઉપર બુલડોઝર ફેરવી દે ત્યારે  સેક્યુલર-લિબરલ પ્રજાતિ પીશાચી આનંદ માણે એના કરતાં વધારે ગંભીર સ્થિતિ કઈ હોઈ શકે?

રામનવમી શોભાયાત્રાઓ ઉપર ઠેરઠેર થયેલા જેહાદી હુમલાઓના સંદર્ભમાં ગયા રવિવારે મેં એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. હિંસાખોર સેક્યુલર પ્રજાતિએ એ જેહાદી હુમલાઓનો એમ કહીને બચાવ કર્યો હતો કે શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણી કરવામાં આવી હતી. એ સંદર્ભમાં મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, ધારી લો કે ઉશ્કેરણી કરવામાં આવી હોય તો શું તમારી પાસે કાયદાનું શસ્ત્ર નહોતું? શું તમે એ કહેવાતી ઉશ્કેરણીના વીડિયો સહિત અન્ય પુરાવા પોલીસ અને અદાલતમાં રજૂ કરી શકતા નહોતા? કહેવાતી ઉશ્કેરણી એ શોભાયાત્રા દરમિયાન જ થઈ હોય તો વિધર્મી ટોળાં પાસે પથ્થરો અને લાકડીઓ અને તલવારો અને પેટ્રોલબોંબ પહેલેથી કેમ હાજર હતા? રામનવમી તેમજ હનુમાન જયંતિની શોભાયાત્રાઓ ઉપર થયેલા હિંસક હુમલાના કેસ પણ અદાલતોમાં ચાલશે...અને ત્યારે આ મુદ્દો ધ્યાનમાં લેવાશે કે નહીં એના વિશે ખાતરીપૂર્વક કહી શકાતું નથી. આવા હુમલા દ્વારા હિન્દુઓને તેમની ધાર્મિક પરંપરાઓનો ત્યાગ કરવા ફરજ પાડવામાં આવી રહી છે એ વાત ન્યાયતંત્રને સમજાવવામાં સફળતા મળશે? વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment