Monday, April 4, 2022

પ્રશાંત કિશોરની પારકી કૂખ કોંગ્રેસને સત્તા જણી આપશે?

 

પારકી કૂખે જણેલા કુંવરના સહારે કોંગ્રેસ સત્તા મેળવવાના સપનાં જૂએ છે, પણ...જૂથવાદમાં ગળાડૂબ કોંગ્રેસે પહેલાં નેતા તો નક્કી કરવા પડશેને?

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સંબંધિત દરેક પક્ષકારે પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ તો હંમેશ પ્રમાણે આવી દરેક મહત્ત્વની ચૂંટણી માટે ઓછામાં ઓછા એક વર્ષ પહેલાંથી તૈયારી શરૂ કરી દેતો હોય છે, એટલે એ વિશે અહીં વાત કરવાની કોઈ જરૂર નથી. તો રહ્યો એક જ પક્ષ – કોંગ્રેસ.

ગુજરાતમાં મૂળ કોંગ્રેસના કહી શકાય એવા છેલ્લા મુખ્યપ્રધાન હતા માધવસિંહ સોલંકી (1989-1990). ત્યારપછી છબિલદાસ મહેતા કોંગ્રેસની સરકારના મુખ્યપ્રધાન (1994-95) બન્યા હતા ખરા પરંતુ તેઓ પહેલેથી કોંગ્રેસમાં નહોતા અને સત્તા ગયા પછી પણ કોંગ્રેસમાં નહોતા રહ્યા. એટલે એવું કહેવામાં જરાય ખોટું નથી કે ગુજરાતમાં છેલ્લે આપબળે ચૂંટાયેલી કોંગ્રેસની સરકાર છેક 1990માં હતી, અર્થાત પૂરા 32 વર્ષ પહેલાં!

32 વર્ષથી આપબળે સત્તા જણી નહીં શકેલી કોંગ્રેસ હવે પ્રશાંત કિશોરની પારખી કૂખ ભાડે લેવા માગે છે એવા અહેવાલ છેલ્લા એકાદ અઠવાડિયાથી મળી રહ્યા છે. પણ મુદ્દો એ છે કે, કોંગ્રેસની આવી સ્થિતિ શા માટે આવી? અને એવું પણ નથી કે માત્ર ગુજરાતમાં કોંગ્રેસની આવી સ્થિતિ છે. લગભગ દરેક રાજ્યમાં કોંગ્રેસ માટે અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થઈ ગયો છે.

કોંગ્રેસની આવી સ્થિતિ કંઈ આજકાલથી નથી. 1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી કોંગ્રેસ પક્ષ જૂથવાદના કાદવમાં ખૂંપેલો છે. તેનાં સેંકડો ઉદાહરણ કોંગ્રેસના જ ભૂતપૂર્વ ધારાસભ્ય અને સંસદસભ્ય સ્વર્ગસ્થ અરવિંદ પટેલના પુસ્તક – ગુજરાતનું રાજકારણઃ મારી નજરે (1956-1980)માં મળી આવે છે. આ પુસ્તકમાં અરવિંદભાઈએ પોતે કોંગ્રેસના નેતા હોવા છતાં પક્ષમાં જે કંઈ હુંશાતુંશી થતી હતી તેનું સાક્ષીભાવે વર્ણન – આલેખન અને અર્થઘટન કર્યું છે. જોઇએ કેટલાક નમૂનાઃ

--- કોંગ્રેસના નેતાઓમાં પરસ્પર મતભેદો અને સ્પર્ધાઓ ઘણી જ થઈ છે. આ મતભેદોમાં જ્યાં મોટી સામ્યતા રહી છે તે એ છે કે, આ મતભેદો પહેલાં કોઈ સૈદ્ધાંતિક આધાર ઉપર શરૂ થતા અને પાછળથી તે વિરોધ વ્યક્તિગત સત્તાસંઘર્ષનું રૂપ પકડી લેતો. 1947થી 77ના ત્રીસ વર્ષના ગાળામાં ઉત્તરપ્રદેશમાં 10 મુખ્યમંત્રીઓ આવ્યા અને ગુજરાત રાજ્યના 1960થી 77 સુધીના સત્તર વર્ષમાં 7 મુખ્યમંત્રીઓ સત્તાસ્થાને આવ્યા. (પાના નં. 2)

--- ઉત્તરપ્રદેશની રાજનીતિની ઊથલપાથલનું બીજ જવાહરલાલજી સાથેની ચંદ્રભાનુ ગુપ્ત (સી.બી.ગુપ્ત)ના વિચારોની ભિન્નતામાં પડેલું છે. તો ગુજરાતની ઊથલપાથલનું બીજ મોરારજીભાઈ દેસાઈ સાથેની ડૉ. જીવરાજ મહેતાના વિચારોની ભિન્નતામાં રહેલું હતું. (પાના નં. 2)

--- આ બધી પરિસ્થિતિથી (થાકેલા) ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ નારાયણ મહેતાએ પોતાના પદ ઉપરથી 19મી સપ્ટેમ્બર 1963ના રોજ રાજીનામું આપ્યું અને આ રીતે અધવચ્ચે જ પ્રથમ વખત જ પ્રધાનમંડળનું પતન થયું. કોંગ્રેસપક્ષની જૂથબંધીના દૂષણે હવે છાપરે ચઢીને દેખા દઈ દીધી હતી.(પાના નં. 11)

--- સમગ્ર દેશમાં અને ગુજરાતમાં 1967ના ફેબ્રુઆરીમાં સામાન્ય ચૂંટણી યોજાઈ. ગુજરાતમાં એક મોટા અને સંગઠિત પક્ષ તરીકે સ્વતંત્ર પક્ષે કોંગ્રેસને પડકાર્યો. ભાઈકાકા પ્રત્યે લોકોને અપાર ચાહના હતી. ગુજરાતમાં ભાઈકાકાએ સ્વતંત્ર પક્ષને કોંગ્રેસના વૈકલ્પિક પક્ષ તરીકે મૂકી દીધો... ...ગુજરાત વિધાનસભાની કુલ 168 બેઠકોની ચૂંટણીમાં પરિણામ આવતાં કોંગ્રેસ પક્ષને 93 બેઠકો મળી. જ્યારે વિરોધ પક્ષે સ્વતંત્ર પક્ષને 65, પ્રજા સમાજવાદી પક્ષને 3 અને જનસંઘને 1 તથા બાકીની બેઠકો અપક્ષોને ફાળે ગઈ. સ્વતંત્ર પક્ષે આ ચૂંટણીમાં કોંગ્રેસના દાંત ખાટા કરી નાખ્યા હતા એમ કહીએ તો અતિશયોક્તિ નથી...(પાના નં. 20)

--- “ગુજરાતમાં અને સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષને ચોથી લોકસભાની 1967ની ચૂંટણીમાં પ્રથમ વખત જ મોટો ફટકો પડ્યો હતો. કેન્દ્રમાં પણ શ્રીમતી ઈન્દિરા ગાંધીની સરકાર માત્ર 15 જેટલા સંસદસભ્યોની બહુમતીથી જ સત્તા પર આવી. દેશના લગભગ 7 થી 8 રાજ્યોમાં કોંગ્રેસપક્ષે પ્રથમ વખત જ સત્તા ગુમાવી.. (પાના નં. 21)

આ અને આવા અગણિત કિસ્સા એક સ્વર્ગસ્થ કોંગ્રેસ નેતાના પુસ્તકમાં છે જેનું સંપાદન અને પ્રકાશન શ્રી અરવિંદભાઈના નિધન પછી વરિષ્ઠ પત્રકાર-લેખક બિનીત મોદીએ કર્યું છે. પુસ્તકમાં પાને-પાને કોંગ્રેસની જૂથબંધી અને ખેંચતાણના કિસ્સા વાંચવા મળે છે. ચૂંટણી નજીક છે ત્યારે પારકી કૂખ કેટલી ઉપયોગી થશે એ કોંગ્રેસ અને મતદારોએ વિચારવું રહ્યું...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment