Sunday, April 10, 2022

સાચો ઈતિહાસ જાણવા માગતા શિક્ષકો-પત્રકારો માટે ક્વિક રેફરન્સ



ભારતની રાજકીય સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ નામે ઠેરઠેર કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે ખોટા અને સાચા ઈતિહાસ વચ્ચેનો તફાવત જાણવા સ્વરાજ@75 વાંચવું રહ્યું

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 દુનિયાનો એકમાત્ર કમનસીબ દેશ ભારત છે જ્યાં 70-70 વર્ષ સુધી ગઝનીના આક્રમણકારી હિંસાખોરો તેમજ બ્રિટિશ લૂંટારાઓને મહાન દર્શાવતો ઈતિહાસ ભણાવાતો રહ્યો. પેઢીઓની પેઢીઓ આ સદંતર ખોટો ઈતિહાસ ભણીને નમાલી બની ગઈ. આ નમાલી પેઢીઓમાંથી જ તૈયાર થયેલા શિક્ષકો અને પત્રકારો પણ કોઈ સંશોધન કરવાને બદલે માઓવાદી-જેહાદી-મિશનરી હિંસાખારો દ્વારા તૈયાર કરવામાં આવેલા નકલી ઈતિહાસને આંખે પાટા બાંધીને ગોખતા રહ્યા અને સમાજને એ દૂષિત ઈતિહાસ પીરસતા રહ્યા. પરંતુ સ્વતંત્રતાના આ 75મા વર્ષે, સ્વતંત્રતાના અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે એક તક ઊભી થઈ છે જ્યારે કમ સે કમ આપણી વર્તમાન પેઢીને ભારતના સાચા અને ભવ્ય ઈતિહાસથી પરિચિત કરાવીએ અને એ દ્વારા આપણી ભાવિ પેઢીઓનું જીવન ગૌરવપ્રદ અને સુરક્ષિત બનાવીએ.

જે શિક્ષકો, પત્રકારો, વિદ્યાર્થીઓ તેમજ રાષ્ટ્ર માટે થોડીઘણી નિસબત ધરાવતા હોય તેમણે સાચો ઈતિહાસ જાણવાની શરૂઆત સ્વરાજ@75 પુસ્તકથી કરવી જોઇએ. આ પુસ્તક હાલ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. પ્રખર વિદ્વાન જે. નંદકુમારજી દ્વારા લિખીત આ પુસ્તકમાં માત્ર નવ (9) પ્રકરણમાં માઓવાદી-મિશનરી ઈતિહાસકારોના કાવતરાંને ખુલ્લું પાડવા સાથે ભારતવર્ષના સાચા ઈતિહાસના અનેક પ્રમાણ આપ્યાં છે. તે ઉપરાંત ભારતવર્ષનો સાચો ઈતિહાસ લખનાર લેખકો વિશે પણ શ્રી જે. નંદકુમારે તેમના આ પુસ્તકમાં માહિતી આપી છે.

શ્રી નંદકુમાર તેમના આ પુસ્તકમાં આધાર-પુરાવા તેમજ સચોટ દલીલો સાથે એ પણ પુરવાર કરે છે કે, છેક 1741માં એ સમયના ત્રાવણકોર (આજના કેરળ)ના રાજા માર્તન્ડ વર્માએ ભારતમાં આધિપત્ય જમાવવા વેપારીના વેશમાં આવેલા ડચ સામ્રાજ્યવાદીઓને યુદ્ધમાં હરાવીને ભગાડી મૂક્યા હતા. માઓવાદી-મિશનરી-જેહાદી ઈતિહાસકારોએ ભારતને સતત એવું જ ભણાવ્યું છે કે માત્ર અમુક જણે જ દેશને સ્વતંત્રતા અપાવી. પરંતુ એ વાત સાચી નથી એ જાણવા-સમજવાનું હવે અઘરું કે અશક્ય નથી. આ ઉપરાંત ઉપરોક્ત કથિત ઈતિહાસકારોએ એવી પણ સતત ભ્રમણા ફેલાવ્યે રાખી હતી કે, દેશના માત્ર અંગ્રેજી ભણેલા લોકોએ જ સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. આ ભ્રમણાનું પણ આ પુસ્તકમાં યોગ્ય ખંડન કરવામાં આવ્યું છે.

બ્રિટિશ ઘૂસણખોરોએ આ ભારતને સૌથી વધુ નુકસાન આ દેશ વિશે ખોટી માહિતી ફેલાવીને, ખોટા નૅરેટિવ ઊભા કરીને કર્યું છે. આવી જ ખોટી માહિતી સતીપ્રથા અંગેની છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં ક્યાંય સતીપ્રથાનો એકપણ કિસ્સો મળતો નથી. મધ્યયુગીન ભારતમાં બે-પાંચ ગણ્યા-ગાંઠ્યા કિસ્સા છે જે વ્યક્તિગત કારણોસર હતાં, પરંતુ બદમાશ અંગ્રેજોએ તેને સમગ્ર હિન્દુ સમાજ સાથે જોડી દઇને તેના વિશે એ હદે અપપ્રચાર કર્યો કે આજ સુધી શિક્ષિત રાષ્ટ્રવાદીઓ પણ એમ જ માને છે કે, દેશમાં એક સમયે સતીપ્રથા હતી અને એ અંગ્રેજોએ દૂર કરી! ખેર, આ મુદ્દાને પણ આ પુસ્તકમાં (પાના નં. 38) આવરી લઇને તેના વિશે યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી છે.

પુસ્તકના પ્રકરણ ચાર (4), પાના નં. 42 ઉપર લેખકે એક નાઇજિરીયન નવલકથાકાર બેન ઓકરીને ટાંક્યા છે. બેન ઓકરી કહે છે કે, કોઇપણ રાષ્ટ્રને ખતમ કરવા માટે તેના વિશે અપપ્રચાર કરવાનું શરૂ કરો. આવો અપપ્રચાર કરવાથી એ રાષ્ટ્રની પ્રજા હતાશ થવા લાગશે. ત્યારપછી એ પ્રજાને એવી હતાશાભરી વાતો જ જોવા-સાંભળવા-વાંચવાની ગમશે. અને આ રીતે ધીમે ધીમે એ રાષ્ટ્ર વિનાશ તરફ ધકેલાઈ જશે. - હવે આ વાતને ભારતના સંદર્ભમાં જોવાથી ખ્યાલ આવશે કે, 10મી સદીમાં જેહાદી આક્રમણકારીઓથી શરૂ કરીને 17મી સદીમાં અંગ્રેજ ઘૂસણખોરોએ ભારતની બાબતમાં બરાબર આવું જ કર્યું છે. ભારતીય સાહિત્ય, ભારતીય સંસ્કૃતિ, ભારતીય કળા દરેકને આક્રમણકારીઓ તેમજ ઘૂસણખોરોએ તોડી-મરોડીને રજૂ કરી, એ પ્રકારે અપપ્રચાર ચલાવ્યો, એવાં લખાણો અને પુસ્તકો લખાયાં અને છેવટે પ્રજા પણ એ બધું માનવા લાગી અને એક સમયના પોતાના મહાન દેશને, પોતાની મહાન સંસ્કૃતિને અપખોડવા લાગી.

ટૂંકમાં, સ્વતંત્રતાના આ 75મા વર્ષે આપણી પાસે આપણા સાચા ઈતિહાસ, આપણા સાચા સાંસ્કૃતિક વારસાને ઓળખવાની તક આવી છે. અગાઉ કહ્યું તેમ- સાચા શિક્ષકો, સાચા પત્રકારો, અન્ય રાષ્ટ્રવાદી આગેવાનો આ અને આવાં બીજાં પુસ્તકો દ્વારા વર્તમાન પેઢીને જાગ્રત કરી શકે છે અને એ દ્વારા ભાવિ પેઢીને સુરક્ષિત કરી શકે છે. કરશો ને? જવાબની રાહ જોઈશ...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

--------- પુસ્તક મેળવવા માટે સંપર્ક ----------

સુરુચિ પ્રકાશન

વૉટ્સએપ નંબર - 8851358634

www.suruchiprakashan.in 

કિંમત - રૂપિયા 63/-

No comments:

Post a Comment