Sunday, May 8, 2022

કોંગ્રેસને કદી મીડિયાની સ્વતંત્રતા પસંદ નથી હોતી


 અમન ચોપરા વિરૂદ્ધ રાજસ્થાન સરકારઃ

કોંગ્રેસને કદી મીડિયાની સ્વતંત્રતા પસંદ નથી હોતી

-----------------

દાયકાઓથી સંઘ અને ભાજપ વિરુદ્ધ નામજોગ અભિયાન ચલાવનાર મીડિયાને ભય લાગ્યો નથી, પણ છેલ્લા થોડાં વર્ષમાં કોંગ્રેસ અને કોંગ્રેસ-કૂળના અન્ય રાજકીય પક્ષો વિરુદ્ધ બોલનાર મીડિયાકર્મીઓએ જેલમાં પણ જવું પડી શકે!

---------------------------------------------------------------

-- અલકેશ પટેલ

-----------------

 અર્ણવ ગોસ્વામી કેસ સૌને યાદ હશે. મહારાષ્ટ્રના પાલઘરમાં ત્રણ હિન્દુ સાધુઓની પોલીસની હાજરીમાં થયેલી હત્યા કેસની ટીવી શોમાં ચર્ચા દરમિયાન માત્ર એક શબ્દના ઉચ્ચારણને કારણે તેણે જેલની યાતના ભોગવવી પડી હતી. અને હવે છેલ્લા થોડા દિવસથી ન્યૂઝ ઈન્ડિયા-18નો સિનિયર એન્કર અમન ચોપરાની પાછળ રાજસ્થાન પોલીસ પડી છે. આ બંને રાજ્યમાં કૉમન ફૅક્ટર એ છે કે ત્યાં કોંગ્રેસની તથા કોંગ્રેસ-સમર્થિત સરકારો છે, જ્યારે ગોસ્વામી અને ચોપરામાં કૉમન ફૅક્ટર એ છે કે, પીડિત હિન્દુઓનો પક્ષ લઇને તેમના વિરુદ્ધ થયેલી હિંસા સામે પ્રશ્ન ઉપસ્થિત કર્યા હતા.

અમન ચોપરાએ તેના શોમાં દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદે દબાણો સામે થયેલી કાર્યવાહીને રાજસ્થાનની ઘટના સાથે જોડીને અલવરમાં 300 વર્ષ જૂના શિવમંદિરને તોડી પાડવાના રાજસ્થાન સરકારના પગલાને બદલાની કાર્યવાહી ગણાવી હતી અથવા કહો કે એ અંગે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. અમન ચોપરાનું આવું વલણ પત્રકારત્વનાં મૂલ્યોની દૃષ્ટિએ ચર્ચાસ્પદ હોઈ શકે. રાજસ્થાનની કોંગ્રેસી સરકારને તેની સામે વાંધો હોય તો સત્તાવાર રીતે વાંધો ચૅનલના વડાને તેમજ અમન ચોપરાને મોકલાવી શકે, એડિટર્સ ગિલ્ડ અને બ્રોડકાસ્ટર એસોશિયેશનમાં રજૂઆત કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે...અને છતાં એવા કોઈ વિકલ્પ પસંદ કરવાને બદલે ચોપરા વિરુદ્ધ રાજસ્થાનમાં ત્રણ અલગ અલગ એફઆઈઆર દાખલ થઈ અને તેને આધારે શનિવારે રાજસ્થાન પોલીસ ચોપરાની ધરપકડ કરવા નોઈડા પહોંચી પણ ગઈ.

આ ઘટનાક્રમમાં વળી પાછી આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે, રાજસ્થાન હાઇકોર્ટે અમન ચોપરાની ધરપકડ કરવા સામે બે અઠવાડિયાનો સ્ટે મૂકી દીધો છે અને આ કેસમાં રાજસ્થાન સરકાર પાસે જવાબ માગ્યો છે અને છતાં રાજસ્થાન પોલીસ અમર ચોપરાના ઘરે પહોંચી ગઈ! પ્રશ્ન એ છે કે શું રાજસ્થાન પોલીસનું આ કૃત્ય અદાલતની અવમાનના ગણાશે? પોલીસ કાર્યવાહીનો સામાન્ય શિરસ્તો એવો હોય છે કે એક વિસ્તારની પોલીસ બીજા વિસ્તારમાં અથવા એક રાજ્યની પોલીસ બીજા રાજ્યમાં શકમંદની ધરપકડ માટે જાય તો જે તે સ્થાનિક પોલીસને જાણ કરે, પરંતુ છેલ્લા એક અઠવાડિયમાં બે રાજ્ય – પંજાબ અને રાજસ્થાનની પોલીસે દિલ્હીમાં ભાજપના નેતા તેજિન્દરસિંહ બગ્ગાની ધરપકડ કરતા પહેલાં અને અમન ચોપરાની ધરપકડ માટે પહોંચી જતા પહેલાં સ્થાનિક પોલીસને જાણ કરી નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શાસિત રાજ્યો અને ત્યાંની પોલીસ જે નવો ટ્રેન્ડ ઊભો કરી રહી છે તે સમગ્ર દેશના પોલીસતંત્ર માટે સારા સંકેત નથી.

અહીં સ્વાભાવિક રીતે ભાજપ અને સંઘ વિરુદ્ધના મીડિયાના રીતસરના કૅમ્પેન ચલાવેલા છે, હજુ પણ ચલાવે છે. અને છતાં ભાજપની કોઈ સરકારે કોઈ મીડિયાકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરી નથી. જિજ્ઞેશ મેવાણીની જેમ વિરોધી રાજકારણીઓ વિરુદ્ધ આવી કોઈ કાર્યવાહી થઈ હોય એ અલગ મુદ્દો છે, પરંતુ ભાજપ-સંઘે દાયકાઓ સુધી તેમની વિરુદ્ધ અભિયાન ચલાવનાર સામે કિન્નાખોરી દાખવી હોવાના કિસ્સા શોધવા પડે.

મમતા બેનરજીના પશ્ચિમ બંગાળમાં તો કલાકારોને તેમની કળાની અભિવ્યક્તિ દ્વારા સરકાર વિરુદ્ધ કાર્ટુન બનાવવાની પણ સ્વતંત્રતા નથી. ગુજરાત સહિત ભાજપશાસિત રાજ્યોમાં દિવસ-રાત ચોવીસે કલાક તટસ્થતાના નામે સરકાર વિરુદ્ધ અભિયાન ચલાવતા મીડિયાકર્મીઓને એક વિનંતી છે કે તેમણે પશ્ચિમ બંગાળના તેમના મીડિયાના મિત્રોને પૂછવું જોઇએ કે તેઓ મમતા બેનરજીની કે તેમની સરકારની ટીકા કરી શકે છે ખરા? નથી જ કરી શકતા. આ વાત ખાતરીપૂર્વક એટલા માટે કહી શકું છું કે, હજુ આ અઠવાડિયે જ પશ્ચિમ બંગાળના એક નાગરિકે દિલ્હીના એક પત્રકારને વ્યક્તિગત સંદેશો મોકલીને વિનંતી કરી હતી કે તેઓ પશ્ચિમ બંગાળની હકીકત દેશના અન્ય રાજ્યો સુધી પહોંચાડે કેમ કે બંગાળનું મીડિયા મમતા સરકાર વિરુદ્ધ એક શબ્દ નહીં બોલી શકે.

ખેર, હાલ વાત અમન ચોપરાની છે. તેનું શું થશે એ હાલ ખાતરીપૂર્વક કહી શકાય નહીં. રાજસ્થાન હાઇકોર્ટે ધરપકડ સામે હાલ સ્ટે આપેલો છે, પરંતુ કાયદાની આંટીઘૂંટી પોલીસ પણ જાણતી હોય છે. પરંતુ પહેલાં અર્ણવ ગોસ્વામી અને હવે અમન ચોપરાના કેસથી એટલું નિશ્ચિત બન્યું કે ભાજપ સામે તટસ્થતાના નામે શૂરા બનતા પત્રકારો કટોકટીના ચાહક કોંગ્રેસ પક્ષ સામે નામજોગ બોલતાં 75થી 77 વખત વિચાર કરશે.

No comments:

Post a Comment