Sunday, May 15, 2022

મથુરા, તેજોમહાલય, જ્ઞાનવાપી અને બીજાં 30,000 મંદિર

(તસવીરઃસ્ક્રોલ.ઈન)

800 પાકિસ્તાની હિન્દુઓ વિશેના (ફેક)-સમાચારનું સત્ય શું છે? ગુરુવારે વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા- યાદ રાખો કે આતંકવાદીઓ કરતાં તેમના સ્લીપર સેલ વધારે જોખમી

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 આ સ્થળે ગયા અઠવાડિયાના લેખમાં એક પુસ્તકનો ફોટો આપ્યો હતો.

આશા છે તમે બધાએ એની નોંધ લીધી હશે અને કેટલાકે વાંચવા માટે મગાવી લીધું હશે! એ પુસ્તકમાં 10મીથી 17મી સદી સુધીમાં અખંડ ભારતમાં તોડી નાખવામાં આવેલાં હજારો મંદિરોની યાદી આપવામાં આવી છે. અને એ યાદી કોઈ હિન્દુ લેખકે નથી આપી, કોઈ હિન્દુ ઈતિહાસકારે નથી આપી...એ યાદી ઇસ્લામિક આક્રમણકારીઓની સાથે ભારતમાં આવેલા મુસ્લિમ ઈતિહાસકારોએ આપેલી વિગતો પરથી તૈયાર કરવામાં આવી છે. બે ભાગમાં પ્રકાશિત એ પુસ્તક વાંચ્યા પછી મને સતત એવું લાગ્યા કરે છે કે, સંબંધિત ન્યાયમૂર્તિઓ તેમજ તમામ સિનિયર મીડિયાકર્મીઓને આ પુસ્તક ભેટ આપવું જોઇએ તથા એ લોકો વાંચી ન લે ત્યાં સુધી મંદિરોના વિવાદને લગતા કેસોની સુનાવણી મોકૂફ રાખવી જોઇએ.

એક ફેક ન્યૂઝને કારણે દેશમાં હાલ સાચા રાષ્ટ્રવાદીઓ અને સાચા મોદી-ભક્તો નહીં પરંતુ કહેવાતા નકલી રાષ્ટ્રવાદીઓ અને કહેવાતા મોદી-ભક્તો પોતપોતાના ઘરના ધાબે ચડીને છાતી કૂટી રહ્યા છે. એ ફેક ન્યૂઝ છે- 800 પાકિસ્તાની હિન્દુઓ વિશેના. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં શરણાર્થી તરીકે ગયેલા પાકિસ્તાની હિન્દુઓને ભારત સરકાર તરફથી (વાંચો મોદી તરફથી) નાગરિકત્વ આપવામાં વિલંબ થવાને કારણે એ હિન્દુઓ હતાશ થઇને પાકિસ્તાન પરત આવી ગયા.

 – હવે આ ફેકની ફેક્ટરીની હકીકત એ છે કે, (જૂઓ આ સાથેનો ફોટો) જે 800 હિન્દુઓની વાત છે એમણે કદી ભારતીય નાગરિકત્વ માટે અરજી જ કરી નહોતી! એ પાકિસ્તાની હિન્દુઓ તો કોરોનાકાળમાં અહીં આવ્યા હતા અને કોરોનાના વિવિધ પ્રતિબંધને કારણે જઈ નહોતા શક્યા. ઉપરાંત તેમના મોટાભાગના પરિવારજનો હજુ પાકિસ્તાનમાં જ રહે છે, તેથી તેમણે અહીં રહેવાનો કે ભારતનું નાગરિકત્વ માગવાનો કોઈ પ્રશ્ન નહોતો. સાચી વાત એ છે કે, આ ફેક ન્યૂઝ એક પાકિસ્તાની સ્વૈચ્છિક સંસ્થાએ (NGO) ઘડી કાઢ્યા અને એક પાકિસ્તાની અખબારે પણ કશી ખાતરી કે ચોકસાઈ કર્યા વિના એ છાપી માર્યું. વા વાયો ને નળિયું ખસ્યું... પછી જે ખેલ થયો એવો ખેલ આમાં થયો. મીડિયા ભારતના હોય કે પાકિસ્તાનના- એમની દાનત લોકોની લાગણીઓ ભડકાવવાની જ હોય છે એ આ કિસ્સામાં વધુ એક વખત સાબિત થયું.

ગયા ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં વધુ એક કાશ્મીરી પંડિતની જેહાદી આતંકીઓએ હત્યા કરી દીધી. જેહાદી આતંકીઓએ રાહુલ ભટ નામના યુવાનની તેની ઑફિસની અંદર પહોંચીને હત્યા કરી દીધી. રાહુલ ભટ બડગામ જિલ્લાની ચદૂરા સ્થિત તાલુકા રેવન્યુ ઑફિસમાં સરકારી કર્મચારી હતો. આવા તાલુકા મથકે રેવન્યુ ઑફિસમાં એક કાશ્મીરી હિન્દુ કામ કરે છે, એ ઑફિસના કયા રૂમમાં હોય છે, એ ક્યાં બેસે છે- આ બધા માહિતી શું જેહાદી ત્રાસવાદીઓએ રિમોટ સેન્સિંગથી મેળવી હશે? ના, જેહાદીઓને આ માહિતી પહોંચાડનાર સ્લીપર સેલ હોય છે. સ્લીપર સેલ આપણી આસપાસ જ હોય છે. એ કોઇપણ સ્વરૂપમાં હોઈ શકે. જે રીતે દુનિયામાંથી માર્ક્સવાદી-માઓવાદી વિચારધારા ધરાવતા લોકોને હાંસિયામાં ધકેલી દેવામાં નહીં આવે ત્યાં સુધી દુનિયામાં શાંતિ નહીં સ્થાપાય, એવી જ રીતે જ્યાં સુધી સ્વીપર સેલોને ઓળખીને તેમને નેસ્તનાબૂદ કરવામાં નહીં આવે ત્યાં સુધી જેહાદી આતંકનો અંત નહીં આવે. સ્લીપર સેલ વિના જેહાદી આતંક ટકી શકે એમ નથી. રાહુલ ભટ વિશે પણ આવા જ કોઈ સ્લીપર સેલે આતંકીઓને સચોટ માહિતી આપી હશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. કશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોઈ હશે તેમને આ વાત યાદ હશે કે હિન્દુઓનાં ઘર કયાં છે અથવા એ ક્યાં સંતાયા છે તેની માહિતી સ્લીપર સેલ જ આપતા હતા. આ જ વાત અમારું રક્તરંજિત વતન પુસ્તકમાં પણ અનેક જગ્યાએ કરવામાં આવી છે કે, આડાશી-પાડોશીઓ કે મિત્રો અથવા અન્ય પ્રકારના સ્લીપર સેલો દ્વારા માહિતી મેળવીને જ 1990ના અરસામાં કાશ્મીર ખીણને હિન્દુ-મુક્ત કરવાની કામગીરી ચાલતી હતી. રાહુલ ભટની હત્યાએ વધુ એક વખત એ વાત સાબિત કરી છે. આવા સ્લીપર સેલને ઓળખો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment