Monday, June 4, 2018

2019ની ચૂંટણી અને વિપક્ષી એકતા


2019ની ચૂંટણી અને વિપક્ષી એકતા
---------------------------------------------------------
કર્ણાટક વિધાનસભાના પરિણામોને પગલે ચારેક વર્ષના લાંબાગાળા પછી ભાજપ તથા એનડીએ-ની વિરોધી છાવણીના કોંગ્રેસના સાથીપક્ષોને થોડી રાહત થઈ છે. કોંગ્રેસ તથા કેટલાક પ્રાદેશિક પક્ષોને એવું લાગે છે કે બસ હવે તો નરેન્દ્ર મોદીને 2019માં હરાવી શકાશે... ચાલો ચકાસીએ
---------------------------------------------------------

--- અલકેશ પટેલ

થોડા દિવસ પહેલાં ભારતમાં એક ટ્વિટ ઘણું વાયરલ થયું હતું... એ ટ્વિટ શબ્દશઃ યાદ નથી, પણ સાર કંઈક આવો હતો – 2019માં બીજેપી કી હાર હુઈ તો ભારત એસા પહેલા દેશ હોગા જિસકે પાસ 10 પ્રધાનમંત્રી, 10 વિત્તમંત્રી ઔર 10 ગૃહમંત્રી હોંગે... ફિર તો વિકાસ હી વિકાસ... ગત 15મી મેએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં એ દિવસથી ભારતમાં રાજકીય સ્થિતિમાં થોડું પરિવર્તન આવ્યું છે. કોંગ્રેસ તથા રાજ્યસ્તરના કેટલાક પ્રાદેશિક પક્ષોને એવું લાગવા માંડ્યું છે કે બસ હવે તો ભાજપને-નરેન્દ્ર મોદીને હરાવી શકાય એમ છે અને હરાવી દઈશું. આ બધા પક્ષોમાં આવી આશાનો સંચાર થવાનું કારણ એ છે કે તેમને લાગે છે કે આ રીતે ચૂંટણી પહેલાં અથવા ચૂંટણી પછી નાના નાના પક્ષો ભેગા થઈ જાય તો ભાજપને સત્તાથી વંચિત રાખી શકાય. આવી આશા અને ધારણાની વાસ્તવિકતા ચકાસવી જોઈએ.
વિરોધપક્ષોની વાતો અને તેમનાં નિવેદનો ઉપર થોડું ધ્યાન આપવામાં આવે તો એક વાત સ્પષ્ટ થાય છે કે આ બધા પક્ષોનું નિશાન વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદી હોય એવું વધારે લાગે છે. અને એ સ્વાભાવિક છે કેમકે નરેન્દ્ર મોદીની કામગીરી અને તેમની પ્રતિભાને કારણે જ 2014 પછી સતત એક પછી એક રાજ્યમાં ભાજપને જીત મળી રહી છે અને કોંગ્રેસની સાથે સાથે પ્રાદેશિક પક્ષો પણ અસ્તિત્વ અને વજૂદ ગુમાવી રહ્યા છે. જોકે સાચી વાત એ છે કે આ બધા જ પક્ષો છેક 2002થી નરેન્દ્ર મોદીથી ડરે છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન બન્યા અને ત્યારપછી જે ઝડપથી ગુજરાતનું ચિત્ર બદલાયું ત્યારથી કોંગ્રેસ સહિત અન્ય પક્ષો ડરેલા છે અને એટલે જ નરેન્દ્ર મોદીની વ્યક્તિગત છબિ ખરાબ કરવા દિવસ-રાત મથામણ કર્યા કરે છે.
પણ હવે માત્ર ભૂતકાળની વાત કર્યા કરવાનો અર્થ નથી. વર્તમાન અને ભવિષ્ય ઉપર નજર કરીએ.
શરૂઆત વડાપ્રધાનપદના દાવેદારોથી કરીએ. નરેન્દ્ર મોદીની સામે જે રાજકીય પક્ષો સંગઠિત થઈ રહ્યા છે તેમાં કોંગ્રેસના રાહુલ ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર, તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનરજી, તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્રાબાબુ નાયડુ, બહુજન સમાજ પાર્ટીનાં માયાવતી, સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહ યાદવ સહિત બીજા પણ કેટલાક ડાર્ક હોર્સ છે જે વડાપ્રધાનપદના દાવેદારે છે. આ જૂથમાં એક સમયે બિહારના મુખ્યપ્રધાન અને જનતા દળ (યુ)ના નેતા નીતિશકુમાર પણ હતા, પરંતુ તેમણે લાલુપ્રસાદની ડૂબતી નૌકા સમયસર છોડીને એનડીએની નૌકા પકડી લીધી એટલે હવે હાલ તો નીતિશકુમારને નરેન્દ્ર મોદીના સ્પર્ધક માનવામાં આવતા નથી (હા, હાલ પૂરતા કેમકે રાજકારણમાં પાસાં ગમેત્યારે પલટાઈ શકે છે. અર્થાત નીતિશકુમાર ફરી મોદી વિરોધી છાવણીમાં જઈને બેસી શકે છે).
હવે આ શક્યતાઓનો વિસ્તાર કરીએ તો ઘણાબધા જો અને તો ની સંભાવનાઓ જોવી પડે. ઘણા વાચકોને યાદ હશે કે કર્ણાટકમાં ચૂંટણીપ્રચાર ચાલતો હતો ત્યારે એક દિવસ અચાનક એક સંવાદ દરમિયાન રાહુલ ગાંધીએ પોતે વડાપ્રધાન બનવા તૈયાર હોવાનું નિવેદન કરી દીધું હતું. પરંતુ સાથે જ કેટલાકને એ પણ યાદ હશે કે એ જ દિવસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતાઓએ તરત કહી દીધું હતું કે તેમના નેતા શરદ પવાર સૌથી વરિષ્ઠ નેતા છે અને તેથી યુપીએ સંગઠનમાં પવારની વરિષ્ઠતાને ધ્યાનમાં લેવી પડે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ રાહુલની દાવેદારીને મહત્ત્વ આપ્યું નહોતું. મમતા બેનરજી તો રાહુલ ગાંધીને ગણતરીમાં જ નથી લેતાં તેનું પ્રમાણ એપ્રિલ મહિનામાં તેમની દિલ્હીની મુલાકાત વખતે જ સ્પષ્ટ થઈ ગયું હતું. મમતા બેનરજીએ એપ્રિલમાં દિલ્હીની મુલાકાત દરમિયાન અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓ સાથે મુલાકાત કરીને ચૂંટણી જોડાણની સંભાવના ચકાસી હતી. તે દરમિયાન તેઓ રાહુલ ગાંધીને મળ્યાં જ નહોતાં. કોઈ પત્રકારે આ અંગે સવાલ કર્યો ત્યારે મમતા બેનરજી ગુસ્સે પણ થઈ ગયાં હતાં અને કહ્યું હતું કે પોતે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવાના છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીના પરિણામ પછી સમાજવાદી પાર્ટી (સપા)એ સત્તાવાર રીતે કોંગ્રેસ સાથેનું જોડાણ તોડી નાખ્યું હતું એ સૌ જાણે છે.
સાચી વાત એ છે કે કોંગ્રેસને ઘણાખરા પ્રાદેશિક પક્ષો સાથે બનતું નથી. તેના કરતાં વધારે વાસ્તવિકતા એ છે કે મોટાભાગના પ્રાદેશિક પક્ષોની સ્થાપના જ કોંગ્રેસના વિરોધમાં થઈ હતી. પરંતુ છેલ્લા થોડાં વર્ષમાં નરેન્દ્ર મોદીનો પ્રભાવ વધતાં કોંગ્રેસનો તો સફાયો થઈ જ ગયો પરંતુ પ્રાદેશિક પક્ષોના અસ્તિત્વ ઉપર પણ જોખમ ઊભું થયું અને એ કારણે હવે બધાને એમ લાગે છે કે લોકસભામાં તો ઠીક પણ જે તે રાજ્યમાં પણ તેમનું નામોનિશાન નહીં રહે.
ટૂંકમાં કહેવાનો આશય એ છે કે એક વ્યક્તિના ડરને કારણે હાલ એવા એવા રાજકીય પક્ષો સંગઠિત થઈ રહ્યા છે જેમની વિચારધારા હજુ આજે પણ એકબીજાથી તદન વિરુદ્ધ દિશાની છે. જેમ કે હજુ ગઈકાલ સુધી બાપે માર્યાં વેર ધરાવતા કોંગ્રેસ પક્ષ અને શિવસેના વચ્ચે હાલ અજબ પ્રકારનું ઈલુઈલુ થઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસ પક્ષ શિવસેનાને ભાજપ કરતાં પણ વધારે હિન્દુવાદી કહીને તેનાથી દૂર રહેતો હતો. એ જ રીતે શિવસેના પણ કોંગ્રેસને ભારતની તમામ સમસ્યાઓનું મૂળ માનતો હતો એ કોઈનાથી છૂપી વાત નથી. છતાં આજે એ જ કોંગ્રેસ અને એ જ શિવસેના એકબીજાને ગમવા લાગ્યા છે. મોદી-ભાજપના પ્રભાવને કારણે મહારાષ્ટ્રમાં શિવસેના વજૂદ ગુમાવી રહ્યો છે એ વાસ્તવિકતા છે. મહારાષ્ટ્ર બહાર શિવસેનાને કોઈ ઓળખતું નથી.
સોશિયલ મીડિયામાં એક મૅસેજ એવો પણ ફરે છે કે – આ વિરોધપક્ષો એમ કહે છે કે નરેન્દ્ર મોદીએ દેશ માટે કશું કર્યું નથી... તો પછી 23 પક્ષોએ સંગઠિત થવાની શું જરૂર છે? અર્થાત નરેન્દ્ર મોદીએ કશું કામ નહીં કર્યું હોય તો પ્રજા આપોઆપ તેમને હરાવી દેશે, વિપક્ષોએ સંગઠિત થવાની ક્યાં જરૂર છે? પણ વાસ્તવિકતા જ એ છે કે નરેન્દ્ર મોદીએ આ દેશ માટે ઘણું કામ કર્યું છે અને એ કારણે જ 2019માં તેમની જીતની શક્યતા વધારે છે એ ડરથી જ વિપક્ષો એકત્ર થઈ રહ્યા છે. તેમને દેશની કશી પડી નથી. જો આ વિપક્ષોને દેશની ચિંતા હોત તો અને હાલ ચિંતા હોય તો જ્યાં છે ત્યાં દેશ માટે નક્કર કામગીરી શા માટે કરતા નથી? શું તેઓ લઘુમતી ખુશામત સિવાય, જાતિવાદી સમીકરણો સિવાય વિકાસ અને પ્રગતિના મુદ્દે નરેન્દ્ર મોદી અને ભાજપનો મુકાબલો કરી શકે તેમ છે ખરા? કોંગ્રેસ સહિત સેક્યુલારિઝમની વાતો કરતા પક્ષોએ વાસ્તવમાં જાતિવાદી કુંડાળામાંથી બહાર નહીં આવીને દેશનું નખ્ખોદ વાળી દીધું છે. તેમછતાં આ તો લોકશાહી છે. પ્રજા 2019માં કોને મત આપશે અને કોને ઘેર બેસાડશે એ અત્યારથી કંઈ કહી શકાય નહીં. આપણે કર્ણાટકનું પરિણામ હજુ હમણાં જ જોયું છે. તેના થોડા મહિના પહેલાં ગુજરાતનું પરિણામ પણ જોયું. ગુજરાતમાં તો ભાજપને માંડમાંડ બહુમતી મળી ગઈ, પરંતુ કર્ણાટકમાં આઠ બેઠકનું છેટું પડી ગયું. મતદાર રાજા છે, એ કોના તરફ ઝૂકશે એ કોઈ કહી શકતું નથી, કોઈ જાણતું નથી.

1 comment:

  1. વિપક્ષો માટે સત્તા હોઠ અને પ્યાલા જેટલુ લાગે છે પણ પાર કરવું બહુ અઘરું છે

    ReplyDelete