Monday, June 4, 2018

સાવધાનઃ અસહિષ્ણુતા ભાગ-5 હવે શરૂ થશે

સાવધાનઃ અસહિષ્ણુતા ભાગ-5 હવે શરૂ થશે

--- અસહિષ્ણુતા ભાગ-5 એટલા માટે કે નરેન્દ્ર મોદી સરકારનું પાંચમું વર્ષ શરૂ થયું છે અને એ સાથે એક તરફ ખેડૂતોએ શાકભાજી અને દૂધ રસ્તા પર ઢોળવાનું શરૂ કરી દીધું છું. ચિદમ્બરમ્ – અહેમદ જેવા મોટાં માથાં કાયદાની ચુંગાલમાં ફસાઈ રહ્યા છે 

-- અલકેશ પટેલ

છેલ્લા ચાર વર્ષંમાં એકપણ વર્ષ એવું નથી ગયું જેમાં દેશના કોઈને કોઈ રાજ્યમાં મોટાં આંદોલન, હિંસા, તોડફોડ ન થયાં હોય! એકમાત્ર કાશ્મીરને બાદ કરતાં બીજે ક્યાંય ત્રાસવાદી હુમલા તો નથી થયા, પરંતુ ક્યાંક પાટીદારોના નામે તો ક્યાંક જાટના નામે, ક્યાંક ખેડૂતોના નામે તો ક્યાંક લિંગાયતના નામે, ક્યાંક રોહિંગ્યાના નામે તો ક્યાંક ત્રિપલ તલાકના નામે ચાર વર્ષથી આ દેશને અશાંત અને સળગતો રાખવામાં આવ્યો છે. અને હવે નરેન્દ્ર મોદી સરકારનું પાંચમું વર્ષ શરૂ થયું છે ત્યારે ફરી ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા છે. આગામી થોડા દિવસમાં જ અન્ય કોઈ મુદ્દે પણ દેશમાં ભયંકર અસહિષ્ણુતા ઊભી કરવામાં આવશે... કેમકે ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈએ નોટિસ આપી દીધી છે. ઉપરાંત ગત શુક્રવારે (એક જૂને) સાંડેસરા-સ્ટર્લિંગ જૂથની રૂ. 4,700 કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. આ સમાચારમાં બદમાશ મીડિયાએ જે વાત છૂપાવી છે તે એ કે આ ઔદ્યોગિક જૂથ સાથે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ અને તેમના પરિવારની સાંઠગાંઠ છે.
સત્તા ખોઈ રહેલા વિરોધપક્ષો એકની એક રેકર્ડ વગાડ્યા કરે છે કે મોદી સરકાર દરેક મોરચે નિષ્ફળ ગઈ છે. પરંતુ આ દેશના સામાન્ય નાગરિકોએ બે મિનિટ માટે આંખો બંધ કરીને વિચાર એ વાતનો કરવાનો છે કે દેશ શું ખરેખર પાછળ ગયો છે કે આગળ? હા, પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો દઝાડી રહ્યો છે એ વાત સાચી, પરંતુ એ એક મુદ્દાને બાદ કરતાં શું અન્ય ક્ષેત્રોમાં પ્રજાને રાહત નથી?
મોટાભાગના અખબાર અને ટીવી ચૅનલોએ ગત 31 મે ને ગુરુવારે જાહેર થયેલા અર્થતંત્રના આંકડા કાંતો પ્રજા સુધી પહોંચાડ્યા નથી અથવા એ આંકડામાં ચાલાકી અને ઘાલમેલ કરીને રજૂ કર્યા છે. એ વાસ્તવિક આંકડા અનુસાર ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વિકાસદર 7.7 ટકા રહ્યો. આટલો ઊંચો વિકાસદર રહેવાનું કારણ એ હતું કે, આ ગાળામાં કૃષિ ક્ષેત્રનો 4.5 ટકાના દરે વિકાસ થયો, ઔદ્યોગિક ઉત્પાદન 9.1 ટકાના દરે વધ્યું, બાંધકામ ક્ષેત્રનો વિકાસ અધધ 11.5 ટકાના દરે થયો, જીએસટીની આવક માસિક એક લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગઈ, મોંઘવારીનો દર 4 ટકા કરતાં નીચે છે...
કોઈપણ દેશની પ્રગતિ અને વિકાસ માટે આ આંકડા સામાન્ય ન કહેવાય. દુનિયાનો બીજો કોઈ દેશ હોય તો આવી આર્થિક પ્રગતિની દિલ ખોલીને ઊજવણી કરે, આવી આર્થિક પ્રગતિ બદલ સરકારનાં ઓવારણાં લે... પરંતુ આ દેશ કમનસીબ છે. અહીં તદન સ્વાર્થી અને સાવ અધમ કક્ષાના રાજકીય પક્ષો છે જેઓ કાંતો કોઈ એક પરિવારની ગુલામીમાં માને છે અથવા કોઈ જાતિ, કોઈ સમુદાયની ખુશામત કરવામાં જ દેશની પ્રગતિ હોય એવું માને છે. આ રાજકીય પક્ષોને દેશના સર્વગ્રાહી વિકાસની જરાય પડી નથી. આ રાજકીય પક્ષો નરેન્દ્ર મોદીનો મુકાબલો પ્રગતિના માપદંડ દ્વારા કરી શકે એમ નથી.
આ દેશના નાગરિકોએ સાવ સામાન્ય રીતે જે મુદ્દાઓનો વિચાર કરવાનો છે તે એ કે, (1) મારી પાસે જે કંઈ હતું એ શું મોદી સરકારે છીનવી લીધું છે? (2) ખેડૂતો જે આંદોલન કરે છે એમની બધી જમીન શું મોદી સરકારે પડાવી લીધી છે? ખેડૂતો જે ઉત્પાદન કરતા હોય એ બધું શું મોદી સરકાર મફતમાં પડાવી લે છે? (3) મોદી સરકારે દેશના દરેકે દરેક ગામમાં વીજળી પહોંચાડી દીધી એ શું અંગત સ્વાર્થ માટે કર્યું છે? (4) શું દેશના દરેક સમુદાય, દરેક વર્ગને બધું મફત આપી દેવાથી, બધાના દેવાં માફ કરી દેવાથી આ દેશનો વિકાસ થઈ જશે? (5) શું મોદી સરકારની નીતિને કારણે દુનિયાના દેશો ભારતના દુશ્મન થઈ ગયા છે કે પછી મિત્ર બન્યા છે? (6) દેશ આર્થિક પ્રગતિ કરી રહ્યો છે અને વિશ્વનું સૌથી ઝપથી વિકાસ કરતું અર્થતંત્ર ભારતનું છે એવું વિશ્વબેંક અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ) કહે તો આવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ શું ખોટું બોલતી હશે?
દેશના પ્રામાણિક નાગરિક તરીકે તમને આ બધા સવાલના જવાબ જો ખબર હોય તો પછી તમને એ વાતની પણ ખબર હોય જ કે આટલાં વર્ષ સુધી સત્તામાં રહેલા કોંગ્રેસ પક્ષે ભ્રષ્ટાચાર અને લઘુમતી તુષ્ટિકરણ કરવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી. કોંગ્રેસે અને તેના મળતિયા પક્ષોએ આટલા દાયકા સુધી દેશના દરેક ગામોને રસ્તા, વીજળી અને પાણી પહોંચાડવાનું કામ કર્યું હોત તો નરેન્દ્ર મોદીએ આજે એ કશું કરવું ન પડત ! સાત સાત દાયકા સુધી કોંગ્રેસ અને તેના મળતિયા પક્ષોએ ખેડૂતોને દેવાદાર અને કંગાળ ન રાખ્યા હોતો તો આજે એ ખેડૂતોએ આંદોલન કરવા રસ્તા ઉપર ઊતરવું ન પડત !
સાચી વાત એ છે કે, પોતાની ભ્રષ્ટ અને ખુશામતવાળી નીતિઓને કારણે સતત હારી રહેલા કોંગ્રેસ સહિતના પક્ષો હવે સમજી ગયા છે કે નરેન્દ્ર મોદી આ જ રીતે આ દેશનો વિકાસ કર્યા કરશે તો, આ દેશની પ્રગતિની ગાડી જો આ જ ગતિએ દોડ્યા કરશે તો ચૂંટણીના રાજકારણમાં ભાજપને હરાવવાનું મુશ્કેલ થઈ જશે. એ સંજોગોમાં ભાજપને હરાવવા માટે જૂઠાણાનો આશ્રય લેવા સિવાય કોઈ છૂટકો નથી.
બીજી એક બાબત દેશના નાગરિકો ખાસ નોંધી રાખે કે, કોંગ્રેસના શાસન દરમિયાન અતિશય માત્રામાં ભ્રષ્ટાચાર થયેલા છે. તેમના નેતાઓ એક પછી એક સીબીઆઈની પકડમાં આવી રહ્યા છે. પી. ચિદમ્બરમની ધરપકડ કોઈપક્ષ ક્ષણે થઈ શકે તેમ છે. અહેમદ પટેલના ભ્રષ્ટાચારનો ઘડો પણ ભરાઈ રહ્યો છે. ખૂદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નેશનલ હેરલ્ડ કેસમાં જામીન ઉપર છે અને એ કેસમાં ગમેત્યારે એ બંને ફસાઈ શકે તેમ છે. આ સંજોગોમાં એ બધાએ બચવું હોય તો નરેન્દ્ર મોદીને હરાવવા પડે... અને એટલે જ કોઈ વૈચારિક સમાનતા કે સૈદ્ધાંતિક એકતા વિના તમામ ભ્રષ્ટ અને કોમવાદી પક્ષો મોદીની વિરુદ્ધમાં એક મંચ ઉપર આવી રહ્યા છે.
હવે વિચારવાનું દેશના નાગરિકોએ છે, વિચારવાનું દેશના મતદારોએ છે કે તેમને પ્રામાણિકતાપૂર્વક મહેતન કરીને દેશને આગળ વધારવા માટે પ્રયાસ કરતા નેતાઓ જોઈએ છે કે પછી ભ્રષ્ટાચાર, સગાવાદ, પરિવારવાદ, જાતિવાદ, લઘુમતી તુષ્ટિકરણમાં રાચતા રાજકારણીઓને પાછા લાવવા છે?

No comments:

Post a Comment