Monday, June 25, 2018

કોઈ પથ્થર સે ના મારે હમારે RSS કો


કોઈ પથ્થર સે ના મારે હમારે RSS કો

--- દુનિયાની કોઈ સંસ્થા કે સંગઠનને સામાન્ય રીતે પોતાની ટીકા ગમતી નથી... પરંતુ અમારા આર.એસ.એસ.ને એવી કોઈ ચિંતા નથી, કોઈપણ વ્યક્તિ તેને આતંકવાદી સંગઠન પણ કહી જાય..! ચિંતા આ દેશના હિન્દુએ કરવાની છે.

-- અલકેશ પટેલ

કોંગ્રેસી દિગ્વિજયસિંહે તાજેતરમાં ફરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને આતંકવાદી સંગઠન કહ્યો. એના થોડા દિવસ પછી (21 જૂને) બંગાળી મમતા બેનરજીએ ભાજપને હિંસક પાર્ટી ચીતરી દીધી. અમુક મીડિયા આવા નિવેદનોને રાજકીય ગણીને તેની ઉપેક્ષા કરી શકે. સંઘ આવા આક્ષેપ સહન કરે એ એના પોતાનાં કારણો છે. ભાજપ આવા આક્ષેપ સહન કરે એ માટે એના પોતાનાં કારણો છે... પણ 85 થી 90 કરોડ જેટલી વસ્તી ધરાવતો હિન્દુ સમાજ પોતાના પરના આવા ત્રાસવાદના ધબ્બાને સહન કરી લે એ ગંભીર ચિંતાનો વિષય છે.
આ દેશના મૂળભૂત નાગરિકોએ ચિંતા એ વાતની કરવાની છે કે તમને તમારા સંસ્કાર, તમારાં મૂલ્યો, તમારી પરંપરાઓ, તમારા તહેવાર, તમારા પહેરવેશ – એ બધાથી તમને અલગ પાડવામાં આવી રહ્યા છે, તમને વિખૂટા પાડવામાં આવી રહ્યા છે. આ બધું કરનારા લોકો મુખ્યત્વે રાજકારણીઓ છે, જેમનું કામ મત મેળવીને સત્તા કબજે કરવાનું છે. આ હેતુ પૂરો કરવા તેઓ તમારામાં વિભાજન કરી રહ્યા છે. તમારી સંસ્થાઓ, તમારાં સંગઠનો, તમારાં ધાર્મિક સ્થાનો, તમારા સંતોને અપમાનિત કરીને, તેમને બદનામ કરીને તમને સૌને એ બધાથી દૂર કરી રહ્યા છે. તમે દૂર થશો અને તમે વિભાજિત થશો એટલે સામે તો બધા સંગઠિત છે જ. એના આધારે આવા રાજકીય પક્ષોને સત્તા મેળવવા પૂરતા મત મળી જશે અને પછી તમારી ખેર નથી.
ખેર, મુદ્દો આતંકનો છે. મુદ્દો હિન્દુઓની હિંસક વૃત્તિનો છે. જે હિન્દુએ પોતાની ધરતી ઉપર હજારો વર્ષોથી આવતા સારા-નરસા બધા પ્રકારના લોકોને આશ્રય આપ્યો હોય, જે હિન્દુએ પોતાની ધરતી ઉપર અન્ય ધર્મીઓને તેમનાં ધાર્મિક સ્થાન બનાવવા દીધા હોય, જે હિન્દુ ગાયને માતા માને છે તેને અન્ય લોકો વારે-તહેવારે કાપીને ખાતાં હોય છતાં એવા થોડા લોકો 85 – 90 કરોડ હિન્દુઓની વચ્ચે સલામત રહી શકતા હોય એવા નાગરિકો પોતે અને તેમનું પ્રતિનિધિત્વ કરતાં સંઘ જેવાં સંગઠન કે ભાજપ જેવા રાજકીય પક્ષને પણ હિંસક કે આતંકી જેવું લેબલ કેવી રીતે લગાવી શકાય?
છતાં આવું થાય છે તો તેનાં કારણોની ચર્ચા થવી જોઈએ. એ ચર્ચા સૌએ ખુલ્લા મનથી અને ખુલ્લા દિલે સ્વીકારવી જોઈએ.
સૌથી પહેલું કારણ તો એ છે કે 99.99 ટકા લોકોને પોતાની ભવ્ય સંસ્કૃતિ, પોતાના ભવ્ય ઇતિહાસ વિશે કશી જ ખબર નથી. પોતાની ધાર્મિક પરંપરા શું છે, તેની પાછળનાં વૈજ્ઞાનિક કારણો શું છે એ મોટાભાગના લોકો જાણતા નથી. માતા સીતાનું અપહરણ રામે કર્યું હતું એવું ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં છપાઈ જાય અને છતાં એ લખનારને કશું ન થાય, તેનું પ્રૂફ રિડિંગ કરનારને કશું ન થાય, વર્ષો સુધી આવું ભણાવ્યા કરતા શિક્ષકોને પણ કોઈ પૂછનાર ન હોય, એ પાઠ્યપુસ્તકની સમિતિના કોઈ સભ્યનો વાળ પણ વાંકો ન થાય અને વર્ષો સુધી આવું ભણાવાતું રહે ત્યારે એ સમાજ બેહોશીની દશામાં જીવી રહ્યો છે એવું કહેવાય. અને આ સ્થિતિમાં સંઘની શાખાઓ ભરવાથી સુધારો ન આવી શકે. ભાજપની ચૂંટણી સભામાં જવાથી સુધારો ન આવી શકે. આ સ્થિતિમાં રામકથામાં બેસી રહેવાથી સુધારો ન આવી શકે. આવી સ્થિતિમાં સુધારો લાવવા માટે તો સજાગ બનવું પડે.
બીજું સૌથી મોટું કારણ એ છે કે, આપણને એકબીજા ઉપર વિશ્વાસ જ નથી. કોઈ કોંગ્રેસી કે ડાબેરીઓ આપણા વિશે ગમેતેમ બોલી જાય તો આપણો જ એક વર્ગ ખુશ ખુશ થઈ જાય છે. આનું પરિણામ એ આવે છે કે આપણને બદનામ કે અપમાનિત કરતાં તત્વોને પડકારવા કોઈ તૈયાર થતું જ નથી. એકમાત્ર રાહુલ ગાંધી સામે કેસ થયો છે પણ એ સિવાય કોઈની સામે પોલીસ કેસ થતા નથી એટલે કોઈને સંઘ કે હિન્દુ સમાજનો ડર રહ્યો નથી. કોઈએ હિંસક બનવાની જરૂર નથી, પરંતુ પોલીસ કેસ દ્વારા હિન્દુ વિરોધી તત્વોના મોઢાં તો બંધ કરી શકાયને..! હિન્દુ દેવી-દેવતાઓનાં અશ્લિલ ચિત્રો દોરનાર મકબૂલ ફિદા હુસેન નામના સડકછાપ ચિત્રો દોરનાર વિરુદ્ધ દેશમાં અનેક ઠેકાણે પોલીસ કેસ થયા તો એણે દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું એવું સંઘ કે ભાજપ કે અન્ય હિન્દુઓને આતંકી કહેનારા બીજા લોકો સામે કેમ નથી થતું? શા માટે આવા પોલીસ કેસ કે પછી કોર્ટ કેસ કરવા માટે કાનૂની મદદ કોઈ હિન્દુને નથી મળતી?
સંઘની સૌથી મોટી તકલીફ એ છે કે એ ખરેખર શું કામ કરે છે એ કોઈ જાણતું જ નથી. સંઘના પદાધિકારીઓ કાયમ એક જ પીપૂડી વગાડ્યા કરે છે કે સંઘને જાણવો હોય તો શાખામાં આવવું પડે. વ્યાપક ભારતીય સમાજ માટે અવાજ ઉઠાવનાર કોઈ વ્યક્તિની પડખે સંઘ ઊભો રહ્યો હોય એવું આજ સુધી જોવા મળ્યું નથી. આવા સંગઠનનો નૈતિક અને કાનૂની ટેકો ન મળે તો કોઈ વ્યક્તિ કે કોઈ સમુદાય માટે ભારત વિરોધી તત્વો સામે લડવાનું શક્ય નથી હોતું. કદાચ થોડો સમય લડે પછી હારી-થાકી જાય અને છેવટે કંટાળીને કાંતો ભારત વિરોધી તત્વોની માફી માગી લે અથવા ધર્માંતર કરી લે. જે સંગઠન પોતાને આતંકવાદી કહેનાર સામે પણ જો કોઈ પગલાં ન લઈ શકતું હોય તો પછી સામાન્ય નાગરિકોએ કોની પાસે શી આશા રાખવાની. અનેક વખત એવું લાગે છે કે આ સંઘ કાશી પણ બચાવી નહીં શકે... એટલે જ કહું છું નબળાઓના સંઘને પથ્થર ન મારશો.

No comments:

Post a Comment