Thursday, June 21, 2018

તમને કેવા લોકો પસંદ છે?


ગુરુકુળ
n  અલકેશ પટેલ
તમને કેવા લોકો પસંદ છે?
---- શિક્ષણ એટલે માત્ર પરીક્ષા પાસ કરવી એવું નહીં. શિક્ષણ એટલે સમજ, શિક્ષણ એટલે મૅચ્યોરિટી. અભ્યાસનાં પુસ્તકો સિવાય બહાર આપણને જે કંઈ મળે છે તે શિક્ષણ


તમને કેવા લોકો પસંદ છે? – With whom are you CONNECTED?    તમને થશે કે આ વળી કેવો સવાલ છે? સવાલ સાચો જ છે અને મને ખાતરી છે કે તમારો જવાબ પણ એવો જ સાચો હોવાનો. અહીં એવા લોકોની પસંદગીની વાત છે જેની સાથે તમે દિલથી જોડાયેલા છો, મગજથી એટલે વૈચારિક રીતે નહીં. વૈચારિક રીતે તો તમે દુનિયામાં અનેક લોકોને પસંદ કરતા હોવ, પરંતુ દિલથી પસંદ હોય એવા લોકોની સંખ્યા વધારે નથી હોતી.
        આ વાત જાણવી અને સમજવી જરાય અઘરી નથી, સાવ સહેલી છે. દરેક વ્યક્તિ પોતાના એક ચોક્કસ વર્તુળ સાથે જીવે છે. આ વર્તુળમાં પોતાનો સ્વભાવ, ખાણી-પીણી અંગેની પોતાની પસંદ-નાપસંદ, કપડાં અંગેની પસંદ-નાપસંદ, અરે વાહન અંગેની પસંદ-નાપસંદ પણ આ વર્તુળમાં આવી જાય છે. હવે, આ બધી બાબતોને આધારે તમે વિચારવા બેસશો એટલે તરત જ તમને એવા લોકો યાદ આવવા લાગશે જેને કાંતો તમારી પસંદગી પસંદ હોય અથવા તમારા જેવી જ પસંદગી એ પણ ધરાવતા હોય. જેમ કે, તમે જૉલી સ્વભાવના હોવ તો તમારી ખૂબ નજીકના લોકો પણ એવા જ સ્વભાવના હશે. સોગિયું મોઢું રાખનારા કે નિરાશાવાદીઓ તમારી આસપાસ હોય ખરા પરંતુ તેમનું સ્થાન તમારા દિલમાં નહીં હોય. તમે દિલમાં તો એવા જ લોકોને સ્થાન આપશો જે હંમેશાં તમારી જેમ ખુશમિજાજ રહેતાં હોય. એવું જ ખાણી-પીણીની બાબતમાં છે. તમને સાવ સાદું ભોજન પસંદ હોય તો તમારી ખૂબ નજીક એવા લોકો જ હશે જેમને પણ સાદું ભોજન ગમતું હોય. સ્પાઈસી ભોજન પસંદ કરનારા તમારી આસપાસ હશે તો ખરા, પરંતુ તમારા દિલમાં તો એવા લોકોનું એક વિશેષ સ્થાન હશે જેમને પણ તમારી જેમ સાદું ભોજન પસંદ હોય. આથી ઊલટું પણ હોઈ શકે..તમને સ્પાઈસી ભોજન ગમતું હોય તો તમારું નજીકનું વર્તુળ પણ એવી જ પસંદવાળા લોકોનું હશે.
        કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે તમને એવા જ લોકો વધારે પસંદ હોય છે, એવા જ લોકો તમારી નજીક હોય છે જેમના આચાર-વિચાર, વાણી-વ્યવહાર, ખાણી-પીણી તમારી પસંદગી સાથે મેચ થતાં હોય. તમે સ્કૂલ-કૉલેજમાં ભણતા હોવ કે પછી કોઈ ઑફિસમાં જૉબ કરતા હોવ– બધે તમારી દોસ્તી માત્ર એવા લોકો સાથે વધારે થશે જેમની પસંદ - તમારી પસંદ સાથે મેચ થતી હોય. લગ્નજીવનમાં પણ જે પતિ-પત્નીની આ બધી પસંદગી સરખી હશે... અથવા બેમાંથી કોઈ એક જણે બીજાની પસંદગી મુજબ પોતાની પસંદગી ઢાળી દીધી હશે તેમનું લગ્નજીવન સુખી અને હર્યુંભર્યું હશે. એથી વિરૂદ્ધ પસંદગી મેચ ન થતી હોય એવાં પતિ અથવા પત્ની પોતાના નાનકડા અહંકારને દૂર કરીને મેચિંગ કરી લેવા તૈયાર ન હોય ત્યારે એવાં લગ્નજીવનમાં હંમેશાં ખટાશ રહ્યા કરતી હોય છે. અને મારું મક્કમપણે માનવું છે કે પતિ-પત્ની અંગેના અને તેમાંય ખાસ કરીને પત્નીઓની મજાક ઉડાવતા જેટલા પણ જોક બનતા હોય છે તેની પાછળ આ મેચિંગ નો અભાવ જ કારણભૂત છે.
આ કનેક્ટ –CONNECT એ માનવજીવનનું સૌથી મોટું ઓપન સિક્રેટ છે. સામાન્ય લોકોને બાંધી રાખનાર અથવા અલગ રાખનાર આ પરિબળ વિશે આપણને ખબર નથી હોતી. હા, સાથે એ પણ કહી દઉં કે આ કનેક્ટ –CONNECT માં ક્યારેક શોર્ટસર્કિટ પણ થઈ જતી હોય છે. પરિણામે ક્યારેક ટૂંકા ગાળા માટે તો ક્યારેક કાયમ માટે સંબંધ ખોરવાતા હોય છે, પરંતુ આજે જ, અત્યારે જ દિલ ઉપર હાથ મુકીને વિચાર કરજો કે જેમની સાથે આવો કોઈ ખટરાગ થયો હોય તેમને તમે મનથી ભલે દૂર કર્યા હોય... પરંતુ દિલના ખૂણામાં તેમનું સ્થાન યથાવત્ જ રહે છે, ખરું ને?!

No comments:

Post a Comment