Monday, June 11, 2018

ફૂટબૉલ સ્ટાર સુનિલ છેત્રી સૌનો હીરો બની ગયો

ફૂટબૉલ સ્ટાર સુનિલ છેત્રી સૌનો હીરો બની ગયો

--- કેન્દ્ર અને રાજ્ય સરકારો, કેન્દ્ર અને રાજ્યોના રમતગમત પ્રધાનો જે કામ ન કરી શક્યા એ કામ સુનિલ છેત્રીએ માત્ર એક લાગણીસભર વીડિયો દ્વારા કરી બતાવ્યું અને માત્ર રમતપ્રેમીઓ જ નહીં, દરેક સંવેદનશીલ લોકોનો આત્મા પીગળી ગયો 


-- અલકેશ પટેલ

થોડા દિવસ પહેલાં ટ્વિટર ઉપર એક વીડિયો ખૂબ વાયરલ થયો એટલે અન્ય સોશિયલ મીડિયા ઉપરાંત ટીવી-અખબાર જેવા પરંપરાગત મીડિયાએ પણ નોંધ લેવી પડી. મારા ઇનબૉક્સમાં પણ એ વીડિયો આવ્યો એટલે કુતૂહલપૂર્વક જોયો અને વીડિયો પૂરો થયો ત્યારે મનમાં એક સાથે બે-ત્રણ પ્રકારના ભાવ જાગ્યા હતા. એક તો વીડિયોમાં અપીલ કરનાર વ્યક્તિ પ્રત્યે માન થયું. બીજું, ભારતમાં ફૂટબૉલ અંગે આવી ખરાબ દશા છે એ જાણીને દુખ થયું. અને ત્રણ, સોશિયલ મીડિયા કેવી પૉઝિટિવ ક્રાંતિ લાવી શકે છે તેનું વધુ એક વખત પ્રમાણ મળ્યું. વીડિયો બનાવનાર યુવાન હતો ભારતીય ફૂટબૉલ ટીમનો ખેલાડી સુનિલ છેત્રી. સુનિલ બેંગલુરુ એફસી ક્લબ માટે પણ રમે છે. આજે અહીં એક વાત ભૂલ્યા વગર યાદ કરવી જ જોઈએ અને તે એ કે 125 વર્ષ પહેલાં ભારતવર્ષના મહાન સપૂત સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે દેશને સક્ષમ અને મજબૂત બનાવવો હોય તો તમારાં બાળકોને ફૂટબૉલ રમતા કરો... અને સુનિલ છેત્રીએ એક વીડિયો દ્વારા અનેકને ફૂટબૉલઘેલા બનાવી દીધા.

પણ આજે આપણે સુનિલની ચર્ચા શા માટે કરવી જોઈએ?

સુનિલ છેત્રીની ચર્ચા દરેક મંચ ઉપર થવી જોઈએ કેમકે તેણે એ કામ કરી બતાવ્યું જે સાત દાયકાથી આપણા રાજકારણીઓ, સરકારો, રમતગમત પ્રધાનો અને ફૂટબૉલના અન્ય ખેલાડીઓ નથી કરી શક્યા. દેશનું કમનસીબ એ છે કે હજુ સુધી માત્ર ક્રિકેટને જ બધી રીતે પ્રોત્સાહન આપવામાં આવે છે, માત્ર ક્રિકેટરોને જ સ્ટાર ગણવામાં આવે છે. તેની સામે આપણી પાસે હૉકી, કબ્બડી અને ફૂટબૉલના આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ હોવા છતાં માત્ર સરકારોએ જ નહીં પણ મીડિયાએ પણ અત્યાર સુધી ગુનાઈત ઉપેક્ષા કરી છે. ક્રિકેટ સિવાયની અન્ય તમામ રમતો માટે ગુનાઈત ઉપેક્ષાનું પરિણામ એ આવ્યું છે કે ભારતમાં અને તેમાં પણ છેલ્લા ચાર વર્ષથી તમામ રમતો માટે કેન્દ્ર સરકાર દ્વારા ભરપૂર પ્રયાસો કરવામાં આવતા હોવા છતાં એ રમતો રમાતી હોય એ સ્ટેડિયમો ખાલી રહે છે. એ રમતોમાં ભારત જીતે કે પછી ભારતીય ખેલાડીઓ વિશ્વસ્તરનું પ્રદર્શન કરે તો પણ મીડિયામાં કાંતો નોંધ જ નથી લેવાતી અથવા સાવ નજીવી નોંધ લેવાતી હોય છે.
આ સ્થિતિથી હતાશ થયેલા સુનિલ છેત્રીએ ગયા અઠવાડિયે મુંબઈમાં એક મૅચ પહેલાં પોતાનો એક વીડિયો ટ્વિટર ઉપર મૂક્યો અને તેમાં તેણે ભારતના રમતગમત પ્રેમીઓને ફૂટબૉલની મૅચ જોવા માટે સ્ટેડિયમમાં આવવા અને ભારતના ફૂટબૉલ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અપીલ કરી. સુનિલ છેત્રીએ ખૂબ જ સુંદર રીતે પોતાની વાત રજૂ કરી હતી અને તેનો વીડિયો એ હદે વાયરલ થયો કે દેશના દરેક રમતપ્રેમીઓ ઉપરાંત મીડિયા તેમજ સમાજના અન્ય સંવેદનશીલ લોકો સુધી પહોંચી ગયો.
આનંદદાયક વાત એ છે કે તેની એ અપીલની એવી ધારી અસર થઈ કે મુંબઈને જે સ્ટેડિયમમાં મૅચ રમાવાની હતી તેની તમામ ટિકિટ વેચાઈ ગઈ અને સાંજે રમત શરૂ થવાના સમયે આખું સ્ટેડિયમ ચિક્કાર ભરાઈ ગયું. ભારતીય ફૂટબૉલના ઇતિહાસમાં આ ઐતિહાસિક દિવસ ગણાવો જોઈએ. અને વધારે નોંધપાત્ર વાત એ છે કે એ દિવસે ભારતીય ફૂટબૉલ ટીમના ખેલાડીઓ પણ આખું સ્ટેડિયમ ચિક્કાર જોઈને એવા ઉત્સાહમાં રમ્યા કે કેન્યાની ટીમને હરાવી દીધી. અને સુનિલ રાતોરાત હીરો બની ગયો. બનવો જ જોઈએ કેમકે તેણે કોઈની પણ ટીકા-ટિપ્પણ કર્યા વિના, કોઈના પ્રત્યે દુર્ભાવ રાખ્યા વિના માત્ર દેશના રમતપ્રેમીઓને સ્ટેડિયમમાં આવીને ફૂટબૉલ જોવા અને ફૂટબૉલ રમતા ખેલાડીઓને રૂબરૂમાં પ્રોત્સાહિત કરવા આપીલ કરી હતી. એ અપીલની ધારી અસર થઈ.
સુનિલ છેત્રીએ જે અસાધારણ કામ કરી બતાવ્યું છે અને તેને કારણે દેશના રમતપ્રેમીઓમાં જે ઉત્સાહ જાગ્યો છે તે લાંબાગાળે ટકશે કે નહીં એ તો કહેવું અત્યારે મુશ્કેલ છે, પરંતુ સુનિલના પ્રયાસે વધુ એક વખત સાબિત કર્યું કે કોઈ વ્યક્તિ પૉઝિટિવ માઇન્ડસેટથી કોઈ કામગીરી કરવા પ્રયાસ કરે તો લોકો તેનો રચનાત્મક – હકારાત્મક પ્રતિભાવ આપે જ છે. આપણે અગાઉ પણ આવા ઓછામાં ઓછા બે કિસ્સા જોયા છે. એક મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનનો અને બીજો સુપરસ્ટાર અક્ષય કુમારનો. અમિતાભ બચ્ચને અલબત્ત સરકારી પ્રયાસોના ભાગરૂપે આવી અપીલો કરીને લોકોને પ્રોત્સાહિત કર્યા છે, પરંતુ અક્ષય કુમારે તો ભારતીય લશ્કર પ્રત્યેનો તેનો ભાવ કંઈક વિશિષ્ઠ રીતે વ્યક્ત કર્યો હતો અને આજે એ અભિયાન પણ ખૂબ સફળ છે. અક્ષય કુમારે ભારત સરકાર સાથે મળીને સરહદ ઉપર તેમજ દેશમાં અન્યત્ર શહીદ થતા ભારતીય જવાનો માટે જાહેર ફંડ (પ્રજા પાસેથી ફંડ મેળવવાની પ્રથા) ઊભું કર્યું અને આજે સ્થિતિ એ છે કે લાખો લોકો રોજેરોજ ભારત કે વીર (ઇન્ડિયાસ બ્રેવ હાર્ટ) નામે વેબસાઈટ દ્વારા શહીદોના પરિવારોને નાણાકીય મદદ કરતા રહે છે. ભારતમાંથી પોલિયો નાબૂદીના કામમાં અમિતાભની ભૂમિકા ઐતિહાસિક છે, અને હવે અમિતાભનો તાજો તાજો વીડિયો ફરી રહ્યો છે પ્રદૂષણ નિવારણ તથા વીજળી બચાવવા માટેનો. આ અભિયાનમાં પણ તેને સફળતા મળશે એ વાતમાં શંકા નથી. તો ચાલો આવા પ્રજાનાયકો – સુનિલ છેત્રી, અક્ષય કુમાર તથા અમિતાભ બચ્ચન માટે ... થ્રી ચિયર્સ... આ જ તો છે સ્વર્ણિમ ભારત.

No comments:

Post a Comment