Saturday, June 23, 2018

ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીઃ એક રાષ્ટ્રવાદીનો શહીદ દિવસ


ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીઃ એક રાષ્ટ્રવાદીનો શહીદ દિવસ


--- જમ્મુ-કાશ્મીરની પીડા નહેરુની દેન છે એવું ઐતિહાસિક રીતે સિદ્ધ થયેલું છે. ભારતના મુકુટ સમાન એ રાજ્યને પીડામાંથી મુક્ત કરાવવા માટે તે સમયના રાષ્ટ્રવાદી નેતા ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી ત્યાં પહોંચ્યા તો ખરા, પણ કદી પરત ન આવી શક્યા...આજે એ વાતને 57 વર્ષ થયા

-- અલકેશ પટેલ

સુભાષચંદ્ર બોઝ, લાલબહાદુર શાસ્ત્રી અને ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીમાં એક બાબત સામ્ય છે. આ દેશના આ ત્રણે મહાન, બાહોશ અને રાષ્ટ્રવાદી સપૂતના અવસાન રહસ્યમય સંજોગોમાં થયા છે અને આજ સુધી આ દેશ તેના વિશે કોઈ સાચી માહિતી મેળવી શક્યો નથી. આ ત્રણેના ભેદી સંજોગોમાં થયેલા અવસાન પાછળના તાણાવાણા ગમે તે રીતે એક પરિવાર સુધી પહોંચે છે એ વાતનો પણ ઇનકાર થઈ શકે તેમ નથી. અને આજે જેમની પૂણ્યતિથિ છે એવા શ્યામાપ્રસાદ મુખરજીના અવસાન અંગે તો ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 2004ની છઠ્ઠી જુલાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, 1953માં જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર સરકારના કાવતરાને કારણે ડૉ. મુખરજીનું અવસાન થયું હતું. અટલ બિહારી વાજપેયી સૌથી સન્માનીય નેતાઓ પૈકી એક છે અને દરેક પક્ષના રાજકારણીઓ તેમને માન આપે છે. એવા વાજપેયીનું શ્યામાપ્રસાદ મુખરજીના ભેદી સંજોગોમાં થયેલા અવસાન અંગેનું આ નિવેદન આજે 23 જૂને યાદ આવ્યા વિના રહેતું નથી. વાજપેયી તે સમયે એક પત્રકારની હેસિયતથી ડૉ. મુખરજીની સાથે ગયા હતા.
જેમને ખ્યાલ ન હોય તેમના માટે થોડા શબ્દોમાં અહીં ઇતિહાસ રિફ્રેશ કરી દઉં. સ્વતંત્રતા સમયે 500 કરતાં વધુ રજવાડાંને ભારતમાં સામેલ કરવાની કામગીરી સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવી હતી પરંતુ જમ્મુ-કાશ્મીરનો મામલો નહેરુએ પોતાની પાસે રાખ્યો હતો. નહેરુએ એવું શા માટે કર્યું હતું એનો જવાબ તો આજ સુધી કોઈને મળ્યો નથી, પરંતુ પરિણામ આપણે આજ સુધી ભોગવતા રહ્યા છીએ. ખેર, જમ્મુ-કાશ્મીરના વિલય પછી નહેરુના દુરાગ્રહથી જ સત્તા શેખ મહંમદ અબ્દુલ્લાને સોંપાઈ. એ રાજ્યને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો અને શેખ ત્યાંનો વડાપ્રધાન કહેવાયો. સૌથી ગંભીર સ્થિતિ એ હતી કે અન્ય ભારતીયોને જમ્મુ-કાશ્મીરમાં દાખલ થવા માટે પરવાનગી લેવી ફરજિયાત હતી, તેના વિના એ રાજ્યમાં દાખલ થઈ શકાતું નહીં. પણ એકમાત્ર રાષ્ટ્રવાદી બાહોશ નેતા શ્યામાપ્રસાદ મુખરજીએ આ પ્રથાનો વિરોધ કરવાનું નક્કી કર્યું અને પોતે પરવાનગી વિના જમ્મુ-કાશ્મીરમાં દાખલ થશે એવી જાહેરાત કરી. આ હેતુ માટે તેઓ 1953માં મે મહિનાના પ્રારંભે જમ્મુ-કાશ્મીર જવા રવાના થયા.
શ્યામાપ્રસાદ મુખરજી તેમજ તેમના અન્ય રાષ્ટ્રવાદી સાથીઓને વિશ્વાસ હતો કે જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશતાં પહેલાં જો તેમની ધરપકડ થશે તો સુપ્રીમ કોર્ટની મદદથી છૂટકારો થઈ શકશે અને એ રાજ્યમાં પ્રવેશ કરવા મળશે તો નૈતિક જીત થશે પરવાનગી પ્રથા કાઢવાની દિશમાં પ્રથમ પગલું ગણાશે. પરંતુ કોઈક અગમ્ય કારણસર પંજાબના વહીવટીતંત્રે તેમને જમ્મુ-કાશ્મીરમાં જવા છૂટ આપી. ડૉ. મુખરજી તેમની ટીમ સાથે 1953ની 11 મેએ જમ્મુમાં પ્રવેશ્યા અને થોડા જ અંતર પછી તેમની ધરપકડ કરી લેવામાં આવી. અગાઉ કહ્યું તેમ, તે સમયે એ રાજ્ય અલગ સ્વાયત્ત દેશ જેવો હતો તેથી ભારતીય કાયદા ચાલ્યા નહીં અને ડૉ. મુખરજીને તેમના સાથીદારોર સાથે શ્રીનગર નજીક નિશાતબાગ પાસે એક બંગલામાં રાખવામાં આવ્યા. આ બંગલો એટલે સાવ 10X10 ના બે-ત્રણ રૂમ હતા. શ્યામાપ્રસાદને કોઈ પ્રકારની સુવિધા આપવામાં ન આવી. કોઈ તેમને મળી શકતું નહીં કેમક પરિવારજનો ભારતમાં હતા અને ત્યાંથી જમ્મુ-કાશ્મીર આવવા માટે કોઈને પરવાનગી આપવામાં આવી નહીં. મુખરજીને યોગ્ય તબીબી સુવિધા પણ ન મળી અને એક દિવસ અચાનક બીમાર પડી ગયા. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં લઇ જવાયા તો ખરા, પરંતુ ત્યાં કોઈ અજાણ્યો ડૉક્ટર તેમને ઇંજેક્શન આપીને ચાલ્યો ગયો. એ કોણ હતું તેનું રહસ્ય કોઈને કદી જાણવા ન મળ્યું એવી નોંધ શિવકુમાર અસ્થાના દ્વારા લિખિત અમર શહીદ ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી(અનુવાદઃ કર્દમ દવે) માં કરવામાં આવી છે.  
સાચી વાત એ છે કે શ્યામાપ્રસાદ મુખરજીને આજે આપણે માત્ર આ એક ઘટના માટે યાદ કરીએ તો તેમની સાથે અન્યાય થયો ગણાય. તેમણે ભારતમાં જમ્મુ-કાશ્મીરના સંપૂર્ણ વિલય માટે શહીદી વહોરી એ હકીકત તો છે જ, પરંતુ એ સિવાય તેમણે રાષ્ટ્ર માટે જે કામો કર્યાં છે તેની પણ નોંધ લેવી જોઈએ. ડૉ. મુખરજી રાષ્ટ્રીય રાજકારણમાં જોડાયા તે પહેલાં બંગાળમાં શિક્ષણમાં સુધારણાના ક્ષેત્રે ખૂબ કામ કર્યું હતું. જમ્મુ-કાશ્મીરની જેમ બંગાળ તે વખતે (પાકિસ્તાનની રચના પછી પૂર્વ પાકિસ્તાન – હાલનું બાંગ્લાદેશ રચાયું ત્યારે મોટાભાગના મુસ્લિમો ત્યાં ગયા ત્યાં સુધી) મુસ્લિમ બહુમતીવાળું રાજ્ય થઈ ગયું હતું અને ત્યાંની વિધાનસભામાં ત્યારે જે થોડા હિન્દુ સભ્યો ચૂંટાતા હતા તેમાં શ્યામાપ્રસાદ મુખરજી પણ એક હતા. રાષ્ટ્રીય રાજકારણમાં તેઓ જવાહરલાલ નહેરુની સરકારમાં જોડાયા પણ હતા, પરંતુ કોંગ્રેસની લઘુમતી તુષ્ટિકરણની નીતિથી નારાજ થઈ રાજીનામું આપ્યું.
આવા રાષ્ટ્રવાદી નેતાઓ દેશના કોંગ્રેસ પક્ષને કદી પસંદ પડ્યા નથી, પછી તે ભીમરાવ રામજી આંબેડકર હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે શ્યામાપ્રસાદ મુખરજી હોય. કોંગ્રેસ પક્ષે રાષ્ટ્રવાદીઓ સાથે દાખવેલી કિન્નાખોરીથી કોઈ અજાણ નથી. બલ્કે હું તો આગળ વધીને કહીશ કે આ દેશના દરેક નાગરિકે કમ-સે-કમ એટલો ઇતિહાસ તો જાણી જ લેવો જોઈએ કે 65 વર્ષના શાસન દરમિયાન રાષ્ટ્રવાદીઓ સાથે શું થયું છે અને રાષ્ટ્રવાદને કચડી નાખવા માટે કેવાં કેવાં કાવતરાં થયાં છે.
શ્યામાપ્રસાદ મુખરજીની વિરાટ પ્રતિભાને આટલા નાના લેખમાં ન્યાય ન આપી શકાય. તેમને જાણવા માટે એક લાંબી સિરીઝ કરવી પડે. પરંતુ આજે 23 જૂને તેમના શહીદી દિવસે તેમને યાદ કરીને એ યાદ કરવું જરૂરી છે કે જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશવા માટેની પરમિટ-પરવાનગી પ્રથા નાબૂદ કરવા માટે તેમણે શરૂ કરેલી લડતમાં ભલે એ શહીદ થયા, પણ એ પછી એ રાજ્ય બચી ગયું, આ દેશ બચી ગયો. હા, હજુ જમ્મુ-કાશ્મીર માટે ઘણી લડત બાકી છે...

1 comment:

  1. વાહ!
    "આવા રાષ્ટ્રવાદી નેતાઓ દેશના કોંગ્રેસ પક્ષને કદી પસંદ પડ્યા નથી, પછી તે ભીમરાવ રામજી આંબેડકર હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે શ્યામાપ્રસાદ મુખરજી હોય." કોંગ્રેસી હરખપદુડાઓએ આ લાઇન તો ખાસ વાંચવી રહી.

    ReplyDelete