Showing posts with label Gujarat education. Show all posts
Showing posts with label Gujarat education. Show all posts

Sunday, June 14, 2020

ગુજરાતના વાલીઓને પત્ર

ગુજરાતના વાલીઓને પત્ર

n  અલકેશ પટેલ

 

ટ્વિટર ઉપર #કોરોનાગ્રસ્ત કોંગ્રેસ પ્રેરિત એક અભિયાન ચાલી રહ્યું છે... વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવાય એ માટે. એનએસયુઆઈ અને કોંગ્રેસ સેવાદળ અને એવા બધા આવી હેસટેગ સાથે હાલી નીકળ્યા છે.

મારે એમની સાથે કોઈ લેવાદેવા નથી. આ લોકો આવી માગણી કરે તો માત્ર એટલું જ કહેવાનું કે - જૈસી જીસકી સોચ.

--- પણ મારે ગુજરાતના વિદ્યાર્થીઓ, તેમના વાલીઓને પૂછવું છે કે પરીક્ષા વિના પાસ થઈ જવાનું, માસ પ્રમોશનથી ઉપરના ધોરણમાં ચઢી જવાનું યોગ્ય છે?

--- તમારાં બાળકો ભવિષ્યમાં માસ પ્રમોશન વાળા કહેવાશે એ તમને ગમશે?

--- રાજકારણીઓ કે પછી રાજકીય પક્ષો સાથે જોડાયેલા સંગઠનોને કશું નહાવા-નીચોવવાનું નથી. એ આવા મુદ્દા ઉપાડે અને તમે વાલી તરીકે એમાં સાથ આપો...તો શું તમારે તમારાં બાળકોને રાજકારણમાં મોકલવાના છે? કેમ કે, હાલના જમાનામાં એકમાત્ર રાજકારણ જ એવું ક્ષેત્ર છે જ્યાં અભણ અથવા ઓછું ભણેલા અથવા ગુનાઇત ઇતિહાસ ધરાવતા અથવા માસ પ્રમોશન મેળવેલા લોકોને પ્રવેશ મળી જાય છે.

--- રાજકારણ એટલે તમામ પક્ષની વાત છે. તમામ રાજકીય પક્ષમાં આવા લોકો છે. શું તમારે પણ તમારાં બાળકોને એ દિશામાં મોકલવા છે?

--- પરીક્ષા માફી કે માસ પ્રમોશન જેવા વિપક્ષ પ્રેરિત આંદોલનમાં જોડાતા પહેલાં વિચારજો કે, તમારું બાળક સ્પર્ધાત્મક દુનિયામાં પગ મૂકશે ત્યારે આ માસ પ્રમોશન તેને મદદરૂપ થશે કે અવરોધક બનશે?

--- આ હાલી નીકળેલા કહેવાતા વિદ્યાર્થી પ્રેમી રાજકારણીઓ તમને કોરોનાના નામે ડરાવે છે, પરંતુ શું તમને ખબર નથી કે કોરોના એવો કોઈ મહાભયંકર રોગ નથી કે બધાને એ વળગી જ જાય અને જેને થાય એ મૃત્યુ જ પામે!

--- યોગ્ય જાગ્રતિ રાખવાથી કોરોના કશું જ બગાડી શકતો નથી. ન્યૂઝિલેન્ડ જેવા એક-બે દેશોએ તો પોતાને કોરોના-મુક્ત જાહેર પણ કરી દીધા. વ્યક્તિગત જાગ્રતિ અગત્યની છે.

--- તમારાં બાળકો માટે ઘરની બહાર અકસ્માત થવાનું જોખમ રહેલું છે...તો શું તમે એને ઘરમાં પૂરી રાખો છો?

--- તમારાં બાળકો માટે ઘરની બહાર કોઈ ટીબી વાળાના સંપર્કમાં આવીને ટીબી થવાનું જોખમ છે, તો શું તમે એને ઘરમાં પૂરી રાખો છો?

--- તમારાં બાળકો આજે પરીક્ષા ટાળશે અને કાલે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થશે ત્યારે આ જ રાજકારણીઓ તો છૂટી પડશે કે અમે તો તમારા માટે આંદોલન કર્યું હતું, પણ તમારાં બાળકો નાપાસ થાય એમાં અમે શું કરીએ – ત્યારે એ રાજકારણીઓનું તમે શું કરશો?

યાદ રાખો હિંમત કામ આવે છે, પીછેહઠ કે માસ પ્રમોશન નહીં. આભાર. અલકેશ.

Monday, December 31, 2018

ગુજરાત સરકાર પાસે બે મહિનાનો સમય છે!


ગુજરાત સરકાર પાસે બે મહિનાનો સમય છે!

--- પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બદલવાની પ્રથાનો અંત આવવો જ જોઇએ. સરકાર અને વહીવટીતંત્રે એ સમજવું જ પડશે કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને તાણ-મુક્ત રાખવા એ આપણા સૌની સહિયારી ફરજ છે – અને એ માટે વિદ્યાર્થી જ્યાં ભણતા હોય ત્યાં જ પરીક્ષા લેવાય એ આવશ્યક છે


-- અલકેશ પટેલ



એવું નથી કે આ વિષય ઉપર હું આજે પહેલી વખત વાત કરતો હોઉં. છેક 2013થી એટલે કે ઓછામાં ઓછા પાંચ વર્ષથી વિવિધ સ્તર ઉપર, વિવિધ મંચ ઉપર કહેતો આવ્યો છું કે – પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને સ્કૂલ બદલવાની પ્રથાનો અંત આવવો જોઇએ. આ પ્રથા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ હશે તેની ચર્ચાનો અર્થ નથી, પરંતુ ગુજરાત સરકાર તેમજ શિક્ષણ વિભાગે માર્ચ 2019થી જ ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ, ઉપરાંત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ સહિત કોઇપણ પ્રકારની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ તેમની સ્કૂલ, તેમનો વિસ્તાર, તેમનું ગામ કે તેમનું શહેર છોડીને બીજે ન જવું પડે એ માટેનાં પગલાં લેવા જોઇએ.

વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે અન્ય સ્કૂલમાં, અન્ય શહેરમાં જવું પડે એ પ્રથા કેટલી હદે અમાનવીય છે એ બાબતનો વિચાર આજ સુધી શા માટે સત્તાવાળાઓ અને શિક્ષણ વિભાગને નહીં આવ્યો હોય એ સમજાતું નથી. આ પ્રથા અમાનવીય એટલા માટે છે કે, સૌથી પહેલાં તો, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ વિશે સંવેદનશીલતાપૂર્વક વિચારણા કરવામાં જ આવી નથી.

સાવ સાહજિક માનવતાનો મુદ્દો એ છે કે, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી પોતે જે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય ત્યાં જ પરીક્ષા આપે તો તેમને જરા પણ તાણ ન અનુભવ ન થાય. વિદ્યાર્થી પોતાની સ્કૂલના મકાન, સ્કૂલના વાતાવરણથી પરિચિત હોય તેથી તે પરીક્ષામાં વધારે સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે. બીજી સૌથી અગત્યની વાત એ છે કે પરીક્ષા દરમિયાન સ્કૂલ બદલવાથી વિદ્યાર્થીઓને ત્યાં પહોંચવા માટે સમય કરતાં ઘણું વહેલું નીકળવું પડે છે. તેમના માટે રસ્તા અજાણ્યા નહીં પણ નવા તો હોય છે. જે સ્કૂલમાં જાય ત્યાંના મકાનની રચના અને આસપાસનું વાતાવરણ નવું અને અપરિચિત હોય છે. શું સરકારો અને શિક્ષણ વિભાગને એ વાતનો ખ્યાલ નહીં આવતો હોય કે એક પરીક્ષાર્થી માટે અપરિચિત વાતાવરણ કરતાં પરિચિત વાતાવરણ વધારે ઉપયોગી સાબિત થાય?

આ સમગ્ર મુદ્દાનું બીજું એક ચિંતાજનક પાસું એ છે કે, વિદ્યાર્થીઓએ જ્યારે અન્યત્ર પરીક્ષા આપવા જવું પડે ત્યારે સ્વાભાવિક રીતે જ પરિવારના ઓછામાં ઓછા એક સભ્યે તેની સાથે જવું પડતું હોય છે. તેને બદલે જો વિદ્યાર્થીઓ ભણતા હોય એ જ સ્કૂલમાં પરીક્ષા લેવામાં આવે તો વાલીઓને સાથે જવાની ચિંતા ન રહે, કેમ કે સ્કૂલ અને રસ્તો પરિચિત હોય તો વાલીઓને પણ રાહત રહે. પરંતુ પરીક્ષા આપવા માટેની સ્કૂલ અન્યત્ર હોય તો કેમ સે કમ એક વાલીએ સાથે જવું પડે એટલે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓની સાથે હજારો વાલીઓએ પણ પરીક્ષાઓ દરમિયાન ઉચાટમાં રહેવું પડે, પરીક્ષા કેન્દ્રોની બહાર રસ્તા ઉપર કે પછી ગમેત્યાં બેસી રહેવું પડે. આ સંજોગોમાં મોટેભાગે માતા કે બહેન વિદ્યાર્થી સાથે જતી હોય છે ત્યારે તો એ સ્થિતિ કેટલી ઘૃણાસ્પદ કહેવાય કે માતા-બહેનોએ 3 – 4 કલાક સ્કૂલની બહાર ગમેત્યાં આડાઅવળા બેસી રહેવું પડે?

શું આ બધી બાબતોનો વિચાર કોઇને કદી આવ્યો જ નહીં હોય? માની લઇએ કે પરીક્ષામાં ચોરી કે કૉપી કેસની ચિંતા હોય, પરંતુ કદી એવો વિચાર શા માટે કરવામાં ન આવ્યો કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીને સ્થળાંતર કરવાની ફરજ પાડવાને બદલે સ્કૂલના શિક્ષકોને જ અન્ય સ્કૂલોમાં સુપરવિઝન માટે મોકલવામાં આવે? સ્કૂલ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકના એક હોય તો આવી ચિંતા રહે એ સ્વાભાવિક છે, પણ તો એ સંજોગોમાં શિક્ષકોને સુપરવિઝન માટે અન્ય સ્કૂલોમાં મોકલી શકાયને?

સુપરવિઝન માટે શિક્ષકોને અન્ય સ્કૂલોમાં મોકલવાના એક સાથે અનેક લાભ થઈ શકે તેમ છે. સૌથી પહેલાં તો, પરીક્ષાર્થી સ્કૂલ બદલવાની તાણમાંથી મુક્ત થઈ શકે. બીજું, ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાથે તેમના વાલીઓને પરીક્ષા દરમિયાન દોડાદોડ કરવી પડે તેના બદલે ઘણી ઓછી સંખ્યામાં શિક્ષકોએ સુપરવિઝન માટે સ્થળાંતર કરવું પડે. શિક્ષકોની સાથે કોઇએ જવાની જરૂર ન પડે એ લાભ તો છે જ!

આશા રાખીએ કે આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ના લગભગ 18થી 20 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા અન્ય વિસ્તાર કે અન્ય સ્કૂલ કે અન્ય ગામ કે અન્ય શહેરમાં જવું નહીં પડે અને તેઓ તદન તાણ વિના પોતાની સ્કૂલમાં જ પરીક્ષા આપવા જઈ શકશે. હા, એ વખતે તેમના સુપરવાઈઝર તેમની જ સ્કૂલના નહીં પરંતુ અન્ય સ્કૂલના શિક્ષકો હોય એવું બને. સરકાર અને તંત્ર માટે આવી વ્યવસ્થા કરવાનું જરાય અઘરું કે અશક્ય નથી. મને લાગે છે કે લાખો વિદ્યાર્થીઓ માટે અન્ય શાળામાં વ્યવસ્થા કરવાની જે કવાયત થાય છે તેના કરતાં થોડા હજાર શિક્ષકોને સુપરવિઝન માટે અન્યત્ર મોકલવાની વ્યવસ્થા કરવાનું અનેક અનેક ગણું સહેલું પડશે. અને હા, શિક્ષકોને શિક્ષણકાર્ય સિવાય અન્ય સરકારી કામોમાં નહીં જોતરવાનો મુદ્દો પણ એટલો જ જલદ અને જટિલ છે, જેના વિશે હવે પછી વાત કરીશું.

Monday, September 17, 2018

ગુજરાત સરકારે “મિશન વિદ્યા” કેમ શરૂ કરવું પડ્યું?

ગુજરાત સરકારે “મિશન વિદ્યા” કેમ શરૂ કરવું પડ્યું?


--- સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ હાજરી નથી આપી શકતા કેમકે... શિક્ષણ વિભાગના પ્રયાસ ટૂંકા પડતા હતા... શિક્ષકોના હાથ હેઠા પડતા હતા… પણ શા માટે?    

-- અલકેશ પટેલ

10 સપ્ટેમ્બરને સોમવારે આપણે ગુજરાતમાં ચાલી રહેલા એક એવા શિક્ષણ યજ્ઞના વાત કરી જેમાં શિક્ષણ અને શિક્ષકો કંઇક અલગ ભૂમિકામાં છે. ગયા સોમવારે જે શિક્ષકોની વાત કરી હતી તે હાલ ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકોની પુરવણી સમાન છે. નિયમિત શિક્ષણકાર્ય દરમિયાન વિવિધ કારણસર અન્ય વિદ્યાર્થીઓ કરતાં પાછળ રહી જતા વિદ્યાર્થીઓને ભણાવવાની જવાબદારી ઉપાડી લેનાર આ શિક્ષકો સાક્ષરતાના સેવાયજ્ઞના સહાયકો છે. એક તરફ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ અને સાક્ષરતાની કરુણ સ્થિતિનું દુઃખ છે, તો બીજી તરફ એ સ્થિતિને સુધારવા માટે જે પ્રયાસો થઈ રહ્યા છે તેનો આનંદ પણ છે. ગયા અઠવાડિયે આપણે જોયું કે જીતાબેન ત્રિવેદી અને તેમના જીવનસાથી હરેશભાઈ ત્રિવેદીએ શ્રી પરમહંસ યોગેન્દ્ર ચૅરિટેબલ ટ્રસ્ટ, શ્રી મહારાજા અગ્રસેન સેવા સંસ્થાન, અદાણી ફાઉન્ડેશન તથા લોક્ઝિમ કંપની મારફત ધોરણ પાંચથી ધોરણ આઠના વિદ્યાર્થીઓ જે અભ્યાસ દરમિયાન થોડા પાછળ રહી જાય છે તેમને સહાય કરીને અન્ય વિદ્યાર્થીઓની હરોળમાં મૂકવાની એક ઉમદા કામગીરી ઉપાડી છે.
હવે સવાલ એ આવે કે ગુજરાત સરકારે આ “મિશન વિદ્યા” શરૂ શા માટે કરવું પડ્યું? મિશન વિદ્યા શરૂ કરવાનો આશય ધોરણ પાંચથી ધોરણ આઠની વચ્ચે અભ્યાસ કરીને આગળ “ધકેલાયા” કરતાં બાળકો પૈકી અમુક ટકા બાળકો વાંચવા-લખવામાં સાવ નબળા રહી જતાં હોય છે તેનું કારણ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની નીતિ છે એ વાત આપણે સૌ જાણીએ છીએ. આ નીતિનું પરિણામ એ આવે છે કે બધા વિદ્યાર્થીઓ વાંચવા-લખવા સહિત બધી રીતે યોગ્ય છે કે નહીં તેનો ખ્યાલ આવતો નથી. અને આવે તો પણ તેમને આગલા ધોરણમાં મોકલ્યા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. અને તેથી એ નબળા બાળકોને અન્ય વિદ્યાર્થીઓને સમકક્ષ કરવા મિશન વિદ્યા ચાલે છે.
હવે મૂળ મુદ્દો એ આવે છે કે આ બધું શા માટે કરવું પડ્યું? શું સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ નબળા રહે છે? કેટલા ટકા વિદ્યાર્થીઓ નબળા રહે છે? નબળા શા માટે રહે છે? કોના વાંકે નબળા રહે છે? સવાલ એ છે કે તમામ વિદ્યાર્થીઓને એક સરખી સુવિધાઓ વચ્ચે, એક સરખા શિક્ષકો દ્વારા એક જ સરખું શિક્ષણ આપવામાં આવતું હોય તો પછી અમુક વિદ્યાર્થીઓ નબળા રહી કેવી રીતે જાય? તો એનો જવાબ છે આ વિદ્યાર્થીઓની હાજરી, અર્થાત અભ્યાસમાં ગેરહાજરી.
રોજિંદી ગરીબીનો સામનો કરતાં શ્રમિકવર્ગનાં માતા-પિતા તેમનાં બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલી શકતાં નથી. આપણે સૌ જાણીએ છીએ કે તેમણે તેમની જરૂરિયાતો પૂરી કરવા ઘણીવાર બાળકો પાસે મજૂરી કરાવવી પડે છે. હા, એ પણ ખરું કે માત્ર આ જ કારણ નથી. ગરીબી ઉપરાંત અસંખ્ય પરિવારોમાં સામાજિક કારણો પણ હોય છે. આપણી સમાજવ્યવસ્થા એવી છે કે સમયાંતરે કોઈને કોઈ તહેવાર કે પ્રસંગો હોય અને એવા સમયે માતા-પિતા ખાસ આગ્રહ કરીને બાળકોને લઈ જતાં હોય છે.
સરકારી અધિકારીઓ, શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો વગેરે તમામના પ્રયાસો છતાં અમુક સંખ્યામાં વિદ્યાર્થીઓ પૂરેપૂરી હાજરી આપી શકતા નથી અને તે કારણે પણ તેમનું શિક્ષણ બગડે છે.
આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જ “મિશન વિદ્યા” હેઠળ અભ્યાસમાં નબળા રહી જતા વિદ્યાર્થીઓને સરકારી શાળાઓના પ્રિન્સિપાલ તેમજ શિક્ષકોની મદદથી અલગ તારવવામાં આવે છે અને તેમનું શૂન્ય (0) થી પાંચ (5) એમ વિવિધ લેવલમાં વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને ગુજરાતીથી શરૂ કરીને પછી ગણિત જેવા વિષય શીખવાડવા માટેનું અભિયાન શરૂ થાય છે. અલગ તારવવામાં આવેલા આ વિદ્યાર્થીઓને તેઓ નબળા છે એવી લાગણી ન થાય તે માટે “પ્રિય બાળકોનો વર્ગ” એવું નામ આપવામાં આવ્યું છે જ્યાં વિશિષ્ઠ તાલીમ પામેલા શિક્ષકો અલગ અલગ રમતો, પ્રયોગો દ્વારા પહેલાં ગુજરાતી અને પછી ગણિતનું શિક્ષણ આપે છે. આ શિક્ષકોની પસંદગી પણ ખાસ રીતે કરવામાં આવે છે. તેઓ બી.એડ. કરેલા શિક્ષક હોય એ જરૂરી નથી, પરંતુ નબળા બાળકો સાથે તાદાત્મ્ય સાધીને તેમને કંઈક અલગ રીતે શીખવવા માટેની તેમની તૈયારી હોવી જોઈએ. સરકારી શાળાઓમાં પાંચથી આઠ ધોરણની વચ્ચે નબળા રહેતા આ બાળકોને શૂન્યથી શરૂ કરીને પાંચમા લેવલ સુધી પહોંચાડવા માટે ફાઉન્ડેશનના શિક્ષકો દરરોજ દોઢ કલાક વિશિષ્ઠ રીતે ભણાવે ત્યારે થોડા મહિનામાં જ એ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર સુધરવા લાગે છે. વળી સ્તર સુધર્યું કે નહીં અથવા કેટલું સુધર્યું તેની ચકાસણી પણ ત્રણ તબક્કે કરવામાં આવે છે. આ સમગ્ર અભ્યાસ પ્રક્રિયા તેમજ ચકાસણીની પ્રક્રિયાની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે કોઈ બાળકોને એવું લાગવા દેવામાં નથી આવતું કે તેઓ નબળા છે તેથી આ બધા પ્રયાસ કરવામાં આવે છે. તેમનું મૂલ્યાંકન કરવામાં આવે અર્થાત પરીક્ષા લેવામાં આવે તેની પદ્ધતિ પણ સંપૂર્ણ અલગ અને વિશિષ્ઠ છે.

Monday, September 10, 2018

ગુજરાતમાં “સાક્ષરતા”ની સ્થિતિ શું છે?


ગુજરાતમાં “સાક્ષરતા”ની સ્થિતિ શું છે?

--- માત્ર સૂત્રો અને સરકારી પ્રયાસોથી દરેક લક્ષ્યાંક હાંસલ નથી થતા, પ્રજા પણ ઇચ્છે તો સહભાગી થઈ શકે. કદાચ આ વાત કેટલાક જાગૃત નાગરિકોને સમજાઈ અને તેઓ પણ સાક્ષરતા અભિયાનના યજ્ઞમાં જોડાઈ ગયા
-- અલકેશ પટેલ

ગયા સોમવારે આપણે આ સ્થળે શિક્ષકોના મહત્ત્વ વિશે વાત કરી, તેમની કદર કેવી રીતે થઈ શકે તેની વાત કરી. આજે પણ વાત આમ તો શિક્ષકોની જ કરવાની છે... આ શિક્ષકો જરા અલગ છે. આજે જે શિક્ષકોની વાત કરવી છે તે હાલ ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકોની પુરવણી સમાન છે. અર્થાત નિયમિત શિક્ષણકાર્ય દરમિયાન વિવિધ કારણસર અન્ય વિદ્યાર્થીઓ કરતાં પાછળ રહી જતા વિદ્યાર્થીઓને ભણાવવાની જવાબદારી ઉપાડી લેનાર આ શિક્ષકો સાક્ષરતાના સેવાયજ્ઞના સહાયકો છે. સમાજના સમૃદ્ધ લોકો ઇચ્છે તો આ સેવાયજ્ઞને વધારે વ્યાપક બનાવવામાં સહાય કરીને ગુજરાતના ભવિષ્યને વધારે ઉજ્જવળ બનાવી શકે છે.
આજે જે વાત કરવાની છે તેમાં એક તરફ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ અને સાક્ષરતાની કરુણ સ્થિતિનું દુઃખ છે, તો બીજી તરફ એ સ્થિતિને સુધારવા માટે જે પ્રયાસો થઈ રહ્યા છે તેનો આનંદ પણ છે. પહેલાં સ્થિતિ સુધારવા માટેના પૉઝિટિવ પ્રયાસોની વાત કરીએ, અને ત્યારપછી આવા પ્રયાસોની જરૂર શા માટે ઊભી થઈ તેની વાત કરીશું. આ અભિયાનના મુખ્ય સારથી છે જીતાબેન ત્રિવેદી અને તેમના જીવનસાથી હરેશભાઈ ત્રિવેદી. આ દંપતિ આમ તો છેલ્લા ઘણાં વર્ષથી શહેરી વિસ્તારોમાં મજૂરીએ આવતા પરિવારોનાં વંચિત બાળકોને શિક્ષિત કરવાની કામગીરી કરી જ રહ્યું છે, પરંતુ હવે તેમણે થોડી વ્યાપક કામગીરી ઉપાડી છે. ત્રિવેદી દંપતિએ શ્રી પરમહંસ યોગેન્દ્ર ચૅરિટેબલ ટ્રસ્ટ, શ્રી મહારાજા અગ્રસેન સેવા સંસ્થાન, અદાણી ફાઉન્ડેશન તથા લોક્ઝિમ કંપની મારફત ધોરણ પાંચથી ધોરણ આઠના વિદ્યાર્થીઓ જે અભ્યાસ દરમિયાન થોડા પાછળ રહી જાય છે તેમને સહાય કરીને અન્ય વિદ્યાર્થીઓની હરોળમાં મૂકવાની એક ઉમદા કામગીરી ઉપાડી છે.
આ કામગીરી હેઠળ ધોરણ પાંચથી ધોરણ આઠમાં અભ્યાસ કરતા, પરંતુ અન્ય સાથી વિદ્યાર્થીઓ કરતાં નબળા રહી ગયેલા વિદ્યાર્થીઓને અલગ તારવીને તેમને સૌથી પહેલાં ગુજરાતી ભાષાનું મૂળભૂત જ્ઞાન આપવામાં આવે છે. હવે સવાલ એ થાય કે પાંચથી આઠ ધોરણના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનું મૂળભૂત જ્ઞાન શા માટે? તો એનો જવાબ છે, આ ધોરણના અમુક ટકા વિદ્યાર્થીઓ વિવિધ કારણસર સાથી વિદ્યાર્થીઓ કરતાં પાછળ રહી જાય છે. તેનું કારણ તેમને મૂળ ગુજરાતી ભાષા સહિત અન્ય વિષયોમાં પડતી મુશ્કેલી જ હોય છે.
સેવાભાવી સંસ્થાઓ તેમજ કૉર્પોરેટ કંપનીઓની સાથે મળીને વિદ્યા ભારતી ફાઉન્ડેશન દ્વારા જે પ્રયાસ શરૂ થયા છે તેને “મિશન વિદ્યા” નામ આપવામાં આવ્યું છે. આ “મિશન વિદ્યા” હેઠળ અભ્યાસમાં નબળા રહી જતા વિદ્યાર્થીઓને સરકારી શાળાઓના પ્રિન્સિપાલ તેમજ શિક્ષકોની મદદથી અલગ તારવવામાં આવે છે અને તેમનું શૂન્ય (0) થી પાંચ (5) એમ વિવિધ લેવલમાં વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને ગુજરાતીથી શરૂ કરીને પછી ગણિત જેવા વિષય શીખવાડવા માટેનું અભિયાન શરૂ થાય છે.
મજાની વાત એ છે કે અલગ તારવવામાં આવેલા આ વિદ્યાર્થીઓને તેઓ નબળા છે એવી લાગણી ન થાય તે માટે “પ્રિય બાળકોનો વર્ગ” એવું નામ આપવામાં આવ્યું છે જ્યાં વિશિષ્ઠ તાલીમ પામેલા શિક્ષકો અલગ અલગ રમતો, પ્રયોગો દ્વારા પહેલાં ગુજરાતી અને પછી ગણિતનું શિક્ષણ આપે છે. આ શિક્ષકોની પસંદગી પણ ખાસ રીતે કરવામાં આવે છે. તેઓ બી.એડ. કરેલા શિક્ષક હોય એ જરૂરી નથી, પરંતુ નબળા બાળકો સાથે તાદાત્મ્ય સાધીને તેમને કંઈક અલગ રીતે શીખવવા માટેની તેમની તૈયારી હોવી જોઈએ.
સરકારી શાળાઓમાં પાંચથી આઠ ધોરણની વચ્ચે નબળા રહેતા આ બાળકોને શૂન્યથી શરૂ કરીને પાંચમા લેવલ સુધી પહોંચાડવા માટે ફાઉન્ડેશનના શિક્ષકો દરરોજ દોઢ કલાક વિશિષ્ઠ રીતે ભણાવે ત્યારે થોડા મહિનામાં જ એ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર સુધરવા લાગે છે. વળી સ્તર સુધર્યું કે નહીં અથવા કેટલું સુધર્યું તેની ચકાસણી પણ ત્રણ તબક્કે કરવામાં આવે છે. સૌથી પહેલાં જે શિક્ષણ ભણાવતા હોય એ ચકાસણી કરે, પછી જે તે ક્લસ્ટરના સુપરવાઇઝર ચકાસણી કરે અને ત્યારબાદ ફાઉન્ડેશનનાં વડાં જીતાબેન પણ ચકાસણી કરે.
આ સમગ્ર અભ્યાસ પ્રક્રિયા તેમજ ચકાસણીની પ્રક્રિયાની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે કોઈ બાળકોને એવું લાગવા દેવામાં નથી આવતું કે તેઓ નબળા છે તેથી આ બધા પ્રયાસ કરવામાં આવે છે. તેમનું મૂલ્યાંકન કરવામાં આવે અર્થાત પરીક્ષા લેવામાં આવે તેની પદ્ધતિ પણ સંપૂર્ણ અલગ અને વિશિષ્ઠ છે.
હવે મૂળ મુદ્દો એ આવે છે કે આ બધું શા માટે કરવું પડ્યું? શું સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ નબળા રહે છે? કેટલા ટકા વિદ્યાર્થીઓ નબળા રહે છે? નબળા શા માટે રહે છે? કોના વાંકે નબળા રહે છે? – આવા તમામ સવાલોના જવાબ મેળવીશું આવતા સોમવારે. (ક્રમશઃ)