Monday, September 10, 2018

ગુજરાતમાં “સાક્ષરતા”ની સ્થિતિ શું છે?


ગુજરાતમાં સાક્ષરતાની સ્થિતિ શું છે?

--- માત્ર સૂત્રો અને સરકારી પ્રયાસોથી દરેક લક્ષ્યાંક હાંસલ નથી થતા, પ્રજા પણ ઇચ્છે તો સહભાગી થઈ શકે. કદાચ આ વાત કેટલાક જાગૃત નાગરિકોને સમજાઈ અને તેઓ પણ સાક્ષરતા અભિયાનના યજ્ઞમાં જોડાઈ ગયા
-- અલકેશ પટેલ

ગયા સોમવારે આપણે આ સ્થળે શિક્ષકોના મહત્ત્વ વિશે વાત કરી, તેમની કદર કેવી રીતે થઈ શકે તેની વાત કરી. આજે પણ વાત આમ તો શિક્ષકોની જ કરવાની છે... આ શિક્ષકો જરા અલગ છે. આજે જે શિક્ષકોની વાત કરવી છે તે હાલ ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકોની પુરવણી સમાન છે. અર્થાત નિયમિત શિક્ષણકાર્ય દરમિયાન વિવિધ કારણસર અન્ય વિદ્યાર્થીઓ કરતાં પાછળ રહી જતા વિદ્યાર્થીઓને ભણાવવાની જવાબદારી ઉપાડી લેનાર આ શિક્ષકો સાક્ષરતાના સેવાયજ્ઞના સહાયકો છે. સમાજના સમૃદ્ધ લોકો ઇચ્છે તો આ સેવાયજ્ઞને વધારે વ્યાપક બનાવવામાં સહાય કરીને ગુજરાતના ભવિષ્યને વધારે ઉજ્જવળ બનાવી શકે છે.
આજે જે વાત કરવાની છે તેમાં એક તરફ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ અને સાક્ષરતાની કરુણ સ્થિતિનું દુઃખ છે, તો બીજી તરફ એ સ્થિતિને સુધારવા માટે જે પ્રયાસો થઈ રહ્યા છે તેનો આનંદ પણ છે. પહેલાં સ્થિતિ સુધારવા માટેના પૉઝિટિવ પ્રયાસોની વાત કરીએ, અને ત્યારપછી આવા પ્રયાસોની જરૂર શા માટે ઊભી થઈ તેની વાત કરીશું. આ અભિયાનના મુખ્ય સારથી છે જીતાબેન ત્રિવેદી અને તેમના જીવનસાથી હરેશભાઈ ત્રિવેદી. આ દંપતિ આમ તો છેલ્લા ઘણાં વર્ષથી શહેરી વિસ્તારોમાં મજૂરીએ આવતા પરિવારોનાં વંચિત બાળકોને શિક્ષિત કરવાની કામગીરી કરી જ રહ્યું છે, પરંતુ હવે તેમણે થોડી વ્યાપક કામગીરી ઉપાડી છે. ત્રિવેદી દંપતિએ શ્રી પરમહંસ યોગેન્દ્ર ચૅરિટેબલ ટ્રસ્ટ, શ્રી મહારાજા અગ્રસેન સેવા સંસ્થાન, અદાણી ફાઉન્ડેશન તથા લોક્ઝિમ કંપની મારફત ધોરણ પાંચથી ધોરણ આઠના વિદ્યાર્થીઓ જે અભ્યાસ દરમિયાન થોડા પાછળ રહી જાય છે તેમને સહાય કરીને અન્ય વિદ્યાર્થીઓની હરોળમાં મૂકવાની એક ઉમદા કામગીરી ઉપાડી છે.
આ કામગીરી હેઠળ ધોરણ પાંચથી ધોરણ આઠમાં અભ્યાસ કરતા, પરંતુ અન્ય સાથી વિદ્યાર્થીઓ કરતાં નબળા રહી ગયેલા વિદ્યાર્થીઓને અલગ તારવીને તેમને સૌથી પહેલાં ગુજરાતી ભાષાનું મૂળભૂત જ્ઞાન આપવામાં આવે છે. હવે સવાલ એ થાય કે પાંચથી આઠ ધોરણના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનું મૂળભૂત જ્ઞાન શા માટે? તો એનો જવાબ છે, આ ધોરણના અમુક ટકા વિદ્યાર્થીઓ વિવિધ કારણસર સાથી વિદ્યાર્થીઓ કરતાં પાછળ રહી જાય છે. તેનું કારણ તેમને મૂળ ગુજરાતી ભાષા સહિત અન્ય વિષયોમાં પડતી મુશ્કેલી જ હોય છે.
સેવાભાવી સંસ્થાઓ તેમજ કૉર્પોરેટ કંપનીઓની સાથે મળીને વિદ્યા ભારતી ફાઉન્ડેશન દ્વારા જે પ્રયાસ શરૂ થયા છે તેને મિશન વિદ્યા નામ આપવામાં આવ્યું છે. આ મિશન વિદ્યા હેઠળ અભ્યાસમાં નબળા રહી જતા વિદ્યાર્થીઓને સરકારી શાળાઓના પ્રિન્સિપાલ તેમજ શિક્ષકોની મદદથી અલગ તારવવામાં આવે છે અને તેમનું શૂન્ય (0) થી પાંચ (5) એમ વિવિધ લેવલમાં વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને ગુજરાતીથી શરૂ કરીને પછી ગણિત જેવા વિષય શીખવાડવા માટેનું અભિયાન શરૂ થાય છે.
મજાની વાત એ છે કે અલગ તારવવામાં આવેલા આ વિદ્યાર્થીઓને તેઓ નબળા છે એવી લાગણી ન થાય તે માટે પ્રિય બાળકોનો વર્ગ એવું નામ આપવામાં આવ્યું છે જ્યાં વિશિષ્ઠ તાલીમ પામેલા શિક્ષકો અલગ અલગ રમતો, પ્રયોગો દ્વારા પહેલાં ગુજરાતી અને પછી ગણિતનું શિક્ષણ આપે છે. આ શિક્ષકોની પસંદગી પણ ખાસ રીતે કરવામાં આવે છે. તેઓ બી.એડ. કરેલા શિક્ષક હોય એ જરૂરી નથી, પરંતુ નબળા બાળકો સાથે તાદાત્મ્ય સાધીને તેમને કંઈક અલગ રીતે શીખવવા માટેની તેમની તૈયારી હોવી જોઈએ.
સરકારી શાળાઓમાં પાંચથી આઠ ધોરણની વચ્ચે નબળા રહેતા આ બાળકોને શૂન્યથી શરૂ કરીને પાંચમા લેવલ સુધી પહોંચાડવા માટે ફાઉન્ડેશનના શિક્ષકો દરરોજ દોઢ કલાક વિશિષ્ઠ રીતે ભણાવે ત્યારે થોડા મહિનામાં જ એ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર સુધરવા લાગે છે. વળી સ્તર સુધર્યું કે નહીં અથવા કેટલું સુધર્યું તેની ચકાસણી પણ ત્રણ તબક્કે કરવામાં આવે છે. સૌથી પહેલાં જે શિક્ષણ ભણાવતા હોય એ ચકાસણી કરે, પછી જે તે ક્લસ્ટરના સુપરવાઇઝર ચકાસણી કરે અને ત્યારબાદ ફાઉન્ડેશનનાં વડાં જીતાબેન પણ ચકાસણી કરે.
આ સમગ્ર અભ્યાસ પ્રક્રિયા તેમજ ચકાસણીની પ્રક્રિયાની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે કોઈ બાળકોને એવું લાગવા દેવામાં નથી આવતું કે તેઓ નબળા છે તેથી આ બધા પ્રયાસ કરવામાં આવે છે. તેમનું મૂલ્યાંકન કરવામાં આવે અર્થાત પરીક્ષા લેવામાં આવે તેની પદ્ધતિ પણ સંપૂર્ણ અલગ અને વિશિષ્ઠ છે.
હવે મૂળ મુદ્દો એ આવે છે કે આ બધું શા માટે કરવું પડ્યું? શું સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ નબળા રહે છે? કેટલા ટકા વિદ્યાર્થીઓ નબળા રહે છે? નબળા શા માટે રહે છે? કોના વાંકે નબળા રહે છે? – આવા તમામ સવાલોના જવાબ મેળવીશું આવતા સોમવારે. (ક્રમશઃ)

No comments:

Post a Comment