Wednesday, September 12, 2018

સાક્ષરતા અને શિક્ષણ વચ્ચેનું અંતર


સાક્ષરતા અને શિક્ષણ વચ્ચેનું અંતર

--- આઠ સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસની ઊજવણી થઈ રહી છે ત્યારે આ ક્ષેત્રમાં અને આ દિશામાં ભારતની સ્થિતિ શું છે અને કેટલે પહોંચ્યું છે તેનાં લેખાંજોખાં કરવા જરૂરી છે



   www.sadhanaweekly.com/Encyc/2018/9/7/world-literacy-day-2018-special-gujarati-news.html

થોડા હળવા મૂડમાં કહેવું હોય તો એમ કહી શકાય કે ભારતને સ્વતંત્રતા મળ્યે 71 વર્ષ થયાં અને ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ હાલ 72 ટકા આસપાસ છે. અર્થાત પ્રતિવર્ષ માત્ર એક ટકા નાગરિકો સાક્ષર બને છે..!

n  સ્વતંત્રતા સમયે ભારતની માંડ 12 ટકા વસ્તી શિક્ષિત હતી અથવા સાક્ષરમાં ગણના થતી હતી. 71 વર્ષમાં આપણે માંડ 62 ટકા લોકોને શિક્ષિત અથવા સાક્ષર કરી શક્યા છીએ. કોને જવાબદાર ઠેરવીશું..?

n  જે કામ સૌથી પહેલાં થવું જોઇતું હતું, અર્થાત પ્રજાને શિક્ષિત કરવાનું કામ સૌથી પહેલાં થવું જોઇતું હતું એ બાબતે જ અત્યાર સુધીની તમામ સરકારે ગુનાઇત ઉપેક્ષા કરી છે, એટલે જ આપણે વૈશ્વિક સરેરાશમાં પાછળ છીએ.

-- અલકેશ પટેલ

એક તરફ સિંગાપોર, સ્વિટ્ઝરલૅન્ડ તેમજ યુરોપની અંદર આવેલા કેટલાક સ્કૅન્ડેનેવિયન દેશો છે તો બીજી તરફ ભારત, ચીન, અમેરિકા સહિત ખૂબ મોટી સંખ્યામાં દેશો છે. આ એક તરફ અને બીજી તરફ વચ્ચે તફાવત શો છે? તફાવત છે – સાક્ષરતાનો અને શિક્ષણ પ્રત્યેની સરકારી નીતિનો, શિક્ષણ માટે ફાળવવામાં આવતા બજેટનો. ભારતમાં પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ઊજવાય છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આઠ સપ્ટેમ્બર સાક્ષરતા દિવસ તરીકે ઊજવાય છે. આ બંને દિવસને ધ્યાનમાં રાખીને વિશ્વની સરખામણીમાં ભારતમાં સાક્ષરતા અને શિક્ષણની સ્થિતિની ચર્ચા કરવી જરૂરી છે.


આ ચર્ચા એટલા માટે જરૂરી છે કે ભારત વિશ્વગુરુ બનવા માગે છે. આ ચર્ચા એટલા માટે પણ જરૂરી છે કે ડિજિટલ યુગ છેક આપણા ઉંબરા સુધી પહોંચી ગયો છે અને સરકાર સ્માર્ટ સિટીના આયોજન કરે છે, પરંતુ દેશની હજુ ઓછામાં ઓછી 28 થી 30 ટકા વસ્તી સાક્ષરતાથી જ વંચિત છે, શિક્ષણની વાત તો ઘણી દૂર રહી.


વિશ્વની સરેરાશ સાક્ષરતા ટકાવારી હાલ 82.5 ટકા છે તેની સામે ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ 72 ટકા છે. વિશ્વની સરેરાશ કરતાં ભારત આટલું પાછળ કેમ? શું ભારત ગરીબ દેશ હતો અથવા છે? શું ભારતના રાજકારણીઓ બનાના રિપબ્લિકની જેમ માત્ર ભ્રષ્ટાચાર કરવામાં જ માને છે? આ સવાલના જવાબ મેળવવા આપણે થોડું ઇતિહાસમાં જોવું પડે. મુસ્લિમ આક્રમણખોરો અને ત્યારબાદ અંગ્રેજો આ દેશમાં ઘૂસી આવ્યા તે પહેલાં અને અંગ્રેજોના સમય દરમિયાન પણ આ દેશ 500 કરતાં વધુ રજવાડાંમાં વહેંચાયેલો હતો. તેમાંથી કેટલાંક રજવાડાંના શાસકો પોતે શિક્ષિત હતા અને પ્રજાને પણ શિક્ષિત કરવાની દરકાર રાખતા હતા, બાકીના કેટલાંક રજવાડાં વૈભવ વિલાસમાં પડેલા હતા. પરિણામે ઉત્તર – દક્ષિણ – પૂર્વ અને પશ્ચિમ એમ ચારે દિશામાં ઉપરાંત મધ્ય ભારતમાં પણ શિક્ષણ તેમજ સાક્ષરતાની બાબતમાં અસમાનતા જોવા મળે છે.


આ સ્થિતિ બદલવા માટે 1947 પછી આપણી પાસે પૂરો અવકાશ હતો. સરદાર વલ્લભભાઈ પટેલે તમામ રજવાડાંને ભારતમાં સામેલ કરવાની ભગીરથ કામગીરી કરી હતી અને એ રીતે દેશ એક થયો હતો. જરૂર હતી માત્ર દીર્ઘ દૃષ્ટિની. પરંતુ આ દેશની કમનસીબીએ સરદાર પટેલ, શ્યામાપ્રસાદ મુખરજી, બાબાસાહેબ આંબેડકર તથા તેમના જેવા બીજા થોડા રાષ્ટ્રવાદી વિદ્વાનોને રાષ્ટ્ર ઘડતરની પ્રક્રિયામાં સામેલ કરવાને બદલે પરિવારવાદી કોંગ્રેસી નેતાઓએ લોકશાહી, સામ્યવાદી, સમાજવાદી, મૂડીવાદી – એમ બધા પ્રકારના મિશ્રણ વાળી કોઈ ભળતી જ રાજ્યવ્યવસ્થા ઊભી કરી જેનું પરિણામ એ આવ્યું કે ના તો આ દેશના ગરીબોનું જીવનસ્તર સુધર્યું, ના તો આ દેશના નાગરિકોને સમાનતા મળી, ના તો આ દેશના ઉદ્યોગપતિઓ સુખી થયા, ના તો આ દેશના ખેડૂતો આગળ આવ્યા. ટૂંકમાં નહેરુવાદી રાજકીય-આર્થિક-સામાજિક વ્યવસ્થા એવી હતી જેમાં કોઈ વર્ગ પૂર્ણ રીતે વિકસી શકે તેમ નહોતો.


એ સંજોગોમાં શિક્ષણનું સ્તર પણ ઊંચું આવ્યું નહીં, કેમકે એ નહેરુવાદી વ્યવસ્થાએ માત્ર અંગ્રેજોની જ શિક્ષણ પદ્ધતિ ચાલુ રાખી અને તેને ભારતની જરૂરિયાત મુજબનું બનાવવાનો કોઈ પ્રયાસ ન કર્યો. શિક્ષણ એક પાયાની જરૂરિયાત છે અને તેના વિના ભવિષ્યમાં દેશ પ્રગતિ કરી નહીં શકે એ વાત નહેરુને સમજાઈ નહીં હોય એ વાત આજની સ્થિતિ જોતાં સ્પષ્ટ થાય છે. આજકાલ ટીવી ઉપર ચર્ચામાં આવતા કોંગ્રેસી નેતાઓ નહેરુ-ઈન્દિરા ગાંધીના સમયમાં આઈઆઈટી અને આઈઆઈએમ જેવી સંસ્થાઓ સ્થાપ્યાના બણગાં ફૂંકે છે, પરંતુ આ જ કોંગ્રેસી નેતાઓ એ વાતનો જવાબ નથી આપી શકતા કે નહેરુ કે ઈન્દિરા કે પછી રાજીવ ગાંધીની સરકારોએ દેશમાં સાક્ષરતાનો વ્યાપ વિસ્તારવાના અને શિક્ષણ માટે સવલતો ઊભી કરવાના પ્રયાસો શા માટે ન કર્યા?


આ પૃષ્ઠભૂની સાથે આજની સ્થિતિ એવી છે કે હવેની સરકારો ધારે તો પણ શિક્ષણ માટે કોઈ ક્રાંતિકારી પરિવર્તન કરી શકતી નથી. શિક્ષણ માટે બજેટની ફાળવણી એ હદે ઓછી થાય છે કે વધતી વસ્તી અને જરૂરિયાતોની સામે એ બજેટમાંથી શિક્ષણ અને સાક્ષરતાના હેતુ પૂરા કરી શકાતા નથી. અહીં વર્તમાન સરકારનો બચાવ કરવાનો કોઈ હેતુ નથી, પરંતુ સાત દાયકા સુધીની સરકારોએ સ્થિતિ જ એવી નિર્માણ કરી છે કે હાલની સરકાર તેમાં કોઈ ફેરફાર કે સુધારા કરવા પ્રયાસ કરે તો પણ તેને આક્રમક વિરોધનો સામનો કરવો પડે છે.


એનડીએ સરકારે ચાલુ વર્ષે બજેટમાં શિક્ષણ માટે 3.85 ટકાનો વધારો કર્યો હતો. વાસ્તવમાં આ વધારો ભારતમાં શિક્ષણની જરૂરિયાત સામે સાવ નગણ્ય ગણાય. અગાઉની સરકારોએ કરેલી ભૂલોમાંથી પાઠ શીખીને હવે પછીની સરકારોએ ખરેખર તો સ્થિતિમાં ધરમૂળથી પરિવર્તન લાવવાની જરૂર છે. 1945 પછી દુનિયાએ કોઈ મોટું વિશ્વયુદ્ધ કહી શકાય એવી સ્થિતિનો સામનો કર્યો નથી. હવે એ સ્થિતિ આવે તેવી શક્યતા પણ નથી. ભારત સહિત દુનિયાના ઓછામાં ઓછા 10 દેશોએ અણુબોંબ બનાવી લીધા છે. તો એ સંજોગોમાં સંરક્ષણ પાછળ હજુ પણ મોટો ખર્ચ કરવાને બદલે કમ સે કમ ભારતે તો ક્રાંતિકારી પગલું લેવાની જરૂર છે. ભારત માટે હવે માત્ર પાકિસ્તાન અને ચીન સિવાય કોઈ ખતરો નથી. આ બે દેશને પહોંચી વળી શકાય એટલી ક્ષમતા ભારતે હાંસલ કરી લીધેલી છે. ઉપરાંત હવે તો અમેરિકા પણ ભારતનો ગાઢ મિત્ર દેશ છે. ત્યારે ભારત સરકાર ઇચ્છે તો સંરક્ષણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરીને એ રકમ શિક્ષણ – સાક્ષરતા પાછળ વાપરી શકે છે.


હવેની દુનિયાની મોટામાં મોટી શક્તિ જ્ઞાન હશે. યુદ્ધ પણ સાયબર યુદ્ધ હશે, વાસ્તવિક શસ્ત્રોથી યુદ્ધ થવાની સંભાવના દિવસે-દિવસે ઘટી રહી છે. તો જ્ઞાન માટે, જ્ઞાનના વિસ્તાર માટે વધુમાં વધુ બજેટની ફાળવણી થાય તો આજનો આ વિશ્વ સાક્ષરતા દિવસ અને શિક્ષક દિવસ સાર્થક સાબિત થશે. ભારત સ્માર્ટ સિટીનાં સપનાં જૂએ છે. ભારત વિશ્વગુરુ બનવા માગે છે. ભારત પાસે ખૂબ મોટા પ્રમાણમાં માનવસંપદા છે. આ માનવસંપદાને શિક્ષિત અને સાક્ષર કરવામાં આવશે તો આગામી દાયકાઓમાં આખી દુનિયા પર તે વધારે પ્રભાવ પાડી શકશે. હાલ ચીની નાગરિકો જે રીતે દુનિયાભરમાં ફેલાયેલા છે એ સ્થિતિ થોડા દાયકામાં ભારતની હશે. ભારતીય નાગરિકો દુનિયામાં ફેલાઈ શકશે, પરંતુ તે માટેની સૌથી મોટી અને અગત્યની શરત એ છે કે ભારતીયો શિક્ષિત અને સાક્ષર હોવા જોઈશે. શિક્ષણ અને સાક્ષરતા વિના આ દેશ જેમ દાયકાઓથી પાછળ રહ્યો છે તેવું જ ભવિષ્યમાં પણ રહેશે જો આ દિશમાં કમ સે કમ વર્તમાન નેતાગીરી, વર્તમાન શિક્ષકો, વર્તમાન શિક્ષણશાસ્ત્રીઓ નહીં વિચારે તો.

No comments:

Post a Comment