Monday, September 24, 2018

ધારાસભ્યોના પગાર વધારાનો વિરોધ કેટલો યોગ્ય?

ધારાસભ્યોના પગાર વધારાનો વિરોધ કેટલો યોગ્ય?

--- ક્યારેક એવું લાગે છે કે ભારતીયો અત્યંત લાગણીશીલ છે તો ક્યારેક એવું લાગે છે કે ભારતીયો સાવ બુડથલ છે. જે પ્રજા મંદિરોની દાનપેટી છલકાવી દે છે એ જ પ્રજા રાજકારણીઓને વેતન આપવા તૈયાર નથી!    


-- અલકેશ પટેલ

ધારાસભ્યોના પગારવધારાના મુદ્દે આજે એ જ લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે જે હજુ થોડા દિવસ પહેલાં પોતાના વેતનવધારા માટેની રેલી કાઢતા હતા અને થોડા મહિનામાં ફરી પોતાના વેતનમાં વધારો કરવાની માગણી કરશે.
ધારાસભ્યોના પગારવધારાના મુદ્દે આજે એ જ લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે જેમણે  હજુ ગયા જુલાઈમાં જ પોતાનો ટેક્સ બચાવવા માટે હિસાબના ચોપડામાં કાવાદાવા કરવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ધરાઈને ફી આપી હતી.
ધારાસભ્યોના પગારવધારાના મુદ્દે આજે એ જ લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે જે લોકો દેશવિરોધી ફાલતુ એક્ટરોની વાહિયાત ફિલ્મો જોવા ચિક્કાર રૂપિયા ખર્ચીને ભારતમાં રહેતા એ પાકિસ્તાની હકલાઓના બેંક બેલેન્સમાં દિવસ-રાત ચોવીસે કલાક વધારો કરતા રહે છે.
--- કહેવાનું તાત્પર્ય એ છે કે કાંતો લાગણીવેડાને કારણે અથવા અબૂધપણાને કારણે આ દેશના નાગરિકો દરેક બાબતોમાં એવા એવા પ્રત્યાઘાત આપી રહ્યા છે જેમાં મૅચ્યોરિટીનો સદંતર અભાવ દેખાઈ આવે છે. ઉપર તો માત્ર ત્રણ જ મુદ્દા આપ્યા છે, પરંતુ એ સિવાય એવા સેંકડો ઉદાહરણ આપી શકાય એમ છે જે એક પ્રજા તરીકે આપણને મુર્ખ અને અબૂધ સાબિત કરે છે.
ના જરાય નહીં...ધારાસભ્યો કે પછી રાજકારણીઓનો બચાવ કરવાનો અહીં કોઈ ઇરાદો નથી જ. પણ મને લાગે છે કે પ્રજા તરીકે આપણે મૅચ્યોર થવું જોઈએ – પરિપક્વ થવું જોઈએ. કોંગ્રેસીઓ અને ડાબેરીઓએ સાવ ખોટી રીતે ભારતીયોના મનમાં ઘૂસાડી દીધેલી રાજકારણીઓ વિશેની માન્યતાને આપણે હવે બદલવી પડશે.
ધરાઈને વેતન લેતા રાજકારણીઓ તેમની ફરજ પ્રત્યે સભાન રહે એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. મત આપીને રાજકારણીઓને ચૂંટનાર દરેકની ફરજ એ હોવી જોઈએ કે એ રાજકારણીને કામ કરવા મજબૂર કરો. વિધાનસભ્યો અને સંસદસભ્યોને પોતપોતાના વિસ્તારની કામગીરી માટે ગ્રાન્ટ મળે છે. એ ઉપરાંત પણ વિવિધ યોજનાઓ માટે સરકારી બજેટ ફાળવવામાં આવેલું હોય છે.
આ સંજોગોમાં જાગૃત નાગરિકો, જાગૃત સંસ્થાઓ અને મીડિયાની ફરજ તો એ છે કે દર અઠવાડિયે અને દર મહિને રાજકારણીઓ પાસે સીધો જ હિસાબ માગવો જોઈએ. જો આવું કરીશું તો ચૂંટાયેલા ધારાસભ્યો-સાંસદોને કામ કરવાની ફરજ પડશે. એટલું જ નહીં પરંતુ જે લોકો રાજકારણમાં આવવા માગતા હોય તેમને પણ પહેલેથી જ સમજાઈ જશે કે હવે માત્ર જલસા કરવા રાજકારણમાં નહીં જવાય, કામ પણ કરવું પડશે.

--- શિક્ષક અને રાજકારણી – એ બે ના વેતન સૌથી વધુ હોવા જોઈએઃ

મુર્ખ ભારતીયોની મુશ્કેલી એ છે કે જે કોઈ સ્થિતિ હોય ત્યાંથી હવે આગળ શું કરી શકાય..?” એ વિશે વિચારતા જ નથી. બસ માત્ર જે તે ઘટના કે પ્રસંગને પકડી લઈને તેના ઉપર દે-ઠોક દલીલો કર્યા કરે છે. મુર્ખ ભારતીય નોકરિયાતો પોતપોતાના વેતન વધારવા માટે હંમેશાં તત્પર હોય છે, પરંતુ બીજા નોકરિયાતનું વેતન વધે તો એકની બળતરાનું કોઈ માપ નથી રહેતું. મુર્ખ ભારતીય વેપારીઓ કોઇપણ ભોગે પોતાનો નફો વધારવા તમામ પ્રકારનાં ગતકડાં અજમાવે છે, પણ કોઈ બીજો વેપારી એવું કશું કરે તો પહેલો બળીને ખાખ થઈ જાય છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે ઇર્ષા એ ભારતીયોના ડીએનએ-માં છે. બધા સાથે મળીને ઉપર ઊઠવા આપણે તૈયાર નથી, પણ એક-બીજાને નીચે પાડી દઈને આપણે ઉપર રહેવા માગીએ છીએ.
સાચી વાત એ છે કે ભારતે જો પહેલેથી શિક્ષકો અને રાજકારણીઓને પૂરતું વેતન અને પૂરતું સન્માન આપ્યું હોત તો અમેરિકા કે ચીન જેવા દેશો પણ આપણી આગળ પાણી ભરતા હોત. એ કેવી રીતે..? શિક્ષકને પૂરતું વેતન અને માન મળ્યું હોત તો આપણી અગાઉની પેઢીઓને શિક્ષિત કરવામાં કોઈ કચાશ રાખી ન હોત અને આજે શિક્ષણના સ્તર વિશે જે ચર્ચા કરવી પડે છે તે ન કરવી પડત. એનો અર્થ એવો નથી કે શિક્ષકોએ તેમની ફરજ નથી બજાવી. ફરજ તો બજાવી જ છે, પણ તેમને વધુ માન-સન્માન અને વધુ વેતન આપી શકાત. એ જ રીતે રાજકારણીઓને પણ યોગ્ય માન-સન્માન અને પૂરતું વેતન આપ્યું હોત તો તેમને તેમની કામગીરી માટે વધારે ઉત્સાહ રહેત અને ભ્રષ્ટાચારની સંભાવના ઘટાડી શકાત.
માત્ર સોશિયલ મીડિયા ઉપર હાકલા-પડકારા કરતા, ટેક્સની ચોરી કરવા માટેના રસ્તા શોધ્યા કરતા, જે સાધુઓ કથિત રીતે સંસાર છોડી ચૂક્યા છે એમના પગમાં કરોડો રૂપિયાનું દાન કરી આવતા, દેશ વિરોધી એક્ટરોની ફિલ્મો પાછળ લાખો રૂપિયા વેડફી નાખતા, લાયકાત કરતાં વધારે પગાર લઈને પણ પૂરો સમય કામ નહીં કરતા અને નોકરીમાં ગુટલી મારતા આ દેશના નાગરિકો પોતે તો દેશ પ્રત્યે જવાબદાર નથી જ, પણ જેમને જવાબદાર બનાવી શકાય એવા રાજકારણીઓને પણ ખરાબ ચીતરીને હજુ પણ દેશના ભવિષ્યને ભારે નુકસાન કરી રહ્યા છે.


No comments:

Post a Comment