Monday, September 3, 2018

નાળિયર તેલને ‘ઝેરી’ કહેવા પાછળનું (અર્થ)કારણ કયું?



--- અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી સંલગ્ન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થમાં કાર્યરત સંશોધક કેરિન માઇકલ્સે સંશોધન કરીને એવું જાહેર કરવામાં આવ્યું છે કે કોકોનટ ઑઇલ તો ઝેર છે. એ સાથે ભારત ઉપરાંત હવાઈ, ફિલિપિન્સ અને થાઇલેન્ડમાં વિરોધ

n  ભારત ઉપરાંત પૂર્વના ઘણા દેશમાં કોકોનટ ઑઇલ અર્થાત નાળિયર તેલને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. બીજા કોઈ તેલનું સંશોધન પણ નહોતું થયું ત્યારથી અહીં કોકોનટ ઑઇલ ખવાય છે.

n  હાર્વર્ડનાં મહિલા સંશોધકના કહેવા મુજબ કોકોનટ ઑઇલથી હૃદય રોગ થાય અને માણસો મૃત્યુ પામે. આ તર્કથી જોઈએ તો દક્ષિણ ભારતમાં આજે કોઈ હયાત જ ન હોત! દક્ષિણ ભારતમાં કોઈ ખાદ્ય પદાર્થ કોકોનટ ઑઇલ વિના હોતો નથી.

n  હકીકત એ છે કે કાં તો કોકોનટ ઑઇલની અવેજીમાં કેરિનબેન કોઈ તેલ બજારમાં લાવવાનાં હશે, અથવા એ લોકોને કોકોનટ ઑઇલની પેટન્ટ મેળવીને પછી આ તેલના વિશાળ વેપારમાં ઝંપલાવવું હશે!

-- અલકેશ પટેલ

અમેરિકાની હેલ્થલાઇન નામની એક વેબસાઇટ છે, તેમાં હજુ આ વર્ષે જાન્યુઆરીમાં જ, અર્થાત આઠ મહિના પહેલાં જ એક ખૂબ વિસ્તૃત લેખ છપાયો છે. કોકોનટ ઑઇલના ટોચના 10 પુરાવા-આધારિત આરોગ્ય લાભ (Top 10 Evidence-Based Health Benefits of Coconut Oil) એવા શીર્ષક હેઠળ ક્રિસ ગનર્સ નામના અમેરિકન સંશોધકે નાળિયર તેલના મુખ્ય દસ ફાયદા વિશે પુરાવા આધારિત વિગતો રજૂ કરી છે. એવી જ રીતે સપ્ટેમ્બર 2017માં એટલે કે એકાદ વર્ષ પહેલાં ત્વચા અને આરોગ્ય માટે કોકોનટના 30 ફાયદા (30 Best Benefits Of Coconut (Nariyal) For Skin And Health) શીર્ષક હેઠળ અર્ષી અહેમદ નામની આરોગ્ય અને લાઇફસ્ટાઈલ નિષ્ણાતે સ્ટાઇલક્રેઝ નામની એક લાઇફસ્ટાઈલ વેબસાઇટમાં લેખ લખ્યો છે. હાલ અહીં આપણે માત્ર બે જ ઉદાહરણથી વાત આગળ ચલાવીએ. કેમકે અનેક અનેક વર્ષથી નાળિયર માનવજીવનનો અભિન્ન હિસ્સો રહ્યો છે અને તેથી તેના વિશે પુસ્તકોનાં પુસ્તકો, હજારોની સંખ્યામાં અખબારી લેખો અને હજારોની સંખ્યામાં વેબ-આર્ટિકલ લખાયા છે તેથી બધાનો ઉલ્લેખ શક્ય નથી, તાજાં ઉદાહરણોથી વાત આગળ વધારીએ.

તો વાત એ છે કે હાર્વર્ડ યુનિવર્સિટીનાં એક પ્રાધ્યાપિકાએ તાજેતરમાં એક કહેવાતું સંશોધન જાહેર કરીને એવું જાહેર કરી દીધું કે કોકોનટ ઑઇલ ખાવું એ સીધું ઝેર ખાવા સમાન છે. કેરિન માઇકલ્સ નામનાં આ સંશોધકે તેમના એવું તારણ આપ્યું કે કોકોનટ ઑઇલમાં સેચ્યુરેટેડ ફૅટનું પ્રમાણ વધારે હોવાથી આ તેલ ખાવા માટે નુકસાનકારક છે અને હૃદય માટે તો જોખમી છે. હવે મજાની વાત એ છે કે અનેક દાયકાથી જે સંશોધન થયાં છે તેમાં સંશોધકોએ કેરિનબેનથી તદ્દન વિરુદ્ધ વાત કરી છે. અગાઉનાં સંશોધનમાં એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું કે કોકોનટ ઑઇલમાં સેચ્યુરેટેડ ફૅટ હોવાને કારણે જ સૌથી સલામત છે. આ ફૅટ વાસ્તવમાં વજન ઘટાડવામાં અને શરીર પાતળું રાખવામાં ઉપયોગી છે તેવું અગાઉનાં તમામ સંશોધનમાં કહેવામાં આવ્યું છે, અને એ કારણે જ તે હૃદય માટે પણ સારું છે એવાં તારણ નીકળેલાં છે.

સ્વાભાવિક રીતે તો પછી પ્રશ્ન એ થાય કે કેરિન માઇકલ્સ એકાએક આવાં તારણ સાથે શા માટે ઉપસ્થિત થયાં? આનાં બે કારણ હોઈ શકે. તમારામાંથી અનેક વાચકો એ બાબત જાણતા હશે કે ગળાકાપ સ્પર્ધા અને માર્કેટિંગના આ જમાનામાં કંપનીઓ જાતજાતનાં ગતકડાં અખત્યાર કરતી હોય છે. ખાસ કરીને પશ્ચિમના વિશ્વમાં આ રીતે યુનિવર્સિટી સંશોધનના નામે એક ઘણો મોટો ધીકતો ધંધો ચાલે છે. સંશોધનના નામે તમારામાંથી ઘણા દર છ મહિને કાંતો કોઈ ચૉકલેટ અથવા કૉફી અથવા ચા અથવા અન્ય એવા કોઈ ખાદ્યપદાર્થો વિશે વાંચતા હશો જેમાં છ-બાર મહિના કે બે-પાંચ વર્ષ પહેલાં કહેવાયું હોય તેનાથી તદ્દન વિરુદ્ધ તારણ આપવામાં આવે. અર્થાત થોડા મહિના કે થોડાં વર્ષ પહેલાં કોઈ યુનિવર્સિટીનાં સંશોધનમાં એમ કહેવામાં આવ્યું હોય કે કૉફી પીવી સ્વાસ્થ્ય માટે સારી છે અને આટલા કપ કૉફી પીવી જોઈએ. પછી થોડા મહિના કે થોડાં વર્ષ પછી તેનાથી ઊંધું તારણ આવે, કે કૉફી સ્વાસ્થ્ય માટે જરાય યોગ્ય નથી. ચૉકલેટ વિશે પણ આવાં એક-બીજાથી વિરુદ્ધનાં સંશોધનો તમારામાંથી ઘણાએ વાંચ્યા હશે. વાસ્તવમાં આવાં વિરોધી સંશોધનો એ બીજું કંઈ નહીં પરંતુ હરીફ કંપનીઓને પછાડીને આગળ આવવા માટેના પેંતરા જ હોય છે.

ગયા વર્ષે યુરોપિયન યુનિયને ગૂગલ કંપનીને અબજો ડૉલરનો દંડ કર્યો હતો. શું તમે કારણ જાણો છો કે આ દંડ શા માટે કર્યો હતો? કારણ એ હતું કે ગૂગલની હરીફ ઇન્ટરનેટ કંપનીએ એવું પ્રસ્થાપિત કર્યું હતું કે ગૂગલે તેના સર્ચ એન્જિનમાં ચેડાં કર્યાં છે અને દુનિયામાં કોઈપણ વ્યક્તિ સર્ચ કરે તો માત્ર એવાં રિઝલ્ટ જ ઉપર અથવા વેબના પહેલા પાને આવે છે જેની ગોઠવણ ગૂગલ સાથે થયેલી હોય અથવા ગૂગલની પોતાની પેટા કંપનીઓ હોય. એ હરીફ કંપનીએ પ્રસ્થાપિત કર્યું હતું કે ગૂગલના આવા કાવતરાને કારણે ગૂગલ સાથે નહીં જોડાયેલી અથવા ગૂગલની હરીફ કંપનીઓનાં રિઝલ્ટ ખૂબ પાછળ આવતાં હોવાથી ગ્રાહકો ત્યાં સુધી પહોંચી શકતા નથી અને તેથી એ કંપનીઓને ભારે આર્થિક નુકસાન થાય છે. આ દાવાની યુરોપિયન યુનિયને બરાબર તપાસ કરી અને તેમાં સચ્ચાઈ જણાયા બાદ ગૂગલને ભારે દંડ કર્યો હતો.

આ જ સ્થિતિ યુનિવર્સિટી સંશોધનોના કિસ્સામાં પણ છે. કોઈ વગદાર કંપનીને પોતાની કોઈ નવી પ્રોડક્ટ લૉન્ચ કરવી હોય અને અગાઉની જે પ્રોડક્ટ બજારમાં છે તેની સામે સીધે સીધો મુકાબલો કરવાનું શક્ય ન હોય તો રિસર્ચના નામે એ અગાઉની પ્રોડક્ટની વિરુદ્ધમાં ભારે અપપ્રચાર શરૂ થઈ જાય, અને ધીમે ધીમે એ પ્રોડક્ટનું વેચાણ સાવ ઘટી જાય પછી જેણે એ રિસર્ચને સ્પૉન્સર કર્યું હોય તે તેની પોતાની પ્રોડક્ટ સાથે બજારમાં કૂદી પડે અને તેને બીજી કોઈ વધારે મહેનત વિના બજારનો ઘણો મોટો હિસ્સો મળી જાય. (ભારતમાં બે વર્ષ પહેલાં મૅગીનો વિવાદ અહીં યાદ આવે છે..?)

તેથી જ શક્ય છે કે કેરિન માઇકલ્સે કોકોનટ ઑઇલને બદનામ કરવાનું જે કોઈ સંશોધન રજૂ કર્યું છે તેની પાછળ પણ આવી કોઈ ગણતરી કે ચાલ હોઈ શકે. આપણને એ અંગે કોઈ જાણકારી કે ખાતરી નથી, પરંતુ આવી શંકા કરવાનું કારણ એટલું જ છે કે આપણું નાળિયર તેલ વાસ્તવમાં અમૃત છે. દક્ષિણ ભારત ઉપરાંત થાઇલેન્ડ, ફિલિપિન્સ અને હવાઈ વગેરે દેશોમાં પણ અનેક અનેક દાયકાથી કોકોનટ ઑઇલ રોજિંદા ખોરાકનો ભાગ છે અને કેરિનબેન કહે છે તેમ જો એ ઝેર હોત તો આ બધે કોઈ માણસો બચ્યા જ ન હોય આજ સુધી..! ઉપરાંત કોકોનટ ઑઇલના તો ઔષધીય ગુણો પણ અપાર છે. સાંધાના દુઃખાવા, ત્વચા (ચામડી)ના રોગ, અલ્ઝાઇમર વગેરે રોગોના ઉપાયમાં તો કોકોનટ ઑઇલ સર્વશ્રેષ્ઠ સાબિત થયું છે. કોકોનટ ઑઇલમાં જે સેચ્યુરેટેડ ફૅટ છે તે વાસ્તવમાં અન્ય તેલમાં જોવા મળતા ફૅટની સરખામણીમાં લાભદાયક છે કેમ કે તે ચરબીને કાપવામાં મદદ કરે છે. ઘણાખરા આયુર્વેદ ઉપચારોમાં કોઇકને કોઇક રીતે કોકોનટ થતો હોય છે એટલું જ નહીં પરંતુ દક્ષિણ ભારતમાં તો સદીઓથી થતા કુદરતી ઉપચારોમાં કોકોનટ ઑઇલ જ મુખ્ય હોય છે.

એ જ કારણે કેરિન માઇકલ્સે તેમનું સંશોધન જાહેર કર્યું તે સાથે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ અન્ય દેશોમાંથી પણ તેમને ટ્વિટર ઉપર અનેક લોકોએ જવાબ આપી દીધા કે કાંતો તમારાં સંશોધનમાં ખોટ છે અથવા ઇરાદો સાચો નથી. ટૂંકમાં, સો વાતની એક વાત એ છે કે જે વસ્તુ આપણી પોતાની છે અને જેના ઉપર સદીઓથી આપણે ભરોસો રાખી શકીએ છીએ અને જે અંગે આપણા આયુર્વેદ સહિત ધર્મશાસ્ત્રો સ્પષ્ટ છે ત્યારે આપણે કોઈ પશ્ચિમી સંશોધક ના અધકચરા સંશોધન ઉપર વિશ્વાસ મૂકીને ચિંતા કરવા જેવી નથી. કોકોનટ ઑઇલ અર્થાત નાળિયર તેલનો જય હો.

No comments:

Post a Comment