Tuesday, September 4, 2018

સમાજ દ્વારા શિક્ષકની કદર થાય એ જ સાચો ‘શિક્ષક દિવસ’


--- બે દિવસ પછી પાંચ સપ્ટેમ્બરે ભારતમાં શિક્ષક દિવસની ઊજવણી થશે, સરકાર અને કેટલીક સંસ્થાઓ શિક્ષકોનું સન્માન કરશે...પણ મને લાગે છે કે સાચો શિક્ષક દિવસ ત્યારે જ શરૂ થશે જ્યારે સમાજમાં શિક્ષકોની કદર થાય 

-- અલકેશ પટેલ

પાંચ સપ્ટેમ્બરને બુધવારે ભારત ઇમોશનલ-ઇમોશનલ થઈ જશે. શિક્ષકોના નામે અને શિક્ષકો માટે લાગણીસભર સંદેશા આખો દિવસ ઇન્ટરનેટ મારફત સ્માર્ટફોન, લૅપટૉપ અને પીસી વચ્ચે ઝોલાં ખાશે. સાંજ પડતાં બધું ધીમે ધીમે ઓછું થઈ જશે અને રાત પડતાં શિક્ષક દિવસ પૂરો... બીજા દિવસ સવારથી એ જ નકારાત્મક માનસિકતા એ જ ભારતીયો ઉપર સવાર થઈ જશે જેમણે હજુ આગલા દિવસે શિક્ષકો વિશે સારું સારું કહ્યું હતું, મેસેજ ફોરવર્ડ કર્યા હતા. આ નકારાત્મક માનસિકતા એટલે શિક્ષકો પ્રત્યેની મજાક, શિક્ષકો પ્રત્યેની ઘૃણા, શિક્ષકો પ્રત્યેનો તિરસ્કાર. હા, આ જ હકીકત છે. સરેરાશ ભારતીય નાગરિક 365માંથી 363 દિવસ શિક્ષક પ્રત્યે માન ધરાવતો નથી. જે બે દિવસ બાકાત થયા તેમાં એક ગુરુ પૂર્ણિમા અને બીજો શિક્ષક દિવસ.
જે દિવસથી ભારતીયો મોગલો અને અંગ્રેજોની ગુલામી માનસિકતામાં સપડાયા ત્યારથી શિક્ષકની કદર કરવાનું ભૂલી ગયા છે. પહેલાં આપણા સમાજમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ હતું. મોટાં મોટાં ગુરુકુળ સ્થપતાં અને દરેક વર્ગના વિદ્યાર્થીઓ એક સાથે ત્યાં તમામ વિદ્યાનો અભ્યાસ કરતા. એકલવ્યની ઉપજાવી કાઢેલી વાતમાં હું આજે પણ વિશ્વાસ નથી કરતો. મને ખાતરી છે કે આદિકાળથી આ દેશમાં ગુરુકુળ હતાં અને ત્યાં કોઈ ભેદભાવ નહોતો.
ખેર, હવે શું? આ બધાની ગુલામીમાંથી મુક્ત થયે સાત દાયકા પસાર થઈ ગયા છે. આ દરમિયાન આપણે એકમાત્ર ગુરુ પૂર્ણિમા ઊજવતા હતા અને શિક્ષક દિવસની ઊજવણી તો છેક 1967થી શરૂ થઈ. પરંતુ અહીં મૂળ મુદ્દો એ છે કે મોગલો અને અંગ્રેજોના આક્રમણ પહેલાં જે રીતે ભારતીય સમાજમાં ગુરુનું સ્થાન અને માન-પાન હતાં એ સ્થિતિ ફરી આવવી જોઈએ. ગુરુ પૂર્ણિમા અથવા શિક્ષક દિવસ તો આપણા ગુરુઓનું ઋણ અદા કરવાની એક વિધિ માટે છે, પણ ગુરુ-શિક્ષક પ્રત્યેનું માન રોજે રોજ, હર પળ હોવું જોઈએ.
આ કામ સમાજે કરવું પડશે – કરવું જોઈએ. માતા-પિતાને બાદ કરતાં બાળક છેક કૉલેજનો અભ્યાસ પૂરો કરે ત્યાં સુધી સૌથી વધુ સમય શિક્ષક-ગુરુ પાસે રહે છે. સામાજિક વ્યવહારો સિવાયની તમામ બાબતો આપણે શિક્ષક-ગુરુ પાસેથી જ શીખીએ છીએ.
તો પણ દુઃખ સાથે કહેવું પડે છે કે કમનસીબી એ છે કે આજે એ જ શિક્ષક – એ જ ગુરુ સૌથી વધુ મજાકનું પાત્ર છે. આવું શા માટે છે? આવી સ્થિતિ હોવાનું પહેલું કારણ શિક્ષણનું વેપારીકરણ છે. જે દિવસથી ટ્યૂશન પ્રથા અને ટ્યૂશન ક્લાસિસ શરૂ થયાં ત્યારથી શિક્ષકો પ્રત્યે માન ઓછું થવાની શરૂઆત થઈ હતી એવું કહેવાય.
બીજું કારણ થોડાક શિક્ષકોની અસજ્જતા. મોટા ભાગના શિક્ષકો પૂરતી તૈયારી કરતા હોય છે, પરંતુ થોડા એવા પણ હોય છે જે માત્ર નોકરી કરવા ખાતર કરતા હોય છે અને તેથી ભણાવવા જતાં પહેલાં પૂરતી તૈયારી કરતા નથી, જેને કારણે વિદ્યાર્થીઓને પણ આવા શિક્ષકો પ્રત્યે માન રહેતું નથી.
ત્રીજું કારણ શિક્ષણનું વેપારીકરણ. આ કારણ છેલ્લાં 15-20 વર્ષમાં ઉમેરાયું છે. ખાનગી સ્કૂલો અને તેમાંય ખાસ કરીને કૉન્વેન્ટ સ્કૂલો શરૂ થઈ પછી કેટલાક શિક્ષકો પણ એ વેપારી-દોડનો ભાગ બની ગયા અને પોતાનું માન ગુમાવતાં ગયા. આવા શિક્ષકોને કારણે સમગ્ર શિક્ષક સમાજ પણ વગોવાયો.
ચોથું કારણે ફિલ્મ અને ટીવી શ્રેણીઓમાં શિક્ષકોની ઉડાવાતી મજાક. હા, આ અતિશય ગંભીર બાબત છે. આપણી હિન્દી ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીઓએ ભારતીય સંસ્કૃતિને નષ્ટ કરવામાં જે ભૂમિકા ભજવી છે તે વિશે સરકારે અને સમાજે ગંભીરતાથી વિચારવું પડશે. ફિલ્મ અને ટીવી શ્રેણીઓમાં 10માંથી આઠ કિસ્સામાં શિક્ષક, પોલીસ, વકીલ, જજ વગેરે એક સમયનાં સન્માનજનક પાત્રોને કાંતો ભ્રષ્ટ અથવા લંપટ અથવા હાસ્યાસ્પદ દર્શાવવામાં આવે છે. તેની સમાજ અને બાળકો ઉપર અસર પડે છે અને પરિણામે તેઓ પણ પોતાની આસપાસનાં આ પાત્રો પ્રત્યે માન ધરાવતા નથી.
આ સ્થિતિ બદલવી જરૂરી છે. શિક્ષકે પોતે પણ સજ્જ થવું પડશે અને સમાજે પણ એ બાબતે વધારે કાળજી લેવી પડશે કે શિક્ષકો અને ગુરુઓનું અપમાન ન થાય. શિક્ષકો અને ગુરુઓ મજાકનું પાત્ર ન બને, તેઓ ઘૃણા અને તિરસ્કારનાં પાત્રો ન બને તેની કાળજી સમાજ અને સરકારે લેવી પડશે.
તાળી કોઈ દિવસ એક હાથે પડતી નથી. આપણે એક નવી શરૂઆત કરીને એવો વિચાર તેમજ આચાર ફેલાવવો પડશે કે દરેક બાળક માટે શિક્ષક એ ત્રીજા નંબરના વાલી છે અને તેમને એ રીતે માન આપવું જોઈએ. સામે દરેક શિક્ષકે પણ બાળક અને એ દ્વારા પરિવાર અને એ દ્વારા સમાજ અને એ દ્વારા રાષ્ટ્રના નિર્માણ માટેના પોતે પણ એક મુખ્ય પરિબળ છે એ સમજીને જ્ઞાનથી સજ્જ-સભર થવું પડશે. શિક્ષકો – ગુરુ પોતે સજ્જ થશે તો નવી પેઢીને આપી શકશે જેઓ આગળ જઈને રાષ્ટ્રનિર્માણ કરવાના છે. તો ચાલો આ પાંચમી સપ્ટેમ્બરે જ શપથ લઇએ કે સમાજ દરેક શિક્ષકનું સન્માન જાળવશે અને સામે દરેક શિક્ષક પણ તેમની સાચી ભૂમિકા બજાવશે.

No comments:

Post a Comment