Monday, September 17, 2018

ગુજરાત સરકારે “મિશન વિદ્યા” કેમ શરૂ કરવું પડ્યું?

ગુજરાત સરકારે મિશન વિદ્યા કેમ શરૂ કરવું પડ્યું?


--- સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ હાજરી નથી આપી શકતા કેમકે... શિક્ષણ વિભાગના પ્રયાસ ટૂંકા પડતા હતા... શિક્ષકોના હાથ હેઠા પડતા હતા… પણ શા માટે?    

-- અલકેશ પટેલ

10 સપ્ટેમ્બરને સોમવારે આપણે ગુજરાતમાં ચાલી રહેલા એક એવા શિક્ષણ યજ્ઞના વાત કરી જેમાં શિક્ષણ અને શિક્ષકો કંઇક અલગ ભૂમિકામાં છે. ગયા સોમવારે જે શિક્ષકોની વાત કરી હતી તે હાલ ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકોની પુરવણી સમાન છે. નિયમિત શિક્ષણકાર્ય દરમિયાન વિવિધ કારણસર અન્ય વિદ્યાર્થીઓ કરતાં પાછળ રહી જતા વિદ્યાર્થીઓને ભણાવવાની જવાબદારી ઉપાડી લેનાર આ શિક્ષકો સાક્ષરતાના સેવાયજ્ઞના સહાયકો છે. એક તરફ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ અને સાક્ષરતાની કરુણ સ્થિતિનું દુઃખ છે, તો બીજી તરફ એ સ્થિતિને સુધારવા માટે જે પ્રયાસો થઈ રહ્યા છે તેનો આનંદ પણ છે. ગયા અઠવાડિયે આપણે જોયું કે જીતાબેન ત્રિવેદી અને તેમના જીવનસાથી હરેશભાઈ ત્રિવેદીએ શ્રી પરમહંસ યોગેન્દ્ર ચૅરિટેબલ ટ્રસ્ટ, શ્રી મહારાજા અગ્રસેન સેવા સંસ્થાન, અદાણી ફાઉન્ડેશન તથા લોક્ઝિમ કંપની મારફત ધોરણ પાંચથી ધોરણ આઠના વિદ્યાર્થીઓ જે અભ્યાસ દરમિયાન થોડા પાછળ રહી જાય છે તેમને સહાય કરીને અન્ય વિદ્યાર્થીઓની હરોળમાં મૂકવાની એક ઉમદા કામગીરી ઉપાડી છે.
હવે સવાલ એ આવે કે ગુજરાત સરકારે આ મિશન વિદ્યા શરૂ શા માટે કરવું પડ્યું? મિશન વિદ્યા શરૂ કરવાનો આશય ધોરણ પાંચથી ધોરણ આઠની વચ્ચે અભ્યાસ કરીને આગળ ધકેલાયા કરતાં બાળકો પૈકી અમુક ટકા બાળકો વાંચવા-લખવામાં સાવ નબળા રહી જતાં હોય છે તેનું કારણ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની નીતિ છે એ વાત આપણે સૌ જાણીએ છીએ. આ નીતિનું પરિણામ એ આવે છે કે બધા વિદ્યાર્થીઓ વાંચવા-લખવા સહિત બધી રીતે યોગ્ય છે કે નહીં તેનો ખ્યાલ આવતો નથી. અને આવે તો પણ તેમને આગલા ધોરણમાં મોકલ્યા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. અને તેથી એ નબળા બાળકોને અન્ય વિદ્યાર્થીઓને સમકક્ષ કરવા મિશન વિદ્યા ચાલે છે.
હવે મૂળ મુદ્દો એ આવે છે કે આ બધું શા માટે કરવું પડ્યું? શું સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ નબળા રહે છે? કેટલા ટકા વિદ્યાર્થીઓ નબળા રહે છે? નબળા શા માટે રહે છે? કોના વાંકે નબળા રહે છે? સવાલ એ છે કે તમામ વિદ્યાર્થીઓને એક સરખી સુવિધાઓ વચ્ચે, એક સરખા શિક્ષકો દ્વારા એક જ સરખું શિક્ષણ આપવામાં આવતું હોય તો પછી અમુક વિદ્યાર્થીઓ નબળા રહી કેવી રીતે જાય? તો એનો જવાબ છે આ વિદ્યાર્થીઓની હાજરી, અર્થાત અભ્યાસમાં ગેરહાજરી.
રોજિંદી ગરીબીનો સામનો કરતાં શ્રમિકવર્ગનાં માતા-પિતા તેમનાં બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલી શકતાં નથી. આપણે સૌ જાણીએ છીએ કે તેમણે તેમની જરૂરિયાતો પૂરી કરવા ઘણીવાર બાળકો પાસે મજૂરી કરાવવી પડે છે. હા, એ પણ ખરું કે માત્ર આ જ કારણ નથી. ગરીબી ઉપરાંત અસંખ્ય પરિવારોમાં સામાજિક કારણો પણ હોય છે. આપણી સમાજવ્યવસ્થા એવી છે કે સમયાંતરે કોઈને કોઈ તહેવાર કે પ્રસંગો હોય અને એવા સમયે માતા-પિતા ખાસ આગ્રહ કરીને બાળકોને લઈ જતાં હોય છે.
સરકારી અધિકારીઓ, શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો વગેરે તમામના પ્રયાસો છતાં અમુક સંખ્યામાં વિદ્યાર્થીઓ પૂરેપૂરી હાજરી આપી શકતા નથી અને તે કારણે પણ તેમનું શિક્ષણ બગડે છે.
આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જ મિશન વિદ્યા હેઠળ અભ્યાસમાં નબળા રહી જતા વિદ્યાર્થીઓને સરકારી શાળાઓના પ્રિન્સિપાલ તેમજ શિક્ષકોની મદદથી અલગ તારવવામાં આવે છે અને તેમનું શૂન્ય (0) થી પાંચ (5) એમ વિવિધ લેવલમાં વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને ગુજરાતીથી શરૂ કરીને પછી ગણિત જેવા વિષય શીખવાડવા માટેનું અભિયાન શરૂ થાય છે. અલગ તારવવામાં આવેલા આ વિદ્યાર્થીઓને તેઓ નબળા છે એવી લાગણી ન થાય તે માટે પ્રિય બાળકોનો વર્ગ એવું નામ આપવામાં આવ્યું છે જ્યાં વિશિષ્ઠ તાલીમ પામેલા શિક્ષકો અલગ અલગ રમતો, પ્રયોગો દ્વારા પહેલાં ગુજરાતી અને પછી ગણિતનું શિક્ષણ આપે છે. આ શિક્ષકોની પસંદગી પણ ખાસ રીતે કરવામાં આવે છે. તેઓ બી.એડ. કરેલા શિક્ષક હોય એ જરૂરી નથી, પરંતુ નબળા બાળકો સાથે તાદાત્મ્ય સાધીને તેમને કંઈક અલગ રીતે શીખવવા માટેની તેમની તૈયારી હોવી જોઈએ. સરકારી શાળાઓમાં પાંચથી આઠ ધોરણની વચ્ચે નબળા રહેતા આ બાળકોને શૂન્યથી શરૂ કરીને પાંચમા લેવલ સુધી પહોંચાડવા માટે ફાઉન્ડેશનના શિક્ષકો દરરોજ દોઢ કલાક વિશિષ્ઠ રીતે ભણાવે ત્યારે થોડા મહિનામાં જ એ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર સુધરવા લાગે છે. વળી સ્તર સુધર્યું કે નહીં અથવા કેટલું સુધર્યું તેની ચકાસણી પણ ત્રણ તબક્કે કરવામાં આવે છે. આ સમગ્ર અભ્યાસ પ્રક્રિયા તેમજ ચકાસણીની પ્રક્રિયાની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે કોઈ બાળકોને એવું લાગવા દેવામાં નથી આવતું કે તેઓ નબળા છે તેથી આ બધા પ્રયાસ કરવામાં આવે છે. તેમનું મૂલ્યાંકન કરવામાં આવે અર્થાત પરીક્ષા લેવામાં આવે તેની પદ્ધતિ પણ સંપૂર્ણ અલગ અને વિશિષ્ઠ છે.

No comments:

Post a Comment