Monday, October 1, 2018

અર્બન નક્સલઃ માઓવાદનો ખરો ચહેરો ઘણો વિકરાળ છે


અર્બન નક્સલઃ માઓવાદનો ખરો ચહેરો ઘણો વિકરાળ છે


--- સુપ્રીમ કોર્ટે ઝડપાયેલા પાંચ અર્બન નક્સલી આરોપીઓ સામે કેસ ચલાવવાનો માર્ગ મોકળો કર્યો જેને કારણે માઓવાદને ખુલ્લો પાડવાની ઘણી મોટી તક ભારતને સાંપડી છે. આપણી આસપાસ રહેતા આ નક્સલીઓ વાસ્તવમાં ઝેરની ખેતીમાં ખાતરનું કામ કરે છે 

-- અલકેશ પટેલ

28 સપ્ટેમ્બરને શુક્રવારે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વનું નિવેદન કર્યું. અર્બન નક્સલી આરોપીઓની ધરપકડના વિરોધમાં થયેલી પિટિશન ઉપર બરાબર એક મહિને ચુકાદો આપતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું, આરોપીઓને તેમની તપાસ કોણ કરશે એવી પસંદગી કરવાનો અધિકાર નથી. – આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટનું આ તારણ સીમાચિહ્નરૂપ બની રહેશે, સાથે જ દેશમાં હિંસા અને ત્રાસવાદી પ્રવૃત્તિઓ કાબુમાં લેવા માટેનાં પોલીસનાં પગલાંને બળ મળશે. આમ તો કેસ શું છે એ મોટાભાગના વાચકોને ખબર હશે, છતાં એક વખત ટૂંકાણમાં કેસ રિફ્રેશ કરી લઈએ. સુધા ભારદ્વાજ, વરાવરા રાવ, ગૌતમ નવલખા, વર્મન ગોન્સાલ્વિસ તથા અરુણ ફરેરા – આ પાંચ અર્બન નક્સલી ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું કરવાનો અને દેશમાં અરાજકતા ફેલાવવા માટે હિંસાને સમર્થન આપવાનો આરોપ છે.
આ વર્ષે જાન્યુઆરીમાં મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવ ખાતે નક્સલવાદીઓની હાજરી બાદ મોટાપાયે જે હિંસા થઈ હતી તેની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર પોલીસને કેટલાક પત્ર તથા અન્ય દસ્તાવેજ હાથ લાગ્યા જેમાં વડાપ્રધાન મોદીની રાજીવ ગાંધી સ્ટાઇલમાં હત્યા અને દેશમાં અરાજકતા ફેલાવવા માટે શસ્ત્રો મેળવવા નાણાની વ્યવસ્થા કરવાની વિગતો હતી. અર્બન નક્સલીઓ વિરુદ્ધ પોલીસને મળેલા આ પ્રાથમિક પુરાવા હતા જેના આધારે તેમની ધરપકડ થઈ હતી, પરંતુ આ નક્સલીઓના સમર્થકોએ સુપ્રીમ કોર્ટમાં પહોંચીને ધરપકડ ઉપર સ્ટે મેળવી લીધો હતો એટલું જ નહીં પરંતુ તેમણે તો એવી માગણી કરી દીધી હતી કે અર્બન નક્સલીઓ પરનો કેસ પાછો ખેંચવામાં આવે અને તપાસ માટે વિશેષ ટીમ (એસઆઇટી)ની રચના કરવામાં આવે. દેખીતી રીતે રોમિલા થાપર, ઈન્દિરા જયસિંહ જેવાં નક્સલી સમર્થકોનો ઇરાદો તપાસ ખોરવી નાખીને પુરાવાનો નાશ કરવામાં મદદ કરવાનો હતો, પરંતુ તેમના ઇરાદાને સુપ્રીમ કોર્ટે પાર ન પડવા દીધો.
--- તો હવે શું થશે?
હવે આ બધાનાં મોહરાં ખુલ્લા પડી જશે. ભારતના નાગરિકોને અને સાથે દુનિયાને પણ જાણ થશે કે સમાજસેવા અને માનવ અધિકારના નામે દેશમાં ધિક્કાર ફેલાવવાનો જે વેપલો ચાલી રહ્યો છે તેની પાછળ કયા અને કેવા લોકો છે? વાસ્તવમાં, ભારત એક તરફ ત્રાસવાદી હિંસાનો સામનો કરી રહ્યો છે તો બીજી તરફ માઓવાદી હિંસાનું જોખમ પણ દેશ ઉપર સતત તોળાયેલું રહે છે. જે રીતે કેટલાક લોકોમાં કટ્ટર ઇસ્લામનું ઝેર ભરીને તેમને ત્રાસવાદ તરફ વાળવામાં આવે છે એ જ રીતે બીજી તરફ સામ્યવાદી વિચારધારા ધરાવતા માર્ક્સવાદીઓ અને માઓવાદીઓ ગરીબ યુવાનોમાં નક્સલવાદી ઝેર ભેળવવાનું કામ કરતા હોય છે.
ત્રાસવાદ અને નક્સલવાદ બંનેમાં જે લોકોએ શસ્ત્રો ઉપાડી લીધાં છે અને દેશની સામે, સરકારની સામે, પોલીસ તેમજ લશ્કરી દળો સામે હિંસા કરી રહ્યા છે તેમને ઓળખવાનું જરાય મુશ્કેલ નથી હોતું અને તેથી તેમનો સફાયો કરવાનું પણ સહેલું હોય છે. પરંતુ ખરું જોખમ આ ત્રાસવાદ અને નક્સવાદને પોષનારાં તત્વો તરફથી હોય છે. જે તત્વો માનવ અધિકાર અને સમાજસેવાના નામે ગરીબો, અશિક્ષિતો, કટ્ટર ધાર્મિક લોકોનું બ્રેઇનવૉશ કરીને તેમને હિંસા તરફ ધકેલતા હોય છે એવા લોકો સૌથી વધારે જોખમી હોય છે. સાવ સાદા શબ્દોમાં કહેવું હોય તો અર્બન નક્સલીઓ એટલે ઝેરની ખેતી માટેનું ખાતર. હા, આ લોકો એવા ખાતર તરીકે કામ કરતા હોય છે જેમાંથી પોષણ મેળવીને જ આતંકવાદીઓ તેમજ માઓવાદી હિંસક ટોળીઓ ઊભી થતી હોય છે.
મુખ્યત્વે ક્યાંક પ્રોફેસર તો ક્યાંક આચાર્ય (પ્રિન્સિપાલ), ક્યાંક નાટ્ય કલાકાર તો ક્યાંક ફિલ્મ ઍક્ટર, ક્યાંક ફિલ્મ ડિરેક્ટર તો ક્યાંક ફિલ્મ નિર્માતા, ક્યાંક ચિત્રકાર તો ક્યાંક કવિ-લેખક, ક્યાંક પત્રકાર તો ક્યાંક તંત્રી, ક્યાંક વકીલ તો ક્યાંક અન્ય કોઈ ઉચ્ચ સ્થાન પર બેઠેલા લોકો શહેરી યુવાનો – યુવતીઓનું બ્રેઇનવૉશ કરતા હોય છે. આ યુવાનો અને યુવતીઓને એક તરફ ગામડાંના ભોળા-અશિક્ષિત લોકોની સ્થિતિ બતાવીને અને એ સ્થિતિ માટે સરકાર તેમજ ધર્મ જવાબદાર છે એવું તેમના મનમાં ઠસાવીને તેમને પણ ધર્મથી અલગ કરે છે. આવા ભોળવાઈ જતાં યુવક-યુવતીઓ મારફત સ્વૈચ્છિક સંસ્થા (એનજીઓ) ની સ્થાપના કરાવે છે અને તેના દ્વારા વિદેશી ભંડોળ મેળવે છે. એ ભંડોળનો ઉપયોગ હિન્દુત્વ વિરુદ્ધ તેમજ ભારત વિરુદ્ધ પ્રચાર કરવા ઉપરાંત શસ્ત્રો મેળવવા માટે પણ થાય છે અને એ શસ્ત્રો પહેલેથી જે ગ્રામ્ય વિસ્તારોના ભોળા લોકોને ભોળવીને ઉશ્કેરવામાં આવ્યા છે તેમને પહોંચાડવામાં આવે છે. એ ભોળા ગ્રામવાસીઓ – આદિવાસીઓ શસ્ત્રો મળતાની સાથે સરકારી અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, પોલીસ, સીઆરપીએફ વગેરે ઉપર હિંસક હુમલા કરવા લાગે છે. પોલીસના જવાબી પગલાંમાં એ ભોળા ગ્રામવાસીઓ જ ઠાર મરાય છે, પરંતુ શહેરોમાં આલિશાન બંગલા કે પછી વૈભવી ઑફિસોમાં પ્રોફેસર, પ્રિન્સિપાલ, કલાકાર, વકીલ, પત્રકાર જેવાં મહોરાં પહેરીને બેઠેલા અર્બન નક્સલીઓને ઊની આંચ આવતી નથી.
ભારતમાં આ ખેલ સાત દાયકાથી ચાલી રહ્યો છે. અગાઉની સરકારોએ પણ ઘણા અર્બન નક્સલીઓને પકડી પાડ્યા હતા અને જેલમાં પણ પૂર્યા હતા. પરંતુ પૂરી ગંભીરતાથી તેમના વિરુદ્ધ પુરાવા એકત્ર ન કરાયા તેથી એ બધા છૂટી ગયા. દેશ અને ધર્મની સલામતી માટે આવાં શહેરી નક્સલીઓનાં ચહેરા-મોહરાં ખુલ્લા પડે એ માત્ર જરૂરી નહીં પણ અત્યંત આવશ્યક છે. આ પાંચ શહેરી નક્સલીઓ સામેની કાર્યવાહી બાદ છેલ્લા એક મહિનામાં એક અગત્યની ઘટના એ પણ બની કે આવા લોકોને કોણ સાથે આપે છે એ વાત પણ દેશના નાગરિકો સમક્ષ સ્પષ્ટ થઈ ગઈ. કયા કયા રાજકીય પક્ષો અને કયા કયા નેતા અને કયા કયા વકીલો અને કયા કયા મીડિયા આ શહેરી નક્સલીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે એ હવે દીવા જેવું ચોખ્ખું થઈ ગયું છે. દેશના ભવિષ્ય માટે શહેરી નક્સલીઓની આ આખી ઘટના આંખ ઉઘાડનારી છે – સાવધાની દેશના નાગરિકોએ રાખવાની છે.

No comments:

Post a Comment