Monday, October 15, 2018

રફાલની પાંખોમાં પ્રાંતવાદનું પેટ્રોલ


રફાલની પાંખોમાં પ્રાંતવાદનું પેટ્રોલ

--- દેશના મતદારો રાહ જૂએ છે કે માત્ર આક્ષેપબાજી કરવાનું બંધ કરીને વિરોધપક્ષ ક્યારે રચનાત્મક મુદ્દા રજૂ કરશે? શું ચોવીસે કલાક રફાલ-રફાલ બોલ્યા કરવાથી, અને કશું ના ઊપજે તો પ્રાંતવાદ ભડકાવવાથી સત્તા મળી જશે?   



-- અલકેશ પટેલ



રાહુલ ગાંધીની પીન હાલ રફાલ યુદ્ધ વિમાનના મુદ્દા ઉપર અટકેલી છે. દિવસ-રાત, જાગતા-ઊંઘતા, ચાલતાં-બેસતાં, ખાતાં-પીતા બસ રફાલ સિવાય કોઈ નામ તેમના મોંએ ચઢતું નથી. ક્યારેક તો એવી શંકા જાય છે કે રાહુલ ગાંધી રફાલની પબ્લિસિટી કરે છે કે શું..!?

જોકે, સાચી વાત એ છે કે વાસ્તવિક હકારાત્મક રાજકીય મુદ્દાથી વંચિત કોંગ્રેસ અધ્યક્ષનું આવું નબળું સ્વરૂપ છેલ્લા સાડા ચાર વર્ષથી દેશ જોઈ રહ્યો છે. મે, 2014માં સત્તા ગઈ ત્યારપછી સૂટ-બૂટની સરકાર, ઉદ્યોગપતિઓની સરકાર, ખેડૂત વિરોધી સરકાર, લઘુમતી વિરોધી સરકાર, અસહિષ્ણુતા – આ પાંચ શબ્દો સાંભળી સાંભળીને દેશના નાગરિકોના કાન પાકી ગયા હતા.

ત્યારપછી નવેમ્બર 2016માં નોટબંધી થઈ. બસ આ કહેવાતા વિપક્ષી નેતાના મોંમા નોંટબંધી શબ્દ ચઢી ગયો. એ શબ્દ જુલાઈ 2017 સુધી ચાલ્યો અને પછી આવ્યું જીએસટી. હવે આ ભાઈ ચોરેને ચૌટે, ચોવીસે કલાક નોટબંધી અને જીએસટી – શબ્દો બોલવા લાગ્યા. અને હવે છેલ્લા ચારેક મહિનાથી રફાલનો હિસ્ટેરિયા ચડ્યો છે. ફ્રાન્સની સરકાર દ્વારા વારંવાર સ્પષ્ટતા થવા છતાં, દસોલ્ત કંપની દ્વારા વારંવાર સ્પષ્ટતા થવા છતાં, અનિલ અંબાણીની રિલાયન્સ કંપની દ્વારા માનહાનીનો કેસ કરવાની ધમકી સહિત વારંવાર સ્પષ્ટતા થવા છતાં અને ભારત સરકાર દ્વારા વારંવાર સ્પષ્ટતા થવા છતાં રફાલનો અપપ્રચાર કરવાનું બંધ થતું નથી.

પણ એક મિનિટ વાચકો! હું તમને ખાતરીપૂર્વક કહું છું કે જે દિવસે કોઈ નવો મુદ્દો મળી જશે એ દિવસે રાહુલ ગાંધી રફાલનું પૂછડું છોડી દેશે. ખુદ રાહુલ ગાંધી અને તેમના અનુયાયીઓ સહિત આ દેશની મોટાભાગની પ્રજાને ખ્યાલ છે અને ખાતરી છે કે નરેન્દ્ર મોદી અથવા તેમની સરકાર આવો કોઈ ભ્રષ્ટાચાર કરે જ નહીં. અને તેમ છતાં કોંગ્રેસ અધ્યક્ષ દરેક મંચ ઉપર આ મુદ્દો છેડે છે તેની પાછળનાં કારણો કંઇક અલગ હશે એ નિશ્ચિત છે. અને હા, એ કારણો દેશહિતમાં હોવા વિશે મને પૂરી આશંકા છે.

ખેર, ઉપર જણાવ્યા એ બધા જ ઉપજાવી કાઢેલા મુદ્દાની વચ્ચે વચ્ચે કોંગ્રેસના અસલી ભાગલાવાદી રાજકારણના મુદ્દા પણ આપણે જોતા રહ્યા છીએ – જેમ કે, રોહિત વેમુલા, અખલાક, હરિયાણા જાટ અનામત, રાજસ્થાન ગુર્જર અનામત, ગુજરાત પાટીદાર અનામત, મહારાષ્ટ્ર મરાઠા અનામત, કર્ણાટક લિંગાયત વિભાજન, મધ્યપ્રદેશ-ગુજરાતમાં ખેડૂતોની લોનમાફી અને છેલ્લે બાકી હતું તો ગુજરાતમાં પર-પ્રાંતિયોના મુદ્દે પણ કોંગ્રેસે તેની માનસિકતા છતી કરી દીધી.

ટૂંકમાં વાત એ છે કે વિભાજન અને ભાગલાવાદ સિવાય કોંગ્રેસ પાસે કોઈ નીતિ જ નથી. આ એવો રાજકીય પક્ષ છે જેણે દાયકાઓ સુધી લોનમાફી અને સબસિડીના ટુકડા નાખીને ખેડૂતો, નબળા વર્ગો, લઘુમતીઓ બધાને ઓશિયાળા રાખ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસે સૌથી મોટું પાપ હિન્દુ ધર્મ અને હિન્દુઓને નુકસાન કરવાનું કર્યું. લઘુમતી ખુશામતમાં અંધ બનેલા કોંગ્રેસ પક્ષે હિન્દુઓ સાથે એ હદે અન્યાય કર્યો અને હિન્દુઓને એ હદે અપમાનિત કર્યા કે નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ જેવા નેતાઓની રાજનીતિ હિન્દુઓને અસર કરી ગઈ અને કોંગ્રેસને માત્ર કેન્દ્રમાંથી જ નહીં, પણ ઓછામાં ઓછા 20 રાજ્યોમાંથી સાફ કરી નાખી.

હિન્દુઓની આ તાકાત જોઈને ઘૂંટણીએ પડી ગયેલા કોંગ્રેસી નેતાઓ હવે મંદિરોમાં આંટા મારતા થઈ ગયા છે. હવે એમને હિન્દુ વહાલા લાગવા માંડ્યા છે. પરંતુ સાવધાન! આમાં પણ છેતરપિંડી જ છે. કેમ કે કોંગ્રેસની મૂળધારા ભારતીય સનાતન સંસ્કૃતિની નથી અને એ જ તો કારણ છે કે આ પક્ષ સવર્ણો અને દલીતો, પાટીદાર અને બિન-પાટીદાર, લિંગાયત અને બિન-લિંગાયત, જાટ અને બિન-જાટ, મરાઠા અને બિન-મરાઠા, ગુર્જર અને બિન-ગુર્જર આવા ભાગલા પાડવામાં કોંગ્રેસ પક્ષ સતત મથ્યો રહે છે.

આ દેશના શિક્ષિત અને બુદ્ધિજીવી વર્ગ સમક્ષ એ જ તો પડકાર છે કે તેઓ કોંગ્રેસના રચનાત્મક રાજકારણના કોઈ કિસ્સા હોય તો તેના વિશે ખુલાસો કરે. કોંગ્રેસે કોઈ વિશેષ સમાજ માટે વિશેષ સુવિધાઓ કે માફીની માગણી કર્યા વિના તમામ સમુદાય માટે કોઈ પગલાં લીધા છે કે કેમ તે વિશે આ દેશના શિક્ષિત અને બુદ્ધિજીવી નાગરિકોએ વિચારવું જોઈએ. હકીકત એ છે કે કોંગ્રેસના ડીએનએમાં જ વિભાજન અને ભાગલા છે અને એ જ કારણે ગુજરાતમાં છેલ્લે દુષ્કર્મની ઘટનાને આ પક્ષે ઠાકોર સમાજ વિરુદ્ધ બિહારી (પર-પ્રાંતિય) સમાજમાં ખપાવી દીધો અને હજારો પર-પ્રાંતિઓ સાથે મારામારી કરીને તેમને અહીંથી ભગાડ્યા. દેખીતી રીતે કોંગ્રેસીઓનો ઇરાદો ગુજરાતની શાંતિ ડહોળવાનો હતો અને એ રીતે ગુજરાતની આર્થિક સ્થિતિ કથળે એવો કારસો હતો.

2019ની લોકસભા ચૂંટણી નજીક આવશે તેમ તેમ આ વિરોધ પક્ષ અને તેના અધ્યક્ષ ફરીથી સૂટ-બૂટની સરકાર, ઉદ્યોગપતિઓની સરકાર, ખેડૂત વિરોધી સરકાર, લઘુમતી વિરોધી સરકાર, અસહિષ્ણુતા, નોટબંધી, જીએસટી, રાફેલ, પર-પ્રાંતિય – એવા બધા શબ્દોની ચૂંટણી સભાના મંચ પરથી ફેંકાફેંક કરે તો મતદાર તરીકે આપણે એટલું જ વિચારવાનું કે આવી ભાગલાવાદી માનસિકતા દેશને આગળ લઈ જશે કે પછી શાંતિ અને સ્થિરતાથી દેશની પ્રગતિ થશે..!?

No comments:

Post a Comment