Saturday, October 13, 2018

ભવિષ્યમાં #MeToo ટાળવું હોય તો આજે આટલું કરો...


ભવિષ્યમાં #MeToo ટાળવું હોય તો આજે આટલું કરો...

--- બેહૂદી જાહેરખબરો તેમજ ફિલ્મોમાં બેહૂદાં દ્રશ્યો વિરુદ્ધ હું ઓછામાં ઓછા 10 વર્ષથી લખતો રહ્યો છું. છેલ્લે આવું ત્રણ મહિના પહેલાં એટલે કે જુલાઈ 2018માં લખ્યું હતું

--- અલકેશ પટેલ

#MeToo – (#મી_ટુ) મૂવમેન્ટને ટેકો ખરો, પરંતુ તે સાથે આ ચળવળ ચલાવનારને આજે કેટલાક સવાલ પણ પૂછવા છે. સવાલ એ છે કે ફિલ્મ અને જાહેરખબરોમાં મહિલાની છેડતી, મહિલાની મજાક ઉડાવવાનાં દ્રશ્યો આવે છે ત્યારે તમે તેનો વિરોધ કર્યો છે ખરો? સવાલ એ છે કે પેજ-3 પાર્ટીમાં ગયા હોવ અને તમને કોઈ આલિંગન આપે ત્યારે એ ટાળવાનો તમે કદી પ્રયાસ કર્યો છે ખરો? સવાલ એ છે કે ફાલતુ કક્ષાની કહેવાતી ફેમિલી ટીવી શ્રેણીઓમાં કહેવાતી સાસુ અને કહેવાતી નણંદ અને કહેવાતા દીયર કે જેઠ દ્વારા કહેવાતી વહૂ સાથે અત્યાચાર-હિંસાનાં દ્રશ્યો દર્શાવવામાં આવે ત્યારે તમે તેને અટકાવવા પ્રયાસ કર્યો છે ખરો?
આ તમામના જવાબ મને ખબર છે. તમે આમાંનું કશું જ અટકાવવા પ્રયાસ નથી કર્યો. બલ્કે મોટેભાગે એવું બન્યું છે કે તમે એ બધાં દ્રશ્યોની મજા માણી છે. તમે એક-બીજાને તાળી આપીને, એક-બીજા સામે આંખ મીંચકારીને આવાં તમામ બેહૂદા દ્રશ્યો કે આવી તમામ બેહૂદી જાહેરખબરોનો આનંદ ઉઠાવ્યો છે.
હકીકત એ છે કે આંખ મીંચકારીને ખુશ થવાને બદલે આંખ બતાવી હોત તો બધું ત્યાં જ અટકી ગયું હોત. હા, એ સાચું જ છે કે દરેક કિસ્સામાં પુરુષ સ્ત્રીને સ્પર્શ કરવા કે પછી તેનો લાભ લેવા પોતાની મેળે આગળ વધતો નથી હોતો. અહીં દરેક કિસ્સા શબ્દ લખ્યો છે, તેનો અર્થ એ છે કે મોટેભાગે પુરુષ આવી હિંમત કરતો નથી – પરંતુ કેટલાક કિસ્સામાં કદાચ ઘૃષ્ટતા કરી હોઈ શકે. ત્યારે પણ જોકે સ્ત્રી મક્કમ હોય તો એ પ્રતિકાર કરી શકે, ફ્રેન્ડસર્કલ અથવા પરિવારમાં કોઈકને જાણ કરી જ શકે. દાયકાઓ સુધી ચૂપ રહેવાથી તમારો જ કેસ નબળો બનતો હોય છે.
દુષ્કર્મ (બળાત્કાર) એક અલગ જ બાબત છે અને તેથી અહીં તેની ચર્ચા અસ્થાને છે, પરંતુ અયોગ્ય સ્પર્શ, ચુંબન કે આલિંગન જેવી બાબતો અટકાવી શકાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એમ.જે. અકબરના જ ઉદાહરણથી આખી વાત સમજીએ. જે પહેલી મહિલા પત્રકાર સાથે આવું બન્યું હતું તેણે જો તરત જ આ વાત જાહેર કરી દીધી હોત તો બીજી પાંચ મહિલા પત્રકારો અકબરના એ અપકૃત્યથી બચી શકી હોત.
પરસ્ત્રી સાથે આવી છૂટ લેવા માગતા પુરુષો વાસ્તવમાં ભીરુ - ડરપોક હોય છે. આવા પુરુષોને પડકારવામાં આવે તો એ અટકી જતા હોય છે. પરંતુ સમાજમાં મોટેભાગે બને છે તેમ, સ્ત્રી કાંતો પોતાની બદનામી થવાના ભયને કારણે અથવા કારકિર્દી ટકાવી રાખવા માટે આવું ચૂપચાપ સહન કરી લેતી હોય છે. પરિણામ એ આવે છે કે પોતે તો ભોગ બને જ છે, પરંતુ ભવિષ્યમાં અન્ય સ્ત્રી કે અન્ય છોકરીને એ જ વ્યક્તિની નજરના સાપોલિયાંથી બચાવી શકતી નથી. પોતાના પછી બીજું કોઈ એમ.જે. અકબર કે સાજીદ ખાન કે આલોક નાથના સકંજામાં ફસાય નહીં એ જવાબદારી શું સ્ત્રીની નથી?
ભવિષ્યમાં આવી કોઈ સ્થિતિ ટાળવી હોય તો હજુ પણ સમય છે. સ્ત્રીઓની મજાક ઉડાવતા જોક ઉપર હસવાનું બંધ કરવાનો અને એવા જોક ફોરવર્ડ કરવાનું બંધ કરવાનો હવે આ જ સમય છે. સ્ત્રીને અયોગ્ય રીતે રજૂ કરતાં ફિલ્મી દૃશ્યો અટકાવી દેવાનો આ જ યોગ્ય સમય છે. એ દૃશ્યો અટકશે તો થિયેટરમાં ફિલ્મ જોવા જતા યુવાનો એ દૃશ્યની અસરમાંથી બચી જશે. ટીવી શ્રેણીઓમાં તેમજ ફિલ્મોમાં મહિલાઓ ઉપર અત્યાચાર અથવા છેડતી દર્શાવતાં દૃશ્યો ઉપર બ્રેક લગાવવામાં આવશે તો સમાજ ઉપર તેની અસર પડતી અટકાવી શકીશું. આ જ બાબત જાહેરખબરોમાં પણ લાગુ પડે છે.
મને ખ્યાલ છે કે અનેક લોકો મનમાં હાલ એવું જ વિચારતા હશે કે ફિલ્મ અને ટીવીમાં તો જે બતાવવામાં આવે છે તે સમાજનું જ પ્રતિબિંબ છે. દલીલ ખાતર આ વાત માની લઈએ તો  સવાલ એ ઉપસ્થિત થાય છે કે સમાજમાં એવું થાય છે તે યોગ્ય છે? સમાજનું પ્રતિબિંબ દર્શાવવાના બહાને ફિલ્મ અને ટીવીવાળા અનૈતિકતાની અયોગ્ય છૂટ નથી લેતા? એક તરફ સાયકોલોજી અને ક્રિમીનોલોજી એવું કહે છે કે ફિલ્મ-ટીવીમાં જે દર્શાવવામાં આવે તેની અસર યુવામાનસ ઉપર પડતી હોય છે અને યુવાનો તેમાંથી શીખતા હોય છે. તો પછી ફરીફરીને સવાલ ત્યાં જ આવ્યો કે – સમાજની અસર ફિલ્મમાં બતાવવામાં આવે છે કે પછી ફિલ્મમાં જે બતાવવામાં આવે છે તેની સમાજ ઉપર અસર પડે છે?
આ સવાલોનો જવાબ સહેલો હોય કે ન હોય, પરંતુ સો વાતની એક વાત એ છે કે જ્યાં સુધી જાહેર માધ્યમોમાં, જાહેર મંચ ઉપર અપરાધ, અત્યાચાર, સેક્સ, દુષ્કર્મ, પુરુષોનું આધિપત્ય – એ બધી બાબતો ગ્લોરિફાય થતી રહેશે ત્યાં સુધી સ્વસ્થ સમાજની રચના કરવાનું કોઈ સરકાર કે કોઈ પોલીસતંત્ર માટે શક્ય નથી.
 (https://keshav2907.blogspot.com/2018/07/blog-post_15.html )

No comments:

Post a Comment