Tuesday, October 23, 2018

પ્રિય વેપારીઓ, પછી એવું ન કહેશો કે, “હુ મૂવ્ડ માય ચીઝ?”


પ્રિય વેપારીઓ, પછી એવું ન કહેશો કે, 
 હુ મૂવ્ડ માય ચીઝ?”

--- આશા રાખું છું કે તમને હુ મૂવ્ડ માય ચીઝ?” વિશે ખબર હશે. ન હોય તો ચિંતા ન કરશો, અહીં ટૂંકમાં એ વાત સમજાવીશ... હા, તમારા વેપારના ફાયદા માટે જ

--- અલકેશ પટેલ

છૂટક અને સ્થાનિક વેપારીઓ ચિંતામાં છે. ઑનલાઇન વેપાર વધી રહ્યો છે તેને કારણે આ ચિંતા ફેલાઈ છે. 20મી સદીમાં અમેરિકામાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું હતું. મોટા મોટા સ્ટોર ખૂલવાથી નાના અને સ્થાનિક વેપારીઓ ઉપર અવળી અસર પડી રહી હતી.
અને એ સમયે સ્પેન્સર જ્હોન્સન નામના એક લેખકે એક સાવ નાનકડું પુસ્તક લખ્યું – હુ મૂવ્ડ માય ચીઝ? (Who Moved My Cheese?) આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ મેં પોતે 2010માં કર્યો હતો અને અત્યાર સુધીમાં આઠ આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે.
શું છે આ પુસ્તકની વાર્તા? આ પુસ્તકમાં લેખકે ઉંદરના સ્વરૂપમાં બે પાત્રો લીધા છે. તેઓ જ્યાં રહે છે ત્યાંથી દરરોજ થોડે દૂર જઈને ત્યાં પડેલું ચીઝ ખાય છે. પણ એક દિવસ ચીઝ ખાવા જાય છે ત્યારે ત્યાં ચીઝ હોતું નથી. બંને ચિંતામાં પડી જાય છે – અમારું ચીઝ કોણે લઈ લીધું? એ દિવસે તો પાછા તેમના ઘરે જતા રહે છે. બીજા દિવસે ત્યાં પહોંચે છે તો ત્યારે પણ ચીઝ મળતું નથી. હવે તેમની ચિંતા વધી જાય છે. જોકે, તેમાંથી એક ઉંદર સમજદાર છે. તે કહે છે કે આપણે બીજે પ્રયાસ કરવો જોઈએ, એકની એક જગ્યાએ હવે પ્રયાસ કરવાનો અર્થ નથી. એ સમજદાર ઉંદર બીજે ચીઝ શોધવા નીકળી પડે છે અને ઘણી મહેનત પછી તેને ચીઝ મળી જાય છે. પરંતુ એક ઉંદર તેની જીદ છોડવા તૈયાર નથી. તે એમ જ માને છે કે મારું ચીઝ પહેલાં જ્યાં હતું ત્યાં મને કેમ ન મળે? આમ ને આમ તે ઉંદર નબળો અને અશક્ત પડી જાય છે. બીજા સમજદાર ઉંદરે તો દૂર જઈને ચીઝ શોધી લીધું છે.
વાર્તાનો સાર એ છે કે, બદલાતી દુનિયામાં આપણી સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. આપણી આસપાસ જે કંઈ પરિવર્તન થઈ રહ્યું હોય તેની ઉપર ચાંપતી નજર રાખવી જોઈએ અને સમય પ્રમાણે પોતાનામાં પરિવર્તન કરવાની તૈયારી રાખવી જોઈએ. જો પરિવર્તન કરવાની તૈયારી હશે તો જ ટકી શકાશે, અન્યથા હતાશ થઈને હારી જવાશે.
તો આ વાત હું વેપારીઓને સંબોધીને કેમ કહું છું?a હું તેમને એ વાત સમજાવવા માગું છું કે તમે પણ સમય પ્રમાણે પરિવર્તન કરી શકો છો. ટેકનોલોજીના આ જમાનામાં ભલે તમે મોટો સ્ટોર ન કરી શકો, પરંતુ તમે પણ તમારો માલ ઑનલાઇન વેચી શકો છો.
એ કેવી રીતે?L વેપારી મિત્રો, મોબાઇલ એપ્લિકેશન (મોબાઇલ એપ) બનાવવાનું જરાય અઘરું કે મોંઘું નથી. તમે જે વિસ્તારમાં દાયકાઓથી વેપાર કરો છો એ વિસ્તારના હજારો લોકો તમને ઓળખે છે. એમાંથી અમુક લોકો ભલે આજે ઑનલાઇન ખરીદી કરતા થઈ ગયા હોય અને તમારા વેપારને ફટકો પડી રહ્યો હોય. પરંતુ તમે તમારી જ દુકાન માટેની મોબાઇલ એપ બનાવીને તમારા એ તમામ ગ્રાહકોને ઑનલાઇન સુવિધા આપવાનું શા માટે નથી વિચારતા?k
હા, આવું થઈ જ શકે છે. તમે તમારી પોતાની મોબાઇલ એપ બનાવીને તમારા પોતાના ગ્રાહકોને સાચવી જ લઈ શકો છો. આ બાબત મુશ્કેલ પણ નથી અને અઘરી પણ નથી. અશક્ય તો નથી જ.
ગયા મહિને છૂટક દવાના વેપારીઓએ ઑનલાઇન દવાના વેચાણના વિરોધમાં એક દિવસના બંધનું એલાન આપ્યું હતું ત્યારે જ મને આ બાબતનો વિચાર આવ્યો હતો. મને સવાલ થયો હતો કે શા માટે દવાના આ છૂટક વેપારીઓ પોતાની મોબાઇલ એપ બનાવીને પોતાના જેટલા ગ્રાહકો છે તેમને સાચવી લેતા નથી?e
પ્રજાને સુવિધા જોઈએ છે. બદલાતા સમયમાં મળેલી ઑનલાઇન સુવિધા ઘણા લોકોને પસંદ પડે છે, તો પણ એ પડકાર નાના – છૂટક વેપારીઓ પોતે ઊઠાવી લે તો તેમને હતાશા કે નિરાશાનો ભોગ બનવું નહીં પડે. મારો આ વિચાર થોડો અલગ છે એટલે તત્કાળ બધાને ગળે નહીં ઉતરે, પરંતુ આ વિશે જરા શાંતિથી વિચારશો તો મારી વાત સમજાશે.
અને હા, મારો આખો વિચાર સમજવા માટે માત્ર થોડો સમય કાઢીને, કદાચ એક કે બે જ દિવસ કાઢીને હુ મૂવ્ડ માય ચીઝ?” પુસ્તક વાંચી લેશો તો પણ સમગ્ર મુદ્દો સમજાઈ જશે. આ પુસ્તકમાં મારી પ્રસ્તાવના પણ ઘણી અસરકારક છે, કદાચ એ પણ તમને ઉપયોગી થાય, જેનો ફોટો અહીં મૂક્યો છે. તમારી સફળતા માટે પ્રાર્થના સાથે – અલકેશ પટેલ. (ખાસ વાતઃ આ લેખ પુસ્તકના પ્રમોશન માટે નથી, પણ વેપારી મિત્રોને વર્તમાન સ્થિતિ અને ભવિષ્ય વિશે વાત કરવાનો છે.)


No comments:

Post a Comment