Monday, October 29, 2018

સીબીઆઈ, ફટાકડા અને સબરીમાલાઃ શું થશે આ દેશનું?


સીબીઆઈ, ફટાકડા અને સબરીમાલાઃ શું થશે આ દેશનું?

--- તપાસ એજન્સી સીબીઆઈની જ તપાસની નોબત આવી છે કેમ કે 70 વર્ષનો સડો સપાટી ઉપર આવી રહ્યો છે; તો બીજી બાજુ કેરળની ડાબેરી સરકાર ધાર્મિક પરંપરા બચાવવા માગતા હજારો શ્રદ્ધાળુઓની ધરપકડ કરી રહી છે 


-- અલકેશ પટેલ

ભારતના સરેરાશ નાગરિકમાં બેચેની વધી રહી છે. સબરીમાલા મંદિર અંગે જે કંઈ ચુકાદો આવ્યો તેના આઘાતમાંથી દેશનો હિન્દુ બહાર આવે તે પહેલાં જ દિવાળીના દિવસે ફોડવામાં આવતા ફટાકડા અંગે જાત-જાતના પ્રતિબંધ આવી ગયા. હજુ એ વિશે કોઈ ચર્ચા કરે અને સમજે તે પહેલાં દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા સીબીઆઈમાં જ બે ટોચના અધિકારીઓ એકબીજા સામે બાખડી પડ્યા છે, અને એ મામલો પણ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે.
ઉપરોક્ત ત્રણમાંથી બે વિષય ગંભીર ચિંતાજનક છે. એ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાથી ભારતની ધાર્મિક અને તહેવારની પરંપરાઓ કાયમ માટે બદલાઈ જવાનું જોખમ છે. કોર્ટે તો તેની સમક્ષ આવેલા કેસનું બંધારણ અને કાયદા અનુસાર અર્થઘટન કરીને ચુકાદો આપ્યો છે એટલે પરંપરા પ્રમાણે અદાલતી પ્રક્રિયા વિશે કશું બોલવા-લખવાનો પ્રશ્ન જ નથી. પરંતુ ભારતીય નાગરિક આજે એવા તમામ લોકો ઉપર રોષે ભરાયેલો છે જેમણે સબરીમાલાની 800 વર્ષથી ચાલી આવતી પરંપરાને તોડી નાખવા માટે કોર્ટમાં કેસ કર્યો હતો. ભારતીય નાગરિક આજે એવા તમામ લોકો ઉપર રોષે ભરાયેલો છે જેમણે ઓછામાં ઓછા 250--300 વર્ષથી ચાલી આવતી દિવાળીના દિવસે ફટાકડા ફોડવાની પરંપરા વિરુદ્ધ કેસ કર્યો હતો.
અર્બન નક્સલીઓ હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય સનાતન પરંપરાને ચૂર ચૂર કરીને વેરવિખેર કરી દેવા અને એ રીતે સમગ્ર ભારતને ટુકડામાં વહેંચી દેવા તમામ પ્રકારના કાવતરાં કરી રહ્યા છે. મુદ્દો એ છે કે એવા અર્બન નક્સલીઓના જ કોઈ પ્રતિનિધિઓએ કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના અધિકારનો તદ્દન ખોટો મુદ્દો ઉપાડીને કેસ દાખલ કરી દીધો હતો. એ જ રીતે એવા જ કોઈ અર્બન નક્સલી પ્રતિનિધિએ પ્રદૂષણનું નામ આગળ ધરીને દિવાળીના માત્ર એક દિવસ માટે ફોડવામાં આવતા ફટકડા ઉપર પ્રતિબંધ મૂકી દેવાની માગણી કરી હતી. જોકે, ન્યાયતંત્રે દયાભાવ રાખીને દિવાળીના દિવસે રાત્રે આઠથી દસ એમ બે કલાક પ્રદૂષણ અને અવાજ ન કરે તેવા ફટાકડા ફોડવાની છૂટ આપી છે.
સરેરાશ નાગરિક ચિંતિત એટલા માટે છે કે હિન્દુ સંસ્કૃતિ વિરોધી લોકો ખોટા હોવા છતાં અદાલતી કેસમાં જીતી કેવી રીતે જાય છે? અને સામે સનાતન પરંપરાની તરફેણમાં મજબૂત અને સચોટ દલીલ કરવા માટે કોઈ વિદ્વાન વકીલો શા માટે નથી મળતા? હિન્દુ સંસ્કૃતિને તોડી નાખવા માટે અદાલતોમાં દલીલ કરતા વકીલોની લાખો-કરોડોની ફી કોણ અને કેવી રીતે ચૂકવે છે એ તો આજ સુધી કોઈ જાણી શક્યું નથી, પરંતુ સંસ્કૃતિને બચાવવા માટે દલીલો કરવા કોઈ વકીલ નથી એ તો શની-સિંગણાપુર કેસ, સબરીમાલા કેસ, ફટાકડા કેસ, દહીં-હાંડી ઊંચાઈ કેસ, નવરાત્રિમાં માઇકના ઉપયોગનો કેસ, જલીકુટ્ટી કેસ (જે હવે પલટાયો છે) વગેરે અસંખ્ય કેસ એક પછી એક ભારતીય સંસ્કૃતિને ખતમ કરી રહ્યા છે. કોઈ કહેવાતા હિન્દુ સંગઠનો પણ આવા કોઈ કેસમાં હિંમતપૂર્વક જાહેરમાં કશું બોલવા તૈયાર નથી.
સબરીમાલા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કેરળમાં હાલ સ્થિતિ એવી છે કે, જે હિન્દુ નાગરિકો સ્વયંભૂ આગળ આવીને ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે અને પરંપરાને બચાવવા લડી રહ્યા છે તેમને પોલીસ ટાર્ગેટ બનાવીને પકડી રહી છે. અહેવાલો પ્રમાણે કેરળની ડાબેરી સરકારની પોલીસ મંદિરની પરંપરા બચાવવા રસ્તા પર આવેલા લોકોને ઓળખી ઓળખીને તેમને ઘરમાંથી બહાર કાઢીને તેમની ધરપકડ કરી રહી છે. આ અહેવાલ તો એવા ચિંતાજનક છે કે હિન્દુ શ્રદ્ધાળુઓને ચોર-લૂંટારાઓની જેમ હાથકડી બાંધીને તેમની ધરપકડ કરવામાં આવી રહી છે.
ભારતને તોડવાના આ આંતરરાષ્ટ્રીય કાવતરા સામે સંગઠિત રીતે અવાજ ઉઠાવવામાં નહીં આવે તો આગામી 50 વર્ષ પછીની પેઢીએ કાંતો લઘુમતી બનીને સતત ડરમાં જીવવું પડશે અથવા ધર્માંતર કરી લેવા પડશે. સ્થિતિ એ હદે ગંભીરતા તરફ જઈ રહી છે કે તેનાથી ભારતીય હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટેના એકલ-દોકલ પ્રયાસોનું કશું ઉપજશે નહીં.

સીબીઆઈના આંતરિક સંઘર્ષની વાસ્તવિકતાઃ

હાલના તબક્કામાં ત્રીજો સૌથી અગત્યનો અને ચિંતાજનક મુદ્દો સીબીઆઈમાં ચાલી રહેલી આંતરિક લડાઈનો છે. મોટાભાગના લોકો પાસે માત્ર એવા જ સમાચાર પહોંચે છે કે સીબીઆઈના વડા આલોક વર્માએ સ્પેશિયલ ડિરેક્ટર અસ્થાના વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા તેથી વાત વણસી. કેટલાકને એવું લાગે છે કે અસ્થાનાએ વર્મા ઉપર આક્ષેપ કર્યા તેથી વાત વણસી. પરંતુ વાચકમિત્રો, સાચી વાત એ છે કે આ સમગ્ર સંઘર્ષ કે લડાઈની પાછળનો ખરો વિલન મોઇન કુરેશી નામનો મીટ (માંસ)નો વેપારી છે. મોઇન કુરેશી કહેવાતી રીતે ભલે મીટનો વેપારી હોય પરંતુ વાસ્તવમાં એ આંતરરાષ્ટ્રીય હવાલા રૅકેટનો સભ્ય છે અને છેલ્લા કેટલાય દાયકાથી રાજકારણીઓને તેમજ સીબીઆઈ સહિત પોલીસતંત્રના અધિકારીઓને પોતાની કુટીલ ચાલમાં ફસાવી રાખેલા છે. આ વાતનું નક્કર પ્રમાણ એ છે કે આ અગાઉ સીબીઆઈના ભૂતપૂર્વ વડા રણજીત સિંહા વિરુદ્ધ કેસ દાખલ પણ થઈ ચૂક્યો છે કેમ કે સિંહા સીબીઆઈ વડા હતા ત્યારે આ મોઇન કુરેશીએ અસંખ્ય વખત તેમના સત્તાવાર નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી તેની નોંધ સિંહાના ઘરે મૂકવામાં આવેલી વિઝિટર્સ ડાયરીમાંથી મળી આવેલી છે. એ જ રીતે અન્ય એક ભૂતપૂર્વ વડા એ.પી. સિંહને પણ કુરેશી સાથે ઘરોબો હતા એવા પુરાવા મળ્યા પછી તેમની સામે પણ કેસ થયેલો છે. ટૂંકમાં, કુરેશી નામનો કુખ્યાત ગુનેગાર તેના ગેરકાદયદે ધંધા અને હવાલા કૌભાંડો અંગે તેની વિરુદ્ધની સીબીઆઈ તપાસ ખોરવી નાખવા કોઇપણ રીતે સીબીઆઈ વડા સુધી પહોંચી જાય છે અને તેમને કૌભાંડમાં ફસાવીને હાંકી કઢાવે છે. છેલ્લા 10 વર્ષથી આ થઈ રહ્યું છે અને જ્યાં સુધી કુરેશી જેવા ગુનેગારો સક્રિય રહેશે ત્યાં સુધી સીબીઆઈ જેવી સંસ્થા પણ ભ્રષ્ટાચારથી મુક્ત નહીં રહી શકે.

No comments:

Post a Comment