Showing posts with label Kerala. Show all posts
Showing posts with label Kerala. Show all posts

Monday, October 29, 2018

સીબીઆઈ, ફટાકડા અને સબરીમાલાઃ શું થશે આ દેશનું?


સીબીઆઈ, ફટાકડા અને સબરીમાલાઃ શું થશે આ દેશનું?

--- તપાસ એજન્સી સીબીઆઈની જ તપાસની નોબત આવી છે કેમ કે 70 વર્ષનો સડો સપાટી ઉપર આવી રહ્યો છે; તો બીજી બાજુ કેરળની ડાબેરી સરકાર ધાર્મિક પરંપરા બચાવવા માગતા હજારો શ્રદ્ધાળુઓની ધરપકડ કરી રહી છે 


-- અલકેશ પટેલ

ભારતના સરેરાશ નાગરિકમાં બેચેની વધી રહી છે. સબરીમાલા મંદિર અંગે જે કંઈ ચુકાદો આવ્યો તેના આઘાતમાંથી દેશનો હિન્દુ બહાર આવે તે પહેલાં જ દિવાળીના દિવસે ફોડવામાં આવતા ફટાકડા અંગે જાત-જાતના પ્રતિબંધ આવી ગયા. હજુ એ વિશે કોઈ ચર્ચા કરે અને સમજે તે પહેલાં દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા સીબીઆઈમાં જ બે ટોચના અધિકારીઓ એકબીજા સામે બાખડી પડ્યા છે, અને એ મામલો પણ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે.
ઉપરોક્ત ત્રણમાંથી બે વિષય ગંભીર ચિંતાજનક છે. એ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાથી ભારતની ધાર્મિક અને તહેવારની પરંપરાઓ કાયમ માટે બદલાઈ જવાનું જોખમ છે. કોર્ટે તો તેની સમક્ષ આવેલા કેસનું બંધારણ અને કાયદા અનુસાર અર્થઘટન કરીને ચુકાદો આપ્યો છે એટલે પરંપરા પ્રમાણે અદાલતી પ્રક્રિયા વિશે કશું બોલવા-લખવાનો પ્રશ્ન જ નથી. પરંતુ ભારતીય નાગરિક આજે એવા તમામ લોકો ઉપર રોષે ભરાયેલો છે જેમણે સબરીમાલાની 800 વર્ષથી ચાલી આવતી પરંપરાને તોડી નાખવા માટે કોર્ટમાં કેસ કર્યો હતો. ભારતીય નાગરિક આજે એવા તમામ લોકો ઉપર રોષે ભરાયેલો છે જેમણે ઓછામાં ઓછા 250--300 વર્ષથી ચાલી આવતી દિવાળીના દિવસે ફટાકડા ફોડવાની પરંપરા વિરુદ્ધ કેસ કર્યો હતો.
અર્બન નક્સલીઓ હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય સનાતન પરંપરાને ચૂર ચૂર કરીને વેરવિખેર કરી દેવા અને એ રીતે સમગ્ર ભારતને ટુકડામાં વહેંચી દેવા તમામ પ્રકારના કાવતરાં કરી રહ્યા છે. મુદ્દો એ છે કે એવા અર્બન નક્સલીઓના જ કોઈ પ્રતિનિધિઓએ કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના અધિકારનો તદ્દન ખોટો મુદ્દો ઉપાડીને કેસ દાખલ કરી દીધો હતો. એ જ રીતે એવા જ કોઈ અર્બન નક્સલી પ્રતિનિધિએ પ્રદૂષણનું નામ આગળ ધરીને દિવાળીના માત્ર એક દિવસ માટે ફોડવામાં આવતા ફટકડા ઉપર પ્રતિબંધ મૂકી દેવાની માગણી કરી હતી. જોકે, ન્યાયતંત્રે દયાભાવ રાખીને દિવાળીના દિવસે રાત્રે આઠથી દસ એમ બે કલાક પ્રદૂષણ અને અવાજ ન કરે તેવા ફટાકડા ફોડવાની છૂટ આપી છે.
સરેરાશ નાગરિક ચિંતિત એટલા માટે છે કે હિન્દુ સંસ્કૃતિ વિરોધી લોકો ખોટા હોવા છતાં અદાલતી કેસમાં જીતી કેવી રીતે જાય છે? અને સામે સનાતન પરંપરાની તરફેણમાં મજબૂત અને સચોટ દલીલ કરવા માટે કોઈ વિદ્વાન વકીલો શા માટે નથી મળતા? હિન્દુ સંસ્કૃતિને તોડી નાખવા માટે અદાલતોમાં દલીલ કરતા વકીલોની લાખો-કરોડોની ફી કોણ અને કેવી રીતે ચૂકવે છે એ તો આજ સુધી કોઈ જાણી શક્યું નથી, પરંતુ સંસ્કૃતિને બચાવવા માટે દલીલો કરવા કોઈ વકીલ નથી એ તો શની-સિંગણાપુર કેસ, સબરીમાલા કેસ, ફટાકડા કેસ, દહીં-હાંડી ઊંચાઈ કેસ, નવરાત્રિમાં માઇકના ઉપયોગનો કેસ, જલીકુટ્ટી કેસ (જે હવે પલટાયો છે) વગેરે અસંખ્ય કેસ એક પછી એક ભારતીય સંસ્કૃતિને ખતમ કરી રહ્યા છે. કોઈ કહેવાતા હિન્દુ સંગઠનો પણ આવા કોઈ કેસમાં હિંમતપૂર્વક જાહેરમાં કશું બોલવા તૈયાર નથી.
સબરીમાલા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કેરળમાં હાલ સ્થિતિ એવી છે કે, જે હિન્દુ નાગરિકો સ્વયંભૂ આગળ આવીને ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે અને પરંપરાને બચાવવા લડી રહ્યા છે તેમને પોલીસ ટાર્ગેટ બનાવીને પકડી રહી છે. અહેવાલો પ્રમાણે કેરળની ડાબેરી સરકારની પોલીસ મંદિરની પરંપરા બચાવવા રસ્તા પર આવેલા લોકોને ઓળખી ઓળખીને તેમને ઘરમાંથી બહાર કાઢીને તેમની ધરપકડ કરી રહી છે. આ અહેવાલ તો એવા ચિંતાજનક છે કે હિન્દુ શ્રદ્ધાળુઓને ચોર-લૂંટારાઓની જેમ હાથકડી બાંધીને તેમની ધરપકડ કરવામાં આવી રહી છે.
ભારતને તોડવાના આ આંતરરાષ્ટ્રીય કાવતરા સામે સંગઠિત રીતે અવાજ ઉઠાવવામાં નહીં આવે તો આગામી 50 વર્ષ પછીની પેઢીએ કાંતો લઘુમતી બનીને સતત ડરમાં જીવવું પડશે અથવા ધર્માંતર કરી લેવા પડશે. સ્થિતિ એ હદે ગંભીરતા તરફ જઈ રહી છે કે તેનાથી ભારતીય હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટેના એકલ-દોકલ પ્રયાસોનું કશું ઉપજશે નહીં.

સીબીઆઈના આંતરિક સંઘર્ષની વાસ્તવિકતાઃ

હાલના તબક્કામાં ત્રીજો સૌથી અગત્યનો અને ચિંતાજનક મુદ્દો સીબીઆઈમાં ચાલી રહેલી આંતરિક લડાઈનો છે. મોટાભાગના લોકો પાસે માત્ર એવા જ સમાચાર પહોંચે છે કે સીબીઆઈના વડા આલોક વર્માએ સ્પેશિયલ ડિરેક્ટર અસ્થાના વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા તેથી વાત વણસી. કેટલાકને એવું લાગે છે કે અસ્થાનાએ વર્મા ઉપર આક્ષેપ કર્યા તેથી વાત વણસી. પરંતુ વાચકમિત્રો, સાચી વાત એ છે કે આ સમગ્ર સંઘર્ષ કે લડાઈની પાછળનો ખરો વિલન મોઇન કુરેશી નામનો મીટ (માંસ)નો વેપારી છે. મોઇન કુરેશી કહેવાતી રીતે ભલે મીટનો વેપારી હોય પરંતુ વાસ્તવમાં એ આંતરરાષ્ટ્રીય હવાલા રૅકેટનો સભ્ય છે અને છેલ્લા કેટલાય દાયકાથી રાજકારણીઓને તેમજ સીબીઆઈ સહિત પોલીસતંત્રના અધિકારીઓને પોતાની કુટીલ ચાલમાં ફસાવી રાખેલા છે. આ વાતનું નક્કર પ્રમાણ એ છે કે આ અગાઉ સીબીઆઈના ભૂતપૂર્વ વડા રણજીત સિંહા વિરુદ્ધ કેસ દાખલ પણ થઈ ચૂક્યો છે કેમ કે સિંહા સીબીઆઈ વડા હતા ત્યારે આ મોઇન કુરેશીએ અસંખ્ય વખત તેમના સત્તાવાર નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી તેની નોંધ સિંહાના ઘરે મૂકવામાં આવેલી વિઝિટર્સ ડાયરીમાંથી મળી આવેલી છે. એ જ રીતે અન્ય એક ભૂતપૂર્વ વડા એ.પી. સિંહને પણ કુરેશી સાથે ઘરોબો હતા એવા પુરાવા મળ્યા પછી તેમની સામે પણ કેસ થયેલો છે. ટૂંકમાં, કુરેશી નામનો કુખ્યાત ગુનેગાર તેના ગેરકાદયદે ધંધા અને હવાલા કૌભાંડો અંગે તેની વિરુદ્ધની સીબીઆઈ તપાસ ખોરવી નાખવા કોઇપણ રીતે સીબીઆઈ વડા સુધી પહોંચી જાય છે અને તેમને કૌભાંડમાં ફસાવીને હાંકી કઢાવે છે. છેલ્લા 10 વર્ષથી આ થઈ રહ્યું છે અને જ્યાં સુધી કુરેશી જેવા ગુનેગારો સક્રિય રહેશે ત્યાં સુધી સીબીઆઈ જેવી સંસ્થા પણ ભ્રષ્ટાચારથી મુક્ત નહીં રહી શકે.

Monday, October 22, 2018

સબરીમાલાઃ છેવટે વિધર્મીઓ કુઠારાઘાત કરી ગયા!

સબરીમાલાઃ છેવટે વિધર્મીઓ કુઠારાઘાત કરી ગયા!

--- 800 વર્ષથી જે ધાર્મિક પરંપરાનું પાલન થતું હતું તેને તોડી પાડવા વિધર્મીઓએ કાવતરું કર્યું અને અદાલતમાં એ તત્વો જીતી ગયા. વેટિકન-સાઉદી અરેબિયા અને ડાબેરીઓનું ખતરનાક મિશ્રણ સનાતન ધર્મને ખતમ કરવા ગમે તે હદે જશે – સાવધ રહેજો   



-- અલકેશ પટેલ



કેરળના સબરીમાલામાં છેલ્લા કેટલાય દિવસથી ભારે તંગદિલી છે. ભગવાન ઐયપ્પાના મંદિરમાં 800 વર્ષથી ચાલી આવતી પરંપરા ઉપર અદાલતી હથોડો વાગ્યો છે. અદાલતે તો તેની સમક્ષ આવેલી અરજી અંગે કાયદા અને બંધારણ અનુસાર અર્થઘટન કરીને ચુકાદો આપ્યો છે... પરંતુ એ ચુકાદાથી માત્ર કેરળમાં જ નહીં, સમગ્ર ભારતમાં દરેકે દરેક સાચા સનાતન ધર્મીઓની આંખમાં આંસું છે. શનિ-સિંગણાપુર અંગે આવો જ અદાલતી ચુકાદો આવ્યો ત્યારે હૃદય ઉપર પથ્થર રાખીને તેમજ આંખની પાંપણમાંથી આંસું બહાર નહીં આવવા દેનાર એ તમામ સાચા સનાતનીની સહનશક્તિના બંધ સબરીમાલાના ચુકાદાથી તૂટી ગયા છે.

આ દેશના કરોડો હિન્દુઓને હજુ આજે પણ ખબર નથી કે સબરીમાલામાં 10 થી 50 વર્ષ સુધીની મહિલાઓને પ્રવેશવા નહીં દેવાની 800 વર્ષની પરંપરા વિરુદ્ધ અરજી કરનારો એક મુસ્લિમ હતો. જે મુસ્લિમ મૂર્તિ પૂજામાં નથી માનતા એ સમુદાયના એક વકીલે સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશના બંધારણીય અધિકારના નામે અરજી ઠપકારી દીધી અને આજે આ પરિણામ આવ્યું છે.

અદાલતી સુનાવણી દરમિયાન મંદિર તરફથી વકીલોએ વારંવાર રજૂઆત કરી કે મંદિરમાં મહિલાઓના પ્રવેશનો નિષેધ નથી, 10 વર્ષથી નાની કન્યા અને 50 વર્ષથી મોટી ઉંમરની મહિલા દર્શન કરી શકે છે. જે નિષેધ છે તે માત્રને માત્ર ચોક્કસ ઉંમરની મહિલાઓના માસિકધર્મને કારણે છે. પરંતુ આંખે પાટા બાંધેલી ન્યાયની દેવીએ ધાર્મિક પરંપરાને બદલે બંધારણને મહત્ત્વ આપ્યું.

અદાલતની આ સમગ્ર કાર્યવાહી દરમિયાન અનેક સાચા સનાતનીઓએ લેખો લખીને, ટીવી ઉપર ચર્ચા કરીને, જાહેરમાં પ્રવચનો કરીને અત્યંત ભારપૂર્વક રજૂઆતો કરી હતી કે હિન્દુ ધર્મ મહિલા વિરોધી નથી, હિન્દુ ધર્મમાં મહિલાઓનું સ્થાન નીચું નથી, હિન્દુ ધર્મ પુરુષવાદી માનસિકતા ધરાવતો નથી... પરંતુ આ કોઈ દલીલો ન્યાયની દેવીને સંભળાઈ નહીં. ન્યાયની દેવી એ તો એ વાત પણ ધ્યાનમાં ન લીધી કે આ દેશ વર્ષમાં બે વખત નવરાત્ર ઊજવીને દૈવીશક્તિની આરાધના કરે છે.

પણ, છેવટે વાંક તો સનાતન ધર્મીઓનો જ કહેવાય. અનેક વિધર્મીઓ આપણી વચ્ચે ભળી જઈને આપણને આપણી જ પરંપરા વિરુદ્ધ ભડકાવતા રહે છે, આપણાં દેવી-દેવતાઓ વિરુદ્ધ બોલતાં અને લખતાં રહે છે, આપણી ધાર્મિક ભાવનાઓની મજાક ઉડાવતી ફિલ્મો બનાવતા રહે છે અને છતાં આપણે મુર્ખની જેમ એ બધું હસી કાઢીએ છીએ..!

હકીકત એ છે કે છેલ્લી કેટલીય સદીથી હિન્દુ પરંપરાઓને તોડી પાડીને સનાતન સંસ્કૃતિને જ ખતમ કરી દેવા માટેનું કાવતરું અત્યંત આયોજન અને ચતુરાઈપૂર્વક ચાલી રહ્યું છે અને ભોળા હિન્દુઓ એ કાવતરામાં સપડાઈ રહ્યા છે. આ કાવતરાના બે નામ છે અને ત્રણ પક્ષકાર છે. બે નામો છે – (1) બ્રેકિંગ ઈન્ડિયા અને (2) ગજવા-એ-હિન્દ. અને ત્રણ પક્ષકારો છે (1) વેટિકન, (2) સાઉદી અરેબિયા અને (3) ડાબેરીઓ.

બ્રેકિંગ ઈન્ડિયા એ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચાલતી ધર્માંતરની અત્યંત ખતરનાક પ્રવૃત્તિ છે. આ લોકો ભારતમાં ગરીબોની સેવાના નામે ઘૂસી ગયા છે અને આદિવાસીઓ, દલિતો તેમજ અન્ય ગરીબોને નાણાં આપીને તેમજ ચમત્કારો દ્વારા હિન્દુ વિરોધી ઝેર ભરીને તેમને ખ્રિસ્તી બનાવી રહ્યા છે.

તો ગજવા-એ-હિંદ એ સાઉદી અરેબિયા અને પાકિસ્તાનમાં રહેલા અત્યંત જિહાદી માનસિકતા ધરાવતા વહાબીઓ દ્વારા ચલાવવામાં આવતું આંદોલન છે. આ લોકો પ્રત્યેક બિન-મુસ્લિમને કાફીર ગણે છે અને તેથી હિન્દુઓનું કાંતો બળપૂર્વક ધર્માંતર કરાવવામાં આવે છે અને કોઈ ધર્માંતર ન કરે તો... આ દેશમાં સ્વતંત્રતા પહેલાં અને સ્વતંત્રતા પછી જેટલાં પણ કોમી તોફાન થયાં છે તેની પાછળ આ જ માનસિકતા છે.

ખ્રિસ્તી મિશનરીઓ અને જિહાદી તત્વોને સાથ આપનાર ત્રીજા પક્ષકારો છે – ડાબેરીઓ. આ ડાબેરીઓ પોતાની જાતને નાસ્તિક ગણાવીને દરેક નાની-મોટી બાબતે હિન્દુઓ અને હિન્દુત્વની ટીકા કરવાનું નહીં ચૂકે, પરંતુ એ જ વખતે તેમને ખ્રિસ્તીઓ કે પછી જિહાદીઓના ખોળામાં બેસવામાં જરાય સંકોચ થતો નથી. આ ડાબેરીઓ ત્રિપલ તલાકનું મુસ્લિમોની ધાર્મિક માન્યતા છે એમ કહી સમર્થન કરશે, પરંતુ સબરીમાલામાં અમુક ઉંમરની સ્ત્રીઓ મંદિરની અંદર ન પ્રવેશી શકે તેવી હિન્દુઓની પરંપરાની ટીકા કરીને એ મામલાને અદાલતમાં લઈ જતાં ખચકાશે નહીં. આ ડાબેરીઓ 31 ડિસેમ્બરે દેશ અને દુનિયામાં ફોડવામાં આવતા ફટાકડા અંગે કશું જ નહીં બોલે, પરંતુ દિવાળીના દિવસે ફોડવામાં આવતા ફટાકડા પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે એવું કહી અદાલતમાં પહોંચી જતાં ખચકાશે નહીં. આ ડાબેરીઓ એટલે બીજા શબ્દોમાં અર્બન નક્સલવાદીઓ – જેઓ વિવિધ સ્વરૂપમાં આપણી આસપાસ જ રહે છે અને સનાતન ધાર્મિક પરંપરાઓ ખોટી છે એવું ભોળા હિન્દુઓના મનમાં ઠસાવી દેવામાં સફળ થાય છે.

ભોળવાઈ જતા આવા હિન્દુઓ કાંતો નાસ્તિક બની જાય છે અથવા ધર્માંતર કરી લે છે. સનાતન પરંપરા આ જ કારણે સંકોચાઈ રહી છે. હિન્દુ ધર્મ આ જ કારણે સંકોચાઈ રહ્યો છે. 2011ની વસતી ગણતરી પ્રમાણે ભારતના 30 રાજ્યોમાંથી હાલ ઓછામાં ઓછા આઠ (8) રાજ્યોમાં હિન્દુ લઘુમતીમાં આવી ગયો છે. 2021ની વસતી ગણતરી વખતે શું સ્થિતિ હશે એ કોઈ જાણતું નથી. સાવધાની સિવાય કોઈ વિકલ્પ નથી.