Showing posts with label supreme court. Show all posts
Showing posts with label supreme court. Show all posts

Sunday, April 9, 2023

ભ્રષ્ટ વિપક્ષો ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ હારી ગયા

 

14 વિપક્ષોએ “ભેગા મળીને” તપાસ એજન્સીઓની કાર્યવાહી સામે કરેલી અરજી સુપ્રીમ કોર્ટે દાખલ જ ન કરી. 2024 માટે ભારતની દશા અને દિશા નક્કી થઈ રહી છે!

-- અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

ભ્રષ્ટાચાર અને સગાવાદમાં ખૂંપેલા વિરોધ પક્ષોને સુપ્રીમ કોર્ટે આ અઠવાડિયે ચમચમતી લપડાક આપી. સીબીઆઈ, ઈડી સહિતની એજન્સીઓ ભ્રષ્ટાચાર અને આર્થિક અપરાધો સામે પગલાં લઈ રહી છે તેમને અટકાવવા અથવા કહો કે એવાં પગલાં સામે રક્ષણ મેળવવા 14-14 ભ્રષ્ટ વિપક્ષોએ ભેગા મળીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ અદાલતે એ અરજી સાંભળવા લાયક પણ નથી એમ જણાવી ફગાવી દીધી. આ ભ્રષ્ટ વિપક્ષોએ ભ્રષ્ટાચાર અને આર્થિક અપરાધો સામે “રાહત મેળવવા” કેવા કેવા મુદ્દા તેમની અરજીમાં કર્યા હતા એ વિગતો તો હવે તમારા જેવા વિદ્વાન વાચકોએ જાણી જ લીધા હશે, તેથી એ મુદ્દાઓની ચર્ચા કરવાનો અર્થ નથી. પણ તેના બદલે ચર્ચા ભ્રષ્ટાચારીઓના ઈરાદા અંગે થવી જોઇએ.

આ ભ્રષ્ટાચારીઓ છેક 2014થી ત્રસ્ત છે. નરેન્દ્ર મોદી સરકારે ભૂતિયાં રાશનકાર્ડ બંધ કર્યાં, પરિણામે રાહત દરની દુકાનોમાંથી ખોટી રીતે જતું અનાજ બંધ થયું; પેનકાર્ડ અને આધાર લિંક કર્યા, પરિણામે નાણાનું લીકેજ બંધ થયું. વડાપ્રધાને પોતે ગયા અઠવાડિયે એક સભાને સંબોધતા કહ્યું હતું કે આ બે પગલાંથી દરવર્ષે દેશના રૂપિયા 68,000 કરોડની બચત થાય છે. આ સિવાય પણ એવા અનેક લીકેજ બંધ થયા જેનો પ્રવાહ સીધો આ 14 વિપક્ષી નેતાઓના ઘરમાં જતો હતો. આ 14 પક્ષોના આ ભ્રષ્ટાચારી રાજકારણીઓને લીકેજ બંધ થયું એની સામે ખાસ વાંધો નહોતો કેમ કે એમણે તેમની સાત પેઢીને ચાલે એટલું ભેગું કરી લીધું હતું. પરંતુ એમને તકલીફ ત્યારે પડી જ્યારે સીબીઆઈ, ઈડીએ કેસ નોંધીને તપાસ શરૂ કરી અને કોર્ટ અને જેલના ચક્કર શરૂ થયા. કોર્ટ અને જેલના ચક્કર અટકાવવા એ લોકોએ કોર્ટમાં અરજી કરી, પણ તેનું પરિણામ આપણે જાણીએ છીએ.

સત્તાથી વંચિત વિપક્ષોને હવે લાગે છે કે કોઇપણ ભોગે સત્તા પર આવ્યા વિના તેમના જૂના ભ્રષ્ટાચારી અને સામંતિ દિવસો પરત નહીં આવી શકે. અને એટલે જ દેશમાં છેલ્લા થોડા મહિનાથી જે કંઈ ચાલી રહ્યું છે તે ચિંતાજનક છે. દેશ કોઇક ભયાનક ત્રિભેટે આવીને ઊભો હોય એવું લાગે છે. તમામ નાગરિકો લોકશાહીનો અમર્યાદ લાભ અથવા ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને છતાં કોંગ્રેસીઓ અને ડાબેરીઓ ગળાં ફાડીફાડીને એ વાતનું રટણ કર્યા કરે છે કે દેશમાં લોકશાહી જોખમમાં છે. 1975માં કટોકટી લાદનાર ઈન્દિરા ગાંધીના પૌત્ર રાહુલ ગાંધી તો વળી એનાથી પણ આગળ વધીને વિદેશની ધરતી ઉપર જઇને લોકશાહીના નામે છાજિયાં લે છે.

તો બીજી તરફ લગભગ દરેકે દરેક હિન્દુ તહેવારો સમયે હિન્દુઓ પર હુમલા થાય છે. ગુજરાતમાં નવરાત્રિ સમયે, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં રામનવમી સમયે, હનુમાન જન્મોત્સવ સમયે પથ્થરમારો જાણે હવે કાયમી બની ગયો છે. દરેક તહેવાર પહેલાં અમુક વિસ્તારોમાં રહેતા હિન્દુઓને તથા અમુક વિસ્તારમાંથી પસાર થવા માગતા હિન્દુઓને હંમેશાં પથ્થરમારાનો અથવા સ્ટેબિંગ થઈ જવાનો ડર રહેતો હોય છે. અને આઘાતજનક વાત એ છે કે આ રીતે સૌને ડરાવનારા લોકો ટીવી પર આવીને પોતાને જ ડરેલી પ્રજા ગણાવે છે? વળી આ પ્રજાને પશ્ચિમ બંગાળમાં મમતાબાનુનો, તમિલનાડુમાં સ્ટાલિનનો, તેલંગણામાં કેસીઆરનો, કેરળમાં ડાબેરી ગેંગનો ટેકો પણ મળી રહે છે! આ દરેકના પ્રવક્તા રોજેરોજ લઘુમતી ખુશામતનો દુનિયાનો સર્વોચ્ચ પુરસ્કાર લેવાનો હોય એ રીતે એમના બચાવમાં ઊતરી પડે છે. જેહાદી માનસિકતાનો કોણ વધારે બચાવ કરી શકે છે એની એક પ્રકારે સ્પર્ધા જામી છે. આ શ્રેણીમાં સ્થાન મેળવવા મીડિયાના બદમાશ પત્રકારો, તંત્રીઓ, લેખકો અને રાજકીય વિશ્લેષકો પણ પાછળ રહેવા નથી માગતા.

તો ત્રીજી તરફ કેજરીવાલ નામનું તળિયા વિનાનું પ્રાણી એના પોતાનાં અને તેની ટોળકીનાં પાપ સંતાડવા નિતનવાં ગતકડાં કરે છે. ભૂતકાળમાં રાજકારણીઓ ઉપર જાહેરમાં આક્ષેપો કરીને બદનક્ષીના દાવામાં ફસાઈ ચૂકેલા દિલ્હીના આ નટવરલાલ હવે નવું શીખ્યા છે. નરેન્દ્ર મોદી વિરુદ્ધ બેફામ બોલવા માટે કેજરી-લાલ દિલ્હી વિધાનસભા ગૃહનો ઉપયોગ કરે છે. એ જાણે છે કે વિધાનસભા ગૃહ અથવા સંસદની અંદર જે કંઈ બોલવામાં આવે તેની સામે બદનક્ષી સહિત કોઈ કેસ થઈ શકતા નથી. આમછતાં આ તળિયા વિનાના નટવરલાલને કમતિ સૂઝી અને તેણે નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે 31-3-23 ના રોજ ફેકરીવાલની અરજી ફગાવી દીધી એટલું જ નહીં પરંતુ તેને આવી બેહૂદી અરજી દાખલ કરવા બદલ રૂપિયા 25,000 નો દંડ પણ કર્યો. ફેકરીવાલના હવે વળતા પાણી છે. એકાએક હવામાં ઉડેલો ફુગ્ગો ગમેત્યારે ફૂટી જવાનો છે એમાં શંકા રાખવાની જરૂર નથી.

વિપક્ષોના આ તમામ પ્રકારના હવાતિયાંથી એટલું સ્પષ્ટ છે કે લોકસભાની 2024ની ચૂંટણી સુધીમાં દેશનું વાતાવરણ અસાધારણ રીતે કલુષિત થશે. સામાન્ય નાગરિકોને પણ ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર શંકા થવા લાગે એ હદે આક્ષેપબાજી અને આંદોલનો થઈ રહ્યાં છે. ચૂંટણીના મેદાનમાં નરેન્દ્ર મોદીને હરાવી શકવા સમર્થ નથી એવા તમામ લોકો દેશની બંધારણીય સંસ્થાઓ ઉપર બેફામ આક્ષેપબાજી કરીને વાતાવરણ ડહોળી રહ્યા છે.

દેશની જે પ્રજા ક્રિટિકલ એનાલિસીસ કરવા સમર્થ નથી તેઓ આ તમામ સ્થિતિથી ગુંચવાડો અનુભવે એ સ્વાભાવિક છે. અને એટલે જ દેશ હાલ અનિશ્ચિતતાના ત્રિભેટે હોય એવું લાગે છે. ક્યારે કઈ દિશા પકડાશે એ નિશ્ચિત નથી. શું તમને કોઈ સ્પષ્ટ દિશા કે માર્ગ દેખાય છે? વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Saturday, April 13, 2019

રાફેલમાં ભ્રષ્ટાચાર થયો કે નહીં એ કોર્ટથી નક્કી થાય?


રાફેલમાં ભ્રષ્ટાચાર થયો કે નહીં એ કોર્ટથી નક્કી થાય?

--- સામાન્ય રીતે અદાલતી પ્રક્રિયા તો પોલીસ કે સીબીઆઈ કે એનઆઈએ-માં કેસની નોંધણી પછી શરૂ થાય...પણ રાફેલ કેસ ઊંધી દિશામાં શા માટે ચાલી રહ્યો છે? છતાં કેસ ચાલે છે..તો કથિત ભ્રષ્ટાચારના પુરાવા ક્યાં છે-કોણ આપશે?

-- અલકેશ પટેલ

ભારતીય લોકશાહીમાં સામાન્ય પ્રક્રિયા એવી રહી છે કે પોલીસતંત્રના સ્તરે કોઈ કેસ નોંધાય પછી તેમાં ફરિયાદી કે આરોપી બેમાંથી કોણ સાચું છે, કોણ ખોટું છે તેનો નિર્ણય અદાલતી પ્રક્રિયા દ્વારા થતો હોય છે. હા, એ ખરું કે ક્યારેક કેટલાક કારણસર નાગરિકો સીધી અદાલતમાં અરજી કરીને પોતાના કેસ માટે ન્યાય માગી શકે છે. છતાં એ સંજોગોમાં પણ અદાલત પોલીસતંત્રને આદેશ આપીને કેસની નોંધણી કરવા જણાવતી હોય છે અને પછી કેસ આગળ ચાલતો હોય છે.
તો પછી રાફેલ કેસમાં આ શું થઈ રહ્યું છે?
રાફેલ કેસ ભ્રષ્ટાચારના કેસને બદલે હાલ તો રાજકીય કેસ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ વિષય ઉપર અનેક સ્તરે, અનેક મંચ ઉપર પુષ્કળ ચર્ચા થયેલી છે એટલે તેની વિગતોમાં પડવાને બદલે આજના સંદર્ભમાં કેટલીક વાત કરીએ.
સુપ્રીમ કોર્ટ ફરીથી કેસ ચલાવે એમાં કશું ખોટું નથીઃ-
સુપ્રીમ કોર્ટે આજે (10-04-2019) રાફેલ કેસ ફરી ચલાવવાની તૈયારી દર્શાવી. પરંતુ કોંગ્રેસના નેતાઓ એવી રીતે પ્રતિભાવો આપી રહ્યા છે જાણે કોર્ટે મોદી સરકારને દોષિત માની લીધી..! ખેર, રાજકીય મજબૂરીને કારણે કોંગ્રેસ આવું કરે છે એ સૌ જાણીએ છીએ. પરંતુ અનેક લોકોના મનમાં સવાલ હશે કે સુપ્રીમ કોર્ટે અગાઉ ચુકાદો આપી દીધો છે તો પછી ફરી શા માટે કેસ ચલાવવા તૈયાર થઈ છે? સુપ્રીમ કોર્ટે 2018ની 14 ડિસેમ્બરે આ કેસમાં ચુકાદો આપતાં સ્પષ્ટતા કરી જ હતી કે (1) સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાતું નથી, (2) સોદાના એક પણ મુદ્દામાં કશું વાંધાજનક લાગતું નથી, (3) ડીલ કરવાની પ્રક્રિયા સાથે અદાલતને કોઈ લેવાદેવા નથી, (4) કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માગણી પણ સ્વીકારવામાં નથી આવતી.
હવે મુદ્દો એ છે કે 14 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે સરકારે બંધ કવરમાં આપેલી વિગતો ચકાસ્યા પછી જ ક્લિનચીટ આપી હતી, તેમ છતાં હવે અરુણ શૌરી, પ્રશાંત ભૂષણ અને યશવંત સિંહાની રિવ્યૂ પિટિશન ઉપર ફરી કેસ ચલાવવા તૈયાર છે. આ વખતે દેખીતી રીતે દક્ષિણ ભારતના એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ બાદ આખો કેસ ફરી ચગ્યો છે. સરકાર વતી એટર્ની જનરલે ત્યારે પહેલાં એવું કહ્યું કે, કેસના દસ્તાવેજો ચોરી થયા છે, અને પછી બીજા દિવસે એવો ખુલાસો કર્યો હતો કે દસ્તાવેજોની ફૉટો-કૉપીને આધારે અહેવાલ પ્રકાશિત થયો છે.
અખબાર પાસે આવેલા એ દસ્તાવેજોને આધારે ભ્રષ્ટાચાર પુરવાર થાય?
ના, માત્ર એક અખબાર પાસે આવા કોઈ કથિત દસ્તાવેજની ફૉટોકૉપી હોય તેનાથી ભ્રષ્ટાચાર પુરવાર ન થાય. તેમાં પણ આ કેસમાં એટલા માટે ભ્રષ્ટચાર પુરવાર નથી થતો કે અખબારે તે સમયના સુરક્ષા સચિવની નોંધને મુદ્દો બનાવ્યો હતો. પણ અહેવાલ પ્રકાશિત થયો એ જ દિવસે સંરક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ રાજીવ વર્માએ સ્પષ્ટતા પણ કરી દીધી હતી કે ડીલ થતી હતી તે સમયે તેમનો વાંધો કિંમતને લગતો હતો જ નહીં.
ફાઇલો ઉપરના નોટિંગ્સમાં ભ્રષ્ટાચારની નોંધ હોય?
ના જ હોય ને..! ફાઇલો પરના નોટિંગ્સમાં ભ્રષ્ટાચારની નોંધ ન હોય એ વાત કોણ – કોને સમજાવે? ત્યાં જે કોઈ નોંધ હોય તે દેખીતી રીતે ડીલની પ્રક્રિયાને લગતી હોય. અને એ નોંધમાં કોઈ અધિકારી અથવા કોઈ મંત્રીએ નારાજગીની નોંધ કરી હોય તેનાથી પણ શું ભ્રષ્ટાચાર પુરવાર થાય?
રહી વાત સીએજી (CAG) રિપોર્ટની. તો જે દિવસે કૅગનો અહેવાલ આવ્યો એ દિવસે પણ અનેક મીડિયા ચૅનલોએ તેનું વિશ્લેષણ કરીને ખુલાસા કર્યા હતા કે, છેવટે સીએજી (કૅગ) પણ રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર સામે આંગળી ચીંધી શકી નથી.
અનેક વખત એ વાતની પણ સ્પષ્ટતા થયેલી છે કે કુલ સોદો રૂ. 58,000 કરોડનો છે. તેમ છતાં રાહુલ ગાંધી લગભગ દરરોજ એક વાત કહ્યા કરે છે કે, નરેન્દ્ર મોદીએ રાફેલ સોદામાંથી રૂ. 30,000 કરોડ ઉપાડીને અનિલ અંબાણીને આપી દીધા. આ જ વાત તેમણે આજે પણ દોહરાવી. રૂ. 58,000 કરોડમાંથી રૂ. 30,000 કરોડ અંબાણીને આપી દીધા હોય તો શું રાફેલનો સોદો માત્ર રૂ. 28,000 કરોડનો છે? કહેતા ભી દીવાના...સુનતા ભી દીવાના?

કોના લાભ માટે મુદ્દો ઉપાડવામાં આવે છે?
કોંગ્રેસને એવું લાગે છે કે પોતે આ મુદ્દાનું પૂંછડું પકડી રાખશે તો તેને રાજકીય લાભ થઈ શકે તેમ છે. પરંતુ તે એ ભૂલી જાય છે કે નરેન્દ્ર મોદી કે તેમની સરકાર ભ્રષ્ટાચાર કરે એવી વાત હાલ તો કોઈ સ્વીકારશે નહીં. તેનું કારણ સ્પષ્ટ છે. મોદીએ 12 વર્ષ ગુજરાતમાં શાસન કર્યું છતાં તેમના ઉપર અંગત કે તેમની સરકારના કોઈ પ્રધાન ઉપર એવા કોઈ ગંભીર ભ્રષ્ટાચારના કેસ આવ્યા જ નથી. તેથી દેશને એ બાબતે તો વિશ્વાસ છે.
સાથે પ્રજાને એવો પ્રશ્ન પણ થઈ રહ્યો છે કે તો પછી રાહુલ ગાંધી અને કોંગ્રેસ કેમ આ મુદ્દે આટલો હોબાળો કર્યા કરે છે..! શક્ય છે તેનું કારણ કોઈ હરીફ શસ્ત્ર કંપનીનું હિત સમાયેલું હોય. સંરક્ષણ સોદા હંમેશાં હજારો કરોડોના હોય છે અને એ મેળવવા કંપનીઓ તમામ પ્રયાસ કરતી હોય છે. જો પોતાને કોઈ સોદો મળે એમ નથી એવું કોઈ કંપનીને લાગે તો વિરોધી કંપની અથવા એ સોદો કરનાર સરકાર કે રાજકારણીઓ વિરુદ્ધ અપપ્રચાર કરવાનું પણ સંરક્ષણ કંપનીઓ ચૂકતી નથી. આ કેસમાં કેટલીક અમેરિકી સંરક્ષણ કંપનીઓ સામે શંકા કરવાને આપણી પાસે કારણ છે. પરંતુ હવે આ કેસ ફરીથી સબ-જ્યુડિસ થઈ ગયો હોવાથી ચુકાદાની રાહ જોવી જોઇએ.
છતાં, એટલું નિશ્ચિત છે કે, મોદી સરકારના શાસન હેઠળ આવો કોઈ ભ્રષ્ટાચાર શક્ય નથી. સોદાની એક શરત પ્રમાણે ફ્રેન્ચ કંપની દસોંએ રિલાયન્સ સહિત ભારતીય કંપનીઓને ઑફસેટ કોન્ટ્રેક્ટ આપ્યો હોય તો પણ તેમાં મોદી સરકારની સીધી સંડોવણી પુરવાર થવાની નથી કેમ કે સોદો ભારત સરકાર અને ફ્રાન્સની સરકાર વચ્ચે થયો હતો.

Sunday, December 16, 2018

રાફેલ: મીડિયા ઉલ્લુ બની શકે, અદાલત અને પ્રજા નહીં


રાફેલ: મીડિયા ઉલ્લુ બની શકે, અદાલત અને પ્રજા નહીં

--- નહેરુના સમયના જીપ કૌભાંડથી માંડીને મનમોહનસિંહના સમયના કોલસા-હેલિકૉપ્ટર-કૉમનવેલ્થ-ટેલિકોમના સાબિત થઈ ચૂકેલા કૌભાંડોથી ખરડાયેલી કોંગ્રેસે પીએમ મોદી ઉપર કાદવ ઉછાળ્યો, પણ એ કાદવ છેવટે કોંગ્રેસના મોં ઉપર જ આવીને પડ્યો  

-- અલકેશ પટેલ



લેખનું હેડિંગ તમે સાચું જ વાંચ્યું છે, કોઈ ભૂલ નથી. રાફેલ મુદ્દે મીડિયા ઉલ્લુ બની શકે, અદાલત અને પ્રજા નહીં. ભાજપના કહેવાતા શુભેચ્છકો અને કહેવાતા રાજકીય સમીક્ષકો તમને ગયા મંગળવાર સાંજથી એવું જ કહેતા હશે કે રાહુલબાબાએ રાફેલ મુદ્દે પ્રચાર કર્યો એટલે ત્રણ રાજ્યમાં ભાજપની હાર થઈ!! આવું માનનારા અને કહેનારા માટે એક સરસ કહેવત છે – કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના..!!!

ખેર, આખી વાતનો સાર એ છે કે, વાસ્તવમાં અદાલત અને પ્રજાને જેમ આવા મુદ્દે ઉલ્લુ ન બનાવી શકાય તેવી જ રીતે મીડિયા પણ કંઈ હકીકતમાં ઉલ્લુ નથી, પણ બદમાશ છે. શું આ બદમાશ અને ભ્રષ્ટ મીડિયાને ખબર નથી કે ગુજરાતમાં 14 વર્ષ સુધી અને કેન્દ્રમાં છેલ્લા સાડાચાર વર્ષથી – એમ કુલ 18 વર્ષ કરતાં વધુ સમયથી શાસન કરનાર નરેન્દ્ર મોદીનો પગ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કુંડાળામાં પડ્યો નથી? અને પડી શકે એમ પણ નથી? સાચી વાત એ છે કે, કેટલાય દાયકાઓથી કોંગ્રેસ અને મીડિયાને “એકબીજાને સાચવી લેવાનું” ફાવી ગયું હતું, પરંતુ 2002થી ગુજરાતમાં અને 2014થી દિલ્હીમાં “આ સાચવી લેવાનો વહેવાર” વેરવિખેર થઈ ગયો અને મોદી વેરી થઈ ગયા છે.

રાફેલ સોદામાં વારંવાર સ્પષ્ટતા કરવામાં આવી કે (1) આ કરાર બે સરકાર વચ્ચે થયો છે, (2) આ કરારમાં કોઈ મધ્યસ્થી કે દલાલ નથી, (3) આ કરાર ભારત સરકારે કોઈ કંપનીને સીધેસીધો આપ્યો નથી, (4) આ કરાર હેઠળ ફ્રાન્સની સરકારે દસોલ્ત કંપનીને કોન્ટ્રેક્ટ આપ્યો છે, (5) કરારની શરતો મુજબ દસોલ્ત કંપની જે કંઈ નફો કરે તેના અમુક ટકા રકમનું ભારતમાં પુનઃ રોકાણ કરવું પડે, (6) આ પુનઃ રોકાણ માટે ભારતની કઈ કંપનીઓ સાથે કોન્ટ્રેક્ટ કરવા એ નક્કી કરવા દસોલ્ત સ્વતંત્ર છે, (7) દસોલ્તે આ માટે ભારતની લગભગ 100 કંપની સાથે કોન્ટ્રેક્ટ કર્યા છે અને તેમાંની એક અનિલ અંબાણીની રિલાયન્સ છે, (8) દસોલ્ત જે કુલ 30,000 કરોડનું મૂડી રોકાણ ભારતમાં કરશે તેમાંથી રિલાયન્સનો હિસ્સો માત્ર ત્રણ (3) ટકા જ છે, (9) કોંગ્રેસ-યુપીએના સમયમાં રાફેલ માટે વર્ષો સુધી “માત્ર વાતચીત ચાલ્યા કરી હતી”, સોદો થયો નહોતો... આટલા બધા મુદ્દે પહેલા દિવસથી સ્પષ્ટતાઓ હતી છતાં રાહુલબાબા ચોરે ને ચૌટે એ વિશે બોલતા રહ્યા અને સાવ જૂજ મીડિયાએ બાબાને હકીકતનો અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાકીના મોટાભાગના મીડિયા બદમાશી કરતા રહ્યા, કદાચ હજુ પણ બદમાશી ચાલુ રાખશે..!?

વિવાદ પાછળનો ખતરનાક ખેલઃ બાબા દ્વારા હજુ આજે પણ આ વિવાદ ચગાવવામાં આવી રહ્યો છે અને બાબાનાં બાળોતિયાં ધોવામાં અલૌકિક આનંદની અનુભૂતિ કરનાર મીડિયા પણ હજુ તેને ચગાવે છે...તો તેની પાછળ કંઇક તો કારણ હશે ને! હા, છે જ. કારણ છે (1) નેશનલ હેરલ્ડ કેસ. અંદાજે 5000 કરોડના આ કૌભાંડમાં રાહુલ અને સોનિયા ગાંધી સામે કેસ ચાલે છે અને બંને જમાનત ઉપર છે. (યાદ રહે, સુબ્રમણ્યમ સ્વામીએ નક્કર પુરાવા સાથે આ કેસ કરેલો છે અને એટલે જ હજુ પણ કેસ ચાલુ છે. જો કેસમાં દમ ન હોત તો ક્યારનો રાફેલની જેમ કોર્ટે ફગાવી દીધો હોત) (2) કોંગ્રેસના નેતાઓ સામે બીજો ગંભીર કેસ અગુસ્તા-વેસ્ટલેન્ડ હેલિકૉપ્ટર કૌભાંડનો પણ ચાલે છે. (યાદ રહે, આ કેસમાં લાંચ ચૂકવાઈ હોવાનું સાબિત થતાં ઇટાલીના શસ્ત્ર દલાલોને ઇટાલીની કોર્ટે જેલની સજા ફટકારી દીધેલી છે. ઉપરાંત એ સોદાનો મુખ્ય દલાલ જેણે કોંગ્રેસી નેતાઓ તેમજ ભારતીય હવાઈદળના કેટલાક અધિકારીઓને લાંચ આપી હોવાની વાત છે એ ક્રિશ્ચન મિશેલ હાલ સીબીઆઈની કસ્ટડીમાં છે.) (3) વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સી વગેરે દેશ છોડી ભાગી ગયા એ બદલ રાહુલબાબા ભલે નરેન્દ્ર મોદી સરકારને સવાલ કરતા હોય, પરંતુ અનેક કોંગ્રેસી નેતાઓ ઉપરાંત બદમાશ મીડિયા ટોળકી જાણે જ છે કે આ બધાને બેંકની લોન કંઈ મોદી સરકારના વખતમાં આપવામાં નહોતી આવી, એ બધી જ લોન કોંગ્રેસ-યુપીએના વખતમાં આપવામાં આવેલી હતી અને મોદી સરકારે એ પરત લેવાની પ્રક્રિયા શરૂ કરી એટલે એ બધા દેશ છોડીને ભાગી ગયા છે. (4) કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતાઓ પૈકી એક ભૂતપૂર્વ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ્ અને તેમનો આખો પરિવાર ઘણા મોટા આર્થિક ગોટાળામાં સંડોવાયેલો છે. મળતિયાઓને ટીવી ચેનલોના લાઇસન્સ અપાવવામાં ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે જે “ભૂમિકા ભજવી” તે બદલ તેને જે કટકી મળી તેની ગોઠવણ કરવા તેણે દુનિયાના કેટલાય દેશોમાં બેંકખાતાં ખોલ્યા હતા અને એ નાણાં ગેરકાયદે રીતે ભારતમાં લાવવા માગતો હતો. આ કૌભાંડનો કેસ સજ્જડ રીતે ચાલી રહ્યો છે.

સ્વાભાવિક છે રાહુલબાબાને આ બધા કેસોની ચિંતા હોય અને તો પછી એ સંજોગોમાં શું કરવું? એટલે એમને રાફેલનું પૂછડૂં હાથમાં આવી ગયું. દેશના સમજદાર નાગરિકોને સવાલ થઈ રહ્યો છે કે, લગભગ બે દાયકાથી જાહેરજીવનમાં હોવા છતાં જે મોદીનો પગ ભ્રષ્ટાચારના કુંડાળામાં પડ્યો નથી, દેશના અનેક રાજ્યોમાં ભાજપની સરકારો હોવા છતાં ત્યાં ભ્રષ્ટાચારના કોઈ દેખીતા કેસ સામે આવ્યા નથી... અને છતાં જ્યારે આ બાબા આટલી બધી બૂમો પાડે છે અને તેમાં બાબાના ઝભ્ભાના ખિસ્સામાં ભરાયેલા મીડિયાવાળા પણ સાથ આપે છે તેનો અર્થ તો એવો થાય કે કોંગ્રેસ અને તેના આશ્રિત મીડિયાની દાળમાં જ કંઈક કાળુ છે..!?

Monday, October 29, 2018

સીબીઆઈ, ફટાકડા અને સબરીમાલાઃ શું થશે આ દેશનું?


સીબીઆઈ, ફટાકડા અને સબરીમાલાઃ શું થશે આ દેશનું?

--- તપાસ એજન્સી સીબીઆઈની જ તપાસની નોબત આવી છે કેમ કે 70 વર્ષનો સડો સપાટી ઉપર આવી રહ્યો છે; તો બીજી બાજુ કેરળની ડાબેરી સરકાર ધાર્મિક પરંપરા બચાવવા માગતા હજારો શ્રદ્ધાળુઓની ધરપકડ કરી રહી છે 


-- અલકેશ પટેલ

ભારતના સરેરાશ નાગરિકમાં બેચેની વધી રહી છે. સબરીમાલા મંદિર અંગે જે કંઈ ચુકાદો આવ્યો તેના આઘાતમાંથી દેશનો હિન્દુ બહાર આવે તે પહેલાં જ દિવાળીના દિવસે ફોડવામાં આવતા ફટાકડા અંગે જાત-જાતના પ્રતિબંધ આવી ગયા. હજુ એ વિશે કોઈ ચર્ચા કરે અને સમજે તે પહેલાં દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા સીબીઆઈમાં જ બે ટોચના અધિકારીઓ એકબીજા સામે બાખડી પડ્યા છે, અને એ મામલો પણ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે.
ઉપરોક્ત ત્રણમાંથી બે વિષય ગંભીર ચિંતાજનક છે. એ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાથી ભારતની ધાર્મિક અને તહેવારની પરંપરાઓ કાયમ માટે બદલાઈ જવાનું જોખમ છે. કોર્ટે તો તેની સમક્ષ આવેલા કેસનું બંધારણ અને કાયદા અનુસાર અર્થઘટન કરીને ચુકાદો આપ્યો છે એટલે પરંપરા પ્રમાણે અદાલતી પ્રક્રિયા વિશે કશું બોલવા-લખવાનો પ્રશ્ન જ નથી. પરંતુ ભારતીય નાગરિક આજે એવા તમામ લોકો ઉપર રોષે ભરાયેલો છે જેમણે સબરીમાલાની 800 વર્ષથી ચાલી આવતી પરંપરાને તોડી નાખવા માટે કોર્ટમાં કેસ કર્યો હતો. ભારતીય નાગરિક આજે એવા તમામ લોકો ઉપર રોષે ભરાયેલો છે જેમણે ઓછામાં ઓછા 250--300 વર્ષથી ચાલી આવતી દિવાળીના દિવસે ફટાકડા ફોડવાની પરંપરા વિરુદ્ધ કેસ કર્યો હતો.
અર્બન નક્સલીઓ હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય સનાતન પરંપરાને ચૂર ચૂર કરીને વેરવિખેર કરી દેવા અને એ રીતે સમગ્ર ભારતને ટુકડામાં વહેંચી દેવા તમામ પ્રકારના કાવતરાં કરી રહ્યા છે. મુદ્દો એ છે કે એવા અર્બન નક્સલીઓના જ કોઈ પ્રતિનિધિઓએ કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના અધિકારનો તદ્દન ખોટો મુદ્દો ઉપાડીને કેસ દાખલ કરી દીધો હતો. એ જ રીતે એવા જ કોઈ અર્બન નક્સલી પ્રતિનિધિએ પ્રદૂષણનું નામ આગળ ધરીને દિવાળીના માત્ર એક દિવસ માટે ફોડવામાં આવતા ફટકડા ઉપર પ્રતિબંધ મૂકી દેવાની માગણી કરી હતી. જોકે, ન્યાયતંત્રે દયાભાવ રાખીને દિવાળીના દિવસે રાત્રે આઠથી દસ એમ બે કલાક પ્રદૂષણ અને અવાજ ન કરે તેવા ફટાકડા ફોડવાની છૂટ આપી છે.
સરેરાશ નાગરિક ચિંતિત એટલા માટે છે કે હિન્દુ સંસ્કૃતિ વિરોધી લોકો ખોટા હોવા છતાં અદાલતી કેસમાં જીતી કેવી રીતે જાય છે? અને સામે સનાતન પરંપરાની તરફેણમાં મજબૂત અને સચોટ દલીલ કરવા માટે કોઈ વિદ્વાન વકીલો શા માટે નથી મળતા? હિન્દુ સંસ્કૃતિને તોડી નાખવા માટે અદાલતોમાં દલીલ કરતા વકીલોની લાખો-કરોડોની ફી કોણ અને કેવી રીતે ચૂકવે છે એ તો આજ સુધી કોઈ જાણી શક્યું નથી, પરંતુ સંસ્કૃતિને બચાવવા માટે દલીલો કરવા કોઈ વકીલ નથી એ તો શની-સિંગણાપુર કેસ, સબરીમાલા કેસ, ફટાકડા કેસ, દહીં-હાંડી ઊંચાઈ કેસ, નવરાત્રિમાં માઇકના ઉપયોગનો કેસ, જલીકુટ્ટી કેસ (જે હવે પલટાયો છે) વગેરે અસંખ્ય કેસ એક પછી એક ભારતીય સંસ્કૃતિને ખતમ કરી રહ્યા છે. કોઈ કહેવાતા હિન્દુ સંગઠનો પણ આવા કોઈ કેસમાં હિંમતપૂર્વક જાહેરમાં કશું બોલવા તૈયાર નથી.
સબરીમાલા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કેરળમાં હાલ સ્થિતિ એવી છે કે, જે હિન્દુ નાગરિકો સ્વયંભૂ આગળ આવીને ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે અને પરંપરાને બચાવવા લડી રહ્યા છે તેમને પોલીસ ટાર્ગેટ બનાવીને પકડી રહી છે. અહેવાલો પ્રમાણે કેરળની ડાબેરી સરકારની પોલીસ મંદિરની પરંપરા બચાવવા રસ્તા પર આવેલા લોકોને ઓળખી ઓળખીને તેમને ઘરમાંથી બહાર કાઢીને તેમની ધરપકડ કરી રહી છે. આ અહેવાલ તો એવા ચિંતાજનક છે કે હિન્દુ શ્રદ્ધાળુઓને ચોર-લૂંટારાઓની જેમ હાથકડી બાંધીને તેમની ધરપકડ કરવામાં આવી રહી છે.
ભારતને તોડવાના આ આંતરરાષ્ટ્રીય કાવતરા સામે સંગઠિત રીતે અવાજ ઉઠાવવામાં નહીં આવે તો આગામી 50 વર્ષ પછીની પેઢીએ કાંતો લઘુમતી બનીને સતત ડરમાં જીવવું પડશે અથવા ધર્માંતર કરી લેવા પડશે. સ્થિતિ એ હદે ગંભીરતા તરફ જઈ રહી છે કે તેનાથી ભારતીય હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટેના એકલ-દોકલ પ્રયાસોનું કશું ઉપજશે નહીં.

સીબીઆઈના આંતરિક સંઘર્ષની વાસ્તવિકતાઃ

હાલના તબક્કામાં ત્રીજો સૌથી અગત્યનો અને ચિંતાજનક મુદ્દો સીબીઆઈમાં ચાલી રહેલી આંતરિક લડાઈનો છે. મોટાભાગના લોકો પાસે માત્ર એવા જ સમાચાર પહોંચે છે કે સીબીઆઈના વડા આલોક વર્માએ સ્પેશિયલ ડિરેક્ટર અસ્થાના વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા તેથી વાત વણસી. કેટલાકને એવું લાગે છે કે અસ્થાનાએ વર્મા ઉપર આક્ષેપ કર્યા તેથી વાત વણસી. પરંતુ વાચકમિત્રો, સાચી વાત એ છે કે આ સમગ્ર સંઘર્ષ કે લડાઈની પાછળનો ખરો વિલન મોઇન કુરેશી નામનો મીટ (માંસ)નો વેપારી છે. મોઇન કુરેશી કહેવાતી રીતે ભલે મીટનો વેપારી હોય પરંતુ વાસ્તવમાં એ આંતરરાષ્ટ્રીય હવાલા રૅકેટનો સભ્ય છે અને છેલ્લા કેટલાય દાયકાથી રાજકારણીઓને તેમજ સીબીઆઈ સહિત પોલીસતંત્રના અધિકારીઓને પોતાની કુટીલ ચાલમાં ફસાવી રાખેલા છે. આ વાતનું નક્કર પ્રમાણ એ છે કે આ અગાઉ સીબીઆઈના ભૂતપૂર્વ વડા રણજીત સિંહા વિરુદ્ધ કેસ દાખલ પણ થઈ ચૂક્યો છે કેમ કે સિંહા સીબીઆઈ વડા હતા ત્યારે આ મોઇન કુરેશીએ અસંખ્ય વખત તેમના સત્તાવાર નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી તેની નોંધ સિંહાના ઘરે મૂકવામાં આવેલી વિઝિટર્સ ડાયરીમાંથી મળી આવેલી છે. એ જ રીતે અન્ય એક ભૂતપૂર્વ વડા એ.પી. સિંહને પણ કુરેશી સાથે ઘરોબો હતા એવા પુરાવા મળ્યા પછી તેમની સામે પણ કેસ થયેલો છે. ટૂંકમાં, કુરેશી નામનો કુખ્યાત ગુનેગાર તેના ગેરકાદયદે ધંધા અને હવાલા કૌભાંડો અંગે તેની વિરુદ્ધની સીબીઆઈ તપાસ ખોરવી નાખવા કોઇપણ રીતે સીબીઆઈ વડા સુધી પહોંચી જાય છે અને તેમને કૌભાંડમાં ફસાવીને હાંકી કઢાવે છે. છેલ્લા 10 વર્ષથી આ થઈ રહ્યું છે અને જ્યાં સુધી કુરેશી જેવા ગુનેગારો સક્રિય રહેશે ત્યાં સુધી સીબીઆઈ જેવી સંસ્થા પણ ભ્રષ્ટાચારથી મુક્ત નહીં રહી શકે.