Sunday, December 16, 2018

રાફેલ: મીડિયા ઉલ્લુ બની શકે, અદાલત અને પ્રજા નહીં


રાફેલ: મીડિયા ઉલ્લુ બની શકે, અદાલત અને પ્રજા નહીં

--- નહેરુના સમયના જીપ કૌભાંડથી માંડીને મનમોહનસિંહના સમયના કોલસા-હેલિકૉપ્ટર-કૉમનવેલ્થ-ટેલિકોમના સાબિત થઈ ચૂકેલા કૌભાંડોથી ખરડાયેલી કોંગ્રેસે પીએમ મોદી ઉપર કાદવ ઉછાળ્યો, પણ એ કાદવ છેવટે કોંગ્રેસના મોં ઉપર જ આવીને પડ્યો  

-- અલકેશ પટેલ



લેખનું હેડિંગ તમે સાચું જ વાંચ્યું છે, કોઈ ભૂલ નથી. રાફેલ મુદ્દે મીડિયા ઉલ્લુ બની શકે, અદાલત અને પ્રજા નહીં. ભાજપના કહેવાતા શુભેચ્છકો અને કહેવાતા રાજકીય સમીક્ષકો તમને ગયા મંગળવાર સાંજથી એવું જ કહેતા હશે કે રાહુલબાબાએ રાફેલ મુદ્દે પ્રચાર કર્યો એટલે ત્રણ રાજ્યમાં ભાજપની હાર થઈ!! આવું માનનારા અને કહેનારા માટે એક સરસ કહેવત છે – કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના..!!!

ખેર, આખી વાતનો સાર એ છે કે, વાસ્તવમાં અદાલત અને પ્રજાને જેમ આવા મુદ્દે ઉલ્લુ ન બનાવી શકાય તેવી જ રીતે મીડિયા પણ કંઈ હકીકતમાં ઉલ્લુ નથી, પણ બદમાશ છે. શું આ બદમાશ અને ભ્રષ્ટ મીડિયાને ખબર નથી કે ગુજરાતમાં 14 વર્ષ સુધી અને કેન્દ્રમાં છેલ્લા સાડાચાર વર્ષથી – એમ કુલ 18 વર્ષ કરતાં વધુ સમયથી શાસન કરનાર નરેન્દ્ર મોદીનો પગ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કુંડાળામાં પડ્યો નથી? અને પડી શકે એમ પણ નથી? સાચી વાત એ છે કે, કેટલાય દાયકાઓથી કોંગ્રેસ અને મીડિયાને એકબીજાને સાચવી લેવાનું ફાવી ગયું હતું, પરંતુ 2002થી ગુજરાતમાં અને 2014થી દિલ્હીમાં આ સાચવી લેવાનો વહેવાર વેરવિખેર થઈ ગયો અને મોદી વેરી થઈ ગયા છે.

રાફેલ સોદામાં વારંવાર સ્પષ્ટતા કરવામાં આવી કે (1) આ કરાર બે સરકાર વચ્ચે થયો છે, (2) આ કરારમાં કોઈ મધ્યસ્થી કે દલાલ નથી, (3) આ કરાર ભારત સરકારે કોઈ કંપનીને સીધેસીધો આપ્યો નથી, (4) આ કરાર હેઠળ ફ્રાન્સની સરકારે દસોલ્ત કંપનીને કોન્ટ્રેક્ટ આપ્યો છે, (5) કરારની શરતો મુજબ દસોલ્ત કંપની જે કંઈ નફો કરે તેના અમુક ટકા રકમનું ભારતમાં પુનઃ રોકાણ કરવું પડે, (6) આ પુનઃ રોકાણ માટે ભારતની કઈ કંપનીઓ સાથે કોન્ટ્રેક્ટ કરવા એ નક્કી કરવા દસોલ્ત સ્વતંત્ર છે, (7) દસોલ્તે આ માટે ભારતની લગભગ 100 કંપની સાથે કોન્ટ્રેક્ટ કર્યા છે અને તેમાંની એક અનિલ અંબાણીની રિલાયન્સ છે, (8) દસોલ્ત જે કુલ 30,000 કરોડનું મૂડી રોકાણ ભારતમાં કરશે તેમાંથી રિલાયન્સનો હિસ્સો માત્ર ત્રણ (3) ટકા જ છે, (9) કોંગ્રેસ-યુપીએના સમયમાં રાફેલ માટે વર્ષો સુધી માત્ર વાતચીત ચાલ્યા કરી હતી, સોદો થયો નહોતો... આટલા બધા મુદ્દે પહેલા દિવસથી સ્પષ્ટતાઓ હતી છતાં રાહુલબાબા ચોરે ને ચૌટે એ વિશે બોલતા રહ્યા અને સાવ જૂજ મીડિયાએ બાબાને હકીકતનો અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાકીના મોટાભાગના મીડિયા બદમાશી કરતા રહ્યા, કદાચ હજુ પણ બદમાશી ચાલુ રાખશે..!?

વિવાદ પાછળનો ખતરનાક ખેલઃ બાબા દ્વારા હજુ આજે પણ આ વિવાદ ચગાવવામાં આવી રહ્યો છે અને બાબાનાં બાળોતિયાં ધોવામાં અલૌકિક આનંદની અનુભૂતિ કરનાર મીડિયા પણ હજુ તેને ચગાવે છે...તો તેની પાછળ કંઇક તો કારણ હશે ને! હા, છે જ. કારણ છે (1) નેશનલ હેરલ્ડ કેસ. અંદાજે 5000 કરોડના આ કૌભાંડમાં રાહુલ અને સોનિયા ગાંધી સામે કેસ ચાલે છે અને બંને જમાનત ઉપર છે. (યાદ રહે, સુબ્રમણ્યમ સ્વામીએ નક્કર પુરાવા સાથે આ કેસ કરેલો છે અને એટલે જ હજુ પણ કેસ ચાલુ છે. જો કેસમાં દમ ન હોત તો ક્યારનો રાફેલની જેમ કોર્ટે ફગાવી દીધો હોત) (2) કોંગ્રેસના નેતાઓ સામે બીજો ગંભીર કેસ અગુસ્તા-વેસ્ટલેન્ડ હેલિકૉપ્ટર કૌભાંડનો પણ ચાલે છે. (યાદ રહે, આ કેસમાં લાંચ ચૂકવાઈ હોવાનું સાબિત થતાં ઇટાલીના શસ્ત્ર દલાલોને ઇટાલીની કોર્ટે જેલની સજા ફટકારી દીધેલી છે. ઉપરાંત એ સોદાનો મુખ્ય દલાલ જેણે કોંગ્રેસી નેતાઓ તેમજ ભારતીય હવાઈદળના કેટલાક અધિકારીઓને લાંચ આપી હોવાની વાત છે એ ક્રિશ્ચન મિશેલ હાલ સીબીઆઈની કસ્ટડીમાં છે.) (3) વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સી વગેરે દેશ છોડી ભાગી ગયા એ બદલ રાહુલબાબા ભલે નરેન્દ્ર મોદી સરકારને સવાલ કરતા હોય, પરંતુ અનેક કોંગ્રેસી નેતાઓ ઉપરાંત બદમાશ મીડિયા ટોળકી જાણે જ છે કે આ બધાને બેંકની લોન કંઈ મોદી સરકારના વખતમાં આપવામાં નહોતી આવી, એ બધી જ લોન કોંગ્રેસ-યુપીએના વખતમાં આપવામાં આવેલી હતી અને મોદી સરકારે એ પરત લેવાની પ્રક્રિયા શરૂ કરી એટલે એ બધા દેશ છોડીને ભાગી ગયા છે. (4) કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતાઓ પૈકી એક ભૂતપૂર્વ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ્ અને તેમનો આખો પરિવાર ઘણા મોટા આર્થિક ગોટાળામાં સંડોવાયેલો છે. મળતિયાઓને ટીવી ચેનલોના લાઇસન્સ અપાવવામાં ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે જે ભૂમિકા ભજવી તે બદલ તેને જે કટકી મળી તેની ગોઠવણ કરવા તેણે દુનિયાના કેટલાય દેશોમાં બેંકખાતાં ખોલ્યા હતા અને એ નાણાં ગેરકાયદે રીતે ભારતમાં લાવવા માગતો હતો. આ કૌભાંડનો કેસ સજ્જડ રીતે ચાલી રહ્યો છે.

સ્વાભાવિક છે રાહુલબાબાને આ બધા કેસોની ચિંતા હોય અને તો પછી એ સંજોગોમાં શું કરવું? એટલે એમને રાફેલનું પૂછડૂં હાથમાં આવી ગયું. દેશના સમજદાર નાગરિકોને સવાલ થઈ રહ્યો છે કે, લગભગ બે દાયકાથી જાહેરજીવનમાં હોવા છતાં જે મોદીનો પગ ભ્રષ્ટાચારના કુંડાળામાં પડ્યો નથી, દેશના અનેક રાજ્યોમાં ભાજપની સરકારો હોવા છતાં ત્યાં ભ્રષ્ટાચારના કોઈ દેખીતા કેસ સામે આવ્યા નથી... અને છતાં જ્યારે આ બાબા આટલી બધી બૂમો પાડે છે અને તેમાં બાબાના ઝભ્ભાના ખિસ્સામાં ભરાયેલા મીડિયાવાળા પણ સાથ આપે છે તેનો અર્થ તો એવો થાય કે કોંગ્રેસ અને તેના આશ્રિત મીડિયાની દાળમાં જ કંઈક કાળુ છે..!?

1 comment:

  1. લાગે છે કે રાફેલ બાબતે વિરોધ કરવા માટે ભાજપ પાસે સારા પ્રવક્તા ઓ જ નથી . વળી સુપ્રીમે નો ચુકાદો આવ્યા પછી શા માટે રાહુલ પર બદનક્ષી નો કેસ કરવા માં નથી આવતો? અનિલ અંબાણી એ કરેલા કેસ નું પણ હજી કઈ પરિણામ આવ્યું નથી . ભાજપ પણ ફક્ત રાહુલ પાસે માફી ની અપેક્ષા રાખે છે અને દિવસે દિવસે રાહુયલ અને કોંગ્રેસ લાજવા ને બદલે ગાજી રહ્યું છે
    મીડિયા ઉલ્લુ છે જ નહિ એ એક નંબર નું બદમાશ છે . પ્રજા ને ઉલ્લુ બનાવવાનું કામ કરે છે. આમ તો પ્રજા પણ ઉલ્લુ નથી હા કેટલાક NOTA સમર્થકો ને લીધે ભાજપ એ બે મહત્વના રાજ્ય ગુમાવ્યા

    ReplyDelete