Wednesday, December 12, 2018

વિધાનસભા પરિણામઃ ભાજપના બારે વહાણ ડૂબી નથી ગયાં


વિધાનસભા પરિણામઃ ભાજપના બારે વહાણ ડૂબી નથી ગયાં

--- છેતરપિંડીની સામે પ્રામાણિકતા હારે તો એ હાર ન કહેવાય. જુઠાણાની સામે સચ્ચાઈ હારે તો એ હાર ન કહેવાય. સ્વાર્થી ભારતીયોને ઠગભગતો પસંદ છે, કર્મયોગી નહીં, એવું લાગે – છતાં... સાધુના વેશમાં આવતો રાવણ માતા સીતાનું હરણ કરી શકે, પણ તેમને જીતી ન શકે

-- અલકેશ પટેલ

વિધાનસભા ચૂંટણીનાં પરિણામોથી ઘણી મોટી સંખ્યામાં લોકો સ્તબ્ધ થઈ ગયા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ – ત્રણે રાજ્યમાં આ સ્થિતિ શા માટે થઈ એ વાત તેઓ સમજી નથી શકતા, સ્વીકારી નથી શકતા. આવું થવું સ્વાભાવિક છે. જે રાજકીય પક્ષ નાગરિકો વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વગર તમામને સાથે લઇને ચાલવા માગતો હોય એ પક્ષ દેશને દાયકાઓથી જ્ઞાતિવાદ-જાતિવાદમાં વહેંચી રહેલા પક્ષ સામે ચૂંટણી હારી જાય તો રાષ્ટ્રવાદી નાગરિકોને આઘાત લાગે એ સ્વાભાવિક છે. જે પક્ષ અને જે નેતા ચોવીસે કલાક માત્ર રાષ્ટ્રને આગળ વધારવાના વિચારો અને આયોજનમાં વ્યસ્ત હોય એ પક્ષ અને એ નેતા અલગ અલગ રાજ્યોમાં બહુરૂપીની જેમ વર્તન કરતા પક્ષ અને નેતા સામે હારી જાય ત્યારે રાષ્ટ્ર પ્રત્યે સાચી લાગણી ધરાવતા લોકોને દુઃખ થાય એ સ્વાભાવિક છે. પરંતુ બે ક્ષણ રોકાઈને, એક ઊંડો શ્વાસ લઈને પછી વિચારણા કરવામાં આવે તો ચિત્ર ઘણું બધું સ્પષ્ટ થઈ શકે તેમ છે.
પાંચમાંથી ત્રણ રાજ્યનાં પરિણામમાં – આ શું થઈ ગયું? - એવું વિચારવાને બદલે – આવું કેમ થયું? – એ વિચારણા થવી જોઇએ, એ માટે મંથન થવું જોઇએ. ત્રણ રાજ્યમાં આવાં પરિણામ આવવાના દેખીતી રીતે બે કારણ છે, એક બાહ્ય કારણ છે - બીજું આંતરિક કારણ છે. બાહ્ય કારણો વિશે લગભગ બધાને ખબર છે. મોટાભાગના લોકો જાણે છે કે દેશના સરેરાશ નાગરિકને પેટ્રોલનો ચાર-પાંચ રૂપિયાનો વધારો આકરો લાગે છે. મોટાભાગના લોકો જાણે છે કે દેશના સરેરાશ ખેડૂતની વિચારશક્તિ લોનમાફીથી આગળ વધતી નથી. મોટાભાગના લોકો જાણે છે કે દેશનો સરેરાશ નાગરિક એ હદે સ્વાર્થી છે કે પોતાના અંગત લાભ માટે દેશનું હિત જોખમાતું હોય તો પણ એ વિશે ચિંતા કરતો નથી.
આ અને આવા બીજા અનેક બાહ્ય કારણોની સામે જે આંતરિક કારણો છે તે વધારે જોખમી છે. એ આંતરિક કારણો દેશ માટે વધારે ઘાતક છે. આ આંતરિક કારણો વિશે ખાસ કોઈ ચર્ચા થતી નથી અને જાહેરમાં બોલવાની કોઈ હિંમત કરતું નથી તેથી એ છૂપાવેશમાં જ રહે છે અને મોકો જોઇને ડંખ મારી જાય છે. એ કારણો છે – તીવ્ર જાતિવાદ અને તીવ્ર ધર્મવાદ. આ બંને બાબતોનું તન-મન-ધનથી પાલનપોષણ થાય છે વિદેશી હસ્તક્ષેપ દ્વારા. અગાઉ કહ્યું તેમ, આ દેશનો સરેરાશ નાગરિક એ હદે સ્વાર્થી છે કે પોતાના અંગત લાભ માટે રાષ્ટ્રીય હિતને પણ ધક્કો મારી દેવા તૈયાર હોય છે. પાંચ-પચીસ રૂપિયા માટે ધર્માંતર કરી લેતો ભારતનો સરેરાશ નાગરિક ઢોંગી હિન્દુઓથી છેતરાઈ જાય છે એ આજની વાસ્તવિકતા છે. ભારતનો સ્વાર્થી સરેરાશ નાગરિક સાધુના વેશમાં આવતા રાવણને ભીક્ષા આપવા લક્ષ્મણ રેખા ઓળંગી જાય છે, પરંતુ એક સાચા કર્મયોગીના પ્રયાસોની હાંસી ઉડાવે છે!
આમછતાં, ત્રણ રાજ્યના જે પરિણામ આવ્યાં છે તેના ઉપર સૂક્ષ્મ નજર કરીએ તો પરિસ્થિતિ સાવ નિરાશાજનક નથી. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢનાં પરિણામોને આધારે નરેન્દ્ર મોદી, અમિત શાહ તથા યોગી આદિત્યનાથને સલાહ આપવા હાલી નીકળેલા કથિત બુદ્ધિજીવીઓ, કથિત નકલી હિન્દુવાદીઓમાં એવું સાચું બોલવાની હિંમત નથી કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તો હાર-જીતનું અંતર એ હદે મોટું નથી કે તેને સંપૂર્ણ હારમાં ખપાવી દઈ શકાય.
હા, એ ખરું કે હાર એ હાર છે. પણ ભાજપની આ હાર કેમ થઈ? - ભાજપની હાર થઈ કેમ કે, વિરોધ પક્ષો એવો ખોટો પ્રચાર કરવામાં સફળ રહ્યા કે નરેન્દ્ર મોદી અને ભાજપ ખેડૂતો વિરોધી છે. - ભાજપની હાર થઈ કેમ કે, વિરોધ પક્ષો એવો ખોટો પ્રચાર કરવામાં સફળ રહ્યા કે નરેન્દ્ર મોદી અને ભાજપ દલિત વિરોધી છે. - ભાજપની હાર થઈ કેમ કે, વિરોધ પક્ષો એવો ખોટો પ્રચાર કરવામાં સફળ રહ્યા કે નરેન્દ્ર મોદી અને ભાજપ ઓબીસી વિરોધી છે. - ભાજપની હાર થઈ કેમ કે, વિરોધ પક્ષો એવો ખોટો પ્રચાર કરવામાં સફળ રહ્યા કે નરેન્દ્ર મોદી અને ભાજપ સવર્ણ વિરોધી છે. – ભાજપની હાર થઈ કેમ કે, વિરોધ પક્ષો એવો ખોટો પ્રચાર કરવામાં સફળ રહ્યા કે નરેન્દ્ર મોદી અને ભાજપ મુસ્લિમો વિરોધી છે. - ભાજપની હાર થઈ કેમ કે, વિરોધ પક્ષો એવો ખોટો પ્રચાર કરવામાં સફળ રહ્યા કે નરેન્દ્ર મોદી અને ભાજપ મહિલા વિરોધી છે. - ભાજપની હાર થઈ કેમ કે, વિરોધ પક્ષો એવો ખોટો પ્રચાર કરવામાં સફળ રહ્યા કે નરેન્દ્ર મોદી અને ભાજપ અનામત વિરોધી છે. - ભાજપની હાર થઈ કેમ કે, વિરોધ પક્ષો એવો ખોટો પ્રચાર કરવામાં સફળ રહ્યા કે નરેન્દ્ર મોદી અને ભાજપ ગરીબ વિરોધી છે. - ભાજપની હાર થઈ કેમ કે, વિરોધ પક્ષો એવો ખોટો પ્રચાર કરવામાં સફળ રહ્યા કે નરેન્દ્ર મોદી અને ભાજપ વેપારીઓ વિરોધી છે.
બહુરૂપી રાજકારણીઓના આ બધા અપ-પ્રચારમાં સ્વાર્થી ભારતીયો સપડાઈ રહ્યા છે અને માત્ર પોતાના પગ ઉપર જ નહીં, પોતાની આગામી પેઢીના પગ ઉપર પણ જાતે જ કુહાડા મારી રહ્યા છે.
ચિંતા એ વાતની છે કે મત આપતા પહેલાં સ્વાર્થી ભારતીયો એટલું પણ નથી વિચારતા કે, તેમની સ્થિતિમાં સાત દાયકા સુધી સુધારો નહીં લાવી શકનાર બહુરૂપીયાઓની વાત ઉપર વિશ્વાસ કરવો જોઇએ કે પછી કર્મયોગીની જેમ નિષ્ઠાપૂર્વક મહેનત કરનાર ઉપર વિશ્વાસ જોઇએ? મત આપતા પહેલાં સ્વાર્થી ભારતીયો એટલું પણ નથી વિચારતા કે, મફતની ચીજો કાયમ માટે મળતી નથી, ક્યારેક તો મહેનત કરવી પડતી હોય છે – મહેનત કરવી જોઇએ.
ખેર, આ બધી ચિંતા અને ચિંતન છતાં, એટલું તો નિશ્ચિત છે કે ભાજપના બારે વહાણ ડૂબી ગયાં નથી. દરેક સમય એક સરખો હોતો નથી. આ દેશ સુભાષચંદ્ર બોઝની મહેનત, પ્રામાણિકતા અને નિષ્ઠાને સમજી નથી શક્યો. આ દેશ સરદાર વલ્લભભાઈ પટેલની મહેતન, પ્રામાણિકતા અને નિષ્ઠાને સમજી નથી શક્યો. આ દેશ મોરારજી દેસાઈની મહેનત, પ્રામાણિકતા અને નિષ્ઠાને પચાવી નથી શક્યો. અટલ બિહારી વાજપેયી, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયની રાષ્ટ્રભાવના હજુ આજ સુધી સમજાઈ નથી એવા આ દેશના અનેક નાગરિકો બહુરૂપિયા રાજકારણીઓની જાળમાં સપડાય ત્યારે ચિંતા તો થાય... છતાં ઊંડે ઊંડે એવી આશા અને શ્રદ્ધા છે કે શ્રીરામ અને શ્રીકૃષ્ણની પરંપરાનો આ દેશ 2019નું મહાભારતનું યુદ્ધ હારશે પણ નહીં અને યોગી-કર્મયોગીને હારવા દેશે પણ નહીં.

No comments:

Post a Comment