Monday, December 3, 2018

ખેડૂતને ‘અન્નદાતા’માંથી ‘મતદાતા’ કોણે બનાવ્યો?


ખેડૂતને અન્નદાતામાંથી મતદાતા કોણે બનાવ્યો?

ગયા અઠવાડિયે રાજધાની દિલ્હીમાં ખેડૂત રેલીના નામે સર્વત્ર લાલ ઝંડા દેખાયા. આવું જ કંઇક દૃશ્ય થોડા મહિના પહેલાં મહારાષ્ટ્રમાં જોવા મળ્યું હતું. લાગે છે કે વિપક્ષો ખેડૂતને પણ રાજકીય હથિયાર બનાવી દેશે


--- અલકેશ પટેલ

30 નવેમ્બરને શુક્રવારે સર્વત્ર માત્ર ખેડૂત રેલીની ચર્ચા હતી, પણ વાસ્તવમાં એ રેલી સાચા ખેડૂતોની હતી કે કેમ તે અંગે આશંકા છે. હજુ ગયા મહિને જ, એટલે કે ઑક્ટોબરમાં દિલ્હી આસપાસના ખેડૂતો કૂચ કરીને રાજઘાની પહોંચ્યા હતા અને ચક્કાજામ તથા હિંસાની નાની-મોટી ઘટના બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ સાથેની ખેડૂત આગેવાનોની મુલાકાત થઈ હતી અને સરકારે ખેડૂતોની મોટાભાગની માગણી સ્વીકારી લીધી છે એવી જાહેરાત સાથે બધા વિખેરાઈ ગયા હતા. એ દિવસે એ ખેડૂત રેલીમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસના ઝંડા દેખાતા હતા. જ્યારે ગત શુક્રવારે જે કથિત ખેડૂત રેલી હતી તેમાં સર્વત્ર માત્ર ડાબેરીઓના લાલ ઝંડા દેખાતા હતા.
ખેડૂતોની સમસ્યાઓ અને ખેડૂતોની માગણીઓ પ્રત્યે પૂરી લાગણી છતાં એવું લાગ્યા કરે છે કે ક્યાંક ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને તેમને અન્નદાતામાંથી હવે મતદાતા બનાવવામાં આવી રહ્યા છે! વિરોધ પક્ષોને રાજનીતિ કરવાનો પૂરો અધિકાર છે. વિરોધ પક્ષોને દેશની સાચી સમસ્યાઓ ઉઠાવીને જે તે વર્ગને ન્યાય, અધિકાર અને સમાનતા મળે એ માટે સંઘર્ષ અને આંદોલન કરવાનો પૂરો અધિકાર છે. આમછતાં ખેદ સાથે કહેવું પડે છે કે આ વિરોધ પક્ષો હાલ જે કરી રહ્યા છે તેમાં કોઇપણ વર્ગનું કે પછી દેશનું હિત સચવાયેલું હોય એમ લાગતું નથી. વિરોધ પક્ષો હાલ જે કંઈ કરી રહ્યા છે તેના પરથી તો એવું સ્પષ્ટ થાય છે કે તેઓ હવે ખેડૂતોનો પણ રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવા માગે છે.
આવું લાગવાનું સ્પષ્ટ કારણ એ છે કે શુક્રવારે દિલ્હીમાં લાલ ઝંડા સાથે ખેડૂતો આવી પહોંચ્યા ત્યારે એ જાહેરસભાના સ્થળે મંચ ઉપર કોઈ ખેડૂત નેતા ખેડૂત અગ્રણી હોવાને બદલે માત્ર કોંગ્રેસ, ડાબેરીઓ, આમ આદમી પાર્ટી, નેશનલ કૉન્ફરન્સના ફારુક અબ્દુલ્લા જેવા રાજકારણીઓ જ હતા.
હવે તેનાથી વિરુદ્ધની પરિસ્થિતિ જોઇએ તો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતલક્ષી પગલાં લેતી હોય એવું દેખાઈ તો રહ્યું છે. મોદી સરકારે પાક વીમા યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાઓ તો ચાર વર્ષ પહેલાં જ શરૂ કરેલી છે. તે ઉપરાંત બે મહિના પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ટેકાના ભાવમાં દોઢ ગણો વધારો કરવાની જાહેરાત કરી હતી અને તે અનુસાર કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ તેનો અમલ પણ શરૂ થયો છે. કેન્દ્ર સરકારની આ નીતિઓનો અમલ પંદરેક રાજ્યોમાં ભાજપની સરકારોએ પણ કર્યો છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારે સોઇલ હેલ્થ કાર્ડ અર્થાત જમીનની ચકાસણી અનુસાર તેની માવજત અને પાક લેવાની સલાહ ખેડૂતોને આપવાની નીતિ અખત્યાર કરવામાં આવી હતી એ જ નીતિ કેન્દ્રીય સ્તરે સાડા ચાર વર્ષ પહેલાં શરૂ થઈ હતી.
મોદી સરકારે સ્વામીનાથન પંચની ઘણી ખરી ભલામણોનો પણ અમલ કર્યો હોવાનું અનેક ખેડૂત અગ્રણીઓ જાહેરમાં સ્વીકારે છે.
જો ખેડૂતો માટે આટલું થઈ રહ્યું હોય તો પછી વિરોધ પક્ષો વિવિધ રાજ્યમાં તેમજ રાજધાની દિલ્હીમાં જે મોરચા કાઢે છે તેની વાસ્તવિકતાની ચકાસણી તટસ્થ ભાવે કરવી રહી. ફરી એક વખત સ્પષ્ટતા કરું છું કે ખેડૂતોની કોઈ સમસ્યાઓ નથી એવું કહેવાનો કોઈ આશય નથી. ખેડૂતો સિંચાઈના પાણીથી માંડીને વીજળી, ખાતર, ઉપજ અને તેના વેચાણની સમસ્યાઓનો સામનો કરતા હશે તેમાં શંકા નથી. પરંતુ તેનો અર્થ એવો થાય ખરો કે દર બે-ત્રણ મહિને ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવે?
2014 પહેલાં શું ખેડૂતો આ રીતે વારંવાર રેલી યોજતા હતા? 2014 પહેલાં શું ખેડૂતોને આજના જેટલી સમસ્યાઓ નહોતી? 2014થી 2018ની વચ્ચે ખેડૂતોની સમસ્યાઓમાં વધારો થયો છે કે ઘટાડો? આ સવાલો અંગે ખેડૂતોએ પોતે, ખેડૂત અગ્રણીઓએ તેમજ સામાન્ય જનતાએ તટસ્થ રીતે વિચાર કરવો પડશે. અને જો તટસ્થભાવે વિચાર કરવામાં આવશે તો ખાતરીપૂર્વક કહું છું કે ખેડૂતોની સમસ્યાના નામે રાજકીય પક્ષો તેમની ખીચડી પકાવવા મથામણ કરી રહ્યા છે. ખેડૂતોની સમસ્યાના નામે છેલ્લા ચાર-સાડા ચાર વર્ષથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા રાજકારણીઓ પોતાનું રાજકીય જીવન ફરી ચમકાવવા માટે ખેડૂતોનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.
લાલ ઝંડા હેઠળ, સપાના ઝંડા હેઠળ, બસપાના ઝંડા હેઠળ રેલી કાઢવાથી હકીકતે દેશ જેને અન્નદાતા તરીકે ઓળખે છે તે હવે મતદાતા બની રહ્યો છે, એ વાત ખેડૂતોએ પોતે પણ સમજવી પડશે.

No comments:

Post a Comment