Tuesday, November 27, 2018

ગુજરાતમાં નક્સલીઓ સફળ નથી થતા, છતાં...


ગુજરાતમાં નક્સલીઓ સફળ નથી થતા, છતાં...

--- છતાં સાવધ રહેવું આવશ્યક નહીં, અનિવાર્ય છે. છેલ્લાં 30 વર્ષમાં નવસારી અને સુરત સહિત દક્ષિણ ગુજરાત તથા રાજ્યના અન્ય ભાગોમાંથી 50 જેટલા માઓવાદી પકડાયા છે, તેનો અર્થ જ એ છે કે આ હિંસાખોરો ગુજરાતમાં પગપેસારો કરવા સતત સક્રિય છે


-- કેશવ



પશ્ચિમ ભારતના આ ભાગમાં ભારતનું સૌથી વધુ ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ થયું છે. તેમાં દેશના ટોચનાં ચાર શહેર મુંબઈ, અમદાવાદ, પૂણે અને સુરતનો સમાવેશ થાય છે. તે ઉપરાંત દસ લાખ કરતાં વધુ વસ્તી ધરાવતાં વડોદરા અને નાશિક શહેરો પણ આ ક્ષેત્રમાં છે. અહીં એન્જિનિયરિંગ, કેમિકલ્સ, ટેક્સટાઇલ, ઑટોમોબાઇલ, ટેલિકમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ સહિત લગભગ તમામ ક્ષેત્રનાં ઔદ્યોગિક એકમો આવેલાં છે. દેશમાં સૌથી વધુ મૂડી રોકાણ આ શહેરો તેમજ આસપાસના જિલ્લાઓમાં થાય છે. અહીંનો કામદાર વર્ગ સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ છે કેમ કે દેશના લગભગ તમામ ભાગમાંથી અહીં કામદારો રોજગારી માટે આવે છે...  - આ વાંચીને એવું માનવાની ભૂલ ન કરતા કે આવું તારણ કોઈ ઔદ્યોગિક ગૃહ કે પછી કોઈ સરકાર કે પછી કોઈ આંતરરાષ્ટ્રીય એજન્સીએ કાઢ્યું હશે. આ તારણ ખૂંખાર ત્રાસવાદી સંગઠન સીપીઆઈ-એમ (સીપીઆઈ-માઓવાદી) નું છે.

પિંડમાં જ હિંસક માનસિકતા ધરાવતા ડાબેરીઓ માઓવાદી અથવા નક્સલી તરીકે ઓળખાય છે અને આ હિંસાખોરો સમાનતા જેવા રૂપકડા નામે લોકશાહી સરકારોને ઊથલાવીને પોતાનું દમનકારી શાસન સ્થાપવા માગતા હોય છે. અને એ માટે તેઓ કારખાનાં-ઉદ્યોગગૃહોના કામદારો, સરકારી કચેરીઓના સૌથી નીચલા વર્ગના કર્મચારીઓ, ખેતમજૂરો, શહેરી તેમજ ગ્રામીણ ગરીબોનું બ્રેઇનવૉશ કરીને તેમને હિંસાના માર્ગે લઈ જતા હોય છે જેથી લોકશાહી દેશો અસ્થિર બને. આ માઓવાદીઓ – નક્સલવાદીઓ તેમના આરાધ્ય દેવ તરીકે કાર્લ માર્ક્સ, લેનિન, સ્ટાલિન તેમજ માઓને પૂજતા હોય છે.

આજે અહીં આ વાત કરવાનું કારણ એ જ છે કે, ગયા અઠવાડિયે બિહારનો મોસ્ટ વૉન્ટેડ માઓવાદી રાજેશ રવિદાસ ઉર્ફે ગોપાલજી પ્રસાદ ઉર્ફે ઉત્તમજી દક્ષિણ ગુજરાતમાં વાપીથી ઝડપાયો તેને પગલે ફરી એક વખત ગુજરાતમાં માઓવાદીઓની ગુપ્ત પ્રવૃત્તિઓ પ્રકાશમાં આવી છે. આ પ્રકરણમાં વધારે ચોંકાવનારી બાબત એ છે કે દોઢ વર્ષ પહેલાં એટલે કે એપ્રિલ 2017માં બિહારમાં થયેલી એક ખૂંખાર અથડામણમાં જે માઓવાદીઓ માર્યા ગયા હતા તેમાં રાજેશ પણ માર્યો ગયો હોવાનું બિહાર પોલીસે ધારી લીધું હતું. પરંતુ એ રાજેશ ત્યાંથી ભાગીને ગુજરાતમાં છૂપાયો હતો અને હવે તેને ગુજરાતની ત્રાસવાદ વિરોધી ટીમે તેને ઝડપી લીધો છે.

આ સમાચાર આપણા સૌ માટે ચિંતાજનક હોવા જોઇએ કેમ કે દેશમાં અન્યત્ર હિંસામાં નિર્દોષ લોકોની હત્યા કરીને, પોલીસ, સીઆરપીએફ સહિત સલામતી દળોને શહીદ કરીને ગુજરાત ભાગી આવતા આવતા અને આપણી આસપાસ જ વેશ બદલીને રહેતા લોકો ભવિષ્યમાં ઘણું મોટું જોખમ ઊભું કરી શકે.

રાજ્ય ઉપર 1990ના દાયકાથી નક્સલી ડોળો

ગુજરાતમાં આમ કોઈ નક્સલવાદી હુમલા થયા નથી અને સલામતી દળો સાથેની અથડામણો પણ થઈ નથી, પરંતુ રાજ્યમાં 1990ના દાયકાથી માઓવાદીઓ-નક્સલવાદીઓ આવીને છૂપાતા રહ્યા છે અને 1998થી ગુજરાત પોલીસના ધ્યાનમાં આ વાત આવી જતાં તેમની ધરપકડ કરવાનું શરૂ કર્યું હતું. એ ઘટનાક્રમમાં 1998થી 2008ની વચ્ચે રાજ્યની પોલીસે નવસારી, સુરત તેમજ ડાંગ ઉપરાંત અમદાવાદ, વલસાડ, કચ્છ, બનાસકાંઠા, વડોદરામાંથી 26 માઓવાદીઓને ઝડપી લીધા હતા જે અન્ય રાજ્યોમાંથી અહીં આવીને ગુજરાતમાં અસ્થિરતા સર્જવાના કાવતરાં કરી રહ્યા હતા. છેલ્લે ઓગસ્ટ 2008માં ગુજરાત પોલીસે તુષાર કાંતિ ભટ્ટાચાર્ય નામના માઓવાદીને દક્ષિણ ગુજરાતમાંથી પકડી પાડ્યો હતો. 2010માં પણ ગુજરાત પોલીસે બીજા 17 નક્સલી-માઓવાદીઓને રાજ્યના જુદા જુદા ભાગમાંથી પકડી પાડ્યા હતા.

હવે જ્યારે રાજેશ રવિદાસ ઉર્ફે ગોપાલજી પ્રસાદ ઉર્ફે ઉત્તમજી નામનો માઓવાદી નક્સલી વાપીથી ઝડપાયો છે ત્યારે ફરી એક વખત ગુજરાતની ગુપ્તચર અને સલામતી એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. રાજેશ પકડાયો ત્યારે હજુ પણ તે બિહારસ્થિત સીપીઆઈ-મ ના હિંસક માઓવાદીઓના સતત સંપર્કમાં હોવાનું સાબિત થયું છે. આ ધરપકડ બાદ એટલું નિશ્ચિત છે કે માઓવાદીનો ડોળો હજુ પણ ગુજરાત ઉપર છે અને કોઈ પ્રકારની રાજકીય અસ્થિરતા અથવા અન્ય કોઈ કારણસર આ માનવતા વિરોધી તત્વો રાજ્યમાં પગ જમાવશે તો દાયકાઓથી શાંત ગુજરાતમાં ગમેત્યારે હિંસા થઈ શકે.

માઓવાદ-નક્સલવાદ એ મૂળભૂત રીતે હિંસાખોર માનસિકતા છે, પરંતુ આ દેશની કમનસીબી એ છે કે કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો પણ નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાની આક્રમકતામાં નક્સલીઓનો બચાવ કરતા જોવા મળે છે. તેનું ઉદાહરણ આપણે ગયા મહિને જ જોયું હતું. કોંગ્રેસના રાજ બબ્બરે શહેરી માઓવાદીઓની ધરપકડના સંદર્ભમાં નિવેદન કર્યું હતું કે આ લોકો તો વાસ્તવમાં ક્રાંતિકારીઓ છે!” પણ બબ્બર જેવા લોકો એ ભૂલી જતા હોય છે કે આ શહેરી નક્સલીઓ, માઓવાદીઓ સામે અગાઉની કોંગ્રેસી સરકારોએ પણ પગલાં લીધા હતાં અને કોંગ્રેસની સરકારોએ પણ આવા હિંસક માનસિકતા ધરાવતા લોકોની ધરપકડ કરી હતી.

No comments:

Post a Comment