Tuesday, November 13, 2018

ગીરીમથક માથેરાન જ્યારે મારા માટે તિર્થધામ બની ગયું!


ગીરીમથક માથેરાન જ્યારે મારા માટે તિર્થધામ બની ગયું!

--- નવેમ્બર 2018ના બીજા અઠવાડિયામાં દિવાળીની રજાઓ માથેરાનમાં ગાળવાની હતી. આમ તો આ સ્થળ પ્રવાસ અને ટ્રેકિંગ અને આરામના શોખીનો માટેનું છે...પણ...


--- અલકેશ પટેલ

કરસનદાસ મૂળજી (25 જુલાઈ, 1832 થી 28 ઑગસ્ટ, 1875) નું નામ પડતાંની સાથે જાણભેદુ પત્રકારો, લેખકો તેમજ અન્ય વિદ્વાનોને સીધો જ મહારાજ લાએબલ કેસ યાદ આવી જાય. થોડા વધુ જાણકાર હોય તેમને કરસનદાસ મૂળજીના બાહોશ અને સુધારાવાદી પત્રકારત્વનો ફ્લૅશબૅક યાદ આવી જાય. જે લોકો વધારે અભ્યાસુ હોય એ લોકોને કરસનદાસના વ્યક્તિગત, પારિવારિક તેમજ સામાજિક જીવનની ઘટનાઓ પણ યાદ આવે.

Photo by Alkesh Patel

Wikipedia photo

Photo by Alkesh Patel

Photo by Alkesh Patel

Photo by Alkesh Patel

Photo by Alkesh Patel

Photo by Alkesh Patel

Photo by Alkesh Patel

પણ મારા સહિત મોટાભાગનાને કરસનદાસ મૂળજીના માથેરાન કનેક્શન વિશે જાણકારી નહીં હોય એવું હું માની લઉં છું.
ખેર, અહીં મુદ્દો એટલો જ છે કે મહારાષ્ટ્રના લોકપ્રિય ગીરીમથક માથેરાનમાં આ વખતે મને અચાનક કરસનદાસ મૂળજી મળી ગયા. સદેહે નહીં, પણ તેમના નામે લાઇબ્રેરીના સ્વરૂપમાં.
માથેરાનના મુખ્ય બજારમાં ટૉય ટ્રેનના સ્ટેશનની બહાર આવીને ડાબી તરફ ચાલવા લાગો એટલે લગભગ અડધા કિલોમીટર પછી જમણી બાજુ જો તમારી નજર પડે અને ત્યાં લખેલું બોર્ડ વાંચો તો રોમાંચિત થઈ જવાય. એ પાટિયા ઉપર લખ્યું છે કરસનદાસ મુલજી નગરપરિષદ ગ્રંથાલય.
હું પણ આ વાંચીને રોમાંચિત થઈ ગયો હતો, એટલે તરત જ અંદર પહોંચી ગયો અને લાઇબ્રેરી વિશે માહિતી મેળવવાના પ્રયાસ કર્યો. પરંતુ અફસોસ, ત્યાં હાજર કર્મચારી બહેનને એ વિશે કશી જ માહિતી નહોતી અને અન્ય સંચાલકો વિશે પણ કોઈ માહિતી તેઓ આપી શક્યા નહોતાં.
બસ મારો રોમાંચ 19મી સદીના આ બાહોશ, પ્રગતિશીલ, સુધારાવાદી પત્રકારના નામે બનેલી લાઇબ્રેરીના ફોટા સુધી સીમિત રહ્યો.
લાઇબ્રેરીમાં કરસનદાસ મૂળજીનો ફોટો કેમ નથી એવું મેં પૂછ્યું ત્યારે એ બહેને કહ્યું કે, ઉપર જે કાપડની છત બનાવી છે તેની પાછળ ફોટો છે. મેં ઘણી વિનંતી કરી એ કાપડ હટાવીને ફોટો લેવા દેવા માટેની, પણ પરવાનગી ન મળી. લાઇબ્રેરીની સ્થાપના 1897માં થઈ હતી એવું બોર્ડ મુખ્ય દરવાજા પાસે લગાવવામાં આવેલું છે.
આ લાઇબ્રેરીનો ઉલ્લેખ નેશનલ મિશન ઑન લાઇબ્રેરીઝની વેબસાઇટ (http://www.nmlindia.nic.in/libraryregistrations/details/2993 ) માં મળે છે.
સિનિયર પત્રકાર અને પત્રકારત્વની કૉલેજ NIMCJ ના ડિરેક્ટર ડૉ. શિરીષ કાશીકરે છેક 2006માં તેમના ડૉક્ટરેટ થિસીસમાં નર્મદ તેમજ મણિલાલ નભુભાઈ દ્વિવેદીની સાથે કરસનદાસ મૂળજી વિશે પણ વિસ્તૃત લખ્યું છે.
કરસનદાસનો જન્મ મુંબઈમાં અને અવસાન ગુજરાતમાં થયું છે. માથેરાનમાં તેમના નામે આ સ્મારક મને જોવા મળ્યું પરંતુ ગુજરાતમાં સુરત સિવાય તેમનું કોઈ સ્મારક હોય તો તેની મને જાણ નથી. જાણકાર વડીલો મિત્રો અહીં એ વિશે માહિતી મુકશે તો સૌને લાભ થશે.

3 comments:

  1. એમ કહોને.. અલભ્ય સાહિત્યિક ખજાનો..

    ReplyDelete
  2. ભારત અને બીજા પશ્ચિમી દેશો વચ્ચેનો આ જ મોટો ફર્ક.
    આપણો ઈતિહાસ દરેક ક્ષેત્રે શ્રેષ્ઠ રહ્યો છે. પણ આપણે તેની જાણવણીમાં ઊણા ઉતરીએ છીએ. આપણી સંસ્કૃતિની આપણને કદર જ નથી.
    પશ્ચિમી દેશો નાના અમથા આવિષ્કાર માટે પણ સંગ્રહાલય ઊભું કરી પર્યટકોને આકર્ષિત કરી જાણે છે.

    ReplyDelete
  3. વાહ, અદભુત. પત્રકારીતા ઉપરાંત સામાજિક ક્ષેત્રમાં તેમના પ્રદાનને આ પ્રકારે સંસ્થાગત સ્વરૂપ મળે એ ખરેખર અભિનંદનીય છે, અને એમાંય પુસ્તકાલય તો એમની હ્રદયસંસ્થા બને.

    ReplyDelete