Monday, November 5, 2018

ગુજરાત – “ઊડતા ગુજરાત” થાય એ પહેલાં સાવધાન!


ગુજરાત – ઊડતા ગુજરાત થાય એ પહેલાં સાવધાન!

--- સરદાર પટેલની પ્રતિમા, રાફેલ, ફટાકડા પર પ્રતિબંધ અને સબરીમાલાના સમાચારોની વચ્ચે એક ગંભીર અને ચિંતાજનક સમાચાર દબાઈ ગયા – એ છે ગુજરાતી યુવાનો નશીલી ડ્રગ્સના સકંજામાં સપડાઈ રહ્યા છે! આ સમાચાર જાણીને દરેક રાષ્ટ્રપ્રેમીની ઊંઘ ઊડી જવી જોઈએ


-- અલકેશ પટેલ

બે – સવા બે વર્ષ પહેલાં આવેલી ઊડતા પંજાબ ફિલ્મે આખા પંજાબની ઊંઘ ઉડાડી દીધી હતી. ફિલ્મ દ્વારા પંજાબના યુવકોની હાલત સમાજ સમક્ષ લાવવાનો હેતુ હતો. પરંતુ આપણે જાણીએ છીએ કે નશીલા પદાર્થોનો આ વિષય રાજકીય આક્ષેપબાજીનો મુદ્દો બની ગયો હતો અને ફિલ્મ પણ થોડો સમય વિવાદમાં સપડાયેલી રહી હતી.
ખેર, એ પછી તો પંજાબ વિધાનસભાની ચૂંટણી થઈ અને સત્તા પરિવર્તન થયું અને આખો મામલો ઠંડો પડી ગયો...પરંતુ હવે જે સમાચાર આવ્યા છે તે પંજાબ ઉપરાંત ખાસ કરીને ગુજરાત અને જમ્મુ-કાશ્મીર માટે અતિશય ચિંતાજનક છે. દેશમાં નશીલા પદાર્થોની હેરાફેરી ઉપર નજર રાખતા તંત્ર દ્વારા ગયા અઠવાડિયે જે અહેવાલ આપવામાં આવ્યો તે અનુસાર પંજાબની સરખામણીમાં હાલ ગુજરાતમાં નશીલા પદાર્થોની હેરાફેરીની માત્રા ખૂબ જ ગંભીર છે. આ અહેવાલ અનુસાર ગયા એક વર્ષમાં બે હજાર કિલો કરતાં નશીલી ડ્રગ્સ પકડાઈ હતી તેમાં સૌથી વધુ એટલે કે 1017.23 કિલો ડ્રગ્સ માત્ર ગુજરાતમાંથી પકડાઈ હતી. એ ઉપરાંત પંજાબમાંથી 406 કિલો અને જમ્મુ-કાશ્મીરમાંથી 207 કિલો નશીલા પદાર્થો પકડાયા હતા.
ઘણા વાચકોને યાદ હશે કે કલાના નામે ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં ઘૂસી ગયેલો અને સલમાન ખાનના શો બિગ બૉસમાં પ્રવેશ લેનાર એજાઝ ખાનની ગયા મહિને મુંબઈ પોલીસે નશીલી ડ્રગ્સની હેરાફેરીના કેસમાં જ ધરપકડ કરી હતી. એજાઝના પકડાયા પહેલાં બે અને તેના પકડાયા પછી બીજા બે એમ કુલ ચાર કાશ્મીરીઓની નાર્કોટિક્સ વિરોધી તેમજ ત્રાસવાદ વિરોધી દળોએ ધરપકડ કરી છે અને આ ચારેય સામે ડ્રગ્સની હેરાફેરી, તેમાંથી મળતા નાણાં હવાલા મારફત પાકિસ્તાન મોકલવાના અને તેના દ્વારા ત્રાસવાદને ઉત્તેજન આપવાના કેસ નોંધાયેલા છે. બીગ બૉસ વાળા એજાઝ સામે કયો કેસ થાય છે એ તો સમય કહેશે.
ડ્રગ્સ અને હવાલા અને તેના દ્વારા ત્રાસવાદ આ તમામ કેસમાં સમજવાનો મુદ્દો એ છે કે પાકિસ્તાનીઓ કાશ્મીરી ત્રાસવાદી ટોળકી મારફત ભારતના પશ્ચિમ સરહદના રાજ્યો – ગુજરાત, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવીને ભારતની આગામી પેઢીને ખોખલી બનાવી રહ્યા છે. પાકિસ્તાન તેમજ ભારતમાં રહેતા પાકિસ્તાન તરફી તત્વો ભારતને બીજી કોઈ પણ રીતે હરાવી શકે તેમ નથી અને તેથી કાંતો ઘૂસણખોરી કરીને ત્રાસવાદી હુમલા કરે છે અથવા હેરોઇન જેવા નશીલા પદાર્થો ઘૂસાડીને ભારતીય યુવા પેઢીને નમાલી બનાવી રહ્યા છે.
ગુજરાતમાં એક જ વર્ષમાં 1000 કિલો કરતાં વધુ ડ્રગ્સ પકડાય એનાથી સરકાર અને પોલીસતંત્રની જ નહીં, આપણા સૌની ઊંઘ ઊડી જવી જોઈએ. ગુજરાતમાં ડ્રગ્સનું આટલું મોટું નેટવર્ક સ્થાપિત થઈ ગયું હોત તો આગળ જતાં શું સ્થિતિ થશે એ વિચાર જ ધ્રુજાવી નાખે એવો છે. આ અહેવાલને પગલે એવાં કેટલાંક તારણો કાઢવાનું અસ્થાને નથી કે, (1) પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર અને પંજાબ પછી હવે ગુજરાતની પણ ભાવિ પેઢીને નશાખોરી અને ગુનાખોરી તરફ ધકેલવા વ્યવસ્થિત કાવતરું કરી રહ્યું છે. (2) ભારતમાં રહેતા પાકિસ્તાન તરફી તત્વોના સહકાર વિના પાકિસ્તાનનું કાવતરું સફળ ન થઈ શકે, તેથી જેમ ત્રાસવાદના સ્લીપર સેલ હોય છે એવી જ રીતે ડ્રગ્સની હેરાફેરી અને વિતરણના પણ પાકિસ્તાન તરફી સ્લીપર સેલ અમદાવાદમાં અને ગુજરાતમાં અનેક જગ્યાએ કામ કરી રહ્યા હશે. (3) ત્રાસવાદ તેમજ ડ્રગ્સના આ સ્લીપર સેલ આગામી સમયમાં ગુજરાતમાં મોટા પાયે અરાજકતા અને હિંસા ફેલાવવા માટે ગુજરાતી યુવાનોનો જ દુરુપયોગ કરી શકે છે. (4) આ બધા સ્લીપર સેલ દ્વારા રાજ્યના સમૃદ્ધ ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી ઉઘરાવવાનું કાવતરું ઘડવામાં આવી શકે એવું જોખમ પણ નકારી શકાય તેમ નથી. સૌએ સાવધાન રહેવું પડશે.
ગુજરાત તથા અન્ય રાજ્યો સહિત સમગ્ર દેશ માટે આ જોખમ છે એ સાચું, પરંતુ સાથે સાથે એ બાબત પણ ધ્યાનમાં આવી છે કે છેલ્લાં થોડાં વર્ષમાં દક્ષિણ એશિયાના અન્ય દેશો ઉપરાંત અમેરિકા અને કેનેડા પણ ડ્રગ્સના આતંકનો સામનો કરી રહ્યા છે. અને તેમાં પણ અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે ખાસ કરીને દક્ષિણ એશિયાના દેશો અને કેનેડામાંથી ડ્રગ્સની હેરાફેરીના તાર ભારત સાથે જોડાયેલા છે. આ અહેવાલો માત્ર ચિંતાજનક નહીં, ગંભીર ચિંતાજનક છે અને તેમાં સરકાર, પોલીસ, ગુપ્તચર ઉપરાંત રાષ્ટ્રવાદી નાગરિકોની પણ સાવધાન રહેવાની જવાબદારી છે.
------------------------------------------------

આ લેખના સંદર્ભમાં જે સમાચારોનો ઉપયોગ કર્યો છે તેની લિંક્સ પણ અહીં આપું છું. 












 


No comments:

Post a Comment