Wednesday, December 19, 2018

ભાજપની અને મોદીની ટીકા તો કરવી જ પડેને..!

ભાજપની અને મોદીની ટીકા તો કરવી જ પડેને..!


--- અલકેશ પટેલ

       ભાજપની ટીકાની મોસમ પૂરબહારમાં ખીલી છે. ત્રણ રાજ્યમાં સરકાર ગુમાવી દીધી એટલે ટીકા તો કરવી જ પડેને ભઈ! ભારતની પ્રજા અતિશય લાગણીશીલ છે - ઇમોશનલ છે. મહેન્દ્રસિંહ ધોની જીત ઉપર જીત મેળવતો હોય ત્યાં સુધી તેના વખાણના પુલ બાંધવામાં અને તેના ઉપર ઓવારી જવામાં આ દેશનો નાગરિક કશું બાકી ન રાખે. વિરાટ કોહલી જીત મેળવતો હોય ત્યાં સુધી ક્રિકેટ ચાહકો તેને આંખની પાંપણ ઉપર બેસાડી રાખે... પણ જેવા ધોની કે કોહલી એકાદ-બે મેચ હારે એટલે ભારતીયોનો અંતરાત્મા ખળભળી ઊઠે. બધા એક સાથે સુનિલ ગાવસ્કર, સચીન તેંડુલકર અને ડોન બ્રેડમેન બની જાય અને ધોની-વિરાટની કૅપ્ટનશિપની સમીક્ષા કરવા લાગે.

      આ આપણો સ્વભાવ છે. આપણને સલાહ આપવાનું, ટીકા કરવાનું બહુ ગમે છે. કોઈ ક્ષેત્રમાં આપણી ચાંચ ન ડૂબતી હોય તો પણ એ ક્ષેત્રનો કોઈ દિગ્ગજ કે નિષ્ણાત કોઈ ભૂલ કરી બેસે એટલે એણે કરોડો લોકોની સલાહ અને ટીકા સાંભળવા તૈયાર રહેવું પડે! 

      નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પણ આમાંથી બાકાત ન રહી શકે. કેવી રીતે રહી શકે? અમે મત આપીએ છીએ, ભઈ! અને મત ના આપતા હોઇએ તો પણ સલાહ આપતાં આપણને કોણ રોકી શકે?

      હવે સીધા મુદ્દા પર આવી જઇએ. આ બ્લૉગ લખવાની શરૂઆત કરી એ જ વખતે ફેસબુક ઉપર Renee Lynn ને ઉપર મુજબનું ક્વોટ મૂક્યું. (રીની લીન વિદેશી નાગરિક છે, પરંતુ ભારતીય સંસ્કૃતિથી અત્યંત પ્રભાવિત છે અને તેમાં પણ ભાજપ તેમજ નરેન્દ્ર મોદીનાં પ્રખર સમર્થક છે. ફેસબુક પર તેમનું વૉઇસ ફૉર ઈન્ડિયા (Voice for India) નામે પેજ છે) આ ક્વોટમાં દુશ્મનોની વાત કરવામાં આવી છે, મિત્રો-ચાહકો કે સમર્થકોની નહીં. 

       તો સવાલ એ ઉપસ્થિત થાય કે મિત્રો, ચાહકો, સમર્થકોએ કદી ભાજપ કે નરેન્દ્ર મોદીની ટીકા કરવાની જ નહીં..?  જરૂર ટીકા કરવાની. આકરામાં આકરી ટીકા કરવાની. સલાહ પણ આપવાની. લોકશાહી છે... અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છે. પણ - પણ - પણ...

ટીકા કરતાં પહેલાં અને સલાહ આપતાં પહેલાં થોડું આત્મમંથન કરી લેવાનું...
--- કે,  આપણે જે આશા-અપેક્ષા સાથે 2014માં મત આપ્યા હતા તેમાંથી શું કશું થયું જ નથી..?
--- કે, એક રાષ્ટ્રીય સરકાર માટે અને એક વ્યક્તિ માટે શું ચાર-પાંચ વર્ષમાં તમામ મિત્રો, ચાહકો અને સમર્થકોની આશા-અપેક્ષાઓ સંતોષવાનું શક્ય છે..?
--- કે, 125 કરોડ કરતાં વધુ વસ્તી ધરાવતા વિશાળ દેશનું સંચાલન કરવાનું આપણે ધારીએ છીએ એટલું સહેલું છે ખરું..?
--- કે, આ દેશમાં 22 ભાષા અને 720 બોલી બોલતાં લોકો વસે છે. ચાર-પાંચ વર્ષમાં બધાની અપેક્ષા સંતોષી શકાય..?
--- કે, આ દુનિયામાં 190 કરતાં વધુ નાના-મોટા દેશ છે તેમની સાથે રાજદ્વારી સંબંધો રાખીને દેશહિત માટે કામ કરવાનું એક વ્યક્તિ, એક સરકાર માટે ચાર-પાંચ વર્ષમાં શક્ય છે..?
--- કે, સાત-સાત દાયકાથી ખુશામતખોરી, મફતની લ્હાણી, માફી, સબસિડી... એ બધાથી ટેવાયેલી પ્રજાને માત્ર ચાર-પાંચ વર્ષમાં એ બધામાંથી બહાર કાઢીને તમામની આકાંક્ષા અનુસાર કામગીરી કરવાનું શક્ય છે ખરું..?

---- આટલા સવાલના જવાબ જેમની પાસે હોય તેમણે ભાજપ અને નરેન્દ્ર મોદીની ટીકા કરવી જોઈએ, આકરી ટીકા કરવી જોઈએ. પરંતુ આ સવાલના જો તમારી પાસે કોઈ જવાબ ન હોય છતાં ટીકા કરવાનું મન થતું હોય તો એ પહેલાં વિચારણા માટે થોડા મુદ્દા આપવા માગું છું.
(1) આ દેશમાં એક વહીવટીતંત્ર છે. અંગ્રેજોના સમયથી એ વહીવટીતંત્રનું માળખું યથાવત્ છે. 22-25 વર્ષની વયે વહીવટીતંત્રમાં જોડાનાર વ્યક્તિ 58-60 વર્ષની ઉંમર સુધી એમાં જ રહે છે. આ વહીવટીતંત્રમાં કામ કરતા કર્મચારી-અધિકારીઓના પોતાનાં હિત હોય છે. તેમની પોતાની વિચારસરણી હોય છે. તેમનો પોતાનો રાજકીય લગાવ હોય છે. 1947થી લઇને 2014 સુધી જે ઘરેડમાં, જે નીતિ-ધોરણો હેઠળ કામ કર્યું હોય એ કર્મચારીઓ-અધિકારીઓને રાતોરાત બદલી શકાય ખરા..? 
-- જો ન બદલી શકાય તો પછી નવી સરકાર ચાર-પાંચ વર્ષમાં નીતિ-નિયમોમાં કેવી રીતે ધરમૂળથી ફેરફાર કરી શકે..?

(2) આ દેશમાં એક ન્યાયતંત્ર છે. એનું વ્યવસ્થાતંત્ર પણ આમ તો અંગ્રેજોના વખતમાં ગોઠવાયું હતું એવું જ રહ્યું છે. કોંગ્રેસ, ડાબેરીઓ તેમજ ઇસ્લામ-પરસ્તોએ સાત દાયકાથી ત્યાંનું સંચાલન સંભાળેલું છે. વકીલના પરિવારમાં પિતા-પત્ની-પુત્ર-પુત્રવધૂ એમ બધાં વકીલ હોય એવા દાખલા હજારોની સંખ્યામાં છે. એ જ લોકો આગળ જતાં જજ બને એવા કિસ્સા પણ હજારોની સંખ્યામાં છે. સમાજના બાકીના તમામ ક્ષેત્રમાં પરિવારવાદનો વિરોધ જોવા મળે છે, પરંતુ ન્યાયતંત્રમાં ત્રણ-ત્રણ, ચાર-ચાર પેઢી સુધી વકીલ અને જજનો દબદબો ચાલ્યા કરે છે. - તો આ સંજોગોમાં શું એ વિદ્વાન વકીલો અને એ વિદ્વાન ન્યાયાધિશોની વિચારધારા ચાર-પાંચ વર્ષમાં બદલી શકાય ખરી..?
-- જો એ ન બદલી શકાય તો પછી એક વ્યક્તિ કે એક સરકાર ચાર-પાંચ વર્ષમાં ન્યાયતંત્રની વ્યવસ્થા કેવી રીતે બદલી શકે..? કેવી રીતે એક વ્યક્તિ કે એક સરકાર ન્યાયતંત્રમાં પાંચ-દસ-પંદર-વીસ વર્ષ સુધી મુદતો પાડવાની પ્રથા ઉપર રાતોરાત સુધારો કરી શકે..?

(3) આ દેશમાં મીડિયાનું પણ એક અલગ તંત્ર છે. આ તંત્ર ઉપર ડાબેરીઓની નાગચૂડ હજુ પણ મજબૂત છે. ડાબેરીઓ હંમેશાં રાષ્ટ્રવાદના વિરોધી હોય છે. દુનિયાભરના ડાબેરીઓ હંમેશાં હિન્દુત્વના વિરોધી રહ્યા છે, બીજા કોઈ ધર્મ સામે એ લોકોને વાંધો નથી. મીડિયામાં બેઠેલા આ તત્વો 65-70 વર્ષથી સંઘ, જનસંઘ અને ભાજપને હિન્દુ કોમવાદી તરીકે ચિતરતાં રહ્યાં છે. ડાબેરીઓની સાથે એક ઇસ્લામિક ધારા પણ મીડિયામાં સમાંતર ચાલે છે, જે કમનસીબે એવું પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યા છે કે હિન્દુત્વની વાત કરવી એ મોટો ગુનો છે. પરિણામે નવી પેઢીના પત્રકારો પણ પોતાને સંતુલિત બતાવવા માટે માત્ર ભાજપ-સંઘની જ ટીકા કરવામાં ગૌરવ અનુભવે છે. હકીકતે આવા લોકોની નોકરી ડાબેરી તંત્રીઓની દયા ઉપર ટકેલી હોય છે અને એટલે પણ પોતાનો સાચો મત વ્યક્ત કરવાની હિંમત કરતા નથી. મીડિયાના તંત્ર ઉપરની આ ડાબેરી નાગચૂડ છોડાવવામાં અમેરિકા, બ્રિટન જેવા દેશો પણ હજુ સફળ થયા નથી...તો ભારતમાં કેવી રીતે શક્ય બને..?

         માત્ર આટલાં જ ઉદાહરણ આપીને અટકું છું, પરંતુ તમે પોતે બે ઘડી વિચાર કરશો તો આવા બીજાં અનેક ઉદાહરણ મળી શકશે જ્યાં કોઈ સરકાર કે કોઈ વ્યક્તિ ટૂંકા ગાળામાં એવા કોઈ ફેરફાર કે સુધારા ન કરી શકે જેને કારણે તમામ વર્ગ, તમામ સમુદાય, તમામ ધર્મ, તમામ ક્ષેત્રના લોકોને સંતોષ થાય.

         નરેન્દ્ર મોદીએ આ અશક્ય તો નહીં પરંતુ અત્યંત મુશ્કેલ કહી શકાય એવો પડકાર ઉપાડેલો છે. અને એ જ કારણે વિરોધપક્ષો અતિશય ક્રૂરતાપૂર્વક તેમનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધીઓને તેમનો ગરાસ લૂંટાઈ જવાનો ડર છે. આ વિરોધીઓને તેમની 70 વર્ષની ભ્રષ્ટ ગોઠવણો ખુલ્લી પડી જવાનો ડર છે. 

--- આ વિરોધીઓ જાણે છે કે ભાજપ અને નરેન્દ્ર મોદીની તાકાત રાષ્ટ્રવાદમાં માનતી પ્રજા છે. 

        અને એટલે જ આ વિરોધીઓ કોઇપણ ભોગે ભાજપ અને મોદીની જે મૂળભૂત તાકાત છે તેના ઉપર ઘા કરી રહ્યા છે. ભાજપ અને મોદીના વિરોધીઓને ભારતીય નાગરિકોની માનસિકતાની નબળાઈ ખબર છે. --- વિરોધીઓ જાણે છે કે આ દેશની પ્રજા મફતના ટુકડા સામે તરત જ શરણે થઈ જશે.
--- વિરોધીઓ જાણે છે કે આ દેશની પ્રજા સબસિડીની ખેરાત સામે ઘૂંટણીએ પડી જશે.
--- વિરોધીઓ જાણે છે કે આ દેશની પ્રજા અધીરી છે, તેને ગેરમાર્ગે દોરવાનું સરળ છે. 

--- મરણિયા થયેલા વિરોધીઓએ ઉપર કહેલી તમામ ટેકનિક ત્રણ રાજ્યની ચૂંટણીમાં કામે લગાડી દીધી અને તેમની ચાલમાં મતદારો ફસાઈ પણ ગયા. અને જે પરિણામ આવ્યું તેને કારણે કેટકેટલા સમર્થકો, ચાહકો અને ટેકેદારો મોદી-ભાજપની ટીકા કરવા, તેમને સલાહ આપવા મેદાનમાં આવી ગયા! 

      મુશ્કેલી એ વાતની છે કે, વિરોધીઓના કાવાદાવા અને પડકારોનો સામનો કરવા સરકારે કાશ્મીર, એસસી-એસટી, રામમંદિર, કલમ 370 જેવા જૂજ મુદ્દે બાંધછોડ કરવી પડે એ સ્વીકારવા કે સમજવા સમર્થકો, ચાહકો અને ટેકેદારો તૈયાર નથી. ... અને તમે એ સ્વીકારવા તૈયાર નથી એ જ તો વિરોધીઓ ઇચ્છે છે. તમે વિરોધીઓની જાળમાં સપડાઈને એક એવી સરકાર, એક એવા નેતાની ટીકા કરવા મેદાને પડ્યા છો જે વાસ્તવમાં લાંબાગાળે આ દેશને ઘણી ઊંચાઈએ પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. નરેન્દ્ર મોદીની આ તાકાત વિરોધીઓ સારી રીતે જાણે છે અને એટલે જ તો તેમને પછાડી દેવા રાત-દિવસ પાકિસ્તાન અને પાકિસ્તાનવાદી તત્વોની મદદ લઇને તેમને બદનામ કરે છે. આ એક કાવતરું છે અને કમનસીબે રાષ્ટ્રવાદી વિચાર ધરાવતા લોકો પણ તેમાં સપડાઈને કોઇપણ ભોગે મોદીને નુકસાન કરવા મથે છે.

--- યાદ રાખજો મિત્રો, મહાભારત અને રામાયણ કાળથી ઇતિહાસ સાક્ષી છે કે, દુશ્મનો કદી કોઈ સર્વશક્તિમાન વ્યક્તિને હરાવી શક્યા નથી...પણ આવી વ્યક્તિને હરાવનારા હંમેશાં તેમના પોતાના જ કહેવાય એવા લોકો હતા...શું તમારે આવા જ ઇતિહાસનું પુનરાવર્તન કરવું છે..? ચતુર કરો વિચાર.

1 comment:

  1. ⏩ખુબજ સુંદર ગળે ઉતરી જાય એવું દરેક પાસાને આવરી લેતું વિશ્લેષણ. નરેન્દ્રભાઈને શુભેચ્છાઓ. આભાર. નામ સાથે કોપી કરું છું.��✌��

    ReplyDelete