Monday, December 31, 2018

ગુજરાત સરકાર પાસે બે મહિનાનો સમય છે!


ગુજરાત સરકાર પાસે બે મહિનાનો સમય છે!

--- પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બદલવાની પ્રથાનો અંત આવવો જ જોઇએ. સરકાર અને વહીવટીતંત્રે એ સમજવું જ પડશે કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને તાણ-મુક્ત રાખવા એ આપણા સૌની સહિયારી ફરજ છે – અને એ માટે વિદ્યાર્થી જ્યાં ભણતા હોય ત્યાં જ પરીક્ષા લેવાય એ આવશ્યક છે


-- અલકેશ પટેલ



એવું નથી કે આ વિષય ઉપર હું આજે પહેલી વખત વાત કરતો હોઉં. છેક 2013થી એટલે કે ઓછામાં ઓછા પાંચ વર્ષથી વિવિધ સ્તર ઉપર, વિવિધ મંચ ઉપર કહેતો આવ્યો છું કે – પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને સ્કૂલ બદલવાની પ્રથાનો અંત આવવો જોઇએ. આ પ્રથા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ હશે તેની ચર્ચાનો અર્થ નથી, પરંતુ ગુજરાત સરકાર તેમજ શિક્ષણ વિભાગે માર્ચ 2019થી જ ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ, ઉપરાંત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ સહિત કોઇપણ પ્રકારની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ તેમની સ્કૂલ, તેમનો વિસ્તાર, તેમનું ગામ કે તેમનું શહેર છોડીને બીજે ન જવું પડે એ માટેનાં પગલાં લેવા જોઇએ.

વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે અન્ય સ્કૂલમાં, અન્ય શહેરમાં જવું પડે એ પ્રથા કેટલી હદે અમાનવીય છે એ બાબતનો વિચાર આજ સુધી શા માટે સત્તાવાળાઓ અને શિક્ષણ વિભાગને નહીં આવ્યો હોય એ સમજાતું નથી. આ પ્રથા અમાનવીય એટલા માટે છે કે, સૌથી પહેલાં તો, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ વિશે સંવેદનશીલતાપૂર્વક વિચારણા કરવામાં જ આવી નથી.

સાવ સાહજિક માનવતાનો મુદ્દો એ છે કે, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી પોતે જે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય ત્યાં જ પરીક્ષા આપે તો તેમને જરા પણ તાણ ન અનુભવ ન થાય. વિદ્યાર્થી પોતાની સ્કૂલના મકાન, સ્કૂલના વાતાવરણથી પરિચિત હોય તેથી તે પરીક્ષામાં વધારે સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે. બીજી સૌથી અગત્યની વાત એ છે કે પરીક્ષા દરમિયાન સ્કૂલ બદલવાથી વિદ્યાર્થીઓને ત્યાં પહોંચવા માટે સમય કરતાં ઘણું વહેલું નીકળવું પડે છે. તેમના માટે રસ્તા અજાણ્યા નહીં પણ નવા તો હોય છે. જે સ્કૂલમાં જાય ત્યાંના મકાનની રચના અને આસપાસનું વાતાવરણ નવું અને અપરિચિત હોય છે. શું સરકારો અને શિક્ષણ વિભાગને એ વાતનો ખ્યાલ નહીં આવતો હોય કે એક પરીક્ષાર્થી માટે અપરિચિત વાતાવરણ કરતાં પરિચિત વાતાવરણ વધારે ઉપયોગી સાબિત થાય?

આ સમગ્ર મુદ્દાનું બીજું એક ચિંતાજનક પાસું એ છે કે, વિદ્યાર્થીઓએ જ્યારે અન્યત્ર પરીક્ષા આપવા જવું પડે ત્યારે સ્વાભાવિક રીતે જ પરિવારના ઓછામાં ઓછા એક સભ્યે તેની સાથે જવું પડતું હોય છે. તેને બદલે જો વિદ્યાર્થીઓ ભણતા હોય એ જ સ્કૂલમાં પરીક્ષા લેવામાં આવે તો વાલીઓને સાથે જવાની ચિંતા ન રહે, કેમ કે સ્કૂલ અને રસ્તો પરિચિત હોય તો વાલીઓને પણ રાહત રહે. પરંતુ પરીક્ષા આપવા માટેની સ્કૂલ અન્યત્ર હોય તો કેમ સે કમ એક વાલીએ સાથે જવું પડે એટલે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓની સાથે હજારો વાલીઓએ પણ પરીક્ષાઓ દરમિયાન ઉચાટમાં રહેવું પડે, પરીક્ષા કેન્દ્રોની બહાર રસ્તા ઉપર કે પછી ગમેત્યાં બેસી રહેવું પડે. આ સંજોગોમાં મોટેભાગે માતા કે બહેન વિદ્યાર્થી સાથે જતી હોય છે ત્યારે તો એ સ્થિતિ કેટલી ઘૃણાસ્પદ કહેવાય કે માતા-બહેનોએ 3 – 4 કલાક સ્કૂલની બહાર ગમેત્યાં આડાઅવળા બેસી રહેવું પડે?

શું આ બધી બાબતોનો વિચાર કોઇને કદી આવ્યો જ નહીં હોય? માની લઇએ કે પરીક્ષામાં ચોરી કે કૉપી કેસની ચિંતા હોય, પરંતુ કદી એવો વિચાર શા માટે કરવામાં ન આવ્યો કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીને સ્થળાંતર કરવાની ફરજ પાડવાને બદલે સ્કૂલના શિક્ષકોને જ અન્ય સ્કૂલોમાં સુપરવિઝન માટે મોકલવામાં આવે? સ્કૂલ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકના એક હોય તો આવી ચિંતા રહે એ સ્વાભાવિક છે, પણ તો એ સંજોગોમાં શિક્ષકોને સુપરવિઝન માટે અન્ય સ્કૂલોમાં મોકલી શકાયને?

સુપરવિઝન માટે શિક્ષકોને અન્ય સ્કૂલોમાં મોકલવાના એક સાથે અનેક લાભ થઈ શકે તેમ છે. સૌથી પહેલાં તો, પરીક્ષાર્થી સ્કૂલ બદલવાની તાણમાંથી મુક્ત થઈ શકે. બીજું, ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાથે તેમના વાલીઓને પરીક્ષા દરમિયાન દોડાદોડ કરવી પડે તેના બદલે ઘણી ઓછી સંખ્યામાં શિક્ષકોએ સુપરવિઝન માટે સ્થળાંતર કરવું પડે. શિક્ષકોની સાથે કોઇએ જવાની જરૂર ન પડે એ લાભ તો છે જ!

આશા રાખીએ કે આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ના લગભગ 18થી 20 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા અન્ય વિસ્તાર કે અન્ય સ્કૂલ કે અન્ય ગામ કે અન્ય શહેરમાં જવું નહીં પડે અને તેઓ તદન તાણ વિના પોતાની સ્કૂલમાં જ પરીક્ષા આપવા જઈ શકશે. હા, એ વખતે તેમના સુપરવાઈઝર તેમની જ સ્કૂલના નહીં પરંતુ અન્ય સ્કૂલના શિક્ષકો હોય એવું બને. સરકાર અને તંત્ર માટે આવી વ્યવસ્થા કરવાનું જરાય અઘરું કે અશક્ય નથી. મને લાગે છે કે લાખો વિદ્યાર્થીઓ માટે અન્ય શાળામાં વ્યવસ્થા કરવાની જે કવાયત થાય છે તેના કરતાં થોડા હજાર શિક્ષકોને સુપરવિઝન માટે અન્યત્ર મોકલવાની વ્યવસ્થા કરવાનું અનેક અનેક ગણું સહેલું પડશે. અને હા, શિક્ષકોને શિક્ષણકાર્ય સિવાય અન્ય સરકારી કામોમાં નહીં જોતરવાનો મુદ્દો પણ એટલો જ જલદ અને જટિલ છે, જેના વિશે હવે પછી વાત કરીશું.

No comments:

Post a Comment