Monday, December 24, 2018

કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ કૌભાંડની ચર્ચા કેમ નથી થતી?


કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ કૌભાંડની ચર્ચા કેમ નથી થતી?

--- અખબાર શરૂ કરવા કોંગ્રેસની સરકારે કોંગ્રેસ પક્ષને આખા દેશમાં જમીનો આપી. અખબારને બદલે મુખપત્ર શરૂ થયું, પણ એ ન ચાલ્યું એટલે પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવીને કમાણીનો બિઝનેસ શરૂ કર્યો. અબ આયા ઊંટ પહાડ કે નીચે



-- અલકેશ પટેલ

21 ડિસેમ્બરને શુક્રવારે દિલ્હી હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો. અદાલતે કોંગ્રેસને પાંચ માળનું વિશાળ હેરાલ્ડ હાઉસ બે અઠવાડિયામાં ખાલી કરી દેવા આદેશ આપ્યો છે. એક અઠવાડિયાના ગાળામાં કોંગ્રેસ માટે આ બીજો મોટા અદાલતી ઝટકો હતો. ગયા અઠવાડિયે રાફેલ યુદ્ધ વિમાનના સોદાના મુદ્દે સુપ્રીમ કોર્ટે લપડાક મારી હતી અને ગત શુક્રવારે દિલ્હી હાઇકોર્ટે કોંગ્રેસના ભ્રષ્ટાચારને આગળ વધતાં અટકાવી દીધો. અહીં ચિંતાનું કારણ એ છે કે જે મીડિયા રાફેલ સોદામાં કોઈ ગરબડ નહોતી તેમ છતાં તેને દિવસ-રાત ચગાવ્યા કરતું હતું એ જ મીડિયા નેશનલ હેરાલ્ડ કેસમાં ગેરરીતિ સાબિત થવા છતાં શા માટે તેને દબાવી દે છે?
નેશનલ હેરાલ્ડની ગેરરીતિને ટૂંકમાં સમજી લઇએ. આમ તો મામલો છેક 1963નો છે. તે વખતની કેન્દ્રની કોંગ્રેસ સરકારે કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાપિત એસોસિયેટેડ જર્નલ લિમિટેડ (એજેએલ) નામની મીડિયા કંપનીને અખબાર શરૂ કરવા માટે દેશના તમામ મુખ્ય શહેરોમાં સાવ પાણીના ભાવે જમીનો ફાળવી હતી. અને જાન્યુઆરી 1967માં એક લીઝ કરાર કરવામાં આવ્યો, જેમાં અખબારના પ્રકાશન હેતુની શરત સ્પષ્ટ હતી. અખબારો તેમજ અન્ય મીડિયા હાઉસને તમામ સરકારો આ રીતે જમીન ફાળવતી હોય છે. પરંતુ અહીં તફાવત એ છે કે બીજા બધા મીડિયા હાઉસ વાસ્તવમાં અખબાર કે ચૅનલ શરૂ કરે છે, પણ એજેએલે જે નેશનલ હેરાલ્ડ નામનું અખબાર શરૂ કર્યું હતું તે દેખીતી રીતે કોંગ્રેસ પક્ષનું મુખપત્ર જ હતું, તેમાં બીજા કોઈ તટસ્થ સમાચારને સ્થાન મળતું નહોતું. આનું પરિણામ એ આવ્યું કે અખબાર જરાય ચાલતું નહોતું. તેને કારણે તેનું પ્રકાશન બંધ કરવાનો એજેએલ અર્થાત કોંગ્રેસ પક્ષે નિર્ણય લીધો.
હવે સ્વાભાવિક રીતે કોંગ્રેસમાં જો પ્રામાણિકતા હોત તો અખબાર માટે લીધેલી જમીન અખબાર બંધ થવાથી સરકારને પરત કરી દેવી જોઇતી હતી. લીઝની શરત મુજબ તો કોંગ્રેસે આવી પ્રામાણિકતા દાખવવી જોઇતી હતી. એવું કરવાને બદલે કોંગ્રેસ પક્ષે 2013માં લીઝની શરતોનો સંપૂર્ણ ભંગ કરીને એજેએલ કંપનીના માળખામાં ફેરફાર કરી નાખ્યો અને દિલ્હીમાં આવેલા પાંચ માળના વિશાળ હેરાલ્ડ હાઉસમાં અન્ય કંપનીઓને ઑફિસો ભાડે આપી દીધી અને કરોડો રૂપિયાની ભાડાની કમાણી શરૂ થઈ ગઈ. બીજી તરફ એજેએલ-ના સ્વરૂપમાં ફેરફાર કરીને નવી કંપની બનાવી તેના 38-38 ટકા એમ કુલ 76 ટકા શૅર સોનિયા અને રાહુલ ગાંધીના નામે કર્યા અને બાકીના 24 ટકા શૅર કોંગ્રેસના જ પદાધિકારીઓ – મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિસ, સામ પિત્રોડા તથા સુમન દુબેને ફાળવવામાં આવ્યા. આ ગેરકાયદે માલિકી હક લીધા પછી કોંગ્રેસ પક્ષે એજેએલ-ને થયેલી રૂ. 90 કરોડની ખોટ ભરપાઈ કરવા લોન આપી. કંપની લોન કેવી રીતે ભરપાઈ કરશે તેની કોઈ સ્પષ્ટતા નહોતી કેમ કે આ બધો ખેલ કાગળ ઉપર જ થવાનો હતો. ઘરના ભૂવા અને ઘરના જ ડાકલાં હતાં!
આટલું થયા પછી જે ગંભીર ભ્રષ્ટાચારની સંભાવના વધી તે એ કે, એજેએલ-ને મળેલી સાવ સસ્તા ભાવની જમીનો આપોઆપ સોનિયા-રાહુલ ગાંધીને નામે થઈ જાય અને એ દ્વારા ગાંધી પરિવાર ઓછામાં ઓછી 5000 કરોડની જમીનના માલિક બની જાય. ભાજપના પીઢ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ કૌભાંડ પકડી પાડ્યું અને તેમણે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરી દીધો. કેસ દરમિયાન જમીન વિકાસ મંત્રાલય તરફથી એજેએલ-ને નોટિસ આપવામાં આવી અને જમીનના હેતુફેર વિશે પૂછવામાં આવ્યું. એજેએલે આવી વારંવારની નોટિસના કોઈ જવાબ ન આપ્યા ત્યારે છેવટે સરકારે આ જગ્યા ખાલી કરાવવા કોર્ટ પાસે દાદ માગી અને કોર્ટે પણ પુરાવા અને હકીકતોની ચકાસણી કરીને કોંગ્રેસને અર્થાત એજેએલ-ને બે અઠવાડિયામાં જગ્યા ખાલી કરવી આદેશ આપ્યો.
કોંગ્રેસનું આ ઘણું મોટું કૌભાંડ છે તેમ છતાં મીડિયાના તેમના મળતિયાઓ, કહેવાતી સિવિલ સોસાયટીના નાગરિકો, કહેવાતા ડાબેરીઓ, કહેવાતા આમ આદમી પાર્ટી વાળા ક્યાં મોં સંતાડીને બેસી ગયા છે એ સમજાતું જ નથી. આ એ જ લોકો છે જે રાફેલના કાલ્પનિક ભ્રષ્ટાચાર સામે રસ્તા ઉપર દેખાવો કરતા હતા અને ટીવી ચૅનલોમાં બૂમબરાડા પાડતા હતા.
અને હા, એ વાત ખાસ યાદ રહે કે નેશનલ હેરાલ્ડના જ કેસમાં ગાંધી માતા-પુત્ર સામે ગેરરીતિનો કેસ હજુ ચાલુ છે અને આ જ કેસમાં બંને જામીન ઉપર છૂટેલા છે.

No comments:

Post a Comment