Sunday, April 9, 2023

ભ્રષ્ટ વિપક્ષો ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ હારી ગયા

 

14 વિપક્ષોએ ભેગા મળીને તપાસ એજન્સીઓની કાર્યવાહી સામે કરેલી અરજી સુપ્રીમ કોર્ટે દાખલ જ ન કરી. 2024 માટે ભારતની દશા અને દિશા નક્કી થઈ રહી છે!

-- અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

ભ્રષ્ટાચાર અને સગાવાદમાં ખૂંપેલા વિરોધ પક્ષોને સુપ્રીમ કોર્ટે આ અઠવાડિયે ચમચમતી લપડાક આપી. સીબીઆઈ, ઈડી સહિતની એજન્સીઓ ભ્રષ્ટાચાર અને આર્થિક અપરાધો સામે પગલાં લઈ રહી છે તેમને અટકાવવા અથવા કહો કે એવાં પગલાં સામે રક્ષણ મેળવવા 14-14 ભ્રષ્ટ વિપક્ષોએ ભેગા મળીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ અદાલતે એ અરજી સાંભળવા લાયક પણ નથી એમ જણાવી ફગાવી દીધી. આ ભ્રષ્ટ વિપક્ષોએ ભ્રષ્ટાચાર અને આર્થિક અપરાધો સામે રાહત મેળવવા કેવા કેવા મુદ્દા તેમની અરજીમાં કર્યા હતા એ વિગતો તો હવે તમારા જેવા વિદ્વાન વાચકોએ જાણી જ લીધા હશે, તેથી એ મુદ્દાઓની ચર્ચા કરવાનો અર્થ નથી. પણ તેના બદલે ચર્ચા ભ્રષ્ટાચારીઓના ઈરાદા અંગે થવી જોઇએ.

આ ભ્રષ્ટાચારીઓ છેક 2014થી ત્રસ્ત છે. નરેન્દ્ર મોદી સરકારે ભૂતિયાં રાશનકાર્ડ બંધ કર્યાં, પરિણામે રાહત દરની દુકાનોમાંથી ખોટી રીતે જતું અનાજ બંધ થયું; પેનકાર્ડ અને આધાર લિંક કર્યા, પરિણામે નાણાનું લીકેજ બંધ થયું. વડાપ્રધાને પોતે ગયા અઠવાડિયે એક સભાને સંબોધતા કહ્યું હતું કે આ બે પગલાંથી દરવર્ષે દેશના રૂપિયા 68,000 કરોડની બચત થાય છે. આ સિવાય પણ એવા અનેક લીકેજ બંધ થયા જેનો પ્રવાહ સીધો આ 14 વિપક્ષી નેતાઓના ઘરમાં જતો હતો. આ 14 પક્ષોના આ ભ્રષ્ટાચારી રાજકારણીઓને લીકેજ બંધ થયું એની સામે ખાસ વાંધો નહોતો કેમ કે એમણે તેમની સાત પેઢીને ચાલે એટલું ભેગું કરી લીધું હતું. પરંતુ એમને તકલીફ ત્યારે પડી જ્યારે સીબીઆઈ, ઈડીએ કેસ નોંધીને તપાસ શરૂ કરી અને કોર્ટ અને જેલના ચક્કર શરૂ થયા. કોર્ટ અને જેલના ચક્કર અટકાવવા એ લોકોએ કોર્ટમાં અરજી કરી, પણ તેનું પરિણામ આપણે જાણીએ છીએ.

સત્તાથી વંચિત વિપક્ષોને હવે લાગે છે કે કોઇપણ ભોગે સત્તા પર આવ્યા વિના તેમના જૂના ભ્રષ્ટાચારી અને સામંતિ દિવસો પરત નહીં આવી શકે. અને એટલે જ દેશમાં છેલ્લા થોડા મહિનાથી જે કંઈ ચાલી રહ્યું છે તે ચિંતાજનક છે. દેશ કોઇક ભયાનક ત્રિભેટે આવીને ઊભો હોય એવું લાગે છે. તમામ નાગરિકો લોકશાહીનો અમર્યાદ લાભ અથવા ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને છતાં કોંગ્રેસીઓ અને ડાબેરીઓ ગળાં ફાડીફાડીને એ વાતનું રટણ કર્યા કરે છે કે દેશમાં લોકશાહી જોખમમાં છે. 1975માં કટોકટી લાદનાર ઈન્દિરા ગાંધીના પૌત્ર રાહુલ ગાંધી તો વળી એનાથી પણ આગળ વધીને વિદેશની ધરતી ઉપર જઇને લોકશાહીના નામે છાજિયાં લે છે.

તો બીજી તરફ લગભગ દરેકે દરેક હિન્દુ તહેવારો સમયે હિન્દુઓ પર હુમલા થાય છે. ગુજરાતમાં નવરાત્રિ સમયે, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં રામનવમી સમયે, હનુમાન જન્મોત્સવ સમયે પથ્થરમારો જાણે હવે કાયમી બની ગયો છે. દરેક તહેવાર પહેલાં અમુક વિસ્તારોમાં રહેતા હિન્દુઓને તથા અમુક વિસ્તારમાંથી પસાર થવા માગતા હિન્દુઓને હંમેશાં પથ્થરમારાનો અથવા સ્ટેબિંગ થઈ જવાનો ડર રહેતો હોય છે. અને આઘાતજનક વાત એ છે કે આ રીતે સૌને ડરાવનારા લોકો ટીવી પર આવીને પોતાને જ ડરેલી પ્રજા ગણાવે છે? વળી આ પ્રજાને પશ્ચિમ બંગાળમાં મમતાબાનુનો, તમિલનાડુમાં સ્ટાલિનનો, તેલંગણામાં કેસીઆરનો, કેરળમાં ડાબેરી ગેંગનો ટેકો પણ મળી રહે છે! આ દરેકના પ્રવક્તા રોજેરોજ લઘુમતી ખુશામતનો દુનિયાનો સર્વોચ્ચ પુરસ્કાર લેવાનો હોય એ રીતે એમના બચાવમાં ઊતરી પડે છે. જેહાદી માનસિકતાનો કોણ વધારે બચાવ કરી શકે છે એની એક પ્રકારે સ્પર્ધા જામી છે. આ શ્રેણીમાં સ્થાન મેળવવા મીડિયાના બદમાશ પત્રકારો, તંત્રીઓ, લેખકો અને રાજકીય વિશ્લેષકો પણ પાછળ રહેવા નથી માગતા.

તો ત્રીજી તરફ કેજરીવાલ નામનું તળિયા વિનાનું પ્રાણી એના પોતાનાં અને તેની ટોળકીનાં પાપ સંતાડવા નિતનવાં ગતકડાં કરે છે. ભૂતકાળમાં રાજકારણીઓ ઉપર જાહેરમાં આક્ષેપો કરીને બદનક્ષીના દાવામાં ફસાઈ ચૂકેલા દિલ્હીના આ નટવરલાલ હવે નવું શીખ્યા છે. નરેન્દ્ર મોદી વિરુદ્ધ બેફામ બોલવા માટે કેજરી-લાલ દિલ્હી વિધાનસભા ગૃહનો ઉપયોગ કરે છે. એ જાણે છે કે વિધાનસભા ગૃહ અથવા સંસદની અંદર જે કંઈ બોલવામાં આવે તેની સામે બદનક્ષી સહિત કોઈ કેસ થઈ શકતા નથી. આમછતાં આ તળિયા વિનાના નટવરલાલને કમતિ સૂઝી અને તેણે નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે 31-3-23 ના રોજ ફેકરીવાલની અરજી ફગાવી દીધી એટલું જ નહીં પરંતુ તેને આવી બેહૂદી અરજી દાખલ કરવા બદલ રૂપિયા 25,000 નો દંડ પણ કર્યો. ફેકરીવાલના હવે વળતા પાણી છે. એકાએક હવામાં ઉડેલો ફુગ્ગો ગમેત્યારે ફૂટી જવાનો છે એમાં શંકા રાખવાની જરૂર નથી.

વિપક્ષોના આ તમામ પ્રકારના હવાતિયાંથી એટલું સ્પષ્ટ છે કે લોકસભાની 2024ની ચૂંટણી સુધીમાં દેશનું વાતાવરણ અસાધારણ રીતે કલુષિત થશે. સામાન્ય નાગરિકોને પણ ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર શંકા થવા લાગે એ હદે આક્ષેપબાજી અને આંદોલનો થઈ રહ્યાં છે. ચૂંટણીના મેદાનમાં નરેન્દ્ર મોદીને હરાવી શકવા સમર્થ નથી એવા તમામ લોકો દેશની બંધારણીય સંસ્થાઓ ઉપર બેફામ આક્ષેપબાજી કરીને વાતાવરણ ડહોળી રહ્યા છે.

દેશની જે પ્રજા ક્રિટિકલ એનાલિસીસ કરવા સમર્થ નથી તેઓ આ તમામ સ્થિતિથી ગુંચવાડો અનુભવે એ સ્વાભાવિક છે. અને એટલે જ દેશ હાલ અનિશ્ચિતતાના ત્રિભેટે હોય એવું લાગે છે. ક્યારે કઈ દિશા પકડાશે એ નિશ્ચિત નથી. શું તમને કોઈ સ્પષ્ટ દિશા કે માર્ગ દેખાય છે? વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment