Sunday, April 16, 2023

કટ્ટર ભ્રષ્ટાચારી છેવટે આવ્યા પહાડ નીચે

  


બેસુમાર ભ્રષ્ટાચાર કરીને પોતાની મેળે પ્રામાણિકતાનો બિલ્લો પહેરવાથી તમારી ઈકોસિસ્ટમના પત્રકારો અને સામાન્ય લોકો ભોળવાઈ જાય, પણ કાનૂન કે હાથ લંબે હૈ

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

રવિવારે તમે આ લેખ વાંચતા હશો ત્યારે દેશના બાલિશ મીડિયાવાળા કેજરીવાલની ઉપર, નીચે, ડાબે, જમણે- એમ બધી દિશામાં કૅમેરા ગોઠવીને કાંતો એની મહાનતાના ગુણગાન કરતા હશે અથવા એની ભ્રષ્ટ કરમકુંડળીનાં પાનાં ઉખેળતા હશે. ભારતના મીડિયાને કોઇપણ સમાચાર કે સ્ટોરીનું પ્રમાણભાન કોને કહેવાય એનું ભાન નથી એ આપણે અતીકને જેલથી કોર્ટ અને કોર્ટથી જેલમાં લઈ જવાના કિસ્સામાં જોયું છે. આવું જ આ મીડિયાવાળા આજે પણ કરશે, તો પછી હાલો આપણે ય એમાં થોડાં છબછબિયાં કરી લઈએ!

સીબીઆઈ અને ઈડીએ જે કેસ કર્યા છે અને જે આરોપનામું તૈયાર કર્યું છે તેના આધારે એટલું તો સ્પષ્ટ થાય છે કે એનાર્કિસ્ટ-અરાજકતાવાદી કેજરીવાલ દૂધે ધોયેલા નથી. કેન્દ્ર સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાંથી, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આપવામાં આવતા કરવેરાના હિસ્સામાંથી દિલ્હીના વિકાસ માટે કોઈ કામો કરવાને બદલે આ નટવરલાલે માત્ર પોતાની જાહેરખબરો કરવામાં જ કરોડો રૂપિયા ઉડાડ્યા છે એ દેશના કોઈ સમજદાર નાગરિકથી અજાણ્યું નથી. મફતિયા યોજનાઓના નામે દિલ્હીના જળ નિગમ અને દિલ્હીના વીજ નિગમને આ કેજરીવાલ નાદારીના કિનારે લઈ આવ્યા છે એની જાણ જોકે હજુ સુધી દેશના ઘણાખરા નાગરિકોને નથી.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી અત્યાર સુધીમાં સરેરાશ દર છ-બાર મહિને એકાદ મંત્રી કે પક્ષના હોદ્દેદારો કાંતો કોમી તોફાનો બદલ અથવા ભ્રષ્ટાચાર બદલ અથવા હવાલાકાંડ બદલ અથવા હિંસક કાવતરાં બદલ જેલમાં જાય છે. આ સિલસિલો અટક્યો નથી. તાહિર હુસેન, સોમનાથ ભારતી, વિજય સિંગલા, અમાનુલ્લા ખાન, સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા, સંદીપ કુમાર, નરેશ યાદવ, મનોજ કુમાર, જિતેન્દ્રસિંહ તોમર, દિનેશ મોહનિયા, અખિલેશ ત્રિપાઠી, શરદ ચૌહાણ, પ્રકાશ જલવાર, સુરેન્દ્ર સિંહ, જગદીપ સિંહ, મહિલા કાર્યકર અને સિસોદિયાની ભૂતપૂર્વ સલાહકાર નિશા સિંહ – આ બધાં કાંતો જેલમાં છે અથવા ફોજદારી કેસોનો સામનો કરી રહ્યાં છે. આ સિવાય પણ કેટલાય આપીયા હજુ જેલમાં જવા ધક્કામુક્કી કરી રહ્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે, અપરાધ આ લોકોએ કર્યા છે, તેના ઉપર કાર્યવાહી પોલીસ અને ન્યાયતંત્ર દ્વારા થઈ રહી છે અને છતાં લાજવાને બદલે ગાજે છે અને આંગળીઓ મોદી તરફ ચીંધે છે.

આ સ્થિતિમાં પ્રશ્ન એ છે કે પોતાના પક્ષમાં, પોતાના નેતૃત્વ નીચે, પોતાની નજર સામે જે કંઈ થઈ રહ્યું છે એ માટે કેજરીવાલ પોતે જવાબદાર ગણાય કે નહીં? ભાજપનો એકાદ સામાન્ય કાર્યકર અથવા ક્યારેક કોઈ નેતા કે મંત્રી કોઈ કાંડમાં ફસાય ત્યારે છાપરે ચડીને મોદીને જવાબદાર ઠેરવતા મીડિયા સહિતનાં તત્વો કેજરીવાલના ભ્રષ્ટાચારીઓ અને અપરાધીઓની ઉપર જણાવેલી આખી યાદી જાણે છે તેમ છતાં કેજરીવાલને બચાવવા હરીફાઈ કરે છે! કહાં સે લાતે હૈ ઐસા કમિનાપન?

આમ તો ગયા અઠવાડિયે આ સ્થળે મેં લખ્યું હતું કે, કેજરીવાલ એ હદે નીચલા સ્તરની વ્યક્તિ છે કે એના વિશે લખીને આ અખબારની મોંઘી જગ્યા બગાડવી જોઇએ નહીં, પરંતુ ત્યારે દિલ્હીના આ નટવરલાલને સીબીઆઈનું તેડું આવ્યું નહોતું. સીબીઆઈ છેલ્લા ઘણા મહિનાથી કેજરીવાલના નાક નીચે બનેલી નવી શરાબ નીતિના ભ્રષ્ટાચારનું પગેરું દાબી રહી છે. આ નીતિ બનાવનાર સિસોદિયા સહિત આખી ટોળકીએ એ દરમિયાન અગણિત ફોન બદલ્યા હતા અને અસંખ્ય ફોનનો નાશ કર્યો હતો જેથી પુરાવા મીટાવી શકાય. કેજરીવાલના નાક નીચે સિસોદિયા એન્ડ કંપનીએ શરાબ માફિયાનો લાભ કરાવવા એક્સાઇઝ નીતિમાં ફેરફાર કર્યા હતા એ વાત આ કેસમાં અગાઉ પકડાયેલા આરોપીઓએ કબુલી લીધેલી છે અને તેમછતાં બેશરમીની તમામ હદ વટાવીને કેજરીવાલ-મંડળી અને મીડિયામાં રહેલી તેની ઈકોસિસ્ટમ કાયદાકીય અને ન્યાયિક પ્રક્રિયા બદલ મોદીને જવાબદાર ઠેરવે છે એ પણ વિધિની વક્રતા જ ગણાય ને!

ખેર, ન્યાય તોળવાનું કામ આપણું નથી. બદમાશ મીડિયાકર્મીઓ અને ડાબેરી-જેહાદી ગેંગના લોકો ટીવીમાં બેસીને, અખબારોમાં લખીને, વિદેશી એજન્સીઓની મદદ લઇને રાષ્ટ્રવાદીઓ ઉપર કાદવ ઉછાળવાનું કામ કરી શકે, પરંતુ આપણા જેવા સમજદાર લોકોને એ ન શોભે. આપણે માત્ર ઉપલબ્ધ પુરાવાને આધારે બોલી શકીએ અને છેવટનો નિર્ણય ન્યાયતંત્ર ઉપર છોડી શકીએ. પણ એટલું નિશ્ચિત છે કે પોતાના જ ઘરના છાપખાનામાં, પોતાના જ માટે કટ્ટર ઇમાનદાર અને કટ્ટર પ્રામાણિક અને કટ્ટર રાષ્ટ્રવાદી જેવાં પાટિયાં ચિતરાવીને ભોળા લોકોને છેતરવાનો પ્રયાસ કરનાર ઠગો હવે પહાડ નીચે આવી રહ્યા છે. સીબીઆઈની કાર્યવાહી અને ન્યાયતંત્રના ચુકાદાની રાહ જોઈએ...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment