Sunday, April 2, 2023

ભારત કયા ત્રિભેટે ઊભો છે એ સમજાતું નથી

 


જેને જે બોલવું હોય તેની છૂટ છે છતાં બેફામ બોલનારા કહે છે ભારતમાં લોકશાહી  નથી. તહેવારોની શોભાયાત્રા પર પથ્થરમારો અને છૂરાબાજી કરનારા ટીવી પર આવીને કહે છેઃ અમને ડર લાગે છે!

 અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

દેશ કોઇક ભયાનક ત્રિભેટે આવીને ઊભો હોય એવું લાગે છે. તમામ નાગરિકો લોકશાહીનો અમર્યાદ લાભ અથવા ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને છતાં કોંગ્રેસીઓ અને ડાબેરીઓ ગળાં ફાડીફાડીને એ વાતનું રટણ કર્યા કરે છે કે દેશમાં લોકશાહી જોખમમાં છે. 1975માં કટોકટી લાદનાર ઈન્દિરા ગાંધીના પૌત્ર રાહુલ ગાંધી તો વળી એનાથી પણ આગળ વધીને વિદેશની ધરતી ઉપર જઇને લોકશાહીના નામે છાજિયાં લે છે. કોંગ્રેસ અદાલતની લડાઈ કાનૂની રીતે નહીં પરંતુ રાજકીય રીતે લડીને સ્પષ્ટપણે ન્યાયતંત્ર, પોલીસતંત્ર, વહીવટીતંત્ર તેમજ મીડિયાને પોતાની તરફેણમાં કરવા મથે છે. સંસદભવન જેવા પવિત્ર સ્થળે બૅનર લગાવીને કોંગ્રેસ કઈ લોકશાહીની વાત કરે છે એ સમજાતું નથી.

તો બીજી તરફ લગભગ દરેકે દરેક હિન્દુ તહેવારો સમયે હિન્દુઓ પર હુમલા થાય છે. ગુજરાતમાં નવરાત્રિ સમયે, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં રામનવમી સમયે, હનુમાન જયંતી સમયે પથ્થરમારો જાણે હવે કાયમી બની ગયો છે. દરેક તહેવાર પહેલાં અમુક વિસ્તારોમાં રહેતા હિન્દુઓને અને અમુક વિસ્તારમાંથી પસાર થવા માગતા હિન્દુઓને હંમેશાં પથ્થરમારાનો અથવા સ્ટેબિંગ થઈ જવાનો ડર રહેતો હોય છે. અને આઘાતજનક વાત એ છે કે આ રીતે સૌને ડરાવનારા લોકો ટીવી પર આવીને પોતાને જ ડરેલી પ્રજા ગણાવે છે? વળી આ પ્રજાને પશ્ચિમ બંગાળમાં મમતાબાનુનો, તમિલનાડુમાં સ્ટાલિનનો, તેલંગણામાં કેસીઆરનો, કેરળમાં ડાબેરી ગેંગનો ટેકો પણ મળી રહે છે! આ દરેકના પ્રવક્તા રોજેરોજ લઘુમતી ખુશામતનો જાણે દુનિયાનો સર્વોચ્ચ પુરસ્કાર લેવાનો હોય એ રીતે એમના બચાવમાં ઊતરી પડે છે. જેહાદી માનસિકતાનો કોણ વધારે બચાવ કરી શકે છે એની જાણે એક પ્રકારે સ્પર્ધા જામી છે. આ શ્રેણીમાં સ્થાન મેળવવા મીડિયાના બદમાશ પત્રકારો, તંત્રીઓ, લેખકો અને રાજકીય વિશ્લેષકો પણ પાછળ રહેવા નથી માગતા.

તો ત્રીજી તરફ કેજરીવાલ નામનું તળિયા વિનાનું પ્રાણી એના પોતાનાં અને તેની ટોળકીનાં પાપ સંતાડવા નિતનવાં ગતકડાં કરે છે. ભૂતકાળમાં રાજકારણીઓ ઉપર જાહેરમાં આક્ષેપો કરીને બદનક્ષીના દાવામાં ફસાઈ ચૂકેલા દિલ્હીના આ નટવરલાલ હવે નવું શીખ્યા છે. નરેન્દ્ર મોદી વિરુદ્ધ બેફામ બોલવા માટે કેજરી-લાલ દિલ્હી વિધાનસભા ગૃહનો ઉપયોગ કરે છે. એ જાણે છે કે વિધાનસભા ગૃહ અથવા સંસદની અંદર જે કંઈ બોલવામાં આવે તેની સામે બદનક્ષી સહિત કોઈ કેસ થઈ શકતા નથી. આમછતાં આ તળિયા વિનાના નટવરલાલને કમતિ સૂઝી અને તેણે નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે જ (31-3-23) ફેકરીવાલની અરજી ફગાવી દીધી એટલું જ નહીં પરંતુ તેને આવી બેહૂદી અરજી દાખલ કરવા બદલ રૂપિયા 25,000 નો દંડ પણ કર્યો. ફેકરીવાલના હવે વળતા પાણી છે. એકાએક હવામાં ઉડેલો ફુગ્ગો ગમેત્યારે ફૂટી જવાનો છે એમાં શંકા રાખવાની જરૂર નથી. હકીકતે એના વિશે વાત કરીને અહીં અખબારની આટલી મોંઘી જગ્યા બગાડવી એ પણ યોગ્ય નથી.

આ તરફ ભાજપમાં પણ કંઈ બધાં સારાંવાનાં નથી. કર્ણાટકમાં ભાજપના એક ધારાસભ્યના પુત્રને ત્યાંથી કરોડોની બેનામી રકમ પકડાઈ છે. કર્ણાટકની બસવરાજ બોમ્મઈની સરકાર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે. ભાજપની બીજા કોઈ રાજ્યની સરકાર ઉપર ભ્રષ્ટાચારના આવા આક્ષેપ નથી. પણ કર્ણાટકમાંથી આ બાબતે આવતા વાવડ સારા નથી જ. તો હમણાં ત્રણેક દિવસ પહેલાં ત્રિપુરા વિધાનસભામાંથી અત્યંત શરમજનક સમાચાર આવ્યા. ભાજપના એક ધારાસભ્ય વિધાનસભાની ચાલુ કાર્યવાહી દરમિયાન પોતાના મોબાઇલમાં પોર્ન વીડિયો જોતા હોવાનો એક વીડિયો વાયરલ થયો. ત્રિપુરામાં હજુ ગયા મહિને (અર્થાત માર્ચમાં) જ નવી સરકારની રચના થઈ છે અને ભાજપના એક ધારાસભ્યે પક્ષને કાળી ટીલી લગાવી દીધી છે. અલબત્ત, ભાજપ જેવા સૌથી વિશાળ રાજકીય પક્ષના સંદર્ભમાં આવા એકલ-દોકલ કિસ્સા નગણ્ય ગણી શકાય, તેમછતાં ટુણિયાટ વિપક્ષી રાજકારણીઓ અને વેંતિયા મીડિયાને મુદ્દો મળી ગયો છે તેનો ઇનકાર થઈ શકે નહીં.

વિપક્ષોના આ તમામ પ્રકારના હવાતિયાંથી એટલું સ્પષ્ટ છે કે લોકસભાની 2024ની ચૂંટણી સુધીમાં દેશનું વાતાવરણ અસાધારણ રીતે કલુષિત થશે. સામાન્ય નાગરિકોને પણ ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર શંકા થવા લાગે એ હદે આક્ષેપબાજી અને આંદોલનો થઈ રહ્યાં છે. ચૂંટણીના મેદાનમાં નરેન્દ્ર મોદીને હરાવી શકવા સમર્થ નથી એવા તમામ લોકો દેશની બંધારણીય સંસ્થાઓ ઉપર બેફામ આક્ષેપબાજી કરીને વાતાવરણ ડહોળી રહ્યા છે.

દેશની જે પ્રજા ક્રિટિકલ એનાલિસીસ કરવા સમર્થ નથી તેઓ આ તમામ સ્થિતિથી ગુંચવાડો અનુભવે એ સ્વાભાવિક છે. અને એટલે જ દેશ હાલ અનિશ્ચિતતાના ત્રિભેટે હોય એવું લાગે છે. ક્યારે કઈ દિશા પકડાશે એ નિશ્ચિત નથી. શું તમને કોઈ સ્પષ્ટ દિશા કે માર્ગ દેખાય છે? વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment