Sunday, April 30, 2023

પશ્ચિમ બંગાળ સળગે છે છતાં રાષ્ટ્રપતિ શાસન કેમ નહીં?

 


જે રાજ્યમાં વારંવાર હિંસા થતી હોય, નિર્દોષ નાગરિકો જીવ ગુમાવતા હોય તો ત્યાં પગલાં લેવા બંધારણ પણ અધિકાર આપે છે, તો પછી કેન્દ્ર સરકાર એ અધિકારનો ઉપયોગ કેમ નથી કરતી?

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 બંગાળ, કેરળ, તમિલનાડુ, તેલંગણા અને પંજાબ જેવાં રાજ્યોમાં હિંસા અટકતી નથી. હિંસામાં મોટેભાગે નિર્દોષ નાગરિકો ભોગ બને છે. આ રાજ્યોમાં બિન-ભાજપ, બિન-કોંગ્રેસ સરકારો છે. આ રાજ્ય સરકારો છડેચૉક હિન્દુઓનું દમન કરે છે. સરકાર રાજ્યની હોય કે કેન્દ્રની- તેના માટે દરેક નાગરિક, દરેક ધર્મ-સંપ્રદાય, દરેક સમુદાય એક સમાન હોવા જોઇએ. લોકશાહી દેશની સરકારોની એ જ બંધારણીય ફરજ છે. અને છતાં ભાજપ સિવાયના લગભગ તમામ રાષ્ટ્રીય સ્તરના અને રાજ્ય સ્તરના રાજકીય પક્ષો લઘુમતી તુષ્ટિકરણની તમામ હદ વટાવી દઇને હિન્દુઓ પ્રત્યે અન્યાય કરે છે એ દીવા જેવી ચોખ્ખી વાત છે.

ઉપર કહ્યાં એ રાજ્યોમાં હિન્દુઓ માટે તેમના તહેવાર ઉજવવાનું હવે લગભગ અશક્ય બની રહ્યું છે. હિન્દુઓએ તેમના તહેવાર ઉજવવા હોય તો અનેક પ્રકારની પરવાનગી લેવી પડે છે અને એ પછી પણ અમુક મર્યાદિત વિસ્તારોમાં ઉજવણી કરી શકાય છે, અન્ય વિસ્તારોમાંથી પસાર પણ નથી થઈ શકાતું. આ સ્થિતિ માટે આમ તો સીધેસીધા જે તે રાજ્યના હિન્દુ મતદારો જ જવાબદાર છે જેઓ હિન્દુ-વિરોધી રાજકીય પક્ષોને સત્તા સોંપે છે અથવા કહો કે 100 ટકા મતદાન કરવા બહાર નીકળતા નથી જેને કારણે રાષ્ટ્ર-વિરોધી અને સનાતન-વિરોધી તત્વોના મતના સહારે આવા પક્ષોને સત્તા મળી જાય છે. અને પછી એવા શાસકો દ્વારા, એવા શાસકોની પોલીસ દ્વારા દમન થાય ત્યારે મતદાન વખતે બહાર નહીં નીકળેલા એ જ હિન્દુઓ મોદી અને ભાજપ અને સંઘ અને વિહિંપ સામે રોષ વ્યક્ત કરે છે કે અમને મદદ નથી કરતા?!

ખેર, આજે મુદ્દો પશ્ચિમ બંગાળનો છે. ગત રામનવમીના દિવસથી બંગાળ ફરી એક વખત સળગી રહ્યું છે. કટ્ટરવાદીઓ દ્વારા હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. હિન્દુ મહિલાઓનું સ્વમાન લૂંટાઈ રહ્યું છે. હિન્દુઓએ તેમના વિસ્તારો ખાલી કરવા પડી રહ્યા છે. અનેક હિન્દુઓની હત્યા થઈ રહી છે અને તેમાં ભાજપ અને સંઘના કાર્યકરો મુખ્ય નિશાન ઉપર છે કેમ કે એ લોકો જ હિન્દુઓના હિતમાં બોલે છે. થોડા દિવસની શાંતિ પછી છેલ્લા એક અઠવાડિયામાં ફરી હિંસા ભડકી છે કેમ કે એક હિન્દુ કિશોરી ઉપર દુષ્કર્મ થયું અને તેની હત્યા કરી નાખવામાં આવી. તે ઉપરાંત ભાજપના એક નેતાની પણ હત્યા થઈ.

આ જ અઠવાડિયે બીજી એક ઘટના એ બની કે, પશ્ચિમ બંગાળ ભાજપની અરજીને ધ્યાનમાં લઇને રામનવમીના તહેવાર દરમિયાન હિન્દુઓ ઉપર થયેલા ઘાતકી હુમલાની તપાસ કલકત્તા હાઇકોર્ટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવાનો આદેશ આપી દીધો છે. મમતાબાનુના દબાણમાં કામ કરતી પશ્ચિમ બંગાળ પોલીસ રામનવમીએ કટ્ટરવાદી હિંસાનો ભોગ બનેલા હિન્દુઓને ન્યાય નહીં આપી શકે એવું સ્પષ્ટ થયા બાદ એ તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપવા આદેશ થયો છે.

હવે ખરો મુદ્દો અહીં આવે છે. જો પશ્ચિમ બંગાળમાં આટલી ગંભીર સ્થિતિ છે તો પછી કેન્દ્ર સરકાર ત્યાં રાષ્ટ્રપતિ શાસન કેમ લાદતી નથી? વિરોધી સરકારો ઉપર બંધારણીય જોગવાઈનો ઉપયોગ નહીં કરીને કેન્દ્ર સરકાર લોકશાહીનો ધ્વજ તો ફરકતો રાખી શકે, પરંતુ તેની સામે રોજેરોજ નિર્દોષ હિન્દુઓ, ખાસ કરીને ભાજપ-સંઘના કાર્યકરોનો ભોગ લેવાય છે એનું શું? સંઘર્ષમાં બલિદાન આવશ્યક છે એ વાત સાચી. એ રીતે જ એક દિવસ અનિષ્ટ ઉપર વિજય મેળવી શકાય એ પણ ખરું. પરંતુ બંગાળ તો છેક 1946થી (ખરેખર તો તેના ઘણા સમય પહેલાંથી) કટ્ટરવાદી હિંસા સહન કરતું આવ્યું છે. પ્રારંભમાં કોંગ્રેસના શાસન દરમિયાન, ત્યારબાદ ડાબેરીઓના 30 વર્ષના શાસન દરમિયાન અને હવે દસ વર્ષથી મમતાબાનુના શાસનમાં હિન્દુઓ પીડાતા, કચડાતા, વહેરાતા રહ્યા છે- તો પછી એવા રાજ્યને માત્ર રાજકીય રીતે, લોકશાહી ચૂંટણી પ્રક્રિયાથી જ જીતવું એવો દુરાગ્રહ કેટલે અંશે વાજબી છે એ વિચારવું રહ્યું. આવી રાહ જોવામાં વસ્તીનું સંતુલન સદંતર ખોરવાઈ જશે તો ભાજપ કદી સત્તા નહીં મેળવી શકે એટલું સામાન્ય સત્ય કેમ નહીં સમજાતું હોય?

મોદીના રાજકારણને ગહન રીતે જાણનાર લોકોનો દાવો છે કે, તેઓ માત્ર ચૂંટણી દ્વારા જ વિરોધીઓને હરાવવા માગે છે... એ શ્રેષ્ઠ રસ્તો છે તેમાં કોઈ શંકા નથી, પણ‌ ત્યાં સુધીમાં સેંકડો હિન્દુ કાર્યકરો જીવ ગુમાવી દેશે એનું શું?

એક દલીલ એવી પણ છે કે, કલમ‌ ૩૫૬નો ઉપયોગ કરવાથી વિરોધીઓ વિક્ટિમ કાર્ડ રમશે અને સત્તા પર પરત ફરશે... પણ તો સામે એવી પણ શક્યતા ખરી ને કે, રાષ્ટ્રપતિ શાસન દરમિયાન સુશાસન અને ન્યાયના શાસનથી પ્રભાવિત થઈને ચૂંટણીમાં મતદારો ભાજપને બહુમતી આપે! પ્રશ્ન એ છે કે, કયો રસ્તો ઓછો જોખમી છેવિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment