Sunday, April 23, 2023

કાશ્મીર ખીણમાં આતંકવાદ એક વિચારધારા છે

  


કલમ 370 નાબૂદ થઈ પરિણામે ભારતના અન્ય રાજ્યોમાંથી લાખો લોકો ઉત્સાહભેર કાશ્મીરની મુલાકાત લે છે, કાશ્મીરીઓ ચિક્કાર કમાણી કરી રહ્યા છે, પરંતુ આતંકી માનસિકતા દૂર થતી નથી. જાણો છો કેમ?

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ફરી આતંકી હુમલો થયો, ફરી આપણા વીર જવાનો વીરગતિ પામ્યા. સૈન્ય જવાનોનું વાહન પસાર થઈ રહ્યું હતું અને આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો અને વાહનમાં આગ લાગી ગઈ. મા ભારતીએ પાંચ સપૂત ગુમાવી દીધા. દરેકે પોતપોતાની રીતે વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. હુમલાની તપાસ થશે. કદાચ તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં કાંતો આતંકીઓ પકડાઈ ગયા હશે અથવા એમને ઠાર કરી દેવામાં આવ્યા હશે. કદાચ એવું કશું ન પણ થયું હોય. હજુ એ આતંકીઓની શોધ ચાલુ હોય.

હકીકતે એ આતંકીઓ ત્યાં આસપાસ જ છે. સૌની નજર સામે છે. બધાની સાથે બેસીને એ આતંકીઓ પણ ખોટાંખોટાં આંસુ સારે છે. અને ભોળો દેશ આવા લોકોના ખોટા આંસુને સાચા માનીને એમની સાથે જ બેસે છે, એમનાં જ છાલિયાં ભરે છે.

પૂંચમાં લશ્કરી વાહન ઉપર હુમલાની ઘટના કેવી રીતે થઈ હશે એ હું અહીં ગુજરાતમાં બેઠા બરાબર સમજી શકું છું કેમ કે હજુ ફેબ્રુઆરી 2023માં જ મેં સરેરાશ કાશ્મીરીઓની માનસિકતાને બહુ નજીકથી જોઈ છે. સૈન્ય જવાનોની ટ્રક એકલી જતી હશે ત્યારે સામાન્ય કાશ્મીરીઓએ જ તે જોઈ હશે. તેમની જ વચ્ચે આતંકી માનસિકતા ધરાવતો કોઈ એક કાશ્મીરી બેઠો હશે. તેણે જ અન્ય સ્થળે બેઠેલા આતંકીઓને આ બાતમી આપી હશે. આ બધું કરતી વખતે તેણે જે હિલચાલ કરી હશે એ અન્ય કહેવાતા સામાન્ય-ભોળા કાશ્મીરીઓએ જોઈ જ હશે, પરંતુ એ લોકોએ સીઆરપીએફને અથવા સૈન્યને બાતમી આપવાની દરકાર નહીં કરી હોય. શા માટે દરકાર કરે? એમનો જ એક ભાઈ ભારતીય સૈન્ય જવાનોને મારવાની તૈયારી કરી રહ્યો છે તો પછી ભલે એ કરતો. મારે તો મારા ધર્મના ભાઈ વિરુદ્ધ કશું જ બોલાય નહીં, પછી ભલે ને એ આતંકી હુમલો કરે, મારે શું? – હા, આ જ માનસિકતા 100માંથી 99 કાશ્મીરીઓમાં છે એ હકીકત છે.

ભલા-ભોળા લાગતા કાશ્મીરી નાગરિકો, વેપારીઓ, ઘોડાવાળા, ટેક્સીવાળા, ટૂર આયોજકો બધા જ ઊંડેઊંડે ભારત પ્રત્યે, ભારતીય સૈન્ય પ્રત્યે ભારોભાર નફરત ધરાવે છે. આ ભલાભોળા લાગતા કાશ્મીરીઓ પ્રવાસીઓને કશું નુકસાન નથી કરતા કેમ કે એ જાણે છે કે પ્રવાસીઓ તો બે-પાંચ-પંદર દિવસ રહીને ચાલ્યા જશે અને આપણને લાખો રૂપિયા આપીને જશે.

પણ એ જ કહેવાતા ભલાભોળા કાશ્મીરીઓ ભારતીય સૈન્યના જવાનોને આતંકવાદી હુમલાથી બચાવવા માટે કશું જ કરતા નથી - આ હકીકત દરેકે સ્વીકારવી જ પડશે. એવું કહેવાનો જરાય આશય નથી કે, આપણા વીર જવાનો પોતાનું રક્ષણ કરવા સમર્થ નથી. એ તો સમર્થ છે જ અને એટલે જ પાકિસ્તાન અને ચીન જેવા ઘાતકી પાડોશીઓ પણ ભારતીય સૈન્યથી દૂર રહે છે. મુદ્દો એ છે કે, આતંકીઓ એકલ-દોકલ સૈન્ય જવાનોની હત્યા કરી નાખે છે, અથવા ભારતીય સૈન્યના એકલદોકલ વાહનોને નિશાન બનાવે છે. અને આવું કરનાર આતંકીઓ અન્ય સામાન્ય કાશ્મીરીઓની વચ્ચે જ બેઠેલા હોય છે. હુમલા કરનાર આતંકીઓ તો મુઠ્ઠીભર છે...પરંતુ તેમને આશ્રય આપનારા અથવા તેમની પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરનારા એ જ સામાન્ય કાશ્મીરીઓ છે જે આપણી સાથે સારો વ્યવહાર રાખીને આપણને લૂંટે છે. હકીકતે સામાન્ય કાશ્મીરીઓ જો ખરેખર સાચા દિલના હોત અને ખરેખર આતંકને નફરત કરતો હોત તો આતંકવાદીઓ એક દિવસ પણ ટકી ન શકે. આતંકવાદીઓને પકડાવી દેવાનું અથવા તેમની બાતમી સીઆરપીએફ અથવા ભારતીય સૈન્યને આપવાનું જરાય મુશ્કેલ નથી, પણ સાચી વાત એ છે કે, કાશ્મીરીઓની એ દાનત જ નથી.

આતંકવાદ એક માનસિકતા છે. આતંકવાદ એક વિચારધારા છે. એ નેસ્તનાબૂદ થાય એ શક્ય નથી. એ ગળથૂથીમાં આવે છે. ભલાભોળા દેખાતા લોકો, સારું વર્તન કરતા લોકો પણ તેમનાં મનના ઊંડાણમાં આતંકી માનસિકતા ધરાવતા હોય એ શક્યતા નહીં પરંતુ હકીકત છે.

મેં હજુ ગત 26 માર્ચે આ જ સ્થળે લખ્યું હતું કે, ... કાશ્મીરનો સરેરાશ સ્થાનિક નાગરિક ભોળો લાગે છે. તેને પ્રવાસીઓ પાસેથી પૈસા લેવા સિવાય બીજી કોઈ લપ્પન-છપ્પન હોતી નથી. એ તમને માત્ર એવી જગ્યાએ જ લઈ જાય છે જ્યાં તેનું પોતાનું હિત સધાતું હોય. કલમ 370 અને 35A હટી તે પહેલાં જે ભય અને આશંકાનું વાતાવરણ હતું તે હવે નથી, પરંતુ તેમ છતાં તેમના માટે દેશના અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓની કીમત ATM મશીનથી વિશેષ કશી જ નથી.

એ લેખમાં મેં આગળ એમ પણ લખ્યું હતું કે, ... એવું સ્પષ્ટ અનુભવી શકાય કે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં જે સત્ય દર્શાવવામાં આવ્યું છે તેને ખોટું પાડવા માટે કાશ્મીરી ટૂર આયોજકો અને હોટેલવાળા અને ઘોડાવાળા અને ટેક્સીવાળા આપણી સાથે સારો વ્યવહાર કરે છે. તેમની નજર માત્ર આપણા ખિસ્સા ઉપર છે, આપણી ભાવનાઓ કે લાગણી ઉપર નહીં. આપણી મુર્ખામીભરી ભાવુકતા આપણા ખિસ્સા ખાલી કરાવે છે તથા અન્યના ખિસ્સા ભર્યા કરે છે, અને છેવટે કાશ્મીર ફાઇલ્સમાં બતાવવામાં આવ્યું છે તેમ- આપણી પાસે માત્ર આંસુ સિવાય કશું નહીં રહે... શું હજુ પણ આપણે થોડાં વૃક્ષો અને થોડો બરફ જોવાની લાલચમાં આતંકવાદીનું પાલન-પોષણ કરતા અથવા આતંકવાદીઓની પ્રવૃત્તિઓ સામે આંખઆડા કાન કરતા કહેવાતા સામાન્ય કાશ્મીરી ભાઈઓ માટે ચારો બનતા રહીશું? વિચારો. ...મિલતે હૈ બ્રેક કે બાદ!

2 comments:

  1. વિચાર કરવો પડે એવી હકીકત...
    હમણાં જ કાશ્મીર જઈ આવ્યા..એટલે વધુ તો શું કહી શકાય?

    ReplyDelete
  2. વિચાર કરવો પડે એવી હકીકત..

    ReplyDelete