Saturday, April 13, 2019

રાફેલમાં ભ્રષ્ટાચાર થયો કે નહીં એ કોર્ટથી નક્કી થાય?


રાફેલમાં ભ્રષ્ટાચાર થયો કે નહીં એ કોર્ટથી નક્કી થાય?

--- સામાન્ય રીતે અદાલતી પ્રક્રિયા તો પોલીસ કે સીબીઆઈ કે એનઆઈએ-માં કેસની નોંધણી પછી શરૂ થાય...પણ રાફેલ કેસ ઊંધી દિશામાં શા માટે ચાલી રહ્યો છે? છતાં કેસ ચાલે છે..તો કથિત ભ્રષ્ટાચારના પુરાવા ક્યાં છે-કોણ આપશે?

-- અલકેશ પટેલ

ભારતીય લોકશાહીમાં સામાન્ય પ્રક્રિયા એવી રહી છે કે પોલીસતંત્રના સ્તરે કોઈ કેસ નોંધાય પછી તેમાં ફરિયાદી કે આરોપી બેમાંથી કોણ સાચું છે, કોણ ખોટું છે તેનો નિર્ણય અદાલતી પ્રક્રિયા દ્વારા થતો હોય છે. હા, એ ખરું કે ક્યારેક કેટલાક કારણસર નાગરિકો સીધી અદાલતમાં અરજી કરીને પોતાના કેસ માટે ન્યાય માગી શકે છે. છતાં એ સંજોગોમાં પણ અદાલત પોલીસતંત્રને આદેશ આપીને કેસની નોંધણી કરવા જણાવતી હોય છે અને પછી કેસ આગળ ચાલતો હોય છે.
તો પછી રાફેલ કેસમાં આ શું થઈ રહ્યું છે?
રાફેલ કેસ ભ્રષ્ટાચારના કેસને બદલે હાલ તો રાજકીય કેસ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ વિષય ઉપર અનેક સ્તરે, અનેક મંચ ઉપર પુષ્કળ ચર્ચા થયેલી છે એટલે તેની વિગતોમાં પડવાને બદલે આજના સંદર્ભમાં કેટલીક વાત કરીએ.
સુપ્રીમ કોર્ટ ફરીથી કેસ ચલાવે એમાં કશું ખોટું નથીઃ-
સુપ્રીમ કોર્ટે આજે (10-04-2019) રાફેલ કેસ ફરી ચલાવવાની તૈયારી દર્શાવી. પરંતુ કોંગ્રેસના નેતાઓ એવી રીતે પ્રતિભાવો આપી રહ્યા છે જાણે કોર્ટે મોદી સરકારને દોષિત માની લીધી..! ખેર, રાજકીય મજબૂરીને કારણે કોંગ્રેસ આવું કરે છે એ સૌ જાણીએ છીએ. પરંતુ અનેક લોકોના મનમાં સવાલ હશે કે સુપ્રીમ કોર્ટે અગાઉ ચુકાદો આપી દીધો છે તો પછી ફરી શા માટે કેસ ચલાવવા તૈયાર થઈ છે? સુપ્રીમ કોર્ટે 2018ની 14 ડિસેમ્બરે આ કેસમાં ચુકાદો આપતાં સ્પષ્ટતા કરી જ હતી કે (1) સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાતું નથી, (2) સોદાના એક પણ મુદ્દામાં કશું વાંધાજનક લાગતું નથી, (3) ડીલ કરવાની પ્રક્રિયા સાથે અદાલતને કોઈ લેવાદેવા નથી, (4) કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માગણી પણ સ્વીકારવામાં નથી આવતી.
હવે મુદ્દો એ છે કે 14 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે સરકારે બંધ કવરમાં આપેલી વિગતો ચકાસ્યા પછી જ ક્લિનચીટ આપી હતી, તેમ છતાં હવે અરુણ શૌરી, પ્રશાંત ભૂષણ અને યશવંત સિંહાની રિવ્યૂ પિટિશન ઉપર ફરી કેસ ચલાવવા તૈયાર છે. આ વખતે દેખીતી રીતે દક્ષિણ ભારતના એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ બાદ આખો કેસ ફરી ચગ્યો છે. સરકાર વતી એટર્ની જનરલે ત્યારે પહેલાં એવું કહ્યું કે, કેસના દસ્તાવેજો ચોરી થયા છે, અને પછી બીજા દિવસે એવો ખુલાસો કર્યો હતો કે દસ્તાવેજોની ફૉટો-કૉપીને આધારે અહેવાલ પ્રકાશિત થયો છે.
અખબાર પાસે આવેલા એ દસ્તાવેજોને આધારે ભ્રષ્ટાચાર પુરવાર થાય?
ના, માત્ર એક અખબાર પાસે આવા કોઈ કથિત દસ્તાવેજની ફૉટોકૉપી હોય તેનાથી ભ્રષ્ટાચાર પુરવાર ન થાય. તેમાં પણ આ કેસમાં એટલા માટે ભ્રષ્ટચાર પુરવાર નથી થતો કે અખબારે તે સમયના સુરક્ષા સચિવની નોંધને મુદ્દો બનાવ્યો હતો. પણ અહેવાલ પ્રકાશિત થયો એ જ દિવસે સંરક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ રાજીવ વર્માએ સ્પષ્ટતા પણ કરી દીધી હતી કે ડીલ થતી હતી તે સમયે તેમનો વાંધો કિંમતને લગતો હતો જ નહીં.
ફાઇલો ઉપરના નોટિંગ્સમાં ભ્રષ્ટાચારની નોંધ હોય?
ના જ હોય ને..! ફાઇલો પરના નોટિંગ્સમાં ભ્રષ્ટાચારની નોંધ ન હોય એ વાત કોણ – કોને સમજાવે? ત્યાં જે કોઈ નોંધ હોય તે દેખીતી રીતે ડીલની પ્રક્રિયાને લગતી હોય. અને એ નોંધમાં કોઈ અધિકારી અથવા કોઈ મંત્રીએ નારાજગીની નોંધ કરી હોય તેનાથી પણ શું ભ્રષ્ટાચાર પુરવાર થાય?
રહી વાત સીએજી (CAG) રિપોર્ટની. તો જે દિવસે કૅગનો અહેવાલ આવ્યો એ દિવસે પણ અનેક મીડિયા ચૅનલોએ તેનું વિશ્લેષણ કરીને ખુલાસા કર્યા હતા કે, છેવટે સીએજી (કૅગ) પણ રાફેલ સોદામાં ભ્રષ્ટાચાર સામે આંગળી ચીંધી શકી નથી.
અનેક વખત એ વાતની પણ સ્પષ્ટતા થયેલી છે કે કુલ સોદો રૂ. 58,000 કરોડનો છે. તેમ છતાં રાહુલ ગાંધી લગભગ દરરોજ એક વાત કહ્યા કરે છે કે, નરેન્દ્ર મોદીએ રાફેલ સોદામાંથી રૂ. 30,000 કરોડ ઉપાડીને અનિલ અંબાણીને આપી દીધા. આ જ વાત તેમણે આજે પણ દોહરાવી. રૂ. 58,000 કરોડમાંથી રૂ. 30,000 કરોડ અંબાણીને આપી દીધા હોય તો શું રાફેલનો સોદો માત્ર રૂ. 28,000 કરોડનો છે? કહેતા ભી દીવાના...સુનતા ભી દીવાના?

કોના લાભ માટે મુદ્દો ઉપાડવામાં આવે છે?
કોંગ્રેસને એવું લાગે છે કે પોતે આ મુદ્દાનું પૂંછડું પકડી રાખશે તો તેને રાજકીય લાભ થઈ શકે તેમ છે. પરંતુ તે એ ભૂલી જાય છે કે નરેન્દ્ર મોદી કે તેમની સરકાર ભ્રષ્ટાચાર કરે એવી વાત હાલ તો કોઈ સ્વીકારશે નહીં. તેનું કારણ સ્પષ્ટ છે. મોદીએ 12 વર્ષ ગુજરાતમાં શાસન કર્યું છતાં તેમના ઉપર અંગત કે તેમની સરકારના કોઈ પ્રધાન ઉપર એવા કોઈ ગંભીર ભ્રષ્ટાચારના કેસ આવ્યા જ નથી. તેથી દેશને એ બાબતે તો વિશ્વાસ છે.
સાથે પ્રજાને એવો પ્રશ્ન પણ થઈ રહ્યો છે કે તો પછી રાહુલ ગાંધી અને કોંગ્રેસ કેમ આ મુદ્દે આટલો હોબાળો કર્યા કરે છે..! શક્ય છે તેનું કારણ કોઈ હરીફ શસ્ત્ર કંપનીનું હિત સમાયેલું હોય. સંરક્ષણ સોદા હંમેશાં હજારો કરોડોના હોય છે અને એ મેળવવા કંપનીઓ તમામ પ્રયાસ કરતી હોય છે. જો પોતાને કોઈ સોદો મળે એમ નથી એવું કોઈ કંપનીને લાગે તો વિરોધી કંપની અથવા એ સોદો કરનાર સરકાર કે રાજકારણીઓ વિરુદ્ધ અપપ્રચાર કરવાનું પણ સંરક્ષણ કંપનીઓ ચૂકતી નથી. આ કેસમાં કેટલીક અમેરિકી સંરક્ષણ કંપનીઓ સામે શંકા કરવાને આપણી પાસે કારણ છે. પરંતુ હવે આ કેસ ફરીથી સબ-જ્યુડિસ થઈ ગયો હોવાથી ચુકાદાની રાહ જોવી જોઇએ.
છતાં, એટલું નિશ્ચિત છે કે, મોદી સરકારના શાસન હેઠળ આવો કોઈ ભ્રષ્ટાચાર શક્ય નથી. સોદાની એક શરત પ્રમાણે ફ્રેન્ચ કંપની દસોંએ રિલાયન્સ સહિત ભારતીય કંપનીઓને ઑફસેટ કોન્ટ્રેક્ટ આપ્યો હોય તો પણ તેમાં મોદી સરકારની સીધી સંડોવણી પુરવાર થવાની નથી કેમ કે સોદો ભારત સરકાર અને ફ્રાન્સની સરકાર વચ્ચે થયો હતો.

No comments:

Post a Comment