Wednesday, April 17, 2019

ભોળા મુસ્લિમ મતદારો અને બદમાશ રાજકારણ


ભોળા મુસ્લિમ મતદારો અને બદમાશ રાજકારણ

--- ચોખ્ખી હાર ભાળી ગયેલા રાજકીય પક્ષો અને તેમને કહેવાતા સ્ટાર પ્રચારકો છેલ્લા અઠવાડિયાથી મુસ્લિમ નામની માળા જપવા લાગ્યા છે. માત્ર 15 ટકા મુસ્લિમ વસ્તી માટે કોંગ્રેસ તથા કોંગ્રેસી કૂળના રાજકીય પક્ષો જો આ હદે નીચે ઊતરે...તો ચિંતા કોને થવી જોઇએ?

-- અલકેશ પટેલ
એ સમજવાનું મુશ્કેલ થઈ રહ્યું છે કે, આ દેશ 90 કરોડ હિન્દુઓ સહિત 125 કરોડ ભારતીયોનો છે...કે પછી 20-25 કરોડ મુસ્લિમોનો?
એ સમજવાનું મુશ્કેલ થઈ રહ્યું છે કે, 2019ની લોકસભા ચૂંટણી હિન્દુઓ સહિત તમામ નાગરિકો માટે થઈ રહી છે કે પછી માત્ર મુસ્લિમો માટે?
કદાચ ખૂબ મોટી સંખ્યામાં ભોળા મુસ્લિમો પણ મુંઝવણમાં હશે કે, એકાએક તેમની બોલબાલા કેમ વધી ગઈ? પરંતુ મુઠ્ઠીભર બદમાશો સારી રીતે જાણે છે કે ભોળા મુસ્લિમો સાથે કોણ અને કેવી રીતે રમત કરી રહ્યા છે?
છેલ્લા એકાદ અઠવાડિયાથી માયાવતી, અસઉદ્દીન ઓવૈસી, અકબરુદ્દીન ઓવૈસી, મમતા બેનરજી, ચંદ્રબાબુ નાયડુ, આઝમ ખાન, નવજોતસિંહ સિદ્ધુ – આ બધા http://mediaanalysis.in/minority-appeasement-politics-in-bharat/ જે રીતે મુસ્લિમ-મુસ્લિમની માળા જપવા લાગ્યા છે તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ બધાએ દીવાલ ઉપરનું લખાણ વાંચી લીધું છે...તેમની હાર થવાની છે એ વાતનો તેમને ખ્યાલ આવી ગયો છે. (હવે મને અહીં કોઈ મેનકા ગાંધી, યોગી આદિત્યનાથ વગેરે નામો યાદ ન કરાવતા, કેમ કે ભાજપના આ નેતાઓએ તો માત્ર કથિત સેક્યુલરવાદીઓના લઘુમતી રાજકારણના જવાબમાં નિવેદનો કર્યાં છે. એ તફાવત સમજવો અને ધ્યાનમાં રાખવો જ પડશે.)
હકીકતે, ભોળા મુસ્લિમો પહેલી ચૂંટણીથી જ, અથવા કહો કે ભારતમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ ડાબેરીઓ અને કોંગ્રેસ માટે ઉપયોગ કરવાના સાધન રહ્યા છે. તેનું પરિણામ એ આવ્યું કે, હિન્દુઓ હાંસિયામાં ધકેલાતા ગયા. 1985 પછી ભાજપે http://mediaanalysis.in/minority-appeasement-politics-in-bharat/ રામ અને રાષ્ટ્રવાદને વાચા આપી ત્યારે હિન્દુઓના જીવમાં જીવ આવ્યો હતો એ ઐતિહાસિક હકીકત છે. જોકે એ પછી પણ કોંગ્રેસ અને તેનાથી અલગ થયેલા તેના કૂળના અન્ય પક્ષો – સપા, બસપા, તૃણમૂલ કોંગ્રેસ, શરદ પવારની એનસીપી, જેવા તમામ નાના-મોટા પક્ષો ભોળા મુસ્લિમોનો દૂરુપયોગ કરતા જ રહ્યા.
હવે કરીએ વાત છેલ્લા અઠવાડિયાની. આખો દેશ જાણે છે કે, ભોળા મુસ્લિમોને સીધા તેમના નામ સાથે સંબોધન કરવાની શરૂઆત બસપાનાં માયાવતીએ કરી હતી. માયાવતીના એવા હિચકારા પ્રયાસથી નારાજ થયેલા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તો માત્ર એટલું જ કહ્યું હતું કે, વિપક્ષો જો અલીની વાત કરતા હોય તો અમે અલી અને બજરંગબલી બંનેની વાત કરીએ છીએ-અમારે અલી અને બજરંગબલી બંનેની જરૂર છે. માયાવતીએ સ્પષ્ટ શબ્દોમાં મુસ્લિમોનો ઉલ્લેખ કરીને તેમને ભાજપ-કોંગ્રેસ બંનેને હરાવવા અને ગઠબંધનના ઉમેદવારને મત આપવા કહ્યું હતું. પરંતુ યોગીએ અમારે તો બંનેની જરૂર છે એમ કહ્યું હતું. તેમ છતાં યોગીની વધારે સજા થઈ, અને મૂળ અપરાધની શરૂઆત કરનાર માયાવતીને ઓછી!
ક્રિકેટની રમત દ્વારા દુનિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલો નવજોતસિંહ સિદ્ધુ તો આ બધા કરતા આગળ નીકળી ગયો. તેણે તો કટિહારની જાહેરસભામાં એટલે સુધી નિવેદન કરી દીધું કે તમે મુસ્લિમો આ મતક્ષેત્રમાં 64 ટકા છો એટલે બહુમતીમાં છો, તેથી બધા એક થઈને કોંગ્રેસને મત આપજો. ખરેખર તો આવું નિવદન ગંભીર અપરાધ કહેવાય અને એ બદલ સિદ્ધુની ધરપકડ થવી જોઇએ... પરંતુ ઈન્દિરા ગાંધીએ દેશને અંધારામાં રાખીને 1976માં બંધારણમાં ઘૂસાડી દીધેલા સેક્યુલારિઝમ શબ્દને કારણે સિદ્ધુ-માયાવતી જેવાઓને આકરી સજા થતી નથી.
મમતા બેનરજીનો હિન્દુઓ પ્રત્યેનો આક્રોશ અને ભોળા મુસ્લિમો પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. આ વખતે તો એ પ્રેમ ઊછળીને છેક બાંગ્લાદેશ સુધી પહોંચી ગયો અને મમતા બેનરજીએ પોતાના ચૂંટણી પ્રચાર માટે છેક બાંગ્લાદેશી ફિલ્મ અભિનેતા ફિરદોસ અહેમદ ખાનને બોલાવી લીધો. આ બાંગ્લાદેશી ફિરદોસ મૂળ બિઝનેસ વિઝા ઉપર ભારત આવ્યો હતો અને લાગી ગયો મમતાના ચૂંટણી પ્રચારમાં. જોકે ભારતના ગૃહ મંત્રાલયે સમયસર એ વાતની ગંભીર નોંધ લઈને તેના વિઝા રદ્દ કરી દીધા અને તેને તગેડી મૂકવાના આદેશ આપી દીધા, એટલું જ નહીં પરંતુ તેને બ્લેકલિસ્ટ પણ કરી દીધો. પરંતુ મુદ્દો મમતા બેનરજીનો છે. આ મહિલા ભોળા મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરવા કઈ હદે જઈ શકે છે એ હિન્દુઓએ વિચારવાનો અને ચિંતા કરવાનો મુદ્દો છે.

ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ હતો કે એક જમાનામાં દિલ્હીની જામા મસ્જિદના ઇમામ દ્વારા ખુલ્લેઆમ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની તરફેણમાં ફતવા જારી થતા હતા. ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ હતો કે, દેશમાં મુસ્લિમોની સ્થિતિ અંગે તપાસ કરવા સચ્ચર કમિશનની રચના થઈ હતી. ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ હતો કે, મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં ત્યાંના પીઢ કોંગ્રેસી અને હાલના મુખ્યપ્રધાન કમલનાથે બંધ બારણે મુસ્લિમો સાથે વાત કરીને કોંગ્રેસને જીતાડવા અને પછી સંઘ પરિવારને જોઈ લેવાની વાત કરી હતી. અને હા, એ જ ચૂંટણી વખતે તેલંગાણામાં કોંગ્રેસે જારી કરેલા ચૂંટણી ઢંઢેરાને દેશના નાગરિકોએ કદી ભૂલવો ન જોઇએ.
ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ છે કે, દેશમાં ગમે ત્યાં એકાદ મુસ્લિમ સાથે કશું થાય (જે ન જ થવું જોઇએ) ત્યારે તમામ કહેવાતી સેક્યુલર પ્રજાતિના તમામ લોકો એકત્રિત થઈ હો-હા કરી મૂકે છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષથી પશ્ચિમ બંગાળ અને કેરળમાં ભાજપ, સંઘના નેતાઓ-કાર્યકરો રહેંસાઈ રહ્યા છે ત્યારે બોલનાર કોઈ નથી.
ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ હતો કે, હજાર વર્ષ જૂના સબરીમાલા મંદિરની પરંપરાને તોડી પાડવા કેરળના મુસ્લિમો વકીલોના એક જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી અને કોર્ટે પણ એ પરંપરા તોડવા માગતી અપીલ મંજૂર રાખી.
ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ છે કે, રામ મંદિરનો વિવાદ આજે પણ ઉકેલવા નથી દેવાતો. ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ હતો કે 1985ના અરસામાં તે સમયની માંડ 10 ટકા મુસ્લિમ પ્રજાને ખુશ કરવા - જવાહરલાલ નહેરુના પૌત્ર અને ઈન્દિરા ગાંધીના પુત્ર અને સોનિયા ગાંધીના પતિ અને રાહુલ ગાંધીના પિતા – તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીએ શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને રગદોળી નાખ્યો હતો.
છેલ્લે 2012-13માં તો એવી સ્થિતિ આવી ગઈ હતી કે, કોંગ્રેસે ભોળા મુસ્લિમોનું સંપૂર્ણ તૃષ્ટિકરણ કરવાના ઇરાદાથી કોમી તોફાનો વિરોધી કાયદો લાવવાનો હિચકારો પ્રયાસ કર્યો હતો. હિચકારો પ્રયાસ એટલા માટે કે, એ કાયદામાં કોઇપણ પ્રકારના કોમી તોફાન અથવા કહેવાતા લઘુમતી અત્યાચારના કિસ્સામાં હિન્દુઓને સીધા જેલમાં જ પૂરી દેવાની જોગવાઈ કરવામાં આવી હતી અને તેમાં જામીન પણ ન મળે એવા સજ્જડ તૃષ્ટિકરણનો કારસો રચાઈ ગયો હતો. હિન્દુઓના સદનસીબે જોકે કોંગ્રેસ-યુપીએ એ કાયદો ત્યારે રાજ્યસભામાં પસાર ન કરાવી શકી અને 2014માં તેની સત્તા ચાલી ગઈ. હવે આ અંગે ચેતી જવાનું કોણે છે એ કહેવાની કોઈ જરૂર ખરી?
અને છેલ્લે, આઝમ ખાનના ખાખી અંડરવેર અંગેના નિવેદનના સૂચિતાર્થો ધાર્યા કરતાં ઘણા વિકરાળ અને દૂરોગામી અસર કરનારા છે. ખાખી અંડરવેર શબ્દ બોલીને આઝમ ખરેખર તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નિશાન બનાવતો હતો. એ દ્વારા તેનું નિશાન ભારતનો રાષ્ટ્રવાદ હતો, એ વાત હિન્દુઓએ સૂક્ષ્મ રીતે સમજવી પડશે... નહીં તો આપણે અફઘાનિસ્તાન પણ જોયું છે, ઇરાન પણ જોયું છે, પાકિસ્તાન પણ જોયું છે, બાંગ્લાદેશ પણ જોયું છે, જમ્મુ-કાશ્મીર, કેરળનું વાયનાડ અને પશ્ચિમ બંગાળ જોઈ રહ્યા છીએ...
તૃષ્ટિકરણની માનસિકતા ધરાવતા પક્ષોને કચડી નાખવાની દેશના નાગરિકો પાસે કદાચ આ છેલ્લી તક છે.

No comments:

Post a Comment