Sunday, April 7, 2019

ચૂંટણી ઢંઢેરા દ્વારા કોંગ્રેસે અનેકને નારાજ કર્યા





ચૂંટણી ઢંઢેરા દ્વારા કોંગ્રેસે અનેકને નારાજ કર્યા

--- તમામ રાજકીય પક્ષ માટે અતિશય મહત્ત્વની કહી શકાય એવી 2019ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને ભાજપ કરતાં એક ડગલું આગળ રહેવાનો પ્રયાસ તો કર્યો છે... પરંતુ ઢંઢેરામાં જે કંઈ જોવા મળ્યું તે અત્યંત ચિંતાજનક છે

-- અલકેશ પટેલ

ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની બાબતમાં આ વખતે પણ કોંગ્રેસે તેના મુખ્ય હરીફ પક્ષ ભાજપને પાછળ રાખી દીધો. આજે છ એપ્રિલે આ લખાય છે ત્યાં સુધીમાં ભાજપના ચૂંટણી ઢંઢેરા વિશે (જેને તે સંકલ્પ પત્ર કહે છે) તે વિશે કોઈ સ્પષ્ટતા જોવા મળી નથી. શક્ય છે કોંગ્રેસના ઢંઢેરાનો અભ્યાસ કરીને, તથા પ્રજા અને મીડિયામાં તેના પ્રત્યાઘાત જોઇને તેને આધારે ભાજપ પોતાનો ઢંઢેરો તૈયાર કરશે..! પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે થવાનું છે અને ભાજપના સંકલ્પ પત્રનું ઠેકાણું નથી.
તો બીજી તરફ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. ક્યાંક વખાણ થઈ રહ્યા છે તો ક્યાંક ટીકા થઈ રહી છે. પણ એક તટસ્થ નિરીક્ષક તરીકે મારે કહેવું જોઇએ કે કોંગ્રેસનો 2019ની લોકસભા ચૂંટણીનો ઢંઢેરો અતિશય નિરાશાજનક, ચિંતાજનક અને દેશના ભવિષ્ય માટે જોખમી છે.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જે ચિંતાજનક અને જોખમી બાબતો છે એ છે – આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટની સમીક્ષાનું વચન, દેશદ્રોહ વિરોધી કાયદો રદ્દ કરી દેવાનું વચન, કાશ્મીરી ત્રાસવાદીઓ સાથે કોઇપણ જાતની પૂર્વ શરત વિના વાતચીત કરવાનું વચન, મીડિયા ઉપર નિયંત્રણ લાદવાની જોગવાઈ. આ ઉપરાંત બીજી પણ કેટલીક જોખમી બાબતો છે, પરંતુ હાલ આ મુખ્ય મુદ્દાઓની  વિગતે વાત કરીએઃ
કોંગ્રેસ કહે છે કે, જો તે સત્તા ઉપર આવશે તો... આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટની સમીક્ષા કરવામાં આવશે. કોંગ્રેસે સમીક્ષા શબ્દ વાપર્યો છે, પરંતુ આ પક્ષના અત્યાર સુધીના ટ્રેક રેકોર્ડને જોતાં એવી આશંકા જરૂર થાય કે જેહાદી ત્રાસવાદીઓને ખુશ કરવા કોંગ્રેસ આ કાયદો રદ્દ પણ કરી દે. અહીં દેશના નાગરિકોએ અગાઉ કોંગ્રેસ દ્વારા આતંકવાદ વિરોધી બે કાયદા – પોટા અને ટાડા રદ્દ કરી દીધા હતા. કોંગ્રેસે દેખીતી રીતે જેહાદીઓને ખુશ કરવા જ તેમના ઉપર આ મહેરબાની કરી હતી. અને હવે એ જ પક્ષ આફસ્પા અર્થાત સલામતી દળોને ત્રાસવાદ સામે લડવા માટેના વિશેષ કાયદાને પણ રદ્દ કરી દેવા માગે છે.
કોંગ્રેસનો આ ઇરાદો અતિશય જોખમી છે. આમ તો એ પક્ષની કે તેના સાથી પક્ષોની હાલ સત્તામાં આવવાની કોઈ શક્યતા નથી, તેથી હાલ ચિંતાનું કોઈ કારણ નથી. પરંતુ કોંગ્રેસની આવી જોગવાઈનો અર્થ એ થાય કે, જમ્મુ-કાશ્મીરમાં સલામતી દળો તેમની મેળે આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ આકરા પગલાં લઈ શકે નહીં. કોંગ્રેસની જોગવાઈનો અર્થ એ થાય કે જો કોઈ ત્રાસવાદી હુમલો થાય તો લશ્કરી દળો તેમજ અન્ય સલામતી દળોએ એ ત્રાસવાદીઓ સામે પગલાં લેવા માટે સ્થાનિક વહીવટીતંત્રની પરવાનગી લેવી પડે..! હવે આ સંજોગોમાં સલામતી દળો પરવાનગી લેવા જશે ત્યાં સુધી શું ત્રાસવાદીઓ હુમલાની રાહ જોવાના છે? એ તો હુમલો કરીને સેંકડો નાગરિકો તેમજ સલામતી દળોને મારીને ચાલ્યા જશે. કોઇપણ સામાન્ય નાગરિક એટલું તો વિચારી શકે કે, સલામતી દળો પાસેથી આ રીતે પગલાં લેવાની સત્તા આંચકી લઈને કોંગ્રેસ જેહાદીઓ સામે સલામતી દળોને નબળા પાડવા માગે છે. આવા સંજોગોમાં સલામતી દળોને પણ જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવવામાં રસ ન રહે. અને જો એવું થાય તો જેહાદીઓને તો મોકળું મેદાન મળી જાય.
કોંગ્રેસનો બીજો મુદ્દો દેશદ્રોહ વિરોધી કાયદો રદ્દ કરી દેવાનો છે. ભારતીય ફોજદારી ધારાની કલમ 124-એ હેઠળ હાલ દેશદ્રોહ વિરોધીઓ સામે કેસ થાય છે. એ વાત સાચી કે આ કાયદો અંગ્રેજો લાવ્યા હતા અને તે સમયે અંગ્રેજોનો વિરોધ કરવો તેને દેશદ્રોહ ગણાતો હતો. પરંતુ હજુ આજની તારીખે પણ દેશમાં એવા અનેક તત્વો છે જે ઉઘાડે છોગ દેશવિરોધી પ્રવૃત્તિ કરે છે. ભારતના ટુકડા કરવાના સૂત્રોચ્ચાર કરવા કે પછી ભારતીય ધ્વજનું અપમાન કરવું કે પછી નક્સલવાદી હિંસાને સમર્થન આપવા માટે ભાષણો કરવા એ દેખીતી રીતે દેશવિરોધી પ્રવૃત્તિ છે અને તેના ઉપર હાલ 124-એ હેઠળ કેસ થાય છે. પણ હવે કોંગ્રેસ તેને રદ્દ કરી દેવા માગે છે. શા માટે..? કેમ કે કોંગ્રેસને હવે નક્સલવાદીઓના અને તેમને સમર્થન કરતા અર્બન નક્સલીઓના તેમજ જેહાદીઓના મત જોઈએ છે..!
આ ઉપરાંત કોંગ્રેસે આ વખતે તેના ચૂંટણી ઢંઢેરામાં એક એવું પણ વચન આપ્યું છે કે, કોમી તોફાનો કે અન્ય હિંસક ઘટનાઓ દરમિયાન તેના મીડિયા રિપોર્ટિંગ ઉપર નિયંત્રણો મૂકવામાં આવશે. દેખીતી રીતે આ પણ જેહાદીઓને ખુશ કરનારી બાબત છે. કોમી તોફાનોમાં આમ તો લગભગ મોટાભાગના મીડિયા કોઈ જ્ઞાતિ-જાતિ કે ધર્મને ખુલ્લો નથી જ પાડતા, તેમ છતાં જો કોઈ મીડિયા આવો કોઈ પ્રયાસ કરે તો તેના ઉપર નિયંત્રણ માટે પ્રેસ કાઉન્સિલ અને એડિટર્સ ગિલ્ડ છે જ. તેમ છતાં કોંગ્રેસ એ બધાની ઉપરવટ જઈને પોતે જ મીડિયાને નિયંત્રિત કરી દેવા માગે છે. કોંગ્રેસના આ વચનનો સીધો અર્થ એ થાય કે જે રીતે 1975ની કટોકટી દરમિયાન તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ અખબાર-સામયિકોનું ગળું ઘોંટી નાખ્યું હતું એ જ રીતે હવે જો કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો કોમી તોફાનોના રિપોર્ટિંગના નામે અખબારો, ટીવી વગેરે મીડિયાનું ગળું ઘોંટી નાખશે.
માત્ર એક ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ દ્વારા તેના ચૂંટણી ઢંઢેરામાં જે વચનો આપવામાં આવ્યાં છે તે ચિંતાજનક અને જોખમી છે એવું હવે આ વાંચ્યા પછી તમે વાચકો પણ સમજી ગયા હશો. વધારે ઘાતક બાબત એ પણ છે કે આફસ્પાની સમીક્ષા કરવાની વાત કરતી વખતે કોંગ્રેસે તેના ઢંઢેરામાં જેહાદી આતંકીઓ દ્વારા જે દલીલ કરવામાં આવે છે તેને સ્થાન આપ્યું છે. કોંગ્રેસે એવી દલીલ કરી છે કે આફસ્પાને કારણે જમ્મુ-કાશ્મીરમાં એવી લાગણી છે કે, ભારતીય લશ્કરી દળો ત્યાંની મહિલાઓ ઉપર બળાત્કાર કરે છે અને ત્યાંના નાગરિકો ઉપર અમાનુષી અત્યાચાર કરે છે. તેથી કાશ્મીરીઓની એવી લાગણી દૂર કરવા માટે આફસ્પાની સમીક્ષા કરવામાં આવશે. તદ્દન સ્પષ્ટ છે કે કોંગ્રેસ આ રીતે દેશનાં સલામતી દળો ઉપર શંકા વ્યક્ત કરે છે.
કોંગ્રેસે પાંચ દાયકા કરતા વધુ સમય શાસન કર્યું છે. શું તેને ખબર નથી કે ભારતીય લશ્કરી કે અન્ય સલામતી દળો અત્યાચારી, અમાનુષી તેમજ બળાત્કારી નથી..? કોઈ એવી દલીલ કરતા હોય તો પણ એક રાષ્ટ્રીય પક્ષ તરીકે કોંગ્રેસની ફરજ એવા લોકોને જડબાતોડ જવાબ આપવાની હતી, તેના બદલે આ પક્ષ તેના ચૂંટણી ઢંઢેરામાં જેહાદીઓના શબ્દો મૂકીને આડકતરી રીતે ભારતીય લશ્કર તેમજ અન્ય સલામતી દળોને જ અપમાનિત કરે છે.
મને લાગે છે કે કોંગ્રેસના આવા પ્રયાસો તેના પોતાના માટે તો જોખમી સાબિત થશે જ, પરંતુ સાથે દેશ માટે પણ જોખમી સાબિત થશે. કોંગ્રેસના આવા પ્રયાસોથી આપણા સલામતી દળોનું મોરલ તૂટશે અને પરિણામે લોકશાહી નબળી પડશે. આજે ચારે તરફ જ્યારે રાષ્ટ્રવાદી લાગણી ચરમસીમાએ છે ત્યારે કોંગ્રેસના આવા પ્રયાસોથી તેને ચૂંટણીમાં ભારે ફટકો પડશે અને તેને કારણે પણ બહુપક્ષીય સંસદીય લોકશાહીને નુકસાન થશે.

No comments:

Post a Comment