Saturday, April 20, 2019

તમારો “મત” તમારી આગામી પેઢીનું ભાવિ નક્કી કરશે



તમારો મત તમારી આગામી પેઢીનું ભાવિ નક્કી કરશે

--- ગુજરાતમાં મતદાન આડે માત્ર ત્રણ દિવસ બાકી છે. મંગળવારે તમારે માત્ર આગામી લોકસભા માટે નહીં, પરંતુ તમારી ભાવિ પેઢીઓના ભવિષ્ય માટે મત આપવાનો છે એમ માનીને મત આપજો અને બીજાને પણ આગ્રહ કરજો. યાદ રાખજો- ફરિયાદ એ જ કરી શકે...જે મત આપશે
-- અલકેશ પટેલ
લગભગ બે વર્ષ પછી ફરી ગુજરાતમાં મહા-મતદાનનો દિવસ આવી પહોંચ્યો છે. 2017માં આપણે વિધાનસભા માટે મતદાન કર્યું હતું, અને હવે 23 એપ્રિલને મંગળવારે લોકસભા માટે મતદાન કરીશું.
આજે બે વિશેષ કારણ સાથે અપીલ કરવી છે. એક તો, નોટા – ના રવાડે મહેરબાની કરીને ન ચડશો અને બીજું, એવા પક્ષ – એવા ઉમેદવારને મત આપજો જે દેશના સન્માનની વાત કરે, જે ધર્મ અને વિજ્ઞાન બંનેના સન્માનની વાત કરે.
સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આપણે સરકાર કેવી પસંદ કરીશું? દેશની ચૂંટણી લક્ષી રાજકીય સમીક્ષા એવું કહે છે કે, મોટાભાગના અર્થાત 70 ટકા મતદારો તો જે દિવસે ચૂંટણી થાય એ દિવસે જ પોતે કોને મત આપશે તેનો નિર્ણય લઈ લેતા હોય છે. 15 ટકા મતદારો ચૂંટણીના મુદ્દા, ઉમેદવારો તેમજ ચૂંટણી ઢંઢેરા જેવી બાબતો જોઇને પછી કોને મત આપવો તેનો નિર્ણય કરતા હોય છે. 10 ટકા મતદારો કયા પક્ષ અને કયા ઉમેદવારની તરફેણમાં ઝોક છે તે સમજીને પછી મતદાનો નિર્ણય લેતા હોય છે. અને માત્ર પાંચ ટકા એવા મતદારો હોય છે જે જાતિવાદ, લાલચ, ધર્મ વગેરે જોઇને મતદાન કરતા હોય છે.
જો આ સમીક્ષા અનુસાર મોટાભાગના મતદારોએ દેશહિતને ધ્યાનમાં લઈને, દેશની સલામતીને ધ્યાનમાં લઈને, વિવિધ સરકારો તેમજ વિવિધ પક્ષોની કામગીરીને ધ્યાનમાં લઈને મતદાન કરવાનો નિર્ણય લઈ લીધો હોય તો કશો વાંધો જ નથી, કેમ કે મને ખાતરી છે કે આ સંજોગોમાં તમે કોઈ એક પક્ષની મજબૂત સરકાર માટે મતદાન કરશો. તેમ છતાં આ લોકશાહી દેશ છે. અનેક પક્ષો અને અનેક પ્રકારના લોકો ચૂંટણીમાં ઉમેદવારી કરતા હોય છે. ચૂંટણી જીતીને સત્તા મેળવવી એ તમામનું લક્ષ્યાંક હોય છે, અને તેમાં કશું ખોટું નથી.
પરંતુ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે પોતે સત્તા મેળવી શકે તેમ તેમ નથી એવું લાગે ત્યારે વિવિધ પક્ષો અને નેતાઓ મતદારોને ગેરમાર્ગે દોરવાના અને હતાશ કરવાના અખાડા કરે છે અને પછી નોટા નું બટન દબાવવા મતદારોને ઉશ્કેરે છે. બધા મતદારો આવી ચાલમાં ફસાતા નથી, પરંતુ ઘણા ફસાઈ જાય છે અને નોટા દબાવી આવે છે. આ સ્થિતિ આગળ જતા એટલા માટે જોખમી છે કે જો નોટાનું ચલણ વધતું જશે તો એક દિવસ એવો આવશે કે રાજ્યોમાં તેમજ કેન્દ્રમાં કોઈ રાજકીય પક્ષ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી નહીં શકે. એ સંજોગોમાં વિવિધ પક્ષોના શંભુમેળાની સરકાર બનશે. જાતજાતની વિચારસરણી વાળા પક્ષ ભેગા થવાથી તેઓ તેમના સ્વાર્થ સાધવા મુખ્યપ્રધાન અથવા વડાપ્રધાન ઉપર દબાણ લાવ્યા કરશે. સરકાર દેશહિતમાં કામ જ નહીં કરી શકે અને ગમેત્યારે સરકાર પડી ભાંગશે. થોડા મહિના કે થોડાં વર્ષમાં તરત ચૂંટણી આવશે. આ બધો ખર્ચ પાછો આપણા માથે જ આવશે. જે તે સરકાર મોંઘવારી વધારીને એ ખર્ચ આપણી પાસેથી વસૂલ કરશે.
શું આવી બધી સ્થિતિ તમને મંજૂર છે?
મને વિશ્વાસ છે કે, અહીં ઉપર કરી એવી સ્થિતિ રાષ્ટ્રહિતમાં વિચારતા કોઈ નાગરિકને મંજૂર ન જ હોય. તો પછી આપણે શું કરવાનું? જવાબ અને ઉપાય સ્પષ્ટ છે. મતદાન અચૂક કરવાનું. ખૂબ મોટાપાયે મતદાન કરવાનું. અને મત આપતી વખતે આપણી વર્તમાન સુખ-સુવિધાઓ અથવા વર્તમાન મુશ્કેલીઓને જ માત્ર ધ્યાનમાં નહીં રાખવાની પણ આપણી ભાવિ પેઢીનો વિચાર કરીને મત આપવાનો. તમારે એ વિચારવાનું કે કયા પક્ષની સરકાર હોય ત્યારે એકંદર શાંતિનું વાતાવરણ હોય છે? તમારે એ વિચારવાનું કે કયા પક્ષની સરકાર હોય ત્યારે કોમી તોફાનો સામે તમને સલામતી મળે છે? તમારે એ વિચારવાનું કે કયા પક્ષની સરકારમાં તમે તમારા ધાર્મિક અધિકારોનું કોઈ ભય વિના પાલન કરી શકો છો અને ધાર્મિક અધિકારો માટે બોલી શકો છો? તમારે એ વિચારવાનું કે કઈ સરકારના સમયમાં તમારા અંગત જીવનમાં, તમારા સમુદાયમાં, તમારી આસપાસ કઈ બાબતે- કેવું વાતાવરણ રચાયું?
આ અને આવા બીજા અનેક મુદ્દા હોય છે જે અંગે માત્ર સ્વાર્થ, સમુદાય, સોસાયટી, જાતિ, જ્ઞાતિ કે ધર્મના વાડામાં બંધાઈને વિચારવાને બદલે અથવા કોઈના એવા પ્રચારની અસરમાં આવી જવાને બદલે વ્યાપક સંદર્ભમાં વિચારીએ તો દેશનું ભવિષ્ય અને એ દ્વારા આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકીશું. તો...ચાલો મતદાન કરવા – અને હા, નોટા નહીં પણ નેતાને મત.



No comments:

Post a Comment