Tuesday, April 16, 2019

રાહુલ ગાંધી વિરુદ્ધ કેટલા કોર્ટ કેસ ચાલે છે?


રાહુલ ગાંધી વિરુદ્ધ કેટલા કોર્ટ કેસ ચાલે છે?

--- રાજકારણમાં માત્ર રાજકીય કિન્નાખોરી પ્રેરિત કેસ ચાલતા હોય એ સ્વાભાવિક છે... પરંતુ કોંગ્રેસના અધ્યક્ષ વિરુદ્ધ તો ભ્રષ્ટાચારથી શરૂ કરીને દેશના અપમાન, સંઘના અપમાન તથા છેલ્લે સુપ્રીમ કોર્ટના અપમાન સહિત ઓછામાં ઓછા 5-7 કેસ ચાલુ છે..!

-- અલકેશ પટેલ
ભારત જેવા દેશમાં કોઈ વ્યક્તિ રાજકારણમાં આવવા માગે અને એ જો ભવિષ્યમાં મુખ્ય હરીફ અથવા પ્રબળ હરીફ થઈ શકે તેમ હોય તો રાજકીય કારણસર તેમની વિરુદ્ધ જાત-જાતના કેસ લાગી શકે છે. પરંતુ આજે અહીં આપણે રાહુલ ગાંધી વિરુદ્ધના કેસોની વાત કરવી છે. પરિવારવાદને કારણે અથવા કોંગ્રેસ પક્ષની પરંપરાને કારણે રાહુલ ગાંધી આજે એક રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષનું પદ ધરાવે છે. પરંતુ સાથે એ પણ એટલી જ કમનસીબ હકીકત છે કે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર, દેશના અપમાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અપમાન તેમજ સુપ્રીમ કોર્ટના અપમાન સહિત ઓછામાં ઓછા પાંચથી સાત કોર્ટ કેસ ચાલી રહ્યા છે.

(1) આરએસએસ દ્વારા દાખલ કરવામાં આવેલો માનહાનીનો કેસ, (2) આસામમાં મંદિર પ્રવેશ અંગે ખોટા નિવેદનનો કેસ, (3) 2017માં ઉત્તરાખંડમાં આચારસંહિતા ભંગનો કેસ, (4) દેશના અપમાન તથા ત્રાસવાદીઓના બચાવ વિરુદ્ધ મુઝફ્ફરપુર કોર્ટમાં ઑગસ્ટ 2018માં દાખલ કરવામાં આવેલો કેસ, (5) રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટની અવમાનનાનો કેસ. (6) આ સિવાય રાહુલ ગાંધી વિરુદ્ધ બળાત્કારનો કેસ પણ દાખલ થયો હતો, પરંતુ કોર્ટે તેને રાજકીય કિન્નાખોરી પ્રેરિત ગણાવીને કેસ ફગાવી દીધો હતો. (7) ભાજપે અદાલત ઉપરાંત ચૂંટણી પંચમાં પણ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે.

સૌથી પહેલાં વાત કરીએ સૌથી તાજા કેસની. સુપ્રીમ કોર્ટે ગઈકાલે જ, અર્થાત 15 એપ્રિલ, 2019ને સોમવારે રાહુલ ગાંધીને એક નોટિસ ફટકારીને આગામી 22 એપ્રિલે ખુલાસો કરવા આદેશ આપ્યો છે. આ કેસ ખુદ સુપ્રીમ કોર્ટની અવમાનનાનો છે. રાફેલ સોદાના કેસમાં સુપ્રીમ કોર્ટે ગત 14 ડિસેમ્બરે એક ચુકાદો આપીને નરેન્દ્ર મોદી સરકારને ક્લીન ચિટ આપી હતી, પરંતુ કોંગ્રેસના ઇશારે અને કોંગ્રેસ માટે કામ કરતા ભાજપના બે અસંતુષ્ટ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો અરુણ શૌરી તથા યશવંત સિંહા ઉપરાંત હંમેશાં કાશ્મીરી ત્રાસવાદીઓ અને દેશના અર્બન નક્સલવાદીઓના કેસ લડવા માટે જાણીતા પ્રશાંત ભૂષણે એક અખબારી અહેવાલના આધારે સુપ્રીમ કોર્ટના ડિસેમ્બરના ચુકાદા સામે રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી.

આ પિટિશન સામે સરકારના વિરોધ છતાં સુપ્રીમ કોર્ટે છ દિવસ પહેલાં એટલે કે 10 એપ્રિલે અપીલ દાખલ કરવાનો નિર્ણય લીધો. રિવ્યૂ પિટિશન દાખલ કરતી વખતે કોર્ટે તો માત્ર એટલું જ કહ્યું હતું કે, રાફેલ કેસમાં નવા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હોવાથી સુનાવણી કરવામાં આવશે. પરંતુ રાહુલ ગાંધીએ તેમની આદત મુજબ એ નિર્ણયને તોડી-મરોડીને મીડિયામાં અને ત્યારબાદ જાહેરસભાઓમાં એવાં નિવેદનો કર્યાં કે, સુપ્રીમ કોર્ટે માની લીધું કે રાફેલ કેસમાં ભ્રષ્ટાચાર થયો છે અને સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે ચોકીદાર ચોર છે.

રાહુલ ગાંધીને પોતાની રીતે 10 એપ્રિલના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું અર્થઘટન કરવાની છૂટ હતી, પરંતુ તેમણે પોતાની માન્યતાને સુપ્રીમ કોર્ટના નામે ચઢાવી દીધી. ભાજપ તેની સામે ગંભીર વાંધો લે એ યોગ્ય જ છે, કેમ કે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટના નામે નિવેદનો કરે તેનાથી સામાન્ય સ્તરના પ્રજામાનસમાં એવી છાપ બેસી જાય કે અદાલતે જ મોદી સરકારને અપરાધી માની લીધી છે. પરંતુ હકીકત તો એ છે કે કોર્ટે માત્ર કેસની સુનાવણી કરવાની તૈયાર દર્શાવી છે. ચુકાદો તો ક્યારે આવશે અને શું આવશે એ હાલ કોઈ જાણતું નથી.

રાહુલ ગાંધીની હિન્દુઓ પ્રત્યેની નારાજગી જગજાહેર છે. તેમનું એ નિવેદન દેશના નાગરિકો આજે પણ ભૂલ્યા નથી કે, મંદિરમાં દર્શન માટે જનારા લોકો જ મહિલાઓની છેડતી કરે છે. હિન્દુઓ પ્રત્યેની નારાજગી વધારે તીવ્ર બને અને પોતે સેક્યુલર છે એવું લાગે એ માટે જ રાહુલ ગાંધી વારંવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને અપમાનિત કરતા રહે છે. અને એ પ્રયાસમાં તેઓ અગાઉ જાહેરમાં તેમજ મીડિયા સમક્ષ એવું વારંવાર બોલી ચૂક્યા છે કે, મહાત્મા ગાંધીની હત્યા માટે સંઘ જવાબદાર છે. મુસ્લિમોની વચ્ચે પોતાની સેક્યુલર છબી જાળવી રાખવા માટે એક રાજકારણી તરીકે રાહુલ ગાંધી સંઘની ટીકા કરે એમાં કશું ખોટું નથી, પરંતુ એવી ટીકા પાછળ તેમનો સ્પષ્ટ (બદ)ઈરાદો સમગ્ર હિન્દુ સમાજને અપમાનિત કરવાનો છે. સંઘ હિન્દુત્વનું સાંસ્કૃતિક સંગઠન છે એ વાત આખી દુનિયા જાણે છે. અને તેથી જો સીધો સંઘ ઉપર પ્રહાર કરવામાં આવે તો પોતે હિન્દુ સમાજ ઉપર પ્રહાર કરી રહ્યા છે એવું દેશની લઘુમતીઓને તેમજ લઘુમતી-પ્રેમી મીડિયાને બતાવી શકાય એ તેમનો સ્પષ્ટ ઈરાદો રહ્યો છે. અને તેથી જ સંઘે પણ રાહુલ વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કરેલો છે.

આસામમાં તેમના વિરુદ્ધ અપમાનનો કેસ એટલા માટે દાખલ થયો છે કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી ત્યાંના એક પ્રાચીન મંદિરમાં જવા માગતા હતા. પરંતુ કેટલીક સ્થાનિક મહિલાઓએ તેમને મંદિરમાં પ્રવેશવા ન દીધા. ત્યારબાદ આસામથી પરત આવીને રાહુલ ગાંધીએ લોકસભાની અંદર એવું નિવેદન કર્યું હતું કે, આરએસએસના લોકોએ તેમને આસામમાં મંદિરની મુલાકાત લેતા અટકાવ્યા હતા. લોકસભાની અંદર તેમનું આ નિવેદન સદંતર ગેરમાર્ગે દોરનારું હતું, તેથી આસામમાં સંઘના પદાધિકારીઓએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કરેલો છે.

આ ઉપરાંત મુઝફ્ફરપુરની અદાલતમાં રાહુલ વિરુદ્ધ એક કેસ દાખલ થયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીએ વિદેશની ધરતી ઉપર જઈને ભારતની બદનામી કરી છે એટલું જ નહીં પરંતુ ત્રાસવાદને સમર્થન આપ્યું છે. વાત એમ છે કે, ગયા વર્ષે જર્મની તથા બ્રિટનની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ એવું નિવેદન કર્યું હતું કે, ભારતમાં બેરોજગારી વધી ગઈ હોવાને કારણે યુવાનો ત્રાસવાદ તરફ વળી રહ્યા છે.

સર્વગ્રાહી રીતે મુદ્દો એ છે કે, રાહુલ ગાંધી એક સમયના શાસક પક્ષના હાલના અધ્યક્ષ છે. લોકશાહીના હિતમાં તેમના ઉપર એ પક્ષને ફરી બેઠો કરવાની જવાબદારી છે. પરંતુ કમનસીબે તેમનાં નિવેદનો એક સ્તરથી ઉપર જતા નથી, અને પરિણામે દેશના યુવાનો, દેશના ઉદ્યોગક્ષેત્ર, દેશના નોકરિયાત વર્ગ, દેશના કળા ક્ષેત્ર – કોઈને પણ રાહુલ ગાંધીના વૈકલ્પિક નેતૃત્વ ઉપર વિશ્વાસ બેસતો નથી. લોકશાહી માટે આ સારું લક્ષણ નથી. 

No comments:

Post a Comment